ગેરલાભ

03 February, 2023 11:56 AM IST  |  Mumbai | Rashmin Shah

‘પ્રભુ, તમે ડૉક્ટર જ છો... જુઓ તો ખરા.... તમારે ત્યાં પાણી પીધા પછી મારા પગ કેવા સીધા થઈ ગયા.’ કાનજીએ દુકાનમાં આવીને જગ હાથમાં લીધો, ‘પગ ઉપાડો જલદી, કાંતામાસીને તમારું આ ચમત્કારી પાણી પીવડાવો એટલે એ જલદી સાજાં થાય.’

ગેરલાભ

‘શાની લપ ચાલે છે?’ 
ઘરમાં દાખલ થતાં વેંત પપ્પાએ પૂછ્યું અને આ પૂછપરછનું કારણ પણ હતું. ફ્લેટનું ડોર ખુલ્લું હતો અને મમ્મી-ઢબ્બુ વચ્ચે ચાલતી લપ છેક બહાર સુધી સંભળાતી હતી. પપ્પાએ ઢબ્બુ સામે જોયું.
‘શું તોફાન કર્યાં આજે?’
‘એક પણ નહીં...’ પપ્પા એકધારું ઢબ્બુ સામે જોતા રહ્યા એટલે ઢબ્બુએ વધારે દૃઢતા સાથે કહ્યું, ‘ખરેખર... ઍન્જલ પ્રૉમિસ.’
‘હંમ...’ પપ્પાએ મમ્મી તરફ ઇશારો કર્યો, ‘આ અમસ્તી જ કચકચ કરે છે.’
‘હા... હૅબિટ...’

અનાયાસે જ ઢબ્બુના મોઢામાંથી નીકળી ગયેલા જવાબથી મમ્મીના ચહેરા પર સ્માઇલ આવી ગયું અને પપ્પા ખડખડાટ હસી પડ્યા. જોકે હસ્યા પછી પણ પપ્પાએ વાતની સિરિયસનેસ છોડી નહીં.
‘આજે હૅબિટ સાથે તે બોલતી હોય એવું નથી લાગતું. કંઈક તો કાંડ કર્યા હશે તેં.’
‘એને કાંડ ન કહેવાય પપ્પા.’ ઢબ્બુના બન્ને હાથ પીઠ પાછળ હતા, ‘ઇન્કમ કહેવાય...’
‘ઓહ... એવું છે!’ 
ઢબ્બુ પાસે ઉભડક બેસી પપ્પાએ ધીમેકથી તેના બન્ને હાથ આગળ લીધા. ઢબ્બુના બન્ને હાથમાં પેન્સિલ, ત્રણ ઇરેઝર અને વૅક્સ-કલર બૉક્સ હતાં.
‘ક્યાંથી આવી આ ઇન્કમ?’

‘હું કહુંને હવે?’ ઢબ્બુ જવાબ આપે એ પહેલાં જ મમ્મી તાડૂકી અને પપ્પાને કહ્યું, ‘હોમર્વક કરાવે છે બધાને અને જેને હોમવર્ક કરવું હોય એની પાસેથી તે આવી ચીજવસ્તુઓ લે છે...’
‘હંમ...’ પપ્પાએ ધીમેકથી હાથમાં રહેલી બધી ચીજ લીધી અને ઢબ્બુએ આપી પણ દીધી, ‘એ તો ખોટું કહેવાયને, આપણે કોઈને હેલ્પ કરીએ તો...’
‘હેલ્પ નથી. આ તો મારું વર્ક છે...’
‘ના, આને કામ ન કહેવાય. કામ કેવું હોય ખબર છે?’ ઢબ્બુને ખોળામાં લઈ પપ્પા કાઉચ પર બેઠા, ‘એ તો તમે બધું ભણવાનું પૂરું કરી જૉબ કે બિઝનેસ શરૂ કરો એને કામ કહેવાય. અત્યારે તો તું જે કોઈને કામ કરી આપે છે એ હેલ્પ છે અને હેલ્પ કરીએ તો થોડી આવી રીતે ચીજવસ્તુ કે પૈસા લેવાના હોય?’

‘એ તો મમ્મીએ જ શીખવ્યું છે મને.’ બૉમ્બ મમ્મી તરફ ફૂટ્યો એટલે મમ્મી મનોમન સહેજ બૅકફુટ થઈ, ‘મારી પાસે ઘરમાં કંઈ કામ કરાવવું હોય તો મમ્મી મને સામેથી પૈસા ઑફર કરે છે કે તું આ કરી દઈશ તો હું તને ટેન રૂપીઝ આપીશ.’
‘હા પણ એ તો તને પૈસાની વૅલ્યુ સમજાય એ માટેનું લેસન થયું...’ પપ્પાના જવાબથી મમ્મીને મનમાં હાશકારો થયો, ‘આવું લેસન તને મળ્યું એટલે તો તને ખબર પડી કે આપણે પૈસા વેડફવાના નહીં, એનું સેવિંગ્સ કરવાનું અને પછી ફેસ્ટિવલ આવે ત્યારે એ પૈસા સારી જગ્યાએ વાપરવાના.’
કાઉચ પર પપ્પાએ મૂકેલાં પેન્સિલ, ઇરેઝર અને કલર બૉક્સ હાથમાં લઈ ઢબ્બુએ તરત જવાબ આપ્યો,
‘આ પણ હું સારી જગ્યાએ જ વાપરીશ.’
‘પ્રૉમિસ?’

ઢબ્બુએ સહેજ વિચાર કર્યો અને પછી કલર બૉક્સ નીચે મૂકી દીધું.
‘આ બે સારી જગ્યાએ વાપરું તો ચાલે.’
નિર્દોષતા અને પ્રામાણિકતા એક સિક્કાની બે બાજુ રહી છે જે બન્ને બાજુ અત્યારે પપ્પાને સ્પષ્ટ દેખાતી હતી.
‘એક કામ કરીએ. શું કામ આવું બધું સારા કામ માટે વાપરવાનું એની તને સ્ટોરી કહું, સ્ટોરી પછી તું નક્કી કરજે કે તારે શું કરવું, રાઇટ?’
‘એકદમ રાઇટ.’ ઢબ્બુ ઑલમોસ્ટ ઊછળી પડ્યો, ‘સ્ટોરી અત્યારે જ...’
‘હા પણ કપડાં ચેન્જ કરતાં-કરતાં...’ મમ્મીએ બાપ-દીકરાને આદેશ આપી દીધો, ‘જાઓ જઈને તમે બે ચેન્જ કરો, ત્યાં હું ડિનર તૈયાર કરું.’
પપ્પાના ખોળામાંથી ઊતરી પપ્પાનો હાથ પકડી ઢબ્બુ આગળ ચાલ્યો.
‘સ્ટોરી સ્ટાર્ટ.’

ઢબ્બુની પાછળ દોરવાતાં પપ્પાએ સ્ટોરી શરૂ કરી દીધી.
‘એક નાનું ગામ હતું અને ગામમાં એક બહુ ઑનેસ્ટ કહેવાય એવો છોકરો હતો, નામ એનું દીપક...’ રૂમમાં દાખલ થયા પછી પણ પપ્પાની સ્ટોરી ચાલુ રહી, ‘ગામમાં દીપકનો પ્રોવિઝન સ્ટોર હતો. તે એકદમ રીઝનેબલ ભાવથી માલ વેચે અને ક્યારેક કોઈ પાસે પૈસા ન હોય તો વિશ્વાસ રાખીને તે તેને બાકીનો માલ પણ આપી દે. પેલો માણસ જો પછી પૈસા પાછા આપવા ન આવે તો દીપક જરા પણ દુખી ન થાય.’
lll

‘હરિ ઇચ્છા.’ દીપકે ભગવાન સામે જોયું, ‘તને લાગ્યું કે મારે એટલી નુકસાની સહન કરવાની હતી તો એ નુકસાની આપી દીધી ભગવાન... મને કોઈ વાંધો નથી.’
દીપકના આવા સ્વભાવના કારણે તેના ફૅમિલીથી માંડીને તેના ફ્રેન્ડ્સ બધા નારાજ રહે પણ દીપક પોતાની ઑનેસ્ટી છોડે નહીં. તે તો બધા પર વિશ્વાસ રાખે અને બધાને સાથ આપવા માટે તૈયાર રહે.
lll

એક દિવસ દીપક દુકાને બેઠો હતો ત્યાં એક ઘરડાં માજી આવ્યાં. દાદીમાની ઉંમરનાં એ બહેન દુકાન સુધી તો માંડ પહોંચ્યાં અને દુકાનની બાજુમાં રાખેલા મોટા ખાટલા પર ઢળી પડ્યાં. દીપક એ સમયે દુકાનમાં જ હતો અને કોઈ ગ્રાહક નહોતા. તેનું ધ્યાન આ દાદી પર હતું. દાદી જે રીતે ખાટલા પર પડ્યાં એ જોઈને દીપક ગભરાઈ ગયો. એ તરત જ પોતાની ગાદી પરથી ઊભો થયો અને દુકાનની બહાર આવ્યો. દાદી થોડી વાર એમ જ પડ્યાં રહ્યાં અને પછી માત્ર એટલું જ બોલ્યાં...
‘પાણી...’

આ ગામની સૌથી મોટી કફોડી હાલત જો કોઈ હતી તો એ કે એ ગામ કચ્છના રણની બિલકુલ બાજુમાં આવ્યું હતું. રણ હોવાના કારણે ન તો વરસાદ પડે અને ન તો જમીનમાંથી પાણી આવે. દૂર-દૂરથી લોકોએ પાણી ભરી લાવવું પડે.
‘પાણી...’
દીપક ઊભો થયો અને તે દરરોજ ઘરેથી જે જગમાં પાણી લઈ આવતો હતો એ જગ અને ગ્લાસ લઈને બહાર આવ્યો. દાદીને તેણે ગ્લાસમાં પાણી ભરી આપ્યું કે દાદી એકીશ્વાસે આખો ગ્લાસ પાણી પી ગયાં. 
‘હજી... આપ.’

દીપકે જગમાં જોયું, હવે અડધો જ જગ બાકી બચ્યો હતો અને તેણે રાત સુધી આ જગ પર જ કાઢવાનું હતું પણ દીપકને થયું કે મારા કરતાં આમને વધારે જરૂર છે. હું તો ગમે એમ કરીને દિવસ ખેંચી કાઢીશ.
દીપકે ફરી ગ્લાસ ભરવાનું શરૂ કર્યું પણ ત્યાં તો દાદીએ દીપકના હાથમાંથી જગ ખેંચી લીધો અને આખો જગ જ મોઢે માંડી દીધો. 
ગટ... ગટ... ગટ...
જગનું બધું પાણી માજી પી ગયાં. 

આ પણ વાંચો :  બેઈમાની

દીપક જોતો જ રહી ગયો પણ માજીના ચહેરા પર હવે સંતોષ આવી ગયો હતો અને તેમના જીવમાં જીવ પણ આવી ગયો હતો.
માજીએ દીપકના માથા પર હાથ મૂક્યો અને પ્રેમથી સ્માઇલ કરીને કહ્યું, ‘ભગવાન તારું ભલું કરે દીકરા, તરસને કારણે જીવ નીકળતો હતો. જો હજી થોડુંક પાણી હોય તો...’
દીપક ગ્લાસમાં પાણી કાઢતો હતો એટલે થોડું પાણી ગ્લાસમાં હતું.
કંઈ વિચાર કર્યા વિના દીપકે માજી સામે એ ગ્લાસ લાંબો કર્યો.
‘આટલું પાણી છે.’
‘થઈ જશે પૂરતું.’ 

માજી તો એ પાણી પણ પી ગયાં અને ગ્લાસ દીપકની સામે ધર્યો.
જગ અને ગ્લાસ લઈ દીપક ફરી દુકાનમાં ગયો અને એ બન્ને તેણે એની જગ્યાએ મૂક્યાં અને ફરી તે બહાર આવ્યો, પણ આ શું?
માજી ગાયબ!
હા, માજી ત્યાં હતાં જ નહીં. દીપકે આજુબાજુમાં જોયું પણ માજી ક્યાંય દેખાય નહીં, દીપક દોડતો રોડ પર આવ્યો પણ ત્યાં પણ ક્યાંય માજી નહીં.
માજી દેખાયાં નહીં એટલે દીપકને નવાઈ લાગી, પણ એના પર વધારે વિચાર કર્યા વિના દીપક તો ફરી પાછો દુકાનમાં આવી ગયો અને પ્રેમથી બેસી ગયો.
lll

‘એ ભગવાન હશે, જો જો...’
પપ્પાએ કપડાં ચેન્જ કરી લીધાં હતાં અને હવે તે ઢબ્બુને નાઇટ ડ્રેસ પહેરાવતા હતા.
‘મસ્ત પરચો તે દેખાડવાના છે.’ પપ્પાએ આંખો મોટી કરી એટલે ઢબ્બુએ વધારે સિરિયસ થઈને કહ્યું, ‘સાચે, એવું જ થવાનું. તમે જોજોને...’
‘હંમ...’ પપ્પાએ સ્ટોરી આગળ વધારી, ‘થોડી વાર થઈ ત્યાં તો દીપકની દુકાને કાનજી આવ્યો.’
lll

કાનજી ગામમાં જ રહેતો હતો. નાનપણમાં તેના પગમાં લકવા થઈ ગયો હોવાથી કાનજીનો એક પગ સહેજ ખોડંગાતો હતો.
‘આ લ્યો પ્રભુ.’ દુકાને આવીને કાનજીએ ચિઠ્ઠી દીપકને ધરી, ‘ભરી દ્યો માલ એટલે રવાના થાઉં...’
દીપકે તો લિસ્ટમાં નજર કરી. સાબુ, ચોખા, ધાણાજીરું અને એવો જ બીજો સામાન એ ચિઠ્ઠીમાં લખ્યો હતો. ચિઠ્ઠી જોતાં-જોતાં જ દીપકે માલ કાઢવાનું ચાલુ કર્યું એટલે કાનજીએ દુકાનની બહાર પડેલા પેલા ખાટલા પર બેઠક જમાવી.
‘એ શેઠ...’ થોડી વાર થઈ એટલે કાનજી ઊભો થયો, ‘જરાક પાણી પીવડાવો... તરસ લાગી છે.’
દીપકનું મોઢું નાનું થઈ ગયું.

‘કાનજીભાઈ, પાણી તો ખાલી થઈ ગયું છે આજે...’
‘શું કામ શેઠ, આવું ખોટું બોલવાનું...’ કાનજી ઊભો થઈ પોતાની ખોડંગાતી ચાલે દુકાનમાં આવ્યો, ‘આ જગ પડ્યો.’
‘હા, જગ છે પણ એમાં પાણી નથી, જો હોય તો મને શું વાંધો...’
દીપક હજી તો બોલવાનું પૂરું કરે એ પહેલાં તો કાનજીએ જગ અવળો કરી ગ્લાસ ભરવાનો શરૂ કર્યો અને ગ્લાસ ભરાયો પણ ખરો!
દીપક તો આ જોઈને હેબતાઈ ગયો.

આવું કેવી રીતે બને?

આ પણ વાંચો : ફ્રેન્ડશિપ

‘આ રહ્યું પાણી શેઠ.’ કાનજીએ દીપક સામે ગ્લાસ ધર્યો, ‘ઠંડુંગાર પાણી છે, ભલભલા તરસ્યાની તરસ છીપી જાય એવું.’
‘તો પીવોને કાનજીભાઈ, બધું પાણી તમારું...’ દીપકના પેટમાં પાપ તો હતું નહીં એટલે તેણે રાજી થઈને છૂટ આપી, ‘ખાલી કરી નાખો જગ...’
કાનજીએ તો પેટ ભરીને પાણી પીધું અને દીપક ફરી માલ કાઢવામાં લાગી ગયો.
બધો માલ નીકળી ગયો એટલે કાનજી થેલો લઈને રવાના થયો. જેવો તે જરા આગળ ચાલ્યો ત્યાં દીપકનું ધ્યાન ગયું કે કાનજી તો સામાન્ય માણસની જેમ સરખી રીતે ચાલતો હતો. એ નાનપણથી જ કાનજીને ઓળખતો એટલે તેને ખબર હતી કે કાનજીની ચાલ ખોડંગાય છે, પણ અત્યારે તે એકદમ સરખી રીતે ચાલતો હતો.
આવું કેવી રીતે બને?

દીપક ફરી મૂંઝાયો પણ તેણે મનોમન જવાબ શોધી લીધો.
- આવ્યો ત્યારે જ સરખી ચાલે આવ્યો હશે, મારું ધ્યાન નહીં હોય. બને કે તેણે કોઈ ડૉક્ટર પાસે સર્જરી કરાવી હોય. 
દીપકે ભગવાનના ફોટો સામે જોયું અને બે હાથ જોડ્યા,
‘બહુ સારું મારા વાલ્લા, આમ જ બધાને સુખી કર...’
ફરી દુકાનમાં રહેલી પોતાની ગાદી પર દીપક ગોઠવાઈ ગયો અને નવા ગ્રાહકની રાહ જોવા માંડ્યો પણ થોડી વારમાં ગ્રાહકને બદલે કાનજી જ દોડતો આવ્યો.
‘પ્રભુ, ચાલો જલદી...’ કાનજી હાંફતો હતો, ‘કાંતામાસીને ફીટ આવી છે, એ પડી ગ્યાં છે...’
‘હા પણ તો હું...’ દીપક મૂંઝાયો હતો, ‘ડૉક્ટરને લાવવા પડેને...’
‘પ્રભુ, તમે ડૉક્ટર જ છો... જુઓ તો ખરા.... તમારે ત્યાં પાણી પીધા પછી મારા પગ કેવા સીધા થઈ ગયા.’ કાનજીએ દુકાનમાં આવીને જગ હાથમાં લીધો, ‘પગ ઉપાડો જલદી, કાંતામાસીને તમારું આ ચમત્કારી પાણી પીવડાવો એટલે એ જલદી સાજાં થાય.’
lll

‘હવે તમે બેઉ પણ જલદી પગ ઉપાડો.’ રૂમના દરવાજે આવીને મમ્મીએ પપ્પા-ઢબ્બુને કહ્યું, ‘ડિનર ભૂખ્યું થયું છે.’
‘બે મિનિટ.’ 
ઢબ્બુએ રાબેતા મુજબ જ જીદ કરી પણ મમ્મીએ તરત ના પાડી દીધી.
‘બે સેકન્ડ પણ નહીં. હવે સ્ટોરી ડિનર પૂરું થાય એટલે...’
પપ્પાએ આંખના ઇશારે ઢબ્બુને ઊભા થવાનું કહ્યું એટલે ઢબ્બુ ઊભો થયો પણ સ્ટોરી માટેની તેની જીદ અકબંધ હતી.
‘જમી લીધા પછી તરત સ્ટોરી હં...’

વધુ આવતા શુક્રવારે

columnists Rashmin Shah