કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (4)

21 June, 2019 01:40 PM IST  |  | વર્ષા અડાલજા- કથા સપ્તાહ

કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (4)

અગ્નિપરીક્ષા

હંસા ઘરના ઉંબર પર જ થીજી ગઈ. શું આ ખરેખર પોતાનું ઘર હતું! નવીને હાથ ફેલાવીને કહ્યું,

‘આ આપણું ઘર. તારું અને મારું. છેને અફલાતૂન!’

હંસા અવાક્ બનીને જોતી રહી. ચકચકિત રંગરોગાન કરેલું, નવુંનક્કોર. આઇવરી કલરનો પેઇન્ટ, ફ્લોરલ પ્રિન્ટ‍સના ઝૂલતા પડદા, નવી ઢબનું ફર્નિચર. રસોડું, એનું સામ્રાજ્ય. જાહેરાતોમાં જોયા  હતા  એવા ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ. સ્વજનની જેમ આવકારતું ઘર. તૃપ્તિએ ઊંડો શ્વાસ લેતાં  તે સજાગ થઈ, સોફામાં આરામથી બેઠેલો નવીન હસી પડ્યો,

‘ક્યોં મૅડમ! કૈસા ફીલ કરતે હો!’
હંસાએ પતિ સામે જોયું, ઘરના આધુનિક માહોલમાં તે પણ સરસ ફર્નિચરની જેમ ગોઠવાયેલા લાગતા હતા; લેટેસ્ટ ફૅશનનાં કપડાં, ચકચકિત શૂઝ, ‌રિસ્ટ વૉચ. તૃપ્તિએ ઊંડો શ્વાસ લેતાં તે સજાગ થઈ ગઈ અને ચિંતાથી કહ્યું,

‘ઘર તો સરસ જ છે, પણ આટલું મોંઘું ઘર... પહેલાં તો આપણે બજેટમાં રહેતાં હતાં. અચાનક કોઈ જાદુઈ છડી મળી ગઈ? હું તો હજી માની નથી શકતી.’

‘તો માનો જાનુ. સાચું કહું? તું ગઈ એનું એક રીતે દુઃખ તો થયું જ, પણ તારા જવાથી કામ કરવાની ધૂનકી પણ ભરાઈ. બતાવી આપવું હતું તારા બાપને... સૉરી પપ્પાને. ડિપ્રેશનમાં હતો, મારા આત્મસન્માનનાં ચીંથરાં ઊડી ગયાં હતાં.’

‘તો?’

‘તો? સિમ્પલ. નીચી મૂંડીએ કામ કરવા માંડ્યો. સેવિંગ્સ ખર્ચી ક્લબમાં મેમ્બર બન્યો, દોસ્તો કર્યા, ફ્લૅટ્સ વેચ્યા, સરનું પર્સનલ કામ પણ આ બંદાને જ શિરે. સર હાઈ સોસાયટી પાર્ટીમાં લઈ જાય... અને જો આ ચમત્કાર... કંપનીએ રહેવા આપ્યો છે.’

પતિના આશ્લેષમાં તે સમાઈ ગઈ. પપ્પાએ આ ઘર જોયું હોત તો કેટલા ખુશ થાત! એ વિચાર સાથે જ તે બેબાકળી
બની ગઈ. તેના ચાલી ગયા પછી ઘરે શું થયું હશે! પપ્પા બા પર તો નહીં વરસી પડ્યા હોયને?

‘જવા દે એ વાત. તું કહે, તું કેવી રીતે આવી?’

‘ભાગીને આવી એમ કહું તો ખોટું નથી. બાએ જ હિંમત બંધાવી. પપ્પાને ખૂબ ગુસ્સો આવ્યો હશે, ફોન કરોને! તેમને ઘરનો વાંધો હતો, હવે તો...’

‘ના. બિલકુલ નહીં, એટલે કે ગુસ્સો ઠંડો પડવા દે. રાતે વિનયને ફોન કરીને જાણી લઈશું, ઓકે!’

હંસાનો ગભરાટ હજી શમ્યો નહોતો,

‘હું તો મારાં પગલાં ભૂંસીને
નીકળી છું. ડર છે કે ક્યાંક ફરી પપ્પા
આવી જશે...’

‘અરે પણ આપણું ઍડ્રેસ જ કોઈને આપ્યું નથી, વિનયને પણ નહીં. સો રિલૅક્સ. પણ આટલા વખતે મળ્યાં તે આવી વાતો કરવા માટે? તને હસવું આવશે. ફાઇવસ્ટાર પાર્ટીની હવે  ક્યાં નવાઈ છે! પણ તારા હાથનાં ભાખરી-શાકની તલપ લાગી છે.’

‘પણ રસોડું તળિયાઝાટક છે એનું શું?’

ડોરબેલ રણકી ઊઠી,

‘લે, આવી ગયો તારો રસોડાનો સામાન. જેવો સૂઝ‌્‍યો એવો લીધો છે. સોસાયટીની બાજુમાં જ સુપરમાર્કેટ છે. લૅમ્પ ઘસવાનો, જીન હાજર.’

‘એટલે?’

‘મતલબ કે ફોન કરો અને હોમ-ડિલિવરીથી જે જોઈએ એ હાજર સમજો!’

હંસાએ બારણું ખોલ્યું. ડિલિવરી-બૉય બે થેલા ભરીને સામાન લાવ્યો હતો. તું થાકી ગઈ હોઈશ, ચાલ તને મદદ કરું કહેતાં બન્નેએ સાથે રસોડામાં સામાન ગોઠવી દીધો. મોટું ડબલ ડોર ફ્રિજ ભરાઈ ગયું. નવીને બેડરૂમનો વૉર્ડરોબ ખોલ્યો, તેની સાડીઓ હૅન્ગરમાં લટકતી હતી. ડ્રેસિંગ-ટેબલ પર લિપસ્ટિક, ક્રીમ, પરફ્યુમની બૉટલ્સ સરસ રીતે ગોઠવી હતી.

‘ઓહો, આ બધું મારા માટે! પણ હું આવું બધું વાપરતી નથી અને વાપરવાની પણ નથી. પણ એક રહસ્ય કહો, સ્ત્રીઓની પસંદગી વિશે આટલું અગાધ જ્ઞાન?’

નવીને કાન પકડ્યા,

‘એમાં કોઈ ભેદભરમ નથી દેવી, ઑફિસમાં નાદિયા છે તેને મેં સોંપી દીધેલું આ કામ. તું આવે ત્યારે ઘર એકદમ અપટુડેટ કરવું હતું, પણ તને કેમ લઈ આવું એ જ પ્રૉબ્લેમ હતો. હું આવું તો મોટો ઝઘડો કરીને તને વાજતેગાજતે લાવવાના મૂડમાં હતો. તું થોડી મોડી આવી હોત તો પોલીસ લઈને આવવાનો મારો પ્લાન હતો.’

‘અને હવે?’

‘તું આવી ગઈ, હવે હાશકારો.’

એ રાતે વિનયને ફોન કર્યો અને સમાચાર મળ્યા કે હંસાના પપ્પા ચંદ્રકાન્તભાઈ જ્ઞાતિના કોઈ મોભીને લઈ ગયા હતા નવીનના ઘરે અને બા તથા વિનય સાથે બોલાચાલી કરી આવેલા. નવીન ઊકળી ઊઠ્યો હતો અને એમાંય તેમણે કહ્યું હતું, ‘એ દલાલનું વળી શું ગજું! પણ  તેને પાઠ તો ભણાવીશ. નવીનનું ચાલત તો ત્યારે જ તે ઊપડી જાત ગામ, પણ હંસાએ સમ આપીને રોક્યો. તેનું મન તો બેય બાજુ વહેરાતું હતું.

એક નવો મુકામ, એક નવી
‌જિંદગીનો આરંભ.

અવનવી ચીજવસ્તુઓના શૉપિંગથી વૉર્ડરોબ છલકાઈ રહ્યો હતો. કામ કરવા દીપા આવતી હતી. જાણે તેની સીધીસાદી ‌જિંદગી પર એક ઢોળ ચડી રહ્યો હતો. સોસાયટીને ત્રણ વિન્ગ હતી. તેની વિન્ગમાં એક બેડરૂમના ફ્લૅટ્સ હતા, બીજીમાં બે અને છેલ્લી વિન્ગમાં ત્રણ બેડરૂમ્સનાં લક્ઝુરિયસ ઘર. વચ્ચે 
સરસ ગાર્ડન, બેઝમેન્ટ પાર્કિંગ,
સિક્યૉ‌રિટી સર્વિસ...

તેને ઘણી વખત લાગતું કે તે કોઈને ત્યાં મહેમાન તો નથીને! હમણાં તેને પોતાના ઘરે જવાનો સમય થશે, જ્યાં વૃંદાતાઈ તેની રાહ જોતી હશે. નવીન હવે વહેલી સવારે નીકળી જતો. ક્યારેક તો સાથે ચા પીએ અને બેઘડી વાતો કરે એ પહેલાં જ. લંચ-બૉક્સની પણ જરૂર નહોતી. ઑફિસર્સ મેસમાં હવે લંચ લેતો હતો, જ્યાં ચાઇનીઝ ઇટાલિયન પતિની ભાવતી વાનગીઓ પણ મળતી હતી. ઑફિસ જવાનો સમય નક્કી હતો, પાછા ફરવાનો નહોતો. ક્યારેક સાંજે પ્રૉપર્ટી ડીલની મી‌‌ટિંગ કે પાર્ટીમાં જવું પડતું. શરૂઆતમાં પતિના આગ્રહથી ક્યારેક પાર્ટીમાં જતી. પહેલી વાર બ્યુટી પાર્લરમાં ગઈ ત્યારે ગભરાઈ ગઈ હતી. ઘરે આવીને અરીસા સામે
ઊભી રહીને પોતાના અપરિચિત રૂપને જોતી રહેતી.

ક્યારેક ખૂબ એકલું લાગતું. એક દિવસ તે કસ્તુરબા નગરની ચાલીમાં ગઈ, જાણે પોતાના કુટુંબમાં પાછી ફરી હોય એમ તેને ખૂબ ગમ્યું હતું. બિટ્ટુ તો રાજીનો રેડ. ૧૦૦૦ રૂપિયા તેના હાથમાં મૂકતાં તે રડી પડ્યો. તેનું જૂનું ઘર ખોલ્યું. શુકનવંતું ગણીને નવીને તે ઓરડી સાચવી છે. ઘરમાં કેટકેટલી સ્મૃતિની ફિંગરપ્ર‌િન્ટ્સ! એ રાતે તે ઉત્સાહથી પતિને જૂના ઘરે ગઈ હતી કહેતાં જ તે નારાજ થઈ ગયો,

‘ત્યાં જવાની શી જરૂર હતી હંસા? એવી ચાલીમાં કેવા લોકો રહે! એવા લોકો સાથે સંબંધ રાખવામાં આપણું માન શું? સ્ટેટસ શું? પ્લીઝ ડોન્ટ ગો ધેર.’

એ દિવસે મનમાં એક ઝીણી ફાંસ ઊંડી ઊતરી ગઈ હતી. ક્યારેક બાને મળવાની, તેના ખોળામાં માથું મૂકીને સૂવાની તીવ્ર ઇચ્છા થતી, પણ જીવનનો એ દરવાજો બંધ હતો. એક દિવસ અચાનક બાનો ફોન આવ્યો કે તારા બાપુ ડાકોર દર્શને ગયા છે. માનતા માની છે જમાઈ પર બદલો લેવાની. વિનયે ભૂલથી ફોન જોડી દીધો, પણ વાત કેમ કરવી! આંસુની ભાષા હૃદયની
ભાષા છે, એની પાસે વાણી નથી. ફોન મૂકતાં બા એટલું જ બોલ્યાં, ‘આપણો સાથ છૂટ્યો બેટા!’

તે રડી પડી હતી, પણ નવીનના ક્રોધે ફૂંફાડો માર્યો હતો.

‘શું સમજે છે તેના મનમાં? અરે એક વાર આવીને જોશે તો ઈર્ષ્યાથી લાકડાની જેમ બળી જશે. મને દલાલની ગાળ મોઢા પર મારી છેને! જા આજથી એ નોકરીને લાત મારી. મારો પોતાનો પ્રૉપર્ટીનો બિઝનેસ કેવો જમાવું છું
જોઈ લેજો.’

હંસા ગભરાઈ ગઈ,

‘અરે એવું ન બોલો. નોકરી
અન્નપૂર્ણા છે, એને લાત મારીને અપમાન ન કરો, અજિતસરનો તમારા પર કેટલો ભરોસો છે...’

‘તો? હું મહેનત કરું, એના ગોલાપા કરું અને તે કમાય? તારું ભેજું તો ઠેકાણે છેને!’

‘એટલું વિચારો કે તમે આ શહેરમાં શું લઈને આવ્યા હતા! તેમણે તમને કામ આપ્યું, શીખવ્યું, કદર કરી...’

નવીન હસી પડ્યો, ડંખીલું, ધારદાર.

‘તારા જુનવાણી વિચાર છોડ અને આજુબાજુ જરા જો હંસા, નોકરી અને અન્નપૂર્ણા! માય ફુટ. એમ બીજાનો વિચાર કર્યે આપણો ઉદ્ધાર ન થાય. ઉપર ચડવું હોય તો દરેકને સીડી બનાવીને ઉપર ચડી જવાનું અને મારે ઉપર ચડવું છે.’

‘અને તમે શું કરશો?’

‘વૉટ અ ક્વેશ્ચન ડિયર જાનુ! પ્રૉપર્ટી. પવઈ જંગલ હતું અને આજે! કરોડોના ફ્લૅટ્સ, બંગલોઝ... હૉસ્પિટલ... સ્કૂલ... કમ્પ્લીટ ટાઉનશ‌િપ.’

બે હાથ ઘસતાં તેણે શબ્દોને રમાડ્યા. તેની આંખમાં એક ચમક આવી જે હંસાએ કદી નહોતી જોઈ,

‘મુંબઈની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગદંડો જમાવવા રોજની હજારો જુવનિયાની ફોજ અહીં ઊતરી પડે છે. પ્રૉપર્ટીનું કરોડોનું ટર્નઓવર છે. ફિલ્મ... ટીવી-સિરિયલ્સ... રિયલ‌િટી શોઝ... સૌને પગ મૂકવા જગ્યા જોઈએ છે. અરે દુકાનો... સેમિનાર... જાતજાતના ક્લાસ... એ માટે પણ  સૌ ફાંફાં મારતા હોય છે. બસ, ત્યાં જ પૈસો છે હંસાજી. લીવ લાઇસન્સ, પેઇંગગેસ્ટ નહીં તો ડાયરેક્ટ કબજો. કુછ ભી ચલેગા. સમઝ મેં  આયા!’

ના. તેને નહોતું સમજાતું. આ તેનો પતિ હતો! તેની ભાષા... તેનો રણકો... તેનો હિંસક સ્વભાવ... નહોતી ઓળખતી આ માણસને.

‘તો આ ઘર ખાલી કરવું પડશેને!’

‘શ્યૉર, પણ હેય હંસાજી, નામથી બોલાવ મને પ્લીઝ! મેં તને શું કહ્યું છે! ગામની ભાષા અને  આ ‘પતિ દેવો ભવ’ ટાઇપનું તારું બોલવું-ચાલવું છોડી દે. આ ઘર ખાલી કરવું પડશે તો કરીશું. એક સરપ્રાઇઝ છે.’

તમે જ મોટું સરપ્રાઇઝ છો, પણ તે કશું બોલી ન શકી.

‘પરમ દિવસે આપણી વેડિંગ ઍનિવર્સરી છે, યાદ છેને! પવઈની હાઈ સોસાયટીમાં આપણું ત્રણ બેડરૂમનું અપાર્ટમેન્ટ છે, હા, હા, આપણું પોતાનું. તને ગિફટ. અરે! રાજી ન થઈ? ન થૅન્ક યુ, ન કિસ. તારા વરે કેટલી પ્રગતિ કરી છે!’

હંસા પરાણે હસી.

‘કેમ રાજી ન થાઉં! સત્તર વાર અભિનંદન.’

‘ચાલ સે‌લિબ્રેટ કરીએ, પછી પાર્ટી તો રાખીશું. ડિનર ઍટ તાજ અને હું પસંદ કરું એ સાડી.’

નવીને વૉર્ડરોબમાંથી હલકા વાસંતી રંગની‍ શિફોનની સાડી કાઢીને આપી,

‘આ બધું તારા માટે તો શૉપિંગ કર્યું 
છે, કેમ પહેરતી નથી? મારું પણ સ્ટેટસ છે યાર.’

ફોન પર કોઈ સાથે કોઈ ફ્લૅટના સોદાની વાત કરતો તે બહાર ગયો. હંસાએ સાડી પહેરી,  પણ મૂઢ બનીને પોતાને ડ્રેસિંગ-ટેબલના અરીસામાં પાણી જેવી પારદર્શક સાડીમાંથી તેનું શરીર, તેના ઊભરતા વળાંકો સંકોચથી જોઈ રહી. નવીનને શી રીતે કહેવું? ‌તે સમજશે!

થોડા દિવસ ‍ખૂબ ધમાલમાં વીત્યા. પૅકિંગ કરીને સામાન અહીંથી લઈ જઈ પવઈના ઘરમાં ગોઠવ્યો. મોટું ઘર અને સુંદર ઇન્ટીરિયર. હાઇરાઇઝ બિલ્ડિંગ્સ... હંસાએ આશ્ચર્યથી પૂછ્યું હતું,

‘ઘર તો ખાસ્સું મોંઘું હશે. તમે કેવી રીતે ખરીદ્યું?’

‘લોન. હાઉસિંગ લોન બૅન્ક છુટ્ટા હાથે આપે છે, પાકેલા ફળની જેમ પટ દઈને તમારા હાથમાં. પરમ દિવસે કાર પણ આવશે ઓકે! પછી સામેથી પપ્પાને ફોન કરીને ઍડ્રેસ આપીને બોલાવજે. જોઉં છું પછી શું કહેવાનું છે સસુરજીને! દેખાડી દેવું છે તેમને.’

ફોનની રિંગ ગુંજી ઊઠી અને તે વાતો કરતો ચાલી ગયો. હંસા મોટા જાયન્ટ વ્હીલમાં બેઠી હોય અને એ જોરથી ફરી રહ્યું હોય એમ મનમાં ચૂંથાવા માંડ્યું. શા માટે પતિની પ્રગતિ જોઈને તેના મનમાં આનંદનો હિલોળ નથી ઊઠતો! નવીન કહે છે એમ હવે રાણી બની મહાલવાના દિવસો હતા છતાં મન કેમ ગોરંભાયેલું રહે છે! ઝળૂંબી રહેલી વાદળી ન વરસે ન વહી જાય એમ આ અકળામણ શેની!

નવીન શોફર ડ્રીવન કારમાં ઑફિસ જાય છે પછી એક લાંબો સમયનો પટ તેની સામે ફેલાઈ જાય છે. તે બાલ્કનીમાં હીંચકા પર બેસતી અને લંબાતા, વળાંક લેતા રસ્તાને જોઈ રહેતી. જે પગલાં એક દિવસ તે ભૂંસીને ચાલી આવી હતી એ પગલાંની અદૃશ્ય છાપ તેની આંખ શોધતી રહેતી.

એક સાંજે બિલ્ડિંગના ગાર્ડનમાં ઇવનિંગ વૉક લઈને તે હૂંફાળા લીલાછમ ‍ઘાસ પર બેઠી હતી. ઢળતા સૂરજના તેજમાં ઘાસની સોનેરી સળીઓ ચમકતી હતી. ત્યાં અચાનક એક દડો તેના ખોળામાં આવીને પડ્યો. તે ચમકીને આસપાસ જોતી હતી ત્યાં તેની પાછળ જ એક આઠ-નવ વર્ષનું બાળક દડો લેવા આવ્યું અને તેની બાજુમાં બેસી ગયું. હંસાએ હેતથી તેને ઊંચકી લીધું અને તે ખિલખિલાટ હસતું તેની સાથે રમવા લાગ્યું.

યશ... બૂમ પાડતો એક કિશોર
દોડી આવ્યો,

‘સૉરી આન્ટી, યશે તમને હેરાન કર્યાં.’

યશે ફેંકેલો દડો હંસાએ કૅચ કર્યો,

‘નહીં રે, અમે તો લહેરથી રમીએ છીએ. યશ તારો ભાઈ છે?’

‘હા આન્ટી, બહુ મસ્તીખોર. ચલ ઊઠ યશ, જઈએ હવે.’

‘ભલે રમે થોડી વાર. તારું નામ?’

‘વેદાંગ. હું ટેન્થમાં છું.’

‘તારી હાઇટ તો સરસ છેને! કઈ સ્કૂલમાં ભણે છે? જોકે મને અહીંનો બહુ ખ્યાલ નથી.’

‘અમે બન્ને નાલંદા ઇન્ટરનૅશનલ સ્કૂલમાં છીએ, પણ સાંજે મારે કોચિંગમાં જવાનું. વિદ્યાધર કોચિંગ ક્લાસ.’

‘આપણી સોસાયટીની નજીક બિલ્ડિંગ છે એ?’

‘હા આન્ટી. ચાલો જાઉં? મારા ક્લાસનો ટાઇમ થઈ ગયો. ચલ ચિન્ટુ.’

બન્ને ભાઈઓ બાય કરતા ગયા. હંસા ઊતરતા અંધકારમાં ક્યાંય સુધી બેસી રહી. નવીન કોઈ મીટિંગ પછી ડ‌િનર લઈને ઘરે આવવાનો હતો. આજુબાજુ રમતાં બાળકો અને બીજા લોકો હવે ચાલી ગયાં હતાં. વૉચમૅન વ્હિસલ વગાડી રહ્યો હતો. યશની કિલકારીઓને પાલવમાં સંચિત કરતી હંસા ઊઠી. પછી લગભગ એ રોજનો ક્રમ થઈ ગયો હતો. યશ અને વેદાંગ ગાર્ડનમાં રમવા આવતા, હંસા ઘણી વાર તેમને માટે નાસ્તો લઈ જતી. તેની મમ્મીને ભાગ્યે મળવાનું બનતું. તે જૉબ કરતી હતી અને લોકલ ટ્રેનમાં તેને આવવાનું મોડું થઈ જતું. વેદાંગ યશને ઘરે મૂકીને કોચિંગ ક્લાસમાં જતો.

એક સાંજે તેમની મમ્મી રશ્મિ તેને મળવા આવી,

‘થૅન્ક્સ હંસાબહેન. યશ તો તમારો હેવાયો થઈ ગયો છે. મને કોઈ વાર ઘરે આવતાં મોડું થાય છે...’

‘તેના પપ્પા પણ મોડા આવે છે? મેં તેમને જોયા નથી એટલે...’

રશ્મિએ ચમકીને તેની સામે જોયું પછી દૂરની તરફ જોવા લાગી,

‘સોરી રશ્મિબહેન મારે અંગત પ્રશ્ન નહોતો પૂછવો જોઈતો. ક્યારેય કંઈ કામ હોય તો મને નિઃસંકોચ કહેજો. ઘરે આવો કોઈ વાર કૉફી પીવા.’

આ પણ વાંચો: કથા સપ્તાહ : અગ્નિપરીક્ષા (3)

રશ્મિએ યશની આંગળી પકડી,

‘ જરૂર. કોઈ વાર મને મોડું થાય છે ત્યારે આ બદમાશને તમારે ત્યાં મૂકી જઈશ. વેદાંગ તો મોડે સુધી ક્લાસમાં હોય છે. આજકાલ એ ઍડ્‍મિશનનો પ્રૉબ્લેમ છે કોચિંગ ક્લાસમાં પણ. અને ધરખમ ફી. પણ શું કરીએ પેરન્ટ્સ એટલા લાચાર છેને! થૅન્ક્સ અગેઇ‍ન.’

હંસા રશ્મિને બાળકોને લઈ જતાં જોઈ રહી. કોણ જાણે કેમ તેના મનને ઉદાસીનો ઓથાર  ભીંસી રહ્યો હોય. અંધારું ઊતરી આવ્યું હતું અને એ શૂન્યમાં તાકતી રહી.

(ક્રમશઃ) 

columnists gujarati mid-day