Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફ્રેન્ડશિપ

ફ્રેન્ડશિપ

13 January, 2023 12:38 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ઢબ્બુએ વાત શરૂ કરી, ‘મેં સનીને કહ્યું કે મારી ફૅમિલીની હાલત જોતાં મને એવું લાગે છે કે એ લોકો મારા એજ્યુકેશન અને એને લગતા ખર્ચ માટે ખરેખર બહુ ખેંચાઈ જાય છે તો મને લાગે છે મારે એવું કંઈક કામ શરૂ કરવું જોઈએ જેથી મારી ફૅમિલીને સપોર્ટ મળે...’

ફ્રેન્ડશિપ મૉરલ સ્ટોરી

ફ્રેન્ડશિપ


સની અને ઢબ્બુ ઝઘડીને, ના, મારામારી કરીને ઘરે આવ્યા હતા અને બન્નેમાંથી કોઈની મમ્મીને એ બન્નેના ઝઘડાનું કારણ ખબર નહોતી પડી. બેસ્ટ ફ્રેન્ડ સાથે ઝઘડો અને એ પણ છેક મારામારી સુધી પહોંચે એવો ઝઘડો! દોસ્તે ક્યારેય એકબીજા સાથે લડવું ન જોઈએ એ વાત સમજાવવા માટે પપ્પાએ ઢબ્બુને સ્ટોરી કહેવાની શરૂ કરી હતી.
પપ્પાની સ્ટોરીમાં બે બેસ્ટ ફ્રેન્ડની જ વાત હતી. બન્નેનાં નામ પણ પપ્પાએ સની અને ઢબ્બુ જ આપ્યાં હતાં. એ સ્ટોરીમાં પણ બન્ને બેસ્ટ ફ્રેન્ડ એક દિવસ એવો ઝઘડો કરે છે કે આખા ગામના લોકોને નવાઈ લાગે છે કે આટલા બેસ્ટ ફ્રેન્ડ કેવી રીતે આમ મારામારી પર ઊતરી ગયા.
બન્ને ફ્રેન્ડને ગામના પંચે બોલાવ્યા અને તેમને પૂછ્યું કે શું થયું હતું તમારી વચ્ચે કે તમે તમારી દોસ્તી ભૂલીને મારામારી પર ઊતરી આવ્યા.
બન્ને ફ્રેન્ડ ચૂપ રહ્યા અને પંચ ગુસ્સે થયું.

lll
‘જાહેરમાં લડવામાં તો શરમ નહોતી આવતી, હવે જવાબ આપવામાં શરમ આવે છે?!’ પંચે ઢબ્બુ-સનીની સામે જોયું, ‘તમે બેઉએ જે વર્તન કર્યું છે એ વાજબી નથી જ નથી. તમારી ફ્રેન્ડશિપની વાતો કરતાં આખું ગામ ખુશ થતું હતું અને એ પછી પણ તમે તમામ પ્રકારની શેહશરમ છોડીને આ રીતે જાહેરમાં ઝઘડો...’
પંચના અન્ય એક સભ્યએ તરત જ સુધારો કર્યો...
‘ઝઘડો નહીં, મારામારી...’
‘રાઇટ...’ પહેલા સભ્યએ પણ તરત જ કરેકશન કર્યું, ‘અત્યારે બોલવામાં શરમ આવે છે પણ જાહેરમાં મારામારી કરતાં શરમ ન આવી...’ ‘જલદી કહો...’ કડક અવાજ સાથે પંચના પાંચેપાંચ સભ્યોએ એકઅવાજે વાત દોહરાવી, ‘શું થયું હતું તમારા બન્ને વચ્ચે...’ ‘અમે બન્ને એ દિવસે એમ જ નિરાંતે બેઠા હતા...’ ઢબ્બુએ વાત શરૂ કરી, ‘મેં સનીને કહ્યું કે મારી ફૅમિલીની હાલત જોતાં મને એવું લાગે છે કે એ લોકો મારા એજ્યુકેશન અને એને લગતા ખર્ચ માટે ખરેખર બહુ ખેંચાઈ જાય છે તો મને લાગે છે મારે એવું કંઈક કામ શરૂ કરવું જોઈએ જેથી મારી ફૅમિલીને સપોર્ટ મળે...’
‘વાત એકદમ બરાબર છે...’ પંચમાંથી એક સભ્ય બોલ્યો, ‘આમાં ઝઘડાની વાત ક્યાં આવી?’
‘એ જ તો કહું છું સાહેબ તમને...’ ઢબ્બુએ વાત આગળ વધારી, ‘મારી વાત સાંભળીને સની પણ ઍગ્રી થયો.’
lll



‘એકદમ સાચી વાત છે ઢબ્બુ તારી...’ સનીએ ફ્રેન્ડ ઢબ્બુને કહ્યું, ‘મને પણ એવું લાગે છે કે આપણે કંઈક એવું કામ કરવું જોઈએ જેથી આપણી ફી અને ટ્યુશનના પૈસા આપણે આપણી જ મહેનતથી કાઢી લઈએ...’
‘હા યાર...’ ઢબ્બુએ સની સામે જોયું, ‘ખરેખર આપણી ફૅમિલી બહુ હેરાન થાય છે એ બાબતમાં...’
lll


પંચના પાંચેપાંચ મેમ્બરોએ ફરી એક વાર એકબીજાની સામે જોયું. તેમને નવાઈ એ વાતની લાગતી હતી કે બન્ને ફ્રેન્ડ એકબીજાની વાત સાથે સહમત થયા તો પછી ઝઘડો કઈ વાતનો થયો અને શું કામ થયો?
સ્પષ્ટ ભાઈબંધી દેખાય છે, બન્નેને એકબીજાની વાત સમજાય છે અને સમજાય છે એટલું જ નહીં; બન્ને એકબીજાની વાત સાથે સંપૂર્ણ સહમત થાય છે તો પછી મારામારી સુધી વાત પહોંચી કેવી રીતે?
‘પછી શું થયું?’ પંચે પૂછ્યું, ‘મારામારી સુધી તમે કેમ પહોંચી ગયા?’
ઢબ્બુએ વાત આગળ વધારી.
‘મેં સનીને કહ્યું કે આપણે એવું કંઈક કરીએ જેથી આપણે આપણા ખર્ચ પૂરતી ઇન્કમ ઊભી કરી લઈએ...’
lll

‘રાઇટ...’ સની ફરીથી સહમત થયો, ‘ઇન્કમ ઊભી થશે તો આપણી ફૅમિલીને રાહત થશે અને જો એ રાહત થઈ તો એ લોકોએ વધારે હેરાન નહીં થવું પડે.’
‘ઇન્કમ માટે કરવું શું આપણે?’ ઢબ્બુએ પૂછ્યું, ‘એવું કંઈક કરવું જોઈએ જેથી આપણી પાસે સમય પણ બચે અને આપણે આપણું ભણવાનું પણ ચાલુ રાખી શકીએ...’
‘હા, ઓછામાં ઓછો સમય આપણો કામમાં જાય એવું કામ હોય તો મજા પડી જાય...’ સની ફરી એક વાર ઢબ્બુની વાત પર સહમત થયો, ‘આપણે સારા માર્ક્સે પાસ થઈને ફૅમિલીને પ્રાઉડ પણ આપવાનું છે...’
ઢબ્બુ ચૂપ રહ્યો. તેના મનમાં કામને લગતા વિચારો આવવા માંડ્યા હતા. એવું તે કયું કામ છે જે કરવામાં પૈસા સારા મળે અને સમય ઓછો ઇન્વેસ્ટ થાય.
‘આઇડિયા...’ અચાનક ઢબ્બુ ઉછળ્યો, ‘મને બેસ્ટ આઇડિયા મળી ગયો.’


‘શું?’
‘હું બે ભેંસ ખરીદીશ...’ ઢબ્બુએ મનમાં આવેલી વાત કહી, ‘બન્ને ભેંસને દિવસમાં એક વાર ચરાવવા લઈ જવાની. ચરાવવા માટે લઈ જઈશ ત્યારે સાથે બુક્સ પણ લેતો જઈશ. ભેંસ ખાઈ લેશે એટલી વાર હું વાંચીશ અને પછી એમને ઘરે મૂકીને હું સ્કૂલે આવી જઈશ. સાંજે ઘરે જઈને બન્ને ભેંસને દોહી એ દૂધ બજારમાં વેચી આવીશ... ઇન્કમ શરૂ થઈ જશે અને ઓછામાં ઓછો સમય ઇન્વેસ્ટ થશે.’

‘હા યાર, બેસ્ટ આઇડિયા છે.’ સનીએ ઢબ્બુ સામે જોયું, ‘મારા માટે પણ કંઈક આવું વિચારને, જેથી મને પણ ઓછામાં ઓછા ટાઇમમાં બેસ્ટ ઇન્કમ થાય.’
‘હં...’ ઢબ્બુએ કહ્યું, ‘વિચારું છું અને તું પણ વિચાર. આવો જ કોઈક આઇડિયા આપણને મળી જશે.’
બન્ને ફ્રેન્ડ ફરી વિચારવા લાગ્યા અને એકબીજાને મનમાં આવતા આઇડિયા પણ શૅર કરવા લાગ્યા. જોકે એ આઇડિયામાં મજા આવતી નહીં એટલે નવેસરથી વિચારતા. વિચારોની આપ-લેની આ પ્રક્રિયામાં અચાનક જ સનીને વિચાર આવ્યો અને તે ખુશ થઈને ઊછળી પડ્યો.
‘મળી ગ્યો બેસ્ટ આઇડિયા...’ સનીએ ઢબ્બુને રીતસર ઝંઝોળી નાખ્યો, ‘હું અમારા ઘરની પાછળના મેદાનમાં ખેતી કરીશ. એમાં સરસ-સરસ પાક ઉગાડીશ અને એનું ધ્યાન રાખીશ. વરસાદ તો દર વર્ષે આપોઆપ આવી જ જાય છે અને સારો આવે છે એટલે વરસાદ થશે ત્યારે પાક ઊગશે અને પછી એને વેચીને હું પૈસા કમાઈ લઈશ.’
‘બેસ્ટ આઇડિયા છે...’ ઢબ્બુએ તરત જ સજેશન આપ્યું, ‘તું એમાં એવું ઉગાડજે જેનું ઓછામાં ઓછું ધ્યાન રાખવું પડે.’

lll આ પણ વાંચો :  ફ્રેન્ડશિપ

પંચને ખરેખર નવાઈ લાગતી હતી કે આ બન્ને ફ્રેન્ડ એકધારા એકબીજા સાથે સહમત થઈ રહ્યા છે અને એ પછી પણ બન્ને ઝઘડી પડ્યા છે.
‘તમારા ઝઘડાનું કારણ શું?’
‘અત્યાર સુધીની તમારી વાત સાંભળીને તો એવું જ લાગે છે કે આવી નીતિ તો અમારે મોટા લોકોએ પણ રાખવી જોઈએ.’
‘એક્ઝૅક્ટ્લી...’ પંચના મુખ્ય મેમ્બરે તરત જ પૂછ્યું, ‘સારી વાત અને સાચી વાત કરતાં-કરતાં તમે ઝઘડી કેમ પડ્યા?’
ઢબ્બુએ સની સામે, સનીએ ઢબ્બુ સામે જોયું અને પછી સની બોલ્યો...
‘આણે મારા ખેતરમાં ભેંસ છૂટી મૂકી દીધી એટલે...’
કોઈને કંઈ સમજાયું નહીં એટલે બધાએ વિગતે વાત કરવાનું કહ્યું.
વાતની શરૂઆત હવે સનીએ કરી.
‘મારા ખેતરમાં કયો પાક લેવો એની વાત ચાલી હતી એમાં ઢબ્બુએ સજેશન આપ્યું કે મારે ખેતરમાં બાજરી વાવવી જોઈએ...’
lll

‘હા યાર, બેસ્ટ આઇડિયા છે.’ સની ખુશ થઈ ગયો, ‘મેં સાંભળ્યું છે કે બાજરીના પાકનું બહુ ધ્યાન પણ નથી રાખવું પડતું. ઓછામાં ઓછી મહેનત, ઓછામાં ઓછો ખર્ચ અને વધુમાં વધુ પાક... ઢબ્બુ મસ્ત આઇડિયા આપી દીધો તે.’
‘બીજું પણ સાંભળ...’ ઢબ્બુએ પોતાના આઇડિયામાં નવો ઉમેરો કર્યો, ‘બાજરીની બે લાઇનની વચ્ચે મકાઈ વાવી દેજે. બાજરીમાં વધારે પાણી પીવડાવી દીધું હોય તો મકાઈ એ પાણી ચૂસી લે અને મકાઈનું તો એવું છે કે એને જેટલું પાણી આપો એ બધું એ પી જાય અને એનો ક્રોપ બગડે પણ નહીં.’
‘વાહ, સુપર્બ સજેશન.’
ખરેખર સની ઢબુ પર આફરીન થઈ ગયો.
‘હવે આપણા બેઉનાં કામ પાક્કા થઈ ગયાં. તારે દરરોજ સવારે ભેંસ લઈને એને ચરાવવા માટે નીકળી જવાનું. તું ચરાવીને પાછો આવશે એટલી વારમાં હું આરામથી ખેતીનું કામ પતાવી લઈશ...’

આ પણ વાંચો : પરફ્યુમ (પ્રકરણ ૪)

‘એ તો શરૂઆતનો એકાદ મહિનો જને...’ ઢબ્બુએ હસતાં-હસતાં જવાબ આપ્યો અને પછી ઉમેર્યું, ‘મહિના પછી તો મારે ભેંસ લઈને ચરાવવા પણ નહીં જવું પડે. તારું ને મારું ઘર બાજુ-બાજુમાં જ છે. હું મારી બેઉ ભેંસની છૂટી મૂકી દઈશ એટલે એ બાજરીની સુગંધ લઈને સીધી આવી જશે તારા ખેતરમાં...’
‘ખબરદાર...’ સની ઉશ્કેરાયો, ‘જો ભૂલથી પણ તેં તારી ભેંસ મારા ખેતરમાં ચરવા માટે મોકલી છે તો...’
‘તો શું?’ ઢબ્બુ પણ ઉશ્કેરાયો, ‘મારી ભેંસ છે, જ્યાં ચરાવવી હોય ત્યાં ચરાવું. તું મને કેમ રોકી શકે?’
‘કેમ રોકી શકું એટલે?!’ સની ઊભો થઈ ગયો, ‘મારું ખેતર છે. એમાં કોઈ બહારનાને અંદર આવવા જ ન દઉં...’
‘એ સાંભળી લેજે હોં...’ ઢબ્બુ પણ ઊભો થયો, ‘મૂંગાં પ્રાણીઓને રોકવાં એ કાયદેસરનો ગુનો છે ને તારું ખેતર ક્યાંથી થઈ ગયું? તું જ્યાં ખેતી કરે છે એ તો સરકારી જમીન છે. મારી ભેંસ સરકારી જમીનમાં જાય... જોઉં છું કોણ એને રોકે છે?!’
‘અરે, કોણ એટલે?!’ સનીએ ઢબ્બુને ધક્કો માર્યો, ‘હું... હું રોકીશ એને...’
ઢબ્બુ કંઈ બોલે કે કરે એ પહેલાં સની ફરી આગળ આવ્યો.
‘જો મારા ખેતરમાંથી એ નહીં નીકળે તો હું લાકડીએ-લાકડીએ એને મારીશ, પણ... મારા ખેતરમાંથી હું એને બહાર કાઢીશ.’
ઢબ્બુ બરાબરનો ઉશ્કેરાયો હતો.
ખેતર માટે સનીએ તેને ધક્કો માર્યો હતો. 

ઢબ્બુનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો હતો.
‘હાથ તો લગાડ તું મારી ભેંસને...’ ઢબ્બુએ પણ એવો જ ધક્કો માર્યો જેવો સનીએ માર્યો હતો, ‘ટાંટિયા ભાંગી નાખીશ હું તારા...’
બસ, પત્યું. બન્ને ફ્રેન્ડ ખેતર અને ભેંસની વાત લઈને એવી તે મારામારીએ ચડ્યા કે આજુબાજુવાળા સુધ્ધાં હેબતાઈ ગયા.
lll

પપ્પાએ ઢબ્બુની સામે જોયું. 
ધ્યાનથી સ્ટોરી સાંભળતા ઢબ્બુએ પહેલી વાર આ સ્ટોરીમાં પ્રશ્નો નહોતા કર્યા.
‘શું વિચારે છે ઢબ્બુ?’ 
ઢબ્બુએ પપ્પાની સામે જોયું. તેની આંખો ભીની હતી અને હોઠ સહેજ બહાર આવી ગયા હતા.
‘આવું જ બન્યું’તુંને તમારા બેઉ વચ્ચે પણ?’ ઢબ્બુની આંખમાંથી આંસુ બહાર આવી ગયાં, ‘રડવાનું નહીં, વાત કરવાની. શું થયું હતું?’
‘મેં સનીને ટીમમાં લેવાની ના પાડી, તે આઉટ થઈ જાય છે એટલે...’ ઢબ્બુએ વાત ચાલુ કરી, ‘મેં કીધું કે કાલ પણ તું એમ જ આઉટ થઈ જઈશ, પહેલા બૉલે... સની કહે કે જોઉં તો ખરો મને કોણ આઉટ કરશે... ને બસ, પછી એમાંથી...’

‘આજની સ્ટોરીનું મૉરલ ખબર છે તને?’ સવાલ પૂછીને તરત જ પપ્પાએ ઢબ્બુને સમજાવ્યું પણ ખરું, ‘કલ્પનાઓથી પણ વધારે મોટી હકીકત જો કોઈ હોય તો એ રિયલિટી છે. આવતી કાલની કાલ્પનિક વાતો લઈને લડવાથી આપણી આજ ખરાબ થતી હોય છે. કરીને તમે બેઉએ તમારી આજ, જ્યારે મૅચ તો આવતી કાલે હતી...’
‘શું કરું હવે?’

‘સિમ્પલ... અત્યારે જ સનીને ફોન કરવાનો, તેને સૉરી કહેવાનું અને કાલની મેચમાં તેને લઈને આપણી ભૂલ સુધારી લેવાની...’
‘ફોનને બદલે રૂબરૂ જઉં તો?’
‘એ તો સૌથી બેસ્ટ...’ પપ્પા ઢબ્બુને તેડીને મેઇન ડોર સુધી આવ્યા, ‘સારા કામમાં ઢીલ નહીં કરવાની... ગો ફાસ્ટ.’

સંપૂર્ણ

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2023 12:38 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK