મુંબઈની નવરાત્રિની વાત કરવી હોય તો... વો ભી એક દૌર થા, યે ભી એક દૌર હૈ

27 September, 2025 03:48 PM IST  |  Mumbai | Ruchita Shah

પચરંગી આપણા શહેરમાં નવરાત્રિની ઉજવણીમાં પણ વિવિધરંગી ફ્લેવર અકબંધ છે. ક્યાંક દાયકાઓનો નવરાત્રિનો દબદબો એ જ ઓરિજિનાલિટી સાથે કાયમ રહ્યો છે તો ક્યાંક અઢળક નવીનતાઓ સાથે વધુ રંગીન બન્યો છે. આજે વાત કરીએ મુંબઈમાં ઠેર-ઠેર ઊજવાતી કેટલીક યુનિક નવરાત્રિઓની

મુંબઈમાં ઠેર-ઠેર ઊજવાતી કેટલીક યુનિક નવરાત્રિઓની ઝલક

તહેવારો જીવનને વધુ રંગીન બનાવવાનું, ઉજવણી દ્વારા જીવનને વધુ હકારાત્મક અને ઉત્સાહથી સભર કરવાનું કામ કરે છે. એમાં પણ વાત જ્યારે નવરાત્રિની હોય ત્યારે તહેવારોના તમામ ગુણધર્મોનો નવ ગણો ગુણાકાર થઈ જાય. નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને માતાજીની આરાધના સાથે ગરબાના તાલે થિરકાટ મારતા મુંબઈના ગુજરાતીઓનો ઉત્સાહ અત્યારે ફોર્થ ગિઅરમાં છે ત્યારે મુંબઈમાં આજે પણ દાયકાઓથી ઉજવાતી યુનિક નવરાત્રિઓ અને નવરાત્રિમાં થતાં યુનિક આયોજનોની દુનિયામાં રોમાંચક દુનિયામાં આજે લટાર મારીએ.

મલાડના કાઠિયાવાડી ચોકની આ નવરાત્રિ ના બદલી હૈ ના બદલેગી

નવરાત્રિમાં માતાજીની આરાધના ઓછી અને લાઉડ મ્યુઝિક સાથેની ડાન્સ-ફૉર્મની ઊછળકૂદ વધારે મહત્ત્વની બનતી જાય છે. આ શોરબકોરમાં ઓરિજિનલ ગરબાનો ચાર્મ જ્યારે લગભગ બધી જ જગ્યાએથી લુપ્ત થઈ રહ્યો છે ત્યારે મલા-ઈસ્ટમાં એક ઠેકાણે એ પ્રાચીન ગરબાનો દબદબો અકબંધ દેખાશે. મલાડ-ઈસ્ટમાં રાણી સતી માર્ગ પર પાસપોર્ટ ઑફિસ તરફ જાઓ એટલે ચાર રસ્તા આવે. અહીં જ આવેલો છે કાઠિયાવાડી ચોક જ્યાં છેલ્લાં ૬૫ વર્ષથી યુનિક રીતે નવરાત્રિનું સેલિબ્રેશન થાય છે. ૧૯૬૨માં માતાજીના પરમ ભક્તો દ્વારા શ્રી કાઠિયાવાડી નવદુર્ગા રાસ મંડળની સ્થાપના થઈ ત્યારથી જે સ્ટાઇલમાં ગરબા રમાતા હતા આજે પણ એ જ સ્ટાઇલ ફૉલો થાય છે. ભક્તો જ સિંગર અને ભક્તો જ મ્યુઝિશ્યન. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર ભાર્ગવ વાઘેલાએ આજે પણ ઓરિજિનાલિટીને જાળવી શકેલા દેશી વાઇબ્સના આ ગરબાની ઝલકને સોશ્યલ મીડિયા પર શૅર કરી અને લોકોએ એને ચાર હાથે વધાવી લીધી. એક જ રીલને બે લાખથી વધુ વ્યુઝ મળ્યા અને હજારો લોકોએ કમેન્ટ દ્વારા પરંપરાગત ગ્રેસ પર ઓવારી ગયાનું સ્વીકાર્યું. મુંબઈમાં આજે પણ આવા ગરબા થાય છે એ પોતાનામાં અચંબિત કરનારી બાબત છે.

અત્યારે આ ગરબાનું મુખ્ય સંચાલન અરજન પટેલ નામના માતાજીના ભક્ત દ્વારા થાય છે. નાનકડા ચોકમાં લગભગ વીસથી પચીસ ખેલૈયાઓ ટિપિકલ કાઠિયાવાડી ગેટઅપમાં કાઠિયાવાડનાં ઓરિજિનલ સ્ટેપ્સને અનુસરતા હોય છે. આ ગ્રુપનો હિસ્સો એવા વિપુલ કારેલિયા કહે છે, ‘તમે મોટામાં મોટી અને મોંઘામાં મોંઘી નવરાત્રિમાં રમી આવો પરંતુ ઓરિજિનલમાં જેટલી મજા છે એટલી બીજી એકેયમાં નથી. આ સ્ટેપ્સ કોઈ શીખવા માગતું હોય તો અમે તેમને ટ્રેઇન પણ કરીએ છીએ. અમારા ડ્રેસિંગ અને ગરબાનાં સ્ટેપ્સ ઉપરાંત અહીંની બીજી ખાસિયત એટલે વર્ષોથી એક ઇલેક્ટ્રિક મોટરની સહાયથી ગરબી સતત ફરતી રહે છે જેના પર બલ્બ અને સરસમજાની માતાજીની તસવીરો પણ છે. ચારેય દિશામાં રહેલા લોકો આસાનીથી ગરબાનાં દર્શન કરી શકે.’

અહીં પહેલાં મહિલાઓ માટે ગરબાની વ્યવસ્થા નહોતી પરંતુ હવે બદલાતા સમય સાથે કેટલીક વડીલ મહિલાઓનો એક અલગથી ગરબાનો રાઉન્ડ યોજાય છે. જોકે સ્ત્રી અને પુરુષ સાથે ગરબા નથી રમતાં. અહીંના ગાયક જયરામ પટેલ ગીતો ગાવાની સાથે તબલાં પણ વગાડે છે. તેમના તાલ પ્રમાણે ખેલૈયાઓ પોતાનાં સ્ટેપ્સ બદલતા હોય છે.

૧૧૩ વર્ષ જૂના કલ્યાણના આ નવરાત્રિ મંડળે પોતાના વડવાઓની પરંપરાને અદ્ભુત રીતે જીવંત રાખી છે

તસવીર : વિરેન છાયા

એવી નવરાત્રિ જ્યાં આજે પણ શેરીગરબા જ થાય અને ટ્રેડિશનલ ગરબાને જ પ્રાધાન્ય અપાય છે. એક એવી નવરાત્રિ જ્યાં લોકમાન્ય ટિળક અને વીર સાવરકર હાજરી આપી ચૂક્યા છે. એક એવી નવરાત્રિ જ્યાં છેલ્લાં ૧૦૦ કરતાં વધુ વર્ષોથી પ્રસાદમાં કેસરિયા દૂધ આપવામાં આવે છે. એક એવી નવરાત્રિ જ્યાં જ્ઞાતિ-જાતિનો ભેદ બાજુ પર રહી ગયો છે અને સહુ સાથે મળીને મા અંબેની આરાધના કરે છે. આવી તો કેટલીયે વિશેષતાઓથી સભર છે કલ્યાણમાં શ્રી ગાંધી ચોક નવરાત્ર મંડળ દ્વારા સેલિબ્રેટ થતી નવરાત્રિ. ૧૧૩ વર્ષ પહેલાં કેટલાક ગુજરાતીઓએ જ કલ્યાણમાં માટીના કોડિયાને ગરબો બનાવીને નવરાત્રિની શરૂઆત કરી હતી. એ સમયે પ્રગટેલી જ્યોત આજ સુધી અકબંધ છે. આ સંદર્ભે નવરાત્રિ મંડળના એક અગ્રણી કાર્યકર્તા કહે છે, ‘આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતી, કચ્છીઓ માટે કલ્યાણ મુંબઈ શિફ્ટ થયા પછીનું મુખ્ય સેન્ટર હતું. સ્વાતંત્ર્યના સંઘર્ષમાં લોકમાન્ય ટિળકે શિવાજી જયંતી અને ગણેશોત્સવ થકી લોકોને ભેગા થવાની મોકળાશ કરી આપી હતી પરંતુ એમાં નવરાત્ર સામેલ નહોતા. એટલે એ સમયે નવરાત્રિનું આયોજન કરીને લોકો એકઠા થાય તો એ બ્રિટિશ રાજમાં ગુનો ગણાતો. એ પછીયે આપણા વડવાઓએ શક્તિની આરાધના માટે નવરાત્રિનું આયોજન કર્યું હતું. પહેલા વર્ષે માટીના કોડિયાથી અને બીજા વર્ષે લાકડાનો ગરબો બનાવવામાં આવ્યો હતો. અત્યારે એ વડવાઓની ચોથી અને પાંચમી પેઢી કોઈ પણ જાતના નામના વહેવાર વિના આ આયોજનને આગળ ધપાવી રહ્યા છે.’

જાગ્રત દેવસ્થાન તરીકે શ્રદ્ધા ધરાવતા આ સ્થાન પર પોતાની માનતા પૂરી કરવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે. આ નવરાત્રિના જાજરમાન ‌ઇતિહાસની ઘણી સ્મૃતિઓ આ મંડળ પાસે છે. એમાંની સૌથી મહત્ત્વની સ્મૃતિ એટલે માતાજીનો ગરબો. માતાજીનો ચાંદીનો ગરબો અને માતાજીની મૂર્તિ મળીને કુલ એક કરોડ બેતાલીસ લાખની કિંમત ધરાવે છે. શ્રી ગાંધી ચોક નવરાત્ર મંડળના અગ્રણી કહે છે, ‘ઓરિજિનલ ગરબાની ફરતે ચાંદીનું કવરિંગ કરેલો ગરબો અદ્ભુત ઐતિહાસિક અસ્મિતાની શાખ પૂરે છે. અમારા મંડળમાં ક્યાંય નામની ચર્ચા નથી હોતી. શરદ પૂનમના દિવસે સામૂહિક ભોજન સમારંભ યોજાય છે જેમાં ત્રણથી ચાર હજાર લોકો જમે છે. દરરોજ વીસથી પચીસ હજારનું દૂધ પ્રસાદરૂપે વહેંચાય છે. આટલો મોટો ખર્ચ હોવા છતાં ક્યારેય અમારે કોઈ પાસે પૈસા લખાવવા માટે અરજી નથી કરવી પડી. શ્રદ્ધાળુઓ પોતે જ આવે, ડોનેશન આપે અને કામ થઈ જાય છે. ઇન ફૅક્ટ, જમણવાર માટે તો ડોનરો વેઇટિંગ લિસ્ટમાં છે. બીજું, કોઈ ગમેતેટલું દાન આપે તો પણ નામ કોઈનું નહીં. કોઈ પાંચ કરોડ આપે કે પાંચ રૂપિયા આપે એમાં કોઈ ભેદભાવ નહીં. માતાજી સામે બધા જ સરખા. ભક્તિનો માહોલ ડોહળાય નહીં એવા પણ પ્રયાસો અમે કર્યા છે. જેમ કે અમારે ત્યાં DJનું સંગીત નથી વાગતું પરંતુ પરંપરાગત ગરબા ગવાય. સ્ત્રી અને પુરુષોના ગરબા અલગ રમાય. ચંપલ કાઢીને જ માતાજીના ગરબા રમવાના. અમારા ગાંધી ચોકમાં અંબાજી ધામ મંદિર પણ છે. એમાં પણ સુંદર માતાજીની મૂર્તિની સ્થાપના છે. ૩૬૫ દિવસ સવારે અને સાંજે પૂજાઅર્ચના અને આરતી માટે ખુલ્લું હોય છે.’

૫૯ વર્ષમાં બિલ્ડિંગ રીડેવલપ થઈ રહ્યું હતું ત્યારે પણ નવરાત્રિની ધારા અટકી નથી

અંધેરીમાં નવરંગ સિનેમાની સામેની ગલીમાં આવેલી નવનીત સોસાયટીમાં ૧૯૬૬માં નવરાત્રિની ઉજવણીની શરૂઆત થઈ હતી જે આજ સુધી અકબંધ છે. વચ્ચે ઘણા ઉતારચડાવ સોસાયટીના સભ્યો છે જોયા છે પરંતુ એ વિઘ્નો માતાજીની આરાધનામાં આડે ન આવે એની ચોકસાઈ સોસાયટીના સભ્યોએ રાખી છે. ૧૮૦ ફ્લૅટ્સ ધરાવતી આ સોસાયટીની કલ્ચરલ સમિતિના સભ્ય કહે છે, ‘અમારા બિલ્ડિંગનો રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ લગભગ દસ વર્ષ લંબાયો હતો. સોસાયટીના લોકો રખડી પડ્યા હતા. તેમનું ઘર પાછું ક્યારેય તેમને મળશે કે નહીં એ ખબર નહોતી. ચારેય બાજુ તૂટેલા બિલ્ડિંગના અવશેષો હતા એ સમયે પણ અમારી સોસાયટીના દસ યુવાનોના ગ્રુપે નવરાત્રિના સેલિબ્રેશનને અકબંધ રાખ્યું. માતાજીની સ્થાપના પણ કરી અને ત્યાં ગરબા પણ રમ્યા.’

આ સોસાયટીમાં દર વર્ષે મહાઆરતી યોજાય છે. એ સિવાય નાનાં બાળકોથી લઈને મોટી વયના લોકો સેલિબ્રેટ કરી શકે એવી ઘણી સ્પર્ધાઓ, ટૅલન્ટ હન્ટ વગેરે યોજાય છે.

૧૦૦ વર્ષ કરતાં જૂના આ બિલ્ડિંગમાં દર વર્ષે કુમારિકાઓ માતાજીનું સ્વરૂપ બનીને ઘરે-ઘરે જઈને ભજનો ગાઈને અનોખી રીતે આશીર્વાદ આપે છે

ગ્રાન્ટ રોડના પન્નાલાલ ટેરેસને સો વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ વર્ષોથી નવરાત્રિની ઉજવણી અને નવરાત્રિમાં પણ કેટલીક ખાસ ઍક્ટિવિટી આ બિલ્ડિંગમાં અકબંધ છે. જેમ કે બિલ્ડિંગમાં રહેતી અગિયાર-બાર વર્ષની કુમારિકાઓને બિલ્ડિંગમાં રહેતા લોકો દ્વારા ખાસ આમંત્રિત કરવામાં આવે અને તેઓ ઘરે-ઘરે જઈને ભજનો ગાય. આ યુનિક પરંપરા વિશે જણાવતાં અત્યારે આ કાર્યક્રમની સૂત્રધાર ફેની સાવલા કહે છે, ‘લગભગ ૧૧૪ વર્ષ જૂનું અમારું બિલ્ડિંગ છે જેમાં ૨૮૦ જેટલા ટેનન્ટ છે. આ વર્ષે છ મહિનાની ઉંમરથી લઈને ૧૧ વર્ષની વયની ૩૩ કુમારિકાઓ ભજનો ગાવા માટે અમારી સોસાયટીમાં આમંત્રિત થઈ રહી છે. મજાની વાત એ છે કે આ ભજનો પેઢીઓથી ટ્રાન્સફર થઈ રહ્યાં છે. ચોથી અને પાંચમી પેઢીમાં સોસાયટીમાં આ ભજનો ગવાઈ રહ્યાં છે જેને દીકરીઓ શીખે છે અને લોકોના ઘરે જઈને માતાજીનું રૂપ હોય એમ આશીર્વાદ આપતા ટોન સાથે ગાય છે. જેમ આ દીકરીઓ મોટી થાય, રજસ્વલા અવસ્થા પછી તેઓ પોતાનાથી નાની ઉંમરની કુમારિકાઓને શીખવે. આમ અનોખી રીતે ભજનો સાથે આ પરંપરાનું વહન થઈ રહ્યું છે.’

અત્યારના ગ્રુપની ટીમ-લીડર પાંચમા ધોરણમાં ભણતી ગ્રીશ્વા પ્રતીક દરજી પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘સવારે સ્કૂલ જઈએ પરંતુ સાંજે સાડાછ વાગ્યા પછી જેમને ત્યાંથી ઇન્વિટેશન હોય તેમના ઘરે જઈને ભજનો ગાઈએ. ટોટલ ત્રણ ભજન છે જેનું ચૅન્ટિંગ કરવામાં અમને ટેન મિનિટ્સ લાગે. અમારો પર્પઝ જેમના ઘરે જઈએ તેમને બ્લેસિંગ્સ આપવાનો હોય.’

પોતાના ઘરે આ કુમારિકાઓને આમંત્રિત કરનારા પરિવારો દીકરીઓનું પોતાની ક્ષમતા અને ભાવના મુજબ સ્વાગત કરે. તેમને ભોજન કરાવે, ભેટ આપે. અહીં ઉલ્લેખનીય છે કે દીકરીઓ દ્વારા ગવાતાં વર્ષો પહેલાં રચાયેલાં આ ભજનમાં એક કડી આવતી હતી જે મુજબ સંતાન ન હોય તેમને પુત્ર દેજો મા જેવા અર્થ સાથેની માતાજીને વિનવણી કરાય છે. જોકે આ સોસાયટીએ સદીઓ પુરાણી પુત્રમોહની જેન્ડર-બાયસની માનસિકતાનો છેદ ઉડાડીને આ ભજનને મૉડિફાય કર્યું અને ‘પુત્ર દેજો મા’ને બદલે ‘પુત્ર અને પુત્રી દેજો મા’ એવો બદલાવ કર્યો છે, જે ખરેખર પ્રશંસનીય છે.

સ્વયંભૂ ચંપામાતાની કુંભાર ટુકડામાં યોજાતી નવરાત્રિ

માતાજીએ પોતાના ભક્તના સપનામાં આવીને પોતાના હોવાનાં એંધાણ આપ્યાં. સ્વપ્નમાં જોયેલાં સૂચનોનું પાલન કરીને એક વૃક્ષ નીચે ખોદકામ થયું અને માતાજી પ્રગટ થયાં. ૭૦ કરતાં વધુ વર્ષોથી આ માતાજી પૂજાઈ રહ્યાં છે. જે વૃક્ષ નીચેથી માતાજી પ્રગટ થયાં એ ચંપાનું ઝાડ હતું એટલે માતાજીનું નામ ચંપા માતા પડ્યું. કુંભાર ટુકડામાં આ માતાજીની છત્રછાયામાં શ્રી ચંપા માતા સેવક મંડળ કુંભાર ટુકડા અંતર્ગત છેલ્લાં ૭૦ વર્ષથી રંગેચંગે આયોજન થાય છે અને સ્થાનિકો તન-મન-ધનથી માતાજીની આરાધના કરી રહ્યા છે.

આ સંદર્ભે મંડળના કાર્યકર્તા કહે છે, ‘આ માતાજીનું નિર્માણ નથી થયું કે તેમની અલગથી સ્થાપના પણ નથી થઈ. જ્યાંથી પ્રગટ થયાં ત્યાં જ તેમની ફરતે મંદિર બનાવી દેવામાં આવ્યું છે. દરરોજ રાસગરબા, અઢળક પ્રકારની કૉમ્પિટિશન્સ અને ભોજન સાથે આસપાસના દોઢસો-બસો લોકો આયોજનના સાક્ષી બને છે. અષ્ટમીમાં ખૂબ મોટા પાયે હવન થાય છે જેનું વિવિધ થીમ મુજબનું આકર્ષક ડેકોરેશન મંડળના કાર્યકર્તાઓ પોતાની જાતે જ કરતા હોય છે.’

૭૬મા વર્ષથી માતાજીનો એક જ ફોટો પૂજાઈ રહ્યો છે

આજથી ૭૬ વર્ષ પહેલાં કનૈયાલાલ ચૌહાણ, વાડીલાલ પટવા, દયારામ દામોદર આચાર્ય, નગીનભાઈ અને નટવરલાલ જરીવાલા જેવા પાંચ-છ વડીલો ભેગા થયા અને તેમણે નક્કી કર્યું કે આપણા એરિયાના લોકોને માતાજીની ભક્તિનો સામૂહિક લાભ મળે એવી વ્યવસ્થા ઊભી કરીએ અને ઉદ્ભવ થયો શ્રી ચેવલવાડી સાર્વજિનિક નવરાત્રિ નવદુર્ગા મહોત્સવનો. સાઉથ મુંબઈમાં સૌથી જુના મંડળ તરીકે પ્રચલિત આ મંડળની ખાસિયત એ છે કે ગુજરાતી અને મરાઠી એમ બન્ને સ્ટાઇલથી અહીં માતાજીની આરાધના થાય છે. અત્યાર સુધી ગરબી અને ફોટોથી માતાજીની સ્થાપના કરતાં આ મંડળે છેલ્લાં ચાર વર્ષથી મૂર્તિ સ્થાપનાની શરૂઆત કરી છે.

સંસ્થાના કાર્યકર્તા કહે છે, ‘અમારે ત્યાં ગરબીની સ્થાપના થાય એમ ઘટ સ્થાપના પણ થાય. ગુજરાતીઓમાં પ્રિય ભજનો કરીએ તો મહારાષ્ટ્રિયનમાં પૉપ્યુલર ગોંધળ પણ યોજીએ. દસ દિવસમાં બે દિવસ મંડળ સાથે જોડાયેલા લોકોનો જમણવાર હોય. નાનાં બાળકોથી લઈને વડીલો એમ બધા જ પાર્ટિસિપેટ કરી શકે એવાં આયોજનો રાખ્યાં છે. જેમ કે વડીલોનો વિશેષ સન્માન સમારોહ યોજીએ છીએ તો સાથે મહિલાઓ માટે હલ્દી-કુમકુમનું આયોજન કરીએ છીએ. બાળકો માટે ડ્રૉઇંગ કૉમ્પિટિશન, ફૅન્સી ડ્રેસ વગેરે પણ હોય. આજે પણ અમે માઇકમાં ગીતો ગાઈએ. માત્ર છેલ્લા બે દિવસ જ DJ વાગતું હોય. આઠ દિવસ ટ્રેડિશનલ ગરબા તો ગાવાના જ. બીજું, પ્રસંગમાં દાન આપતા તમામ શ્રદ્ધાળુઓના ઘરે જઈને આઠમના હવનમાં ચડાવેલા પ્રસાદનું વિતરણ કરીએ. ટૂંકમાં કોશિશ કરીએ કે ટ્રેડિશન સાથે આજની પેઢી જોડાયેલી રહે જેની છેલ્લી ત્રણ પેઢીથી જાળવણી થઈ છે.’

navratri Garba gujarati community news gujaratis of mumbai columnists mumbai malad kalyan andheri grant road ruchita shah