તારણહાર (પ્રકરણ ૪)

16 February, 2023 12:08 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

‘શ્રાવણી ગજબ થઈ ગયો. દામોદરઅંકલે ઊંઘની દવાનો ઓવરડોઝ લઇ સુસાઇડ અટેમ્પ્ટ કર્યો છે - મૃત્યુનોંધ સાથે અંકલ પોતાનું ડાઇંગ ડેક્લેરેશન પણ લખતા ગયા છે...’

તારણહાર (પ્રકરણ ૪)

‘સાચું શું, ખોટું શું!’ 
આકાર ગૂંચવાય છે, ‘દામોદરઅંકલ મને હંમેશાં મુઠ્ઠીઊંચેરા લાગ્યા છે. તેમના મનમાં પાપ હોત તો તેઓ અર્ણવ હોવાનું શું કામ કબૂલે, ખૂનની કબૂલાત પણ શું કામ કરત?’ 
‘સામે શ્રાવણીની પ્રતિક્રિયા પણ સમજાય એવી છે... આટઆટલાં વર્ષ સુધી જેને તારણહાર માન્યા તે વહેશી નીકળે અને જેને અપરાધી માનતા રહ્યા તે તારણહાર નીકળે એ બદલાવ એમ જ સ્વીકારવો સહેલો નથી, પુરાવા વિના તો નહીં જ.’ 

શ્રાવણી વગેરેની પાછળ પોતેય તેમના ઘરે ગયો. શ્રાવણીનાં મમ્મી-પપ્પા દીકરીને સમજાવવામાં મારા પડખે રહ્યાં : ‘દામોદરઅંકલે આકુને કિડની આપી એ ગણ યાદ રાખીને વીત્યું ભૂલી જઈએ... લૂંટારો વાલ્મીકિ બન્યો એવું માની લઈએ...’ 
પણ શ્રાવણી ન માની : ‘બળાત્કારમાંથી ઊગરવું એટલે શું એ તમે સ્ત્રી હો તો જ સમજાય. મરતો મણસ જૂઠ ન બોલે એ થિયરીમાં મને તો વિશ્વાસ છે, ને મારા માટે તો બ્રિજમાસા જ મારા તારણહાર છે. તેમના ખૂની સાથે તમે નાતો નહીં તોડો ત્યાં સુધી હું તમારા ઘરે તો શું, ઑફિસે પણ પગ નહીં મૂકું...’ 
‘સમજાતું નથી, આ મડાગાંઠ કેમ ઉકેલવી?’

આકારને પરેશાન નિહાળી દામોદરભાઈએ નિ:શ્વાસ ખાળ્યો. આકુ ગયા બાદ પોતે બહુ વિચાર્યું, એક ઇલાજ સૂઝતાં બહાર જઈને ઊંઘની ગોળી પણ લઈ આવ્યા. 
‘યસ, ડાઇંગ ડેક્લેરેશન. મરતો આદમી જૂઠ નહીં બોલે એવું માનનારી શ્રાવણી મારી અંતિમ નોંધ અવગણી નહીં શકે, કમસે કમ મને બેનિફિટ ઑફ ડાઉટ આપીને આકુને પરણી જશે, મને એ જ જોઈએ!’ 
અને રૂમમાં જઈ દામોદરભાઈ કાગળ-પેન લઈને બેસી ગયા.  
lll

‘...અને બસ, અમે ત્યાંથી નીકળી આવ્યા...’
રાતે જમી-પરવારી રેણુબહેનને ફોન જોડીને માંડીને વાત કરતાં માલાબહેને નિ:શ્વાસ નાખ્યો, ‘આટલાં વર્ષો સુધી ગાયબ રહેલો નરાધમ શ્રાવણીની જિંદગીના ખૂબસૂરત વળાંકે જ પ્રગટવાનો થયો અને એ પણ આકારના તારણહાર તરીકે?’
‘હં... કસોટી તો આકરી છે માલા, પણ ઈશ્વર પર ભરોસ રાખ, એ જ કોઈક માર્ગ કાઢશે.’
‘હવે તો એની જ આશા છે, બહેન!’
અને ફોન કટ થયો.
lll

માલાબહેન સાથે વાત પતાવી મોબાઇલ ડેસ્ક પર મૂકતાં રેણુબહેનની નજર ત્યાં ગોઠવેલી પતિની તસવીર પર અટકી. અકથ્ય ભાવ પ્રસરી ગયો... 
બ્રિજ સાથેનું લગ્નજીવન સુખી જ હતું. અડાજણના ફ્લૅટમાં પતિ-પત્ની બે જ જણ, પૈસો પણ સારો. ને બ્રિજ પત્ની પર એવો ઓળઘોળ કે કોઈ રાત કોરી ન જાય! જુવાનીમાં રાગ માણવો કોને નથી ગમતો? ક્યારેક બ્રિજ ‘ગંદા’ ગણાય એવાં ચોપાનિયાં લઈ આવે, 
અરે કૅમેરા વસાવ્યા પછી તો તે 
ક્યારેક બારી પરના ગોખલામાં કૅમેરા ગોઠવીને પતિ-પત્નીની કામક્રીડાની ફિલ્મ પણ ઉતારતો! 

જોકે અંતરંગ સંબંધ છતાં માલાને આ વિશે કદી કહેવાયું નહીં, ને બ્રિજ તો બળદેવભાઈને કહે પણ શું કામ! બાકી સામા ફ્લૅટમાં તેમના આવ્યા પછી ચારની ચોકડી જામી ગઈ હતી. તેમની નાનકડી બાળકી અમનેય એટલી જ વહાલી.

‘અને બ્રિજ, કોઈ નહીં ને તમે એ બાળકી પર, આપણી લાડલી શ્રાવણી પર નજર બગાડી?’ 
આવેશમાં તેમણે પતિની તસવીર ઊંધી વાળી દીધી. 
ચાકુના ઘાથી બ્રિજ ઇન્જર્ડ થયાનું સાંભળ્યું ત્યારે લાગણીતંત્ર બહેર મારી ગયેલું. હૉસ્પિટલમાં થોડી વાર માટે હોંશમાં આવેલા બ્રિજના બયાને સ્વીપર અર્ણવસિંહ માટે ધિક્કાર જ પ્રેર્યો. બ્રિજ જોકે ઈજામાંથી સર્વાઇવ ન થયા, પણ તેમણે પ્રાણ ત્યજ્યા ત્યારે તેમનાં ચરણ માથે અડાડીને પોતે ગર્વપૂર્વક કહેલું : ‘આ શહાદત છે, જેનો મને હમેશાં ગર્વ રહેશે!’ 

સૌકોઈ તેમનાં ગુણગાન ગાતું હતું, અર્ણવસિંહ વહેશી, ભાગેડુ ઠરી ચૂક્યો હતો. 
‘ઘટનાનું સાચું પાસું ઊઘડ્યું ફ્લૅટ છોડીને આ નવા ઘરમાં રહેવા આવ્યા પછી! બળદેવભાઈની બદલી થતાં તેમનું ફૅમિલી મૂવ થઈ ચૂકેલું. રેણુને ખાસ તો શ્રાવણીની બહુ યાદ આવતી. બ્રિજે તેના ઘણા ફોટો-વિડિયો ઉતારેલા, હજીય કંઈ બચ્યા હોય તો પ્રિન્ટ કઢાવીને શ્રાવણીને તેની વરસગાંઠ પર આપું...’ 
કબાટના ચોરખાનામાંથી કૅમેરા કાઢીને સ્ટોરેજ વ્યુ કરતાં જ પગ તળેથી ધરતી સરકી ગઈ. અત્યારે પણ એ ક્ષણ વાગોળતાં હાથપગ ઠંડા થઈ ગયા : 
‘સૉરી બચ્ચી, શું કરું, તારી માસીએ મને મહિનાથી તરસ્યો રાખ્યો છે...’

આ પણ વાંચો: તારણહાર (પ્રકરણ ૧)

સૂતેલી બાળકી સામે પૅન્ટ સરકાવીને અશ્લીલ હરકત કરતા બ્રિજને જોઈને રેણુની ચીસ ફૂટી હતી : ‘આ શું ગજબ કરો છો, બ્રિજ!’ 
સદ્ભાગ્યે બાળકી પીંખાય એ પહેલાં અર્ણવનું આગમન થયું ને પોતાના બચાવ માટે તેણે બ્રિજને ચાકુ માર્યા સુધીનો ઘટનાક્ર્મ કૅમેરામાં બરાબર ઝિલાયો હતો! 
સત્યના સાક્ષાત્કારે રેણુ પસીને રેબઝેબ થઈ ગયેલી. બ્રિજનુ ઇન્જર્ડ થવું એટલું શૉકિંગ હતું કે ગોખલામાં રહેલો કૅમેરા કોઈના ધ્યાનમાંય નહોતો આવ્યો... ‘બ્રિજ કૅમેરાનો આવો ‘ઉપયોગ’ કરતો હશે એની કોઈને કલ્પના નહીં હોયને! પછીથી એને કબાટમાં મૂકતી વેળા એમાં ફિલ્મ ઊતરી હશે એવી તો મનેય ધારણા પણ નહોતી.’ 

-પણ છેવટે હકીકત પ્રગટીને રહી. એ પચાવવી સરળ નહોતી અને જાહેર કરવામાં શાણપણ નહોતું લાગ્યું, ‘બ્રિજને તેના કુકર્મની સજા મળી ગઈ, હવે શીદને ચૂંથવણી કરવી! અને આમાં હું સૌની સહાનુભૂતિ ગુમાવી બેસીશ. બ્રિજે અગાઉ અમારી દીકરી જોડે અડપલાં ન કર્યાં હોય એની શી ખાતરી કહીને માલા-બળદેવ ઝઘડો માંડે તો મારી પાસે કોઈ બચાવ પણ ક્યાં છે? હા, અર્ણવ પકડાયો હોત તો તેને ફાંસીથી બચાવવા જરૂર આ સબૂત કોર્ટમાં પેશ કરત, પણ એવું બન્યું નહીં. હાલમાં તો બ્રિજના ડાઇંગ ડેક્લેરેશનને જ સત્ય સમજવા દો સૌને.’
‘ડાઇંગ ડેક્લેરેશન. 

અત્યારે પણ રેણુના હોઠ વંકાયા, ‘મરતો માણસ ખોટું નહીં બોલે એવી માન્યતા છે, પણ બ્રિજ જેવા નહીં ધારેલા અપવાદ સર્જવામાં માહેર હોય છે. બેશક, બયાન દેતી વેળા પોતે નહીં જ બચે એવું બ્રિજે ધાર્યું ન હોય, અર્ણવને સપડાવવાની જ ગણતરી રાખી હોય એ અર્થમાં આ કેવળ સ્ટેટમેન્ટ ગણાય, એને ડાઇંગ ડેક્લેરેશન ન ગણવું જોઈએ. પોતાનું પાપ અર્ણવ પર ઢોળીને તે તારણહાર બની ગયા.’ 

સ્માર્ટફોનના આગમન બાદ કૅમેરાની કિંમત નથી રહી, તોય આજ સુધી જીવની જેમ એ કૅમેરા, એ ફિલ્મ સાચવી રાખી છે. મારી ગેરહયાતીમાં એ માલા-શ્રાવણીને મળે એવી ગોઠવણ કરવાનું વિચારેલું, પણ હવે લાગે છે કે આજે ૨૩ વર્ષે બ્રિજનું પાપ ઉજાગર કરવાનો સમય આવી ગયો. બે હૈયાંના મેળ ખાતર, મારી લાડલી શ્રાવણીના સુખ ખાતર... હવે હું ચૂપ નહીં રહી શકું!’ 
અને એજન્ટને કૉલ કરીને તેમણે ૧૨ વાગ્યાના મેલમાં ટિકિટ બુક કરાવી લીધી.
lll

‘રેણુમાસી, તમે!’
વહેલી પરોઢે ડોરબેલ રણકાવનાર મહેમાનને ભાળીને દરવાજો ખોલનારી શ્રાવણી માસીને વળગી પડી, ‘સારું થયું તમે આવી ગયાં.’  
‘તમારી આંખો ખોલવા જ આવી છું.. તારાં મમ્મી-પપ્પાને જગાડ અને આ કૅમેરાનુ કનેક્શન ટીવીમાં જોડ.’

lll આ પણ વાંચો: તારણહાર (પ્રકરણ ૨)

‘આ અમે શું જોયું!’ 
બળદેવભાઈ-માલાબહેન-શ્રાવણી આઘાતમાં છે. ટીવી પર શરૂ થયેલી ફિલ્મમાં બ્રિજની અશોભનીય હરકતે માલાબહેન-શ્રાવણી આડું જોઈ ગયેલાં, પણ પછી અર્ણવને વચ્ચે પડતો જોઈ હેબતાઈ જવાયું : ‘શ્રાવણીનો તારણહાર બ્રિજ નહીં, અર્ણવ હતો! સત્ય દામોદરભાઈના પક્ષે હતું!’ 
‘હું તો વર્ષોથી આ સત્ય સાથે જીવી છું. બ્રિજનો કોઈ બચાવ મારે કરવો નથી. ફરી કોઈ બ્રિજ જેવો માટીપગો પુરુષ ભટાકાયો તો, 
એ બીકે હું નવો સંસાર માંડતાં ખચકાતી હતી. માલા, પણ આ બધું તમને કે કોઈને પણ કહેવાય એવું નહોતું... તમારી નજરોમાંથી ખરી પડવાની ધાસ્તી હતી...’ 
‘આજે તું મુઠ્ઠીઊંચેરી બની ગઈ...’ માલાબહેને હેતથી સખીનો હાથ પસવાર્યો. 

‘બાળકો સાથેના દુષ્કર્મમાં મોટા ભાગે આવા નિકટના ગણાતાં સગાંસંબંધીઓ જ સંડોવાયેલાં જોવા મળ્યાં છે. ધારો કે અર્ણવ ન ફરક્યો હોત અને બ્રિજે બાળકીને પીંખી નાખી હોત તો તે આપણને શું મોઢું દેખાડત, સંભવ છે કે પોતાનું પાપ છુપાવવા બાળકીને મારી નાખવા જેવું ઘાતકી કદમ પણ ઉઠાવ્યું હોત.. ડોન્ટ નો!’ 
શ્રાવણી અહોભાવથી માસીને નિહાળી રહી. ‘બ્રિજનો કોઈ ગણ નથી તારા પર...’ એ મતલબનું તે ક્યારેક બોલી જતાં એ સંદર્ભ હવે સ્પષ્ટ બન્યા! 
‘બળદેવભાઈ, હું તો કહીશ કે આ ફિલ્મ પોલીસમાં જમા કરાવીને અર્ણવસિંહને માથે લાગેલી કાળી ટીલી મિટાવી દઈએ. તેણે શ્રાવણીના બચાવમાં અને ખુદના બચાવ માટે ચાકુ હુલાવવું પડ્યું. કોઈ કોર્ટ આની સજા નહીં આપે. 

બ્રિજનો ગુનો તેના ખુદના માથે ભલે થોપાતો, શ્રાવણીના તારણહારનું માન-સન્માન પાછું અપાવીએ એ જ તેનું સાચું કન્યાદાન!’
શ્રવણી નવોઢાની જેમ શરમાઈ ગઈ. એ જ ઘડીએ આકુનો ફોન રણક્યો : 
‘શ્રાવણી ગજબ થઈ ગયો. દામોદરઅંકલે ઊંઘની દવાનો ઓવરડોઝ લઇ સુસાઇડ અટેમ્પ્ટ કર્યો છે - મૃત્યુનોંધ સાથે અંકલ પોતાનું ડાઇંગ ડેક્લેરેશન પણ લખતા ગયા છે...’
‘ડાઇંગ ડેક્લેરેશન!’ શ્રાવણીમાં સુનકાર છવાઈ ગયો, ‘હું આકુને તરછોડું નહીં એટલા ખાતર સત્યને ખુલ્લું કરવા અંકલ આટલી હદ સુધી ગયા? ધારો કે રેણુમાસી પાસે ફિલ્મનું પ્રૂફ ન હોત તો આ હરકત જ તેમનો પક્ષ માનવા પૂરતી ગણાત. 

‘તમે તેમને લઈ હૉસ્પિટલ પહોંચો આકુ...  આપણા બેઉના તારણહારને આપણે કાંઈ નહીં થવા દઈએ!’ 
અને શ્રાવણીની આંખો વરસી પડી.
lll

ચિ. આકાર-શ્રાવણી,
મારી સુસાઇડ-નોટ. બ્રિજની હત્યા બાબતનું વિસ્તૃત બયાન અલગથી લખ્યું છે. આ ટૂંકી નોંધમાં તમારા માટે એટલું જ કે મારા આ પગલાનો ખટકો ન રાખશો. બલકે તમારા ગઠબંધનમાં શ્રાવણી આને મારો કરિયાવર સમજે ને આકુ આશીર્વાદ. 
માની લઉં કે મારા ડાઇંગ ડેક્લેરેશન પછી શ્રાવણીને સત્યની સૂઝ થઈ જ હશે. હવે તો લાગે છે કે પૂર્વજન્મનું કોઈ લેણું રહ્યું હશે મારું શ્રાવણી સાથે. નાનપણમાં તેને ઉગારી, કદાચ એ જ પુણ્યે હું માર્ગ-અકસ્માતમાં મરતાં બચ્યો. આકુનો ભેટો થયો. આકુને કિડની આપી ત્યારે ક્યાં જાણ હતી કે હું ખરેખર તો શ્રાવણીનુ સૌભાગ્ય સાચવી રહ્યો  છું! ના, કશુંક કર્યાનો ઉપકાર નથી જતાવતો, કેવળ મારી સંતુષ્ટિ વ્યક્ત કરું છું. તમને કદાચ થાય કે બ્રિજના ખૂન બદલ મેં જાતને કાયદાને હવાલે કેમ ન કરી? આનો એક જવાબ એ કે બ્રિજની ખોરી દાનતનો પુરાવો પાસે હોત તો તેનું વહેશીપણું જાહેર કરવા કાનૂનનું શરણું લીધું પણ હોત. બાકી બ્રિજને મારીને મેં કશું ખોટું કર્યાનું હું માનતો નહોતો. મારી કરણીનો પસ્તાવો નહોતો, પછી સજા શાની! ખેર, જિંદગીના પલટાતા પ્રવાહે મામૂલી સ્વીપરને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો! અર્ણવસિંહ તરીકે સામાન્ય સંસારી બની રહ્યો હોત, આજે દામોદરના રૂપમાં હરિને વધુ નિકટ અનુભવું છું, વિધાતાના લેખને એટલે જ નતમસ્તક થાઉં  છું.  

આ પણ વાંચો: તારણહાર (પ્રકરણ ૩)

તમે બન્ને એક થઈને રહો એ જ મારી અંતિમ ઇચ્છા... 
લિ. દામોદર કહો કે અર્ણવના શુભાશિષ! 
હૉસ્પિટલના કૉરિડોરના બાંકડે બેઠી શ્રાવણી કંઈકેટલી વાર ચિઠ્ઠી વાંચી અશ્રૂ વહાવતી રહી. એમાં તારણહારને ઓળખી ન શક્યાનો પસ્તાવો પણ હતો અને તેમનાં ઉચ્ચ મૂલ્યોનો અહોભાવ પણ. તેમના સુસાઇડ અટેમ્પ્ટમાં પોકળતા નહોતી. વારંવાર માફી માગતી શ્રાવણીને આકુએ સંભાળી, બે હૈયાં વચ્ચે હવે કોઈ અણખટ, અનબનનો અવકાશ નહોતો. રેણુમાસી લાવેલાં એ કૅમેરામાં ફિલ્મ નિહાળીને ગતખંડ દીવા જેવો હતો. 
 ‘બસ, હવે અંકલના જીવનું જોખમ ટળી જાય!’ 
છેવટે એ ઘડી પણ આવી પહોંચી. આઇસીયુમાંથી બહાર નીકળતા ડૉક્ટરે ખુશખબર આપ્યા : ‘હી ઇઝ સેફ નાવ!’
‘હાશ...!’ 

સાંભળતાં જ આકુ-શ્રાવણી અંદર દોડ્યાં. શ્રાવણી અર્ણવસિંહને વળગી પડી : ‘હું મારા તારણહારને ઓળખી ન શકી. મને ક્ષમા કરશોને!’  
આકુ-શ્રાવણીના નિતાંત સ્નેહથી ભીંજાતા અર્ણવસિંહે ધન્યતા અનુભવી, ‘આ પણ મારા મહાદેવનો જ પ્રતાપ!’ 
કથાના ઉપસંહારમાં એટલું જ કે આકુ-શ્રાવણીનાં ધામધૂમથી લગ્ન થયાં. બ્રિજની ફિલ્મ પોલીસમાં જમા કરવા બાબત દામોદરભાઈએ જ મનાઈ કરેલી : ‘સત્ય આપણે લાગતાવળગતા જાણે એ પૂરતું છે. નાહક મૃત વ્યક્તિની છબિને શું કામ કલંકિત કરવી? અર્ણવસિંહને ગુપ્તવાસમાં જ રહેવા દો...’ ત્યારે સૌએ માનવું પડ્યું.
હા, આકુ-શ્રાવણીએ સોગંદ દઈને દામોદરભાઈને મુંબઈ રોકી રાખ્યા છે અને હવે તો આકુને ત્યાં પારણું બંધાવાનું હોવાથી તેમના સંતાનને રમાડવાનો પરમ આનંદ પણ 
માણવાનો છે! 

સમાપ્ત

columnists Sameet Purvesh Shroff