15 May, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સમાજના ઉદ્ધારમાં શિક્ષણનો બહુ જ મોટો રોલ છે. સમાજ સંપન્ન બનાવવો હશે અને સમાજના દરેક સ્તર પર વિકાસ જોઈતો હશે તો શિક્ષણની દિશામાં કામ કરવું પડશે. અત્યારે અમે વસ્તીવધારો અને સર્વ માટે શિક્ષણ આ બે ધ્યેય પર અડીખમ થઈને કામ કરી રહ્યા છીએ. સમાજનો સધ્ધર વર્ગ સમાજનાં જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણમાં દિશા દેખાડવાથી લઈને તેમની ક્ષમતા મુજબ આર્થિક રીતે તેમનું પીઠબળ બનીને કામ કરી રહ્યો છે. અમારા સમાજના ફાઉન્ડેશન અંતર્ગત વર્ષે બે વાર એજ્યુકેશનના લગતા કાઉન્સેલિંગ સેમિનાર્સ યોજાય છે જેમાં વિદ્યાર્થીઓને વન-ટુ-વન માર્ગદર્શન આપવામાં આવે છે. બીજી બાજુ જે બાળકો ફૉરેન સ્ટડીઝ કરવા માટે પોતાના ધ્યેયને લઈને સ્પષ્ટ છે તેમને અમારા જ સમાજમાં વર્ષો સુધી વિદેશમાં રહીને કામ કરનારા અને હવે ફરી વતન પાછા ફરેલા લોકોની ટીમ દ્વારા અલાયદું માર્ગદર્શન આપવામાં આવે છે.
ચર્ચગેટથી વિરાર, કલ્યાણ, નવી મુંબઈ જેવા તમામ વિસ્તારો મળીને અમારા ઝાલાવાડ સમાજના લગભગ સાડાચાર હજાર પરિવારો છે. આ પરિવારોમાં આર્થિક રીતે નબળાં ઘરોમાં અનાજનો પુરવઠો પણ પૂરો પાડીએ જ છીએ પરંતુ શિક્ષણમાં વિદેશમાં ભણવા જવા માગતા બાળકોને એજ્યુકેશન લોનથી લઈને અન્ય તમામ પ્રકારની સહાય કરીએ છીએ. વિદેશ માટેની આ વ્યવસ્થા અમે પાંચ વર્ષ પહેલાં શરૂ કરી હતી જેનો અત્યાર સુધી લગભગ ૧૨૫ વિદ્યાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. સૌથી પહેલા બાળકનું કોઈ વિદેશી યુનિવર્સિટીમાં ઍડ્મિશન થઈ ગયું હોય એ પછી તેને મળીએ. તેનો ઇન્ટરવ્યુ લઈએ. શરૂઆતમાં બેત્રણ લાખ સંસ્થા વતી અને અન્ય સામાજિક સંસ્થાઓની સહાયથી લગભગ વીસેક લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય ભણવા માટે કરીએ. તમે માનશો નહીં, પણ શરૂઆતમાં પહેલા જ વર્ષે લગભગ ૪૫ વિદ્યાર્થીઓએ ફૉરેન એજ્યુકેશન માટે લોન લીધી હતી જે બે જ વર્ષમાં ચૂકવી પણ દીધી. ઉપરથી તેમણે બેત્રણ લાખ રૂપિયા સંસ્થાને ડોનેટ કર્યા જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ સહાય મળે. બહુ જ સારા પૅકેજ સાથે આજે આવા કેટલાક સમાજના તારલાઓ પોતાની કરીઅરમાં આગળ વધી ગયા છે. હું આ માધ્યમે અપીલ કરું છું કે સમાજના કોઈ પણ બાળક કે તેના પરિવારે શિક્ષણમાં ક્યારેય પાછા પડવાની જરૂર નથી. સમાજની સંસ્થાઓ એ દિશામાં તેમની સહાય કરવા માટે તત્પર છે. શરૂઆતી માર્ગદર્શનથી લઈને આર્થિક રીતે ભણતર માટે ભારતમાં કે ભારતની બહાર જે પણ સહાય જોઈતી હશે એ અમે કરીશું.
- દિલીપ શાહ