Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બેઈમાની

બેઈમાની

20 January, 2023 10:24 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘હા, આ સ્ટોરી...’ ઢબ્બુએ મમ્મીને પણ રાડ પાડીને બોલાવી લીધી, ‘તું પણ સાંભળ, બેઈમાનની પપ્પા સ્ટોરી કહે છે’

બેઈમાની

મૉરલ સ્ટોરી

બેઈમાની


‘માણસો બહુ હરામી થઈ ગયા છે... કોઈનો ભરોસો કરવા જેવો જ નથી રહ્યો.’ મમ્મી બરાબર અકળાયેલી હતી અને ઢબ્બુ ચૂપચાપ તેને સાંભળતો હતો, ‘જરાક વિશ્વાસ કરો એટલે તરત જાત દેખાડી દે.’
‘થયું શું મમ્મી?’ 
મમ્મી જરા શાંત થઈ એટલે ઢબ્બુએ પૂછ્યું. જોકે મમ્મીનું ધ્યાન તો હજી બધું શાક ડસ્ટબિનમાં ફેંકવામાં જ વ્યસ્ત હતું.
‘તને પૂછું છું, શું થયું?’
‘અરે શાકવાળો...’ મમ્મીના ટોનમાં ખીજ અકબંધ હતી, ‘ઑર્ડર આપીને હું પ્રોવિઝન સ્ટોરમાં ગઈ એમાં બધું ખરાબ શાક આપી દીધું.’
‘એ તો બિચારાને નહીં ખરાબ હોય કે વેજિટેબલ્સ બગડી ગયાં હશે.’
‘એવું ન હોય... બધી ખબર જ હોય.’ મમ્મીને શાકવાળા પર બરાબરનો ગુસ્સો હતો, ‘હું નહોતી એનો લાભ લીધો. આવવા દે હવે એને નેક્સ્ટ ટાઇમ...’
આવવા દે... બસ, ઢબ્બુએ પણ આ જ શબ્દો પકડી લીધા અને પપ્પાની રાહ જોતાં તેણે ફરી બુક પર ધ્યાન આપ્યું. રિચીરિચની કૅલિફૉર્નિયા જર્ની આગળ વાંચતાં-વાંચતાં જ તેને મનમાં વિચાર પણ આવી ગયો કે આ વખતે પપ્પાને અકબર-બીરબલની સ્ટોરી બુક્સ લાવવાનું કહેવું છે. 
- એ આવશે તો હું બીરબલ જેવો સ્માર્ટ થઈ જઈશ. રિચ તો કોઈ સ્માર્ટનેસ પણ દેખાડતો નથી.
lll

‘હવે સ્ટોરી...’ ઢબ્બુએ સ્ટોરીનો સબ્જેક્ટ પણ કહી દીધો, ‘આજે ડિસઑનેસ્ટી પર કહેજો હોં...’
‘કેમ એની સ્ટોરી?’ પપ્પાને નવાઈ લાગી, ‘તારી સાથે કોણે ડિસઑનેસ્ટી કરી?’
‘મારી નહીં, મમ્મી સાથે...’ ઢબ્બુએ મમ્મી સામે જોયું, ‘બધા જુઓને ડિસઑનેસ્ટ જ છેને આપણે ત્યાં...’
‘ના.’ પપ્પાએ સુધારો કર્યો, ‘ઑનેસ્ટ એ જ છે, જેને ડિસઑનેસ્ટી કરવાનો ચાન્સ નથી મળ્યો અને આ રિયલિટી છે. બાકી, સાચો ઑનેસ્ટ એ કે જેને પૂરેપૂરી તક મળે તો પણ પોતાની ઑનેસ્ટી ન છોડે.’



‘હા, આ સ્ટોરી...’ ઢબ્બુએ મમ્મીને પણ રાડ પાડીને બોલાવી લીધી, ‘તું પણ સાંભળ, બેઈમાનની પપ્પા સ્ટોરી કહે છે.’
મમ્મીનો મૂડ હજી પણ ખરાબ હતો, પણ કામ કંઈ બાકી નહોતું એટલે તે કાઉચ પર ગોઠવાઈ અને પપ્પાએ સ્ટોરી શરૂ કરી.
‘સ્ટોરી છે અકબર અને બીરબલની...’
ઢબ્બુ ઊછળી પડ્યો.
‘અરે મારા માટે અકબર-બીરબલની બુક્સ લઈ આવજોને... મારે એ વાંચવી છે.’ પપ્પાએ હા પાડી કે તરત જ ઢબ્બુએ કહ્યું, ‘અત્યારે કન્ટિન્યુ કરી દો આ સ્ટોરી...’
‘અકબર જ્યારે પણ ફ્રી પડે ત્યારે બીરબલ સાથે વાતો કરવા બેસે. બીરબલ હતો જ એવો કે તેની સાથે વાત કરવી અકબરને બહુ ગમે. અકબર કહેતા પણ ખરા કે બીરબલ સાથે વાતો કરવાથી બુદ્ધિમત્તા અને જ્ઞાન વધે છે.’ પપ્પાએ સ્ટોરી કન્ટિન્યુ કરી, ‘એ દિવસે અકબર-બીરબલની વાતનો ટૉપિક હતો ઈમાનદારી.’
lll


‘ઈમાનદારી દરેકમાં હોય જ... ભાગ્યે જ કોઈ એવું હોય જે ઈમાનદારી છોડતું હશે.’ અકબરે કહ્યું, ‘બધા સામાન્ય રીતે ઈમાનદારી જ દાખવતા હોય છે અને ઈમાનદારી જ ફૉલો કરતા હોય છે.’
‘જહાંપનાહ, માફી...’ બીરબલે નમ્રતા સાથે કહ્યું, ‘એવું નથી હોતું. ઈમાનદારી મજબૂરી છે. જ્યારે પણ અને જ્યાં પણ તક મળે ત્યારે માણસનું મન તેને બેઈમાની તરફ ખેંચી જવાનું કામ કરે જ છે અને મોટા ભાગના માણસ ખેંચાઈ પણ જાય છે.’
‘ખોટી વાત... હું નથી માનતો.’ અકબરે કહ્યું, ‘તમે જુઓ, રાજનું ફરમાન હોય છે તો કેવા લોકો દરેક વાતને ઈમાનદારી સાથે આગળ 
વધે છે.’
‘ફરમાન હોય છે એટલે... વાત જો ફરમાન વિનાની હોય અને એ પછી પણ માણસ એટલી જ ઈમાનદારી સાથે આગળ વધે તો એ મહત્ત્વનું કહેવાય.’ બીરબલ મધ્ય માર્ગ સાથે વાત સમજાવવાનો પ્રયાસ કર્યો, ‘જો ફરમાનમાં પણ છટકબારી દેખાય તો માણસ બેઈમાની કરવા માટે પ્રેરાઈ જઈ શકે છે...’
‘સાબિત કરીને દેખાડ બીરબલ, તો તારી વાત સ્વીકારું...’ અકબરે તરત જ પોતાનો જૂનો અનુભવ પણ કહી દીધો, ‘કૂવામાં બધાએ એક લોટો દૂધ નાખવાનો છે એ વાત મને યાદ છે, કૂવો ખાલી રહ્યો હતો. આ વખતે તું છટકબારી સાથે દાખલો દેખાડે તો માનું...’
‘જહાંપનાહ, કરીએ, એ પણ કરીએ...’ બીરબલે અકબર સામે હાથ જોડ્યા, ‘બસ, માત્ર તમારે થોડો સાથ આપવાનો છે...’
અકબર તો તૈયાર જ હતા.

lll


બીરબલના કહેવાથી અકબરના દરબારમાંથી દિલ્હીવાસીઓ માટે ફરમાન જાહેર કરવામાં આવ્યું.
‘સાંભળો, સાંભળો, સાંભળો...’ ઢોલ પીટતાં સૈનિકો શહેરભરમાં ફરી વળ્યા, ‘શહેનશાહ અકબરનો આદેશ છે, ગામની વચ્ચે જે કૂવો છે એ વર્ષોથી ખાલી છે. એ કૂવાને હવે આપણે સૌએ દૂધથી ભરવાનો છે...’
લોકો તો બધા એકબીજાની સામે જોતા રહ્યા. તેમને યાદ હતું કે અગાઉ આવું જ એક ફરમાન આવ્યું હતું, જેમાં એક કૂવામાં સૌકોઈએ એક લોટો દૂધ રેડવાનું હતું અને કોઈએ એ કામ કર્યું નહીં એટલે એ કૂવો ખાલી રહી ગયો. ખાલી કૂવાને જોઈને અકબર બરાબરના ગિન્નાયા હતા અને તેમણે એ વર્ષ બેવડી લગાન લેવાનો આદેશ આપ્યો હતો.
lll

‘લગાન એટલે ટૅક્સને?’ પપ્પાએ હા પાડી એટલે ઢબ્બુએ સ્ટોરી કન્ટિન્યુ કરાવી, ‘ડબલ લગાનનો ઑર્ડર કર્યો હતો... પછી?’
‘એ તો એ સમયે બીરબલે શહેનશાહને મનાવ્યા એટલે અકબરે પોતાનો ઑર્ડર પાછો લીધો અને દિલ્હીના લોકો ડબલ ટૅક્સમાંથી બચી ગયા.’ પપ્પાએ સ્ટોરી આગળ વધારી, ‘જેણે પણ આદેશ સાંભળ્યો એ સમજી ગયા હતા કે જો આ વખતે એ લોકો દૂધ નહીં રેડવા જાય તો અકબર હવે તો ચારથી પાંચગણી લગાન લગાવશે અને બીજો પણ કોઈ દંડ કરે, પનિશમેન્ટ આપે એવું પણ બને...’
lll

સાંજ સુધીમાં તો આખા દિલ્હીમાં ઢંઢેરો પીટી દેવામાં આવ્યો અને બધા સુધી સમાચાર પહોંચી ગયા કે આવતી કાલ સવાર સૌથી પહેલું કામ કૂવામાં એક લોટો ભરીને દૂધ રેડવાનું છે. બધા તૈયાર થઈ ગયા કે કાલ તો કોઈ હિસાબે ચૂકવું નથી અને કોઈ પણ ભોગે પહેલાં જઈને લોટો રેડી દેવો છે.
બીજા દિવસે સવારે લોકો તો પહોંચી ગયા ખાલી કૂવા પાસે. સોશ્યલ ડિસ્ટન્સ પાળવાનું હતું એવું તો પહેલેથી જ જાહેર કરવામાં આવ્યું હતું.
lll

‘કોરોના ત્યારે પણ હતો?’
ઢબ્બુનો સવાલ વાજબી હતો.
‘ના, બીરબલની શરત હતી અને એ શરત અકબરે માન્ય રાખી હતી.’
‘હંમ...’ ઢબ્બુને જવાબ મળી ગયો, ‘પછી?’
‘ખાલી કૂવા પાસે લાંબી લાઇન લાગી ગઈ હતી. એટલી લાંબી કે દૂર-દૂર સુધી લોકો ઊભા હતા અને એમાં પણ પાછું સોશ્યલ ડિસ્ટન્સ પણ હતું એટલે એ રીતે પણ એ લાઇન બહુ લાંબી હતી...’

lllઆ પણ વાંચો :  ફ્રેન્ડશિપ

વહેલી સવારથી કૂવામાં દૂધ રેડવાની પ્રક્રિયા છેક બીજી રાત સુધી ચાલુ રહી. લોકોએ ક્યાંય કોઈ જાતની બેઈમાની કરી નહીં અને દિલ્હીની હદમાં રહેતા તમામેતમામ લોકો કૂવા પાસે જઈને ઘરેથી લઈ આવેલો કળશ ખાલી કરી આવ્યા.
એક વખત તો શહેનશાહ અકબર પણ બીરબલને લઈને જોવા માટે આવ્યા. લાંબી લાઇન જોઈને શહેનશાહ ખુશ થઈ ગયા. તેણે ત્યારે જ બીરબલને એ લાઇન દેખાડી.
‘જો બીરબલ, છેને લોકો ઈમાનદાર?’
‘હા, જહાંપનાહ...’ બીરબલે નમ્રતા સાથે કહ્યું, ‘દેખાય તો એવું જ છે.’ 
‘માની લે હાર...’ અકબરે તલવાર ખેંચી, ‘કબૂલે છેને તું હારી ગયો?’
lll

‘કેમ તલવાર?’ ઢબ્બુને તરત જ સવાલ થયો, ‘બીરબલને મારવા માટે?’
‘હા...’ પપ્પાએ કહ્યું, ‘અકબર જ્યારે પણ બીરબલની પરીક્ષા લેતા ત્યારે તેની પાસે એક શરત મૂકતા કે જો તું ખોટો પડ્યો તો તારું માથું ઉતારી લઈશ...’
‘હાય, હાય...’ ઢબ્બુએ ડિટ્ટો મમ્મી જેવું રીઍક્શન આપ્યું, ‘બીરબલ તો કેટલો બેસ્ટ છે, એને થોડો મારવાનો હોય...’
‘મારવાનો હોય પણ નહીં અને બીરબલ એમ મરવાનો પણ નથી...’ પપ્પાએ સ્ટોરીને આગળ વધારતાં કહ્યું, ‘જ્યારે અકબરે બીરબલને કહ્યું કે તે હાર સ્વીકારી લીધી કે તરત જ બીરબલે ના પાડી હતી. બીરબલે કહ્યું...’
lll

‘જહાંપનાહ, હજી મારી વાત પૂરી નથી થઈ. મેં તમને કહ્યું હતું કે આખો કૂવો ભરાઈ જાય એટલે આપણે ફરી અહીં પાછા આવીશું અને ત્યાર પછી નક્કી કરીશું કે લોકો ઈમાનદાર હોય છે કે પછી તેને તક નથી મળતી એટલે તે ઈમાનદારી દાખવે છે.’
‘અરે, શું તું પણ બીરબલ...’ અકબરે તલવાર ફરી મ્યાનમાં મૂકી, ‘હવે તો આ બીજો દિવસ પણ પૂરો થવામાં છે. કાલે સવારે બધા દૂધ રેડી દેશે એટલે ખબર પડી જ જવાની છે કે હું સાચો છું...’
‘તમે સાચા પડો એ મને ગમશે જહાંપનાહ...’ બીરબલે ગરદન ઝુકાવી, ‘એ સમયે હું ખુશી-ખુશી તમારી સામે ગરદન ઝુકાવીને ઊભો રહી જઈશ.’
‘આ વખતે એ ગરદન હું ઉતારી જ લેવાનો છું.’
‘હું ખોટો પડું પછીને?’ 
બીરબલે હસતાં-હસતાં ચોખવટ કરી અને અકબરે પણ સ્માઇલ સાથે હામી ભણી.
lll

એ રાત બીરબલની વાઇફ માટે બહુ ટેન્શનવાળી હતી, કારણ કે તેણે પણ જોયું હતું કે આખું દિલ્હી જઈને કૂવો ભરી આવ્યું છે. તેને પણ ખબર હતી કે બીરબલ દર વખતે અકબર પાસે એ વાત પર તૈયાર થઈ જતો કે પોતે ખોટો પડે તો માથું ઉતારી લેવાનું. હવે આવી વાત સાંભળીને કઈ વાઇફ શાંતિથી રહી શકવાની?
‘સાચું જ છેને, મમ્મી પણ શાંત ન રહે...’ ઢબ્બુએ મમ્મી સામે જોયું, ‘હેંને મમ્મી?’
શાકવાળાની છેતરપિંડી પછી મમ્મીનો મૂડ સવારથી ખરાબ હતો પણ ઢબ્બુના આ સવાલે મમ્મીને પણ ખડખડાટ હસાવી દીધી. અલબત્ત, ઢબ્બુનો જીવ તો સ્ટોરીમાં અટવાયેલો હતો. બીરબલ જીવશે કે મરશે એ વાત હવે તેના માટે મહત્ત્વની થઈ ગઈ હતી.
‘પછી શું થયું?’
‘વાઇફ બિચારી આખી રાત ભગવાનનું નામ લેતી બેસી રહી અને બીરબલ તો શાંતિથી સૂઈ ગયો. તેને કોઈ વાતનું ટેન્શન નહોતું.’
lll

બીજા દિવસની સવાર પડી એટલે બીરબલ તો તૈયાર થઈને સીધો પહોંચી ગયો અકબર બાદશાહના મહેલ પર. અકબર પણ તૈયાર જ બેઠા હતા. બીરબલને આવેલો જોઈને તેણે તરત જ બીરબલને આવકાર્યો અને પૂછી લીધું.
‘રાતે કોઈ કરામત તો નથી કરીને તેં?’
‘જહાંપનાહ, બેઈમાનની વાતમાં ઈમાનદારી અકબંધ રહેવી જોઈએ.’ બીરબલે ચોખવટ પણ કરી, ‘તમને હતું કે હું ખોટું કરીશ એટલે તો કૂવા પર ચોકીદારો પણ બેસાડી દીધા હતા. જાણે હું એક રાતમાં આખો કૂવો પી જવાનો હોઉં...’
‘સ્માર્ટ...’ અકબર ઊભા થયા, ‘બધી માહિતી રાખે છે.’
‘માહિતી રાખતો નથી, માહિતી મળે છે...’ બીરબલે પ્રેમથી કહ્યું, ‘કારણ કે મારા ચાહનારા વધારે છે.’
‘હંમ...’ અકબર આગળ આવ્યા, ‘ચાલો જઈએ...’
અકબર આગળ અને બીરબલ પાછળ. બન્ને થયા રવાના.

જેવા બન્ને પેલા કૂવા પાસે પહોંચ્યા કે તરત જ અકબરે બીરબલને કહ્યું,
‘હજી કહું છું, માફી માગી લે. છોડી દઈશ...’
‘જહાંપનાહ, મારાથી તો આ શબ્દો તમને કહી નહીં શકાયને?’
અકબરને બરાબરનો ગુસ્સો આવ્યો પણ તેણે ગુસ્સો કાબૂમાં રાખીને કૂવા તરફ પગ ઉપાડ્યા અને કૂવો જોઈને તે હેબતાઈ ગયા.
કૂવો આખો ભરેલો હતો, પણ પાણીથી.
‘કહ્યું હતુંને તમને...’ બીરબલે સ્મિત સાથે કહ્યું, ‘આપનો આદેશ હતો કે કૂવામાં દૂધ ભરવાનું છે પણ બધાને એમ લાગ્યું કે હું એક જણ એમાં પાણી નાખીશ તો શું ફરક પડવાનો છે... આગળવાળો કે પાછળવાળો પાણી લઈને આવ્યો છે કે દૂધ, એની ખબર ન પડે એટલે સોશ્યલ ડિસ્ટન્સ રખાવ્યું હતું પણ જહાંપપાહ, જેવી તક બેઈમાનીની મળી કે તરત લોકોએ બેઈમાની કરી લીધી. અગાઉની પેલી વાત પરથી તેમને એટલી ખબર હતી કે કૂવામાં કંઈક તો રેડવું જ પડશે નહીં તો બાદશાહ સજા કરશે એટલે આવ્યા બધા પણ બધેબધા પાણી લઈને આવ્યા. એવું ધારીને કે હું દૂધ નહીં નાખું તો શું ખબર પડવાની...’
lll

મૉરલ ઑફ ધ સ્ટોરી...’ પપ્પાએ સ્ટોરીનું સમાપન કરતાં કહ્યું, ‘બેઈમાની ઇચ્છા મુજબ થતી હોય છે અને ઈમાનદારી સ્વભાવ મુજબ. જો તમે ઑનેસ્ટી રાખવાનો સ્વભાવ રાખો તો કોઈ તમને એમાંથી ચેન્જ ન કરી શકે...’
‘યસ, હું એ જ મારો નેચર રાખીશ. ઑનેસ્ટી ક્યારેય નહીં છોડું.’

સંપૂર્ણ

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2023 10:24 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK