આજની ઘડી રળિયામણી : જીવનમાં ક્યારેય એક વાત ભૂલવાની ન હોય તો એ છે આ વાત

23 March, 2023 04:44 PM IST  |  Mumbai | Manoj Joshi

મન જ ન હોય તો શું સુખ અને શું દુઃખ. હોવાપણાનું જે મહત્ત્વ છે એ આપણે ત્યાં શાસ્ત્રોમાં ખૂબ ગવાયું

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

દુનિયાનાં તમામ શાસ્ત્રનો જો સાર કાઢવો હોય તો એક જ વાત આવે, ખબર છે કઈ? 

આજમાં જીવો, આવતી કાલ કોણે જોઈ છે? પ્રત્યેક ક્ષણ જીવનની છેલ્લી જ ક્ષણ છે એમ વિચારીને જીવો. ક્ષણોનો સરવાળો એટલે જીવન. જીવન એ આવતી કાલ નથી, જીવન એ ગઈ કાલ પણ નથી; જીવન એ આજ છે. આવતી કાલે આપણે તબિયતનું ધ્યાન રાખીશું, આવતી કાલે આપણે જીવનને માણીશું કે પછી આવતી કાલે આપણે મનગમતી પ્રવૃત્તિઓ કરીશું; તો ભલા માણસ, તમે ખાંડ ખાઓ છો. એ આવતી કાલ ક્યારેય નહીં આવે. દરેક આવતી કાલ, આવતી કાલે તો આજ બની રહેવાની છે અને એ આજ બનશે એટલે ફરી તમે વાત આવતી કાલ પર મૂકશો. આ જ ક્ષણ છે, જ્યારે જીવનને એ રીતે જીવો કે આવતી કાલ આવે કે ન આવે, કોઈ ફરક ન પડે.

હું હંમેશાં લોકોને કહેતો હોઉં છું કે રૂપિયાનો હિસાબ રાખો કે ન રાખો સાહેબ, પણ જીવનની ક્ષણોનો હિસાબ રાખજો. એક વાત છે ક્ષણને ન વેડફવાની, તો બીજી એટલી જ મહત્ત્વની અથવા તો એથીયે વધુ અગત્યની વાત છે, ક્ષણોને પૂરેપૂરી માણી લેવાની. દુનિયાના તમામ ધ્યાનના અભ્યાસનો સૂર શું છે ખબર છે? એ જ કે જે ક્ષણ છે એમાં સમગ્રતા સાથે રહો. જે આજમાં છે તેને કોઈ દુ:ખ, ચિંતા, સ્ટ્રેસ સતાવતાં નથી. કાં તો ભૂતકાળનો વસવસો હોય અથવા તો આવતી કાલની ચિંતા હોય. આજમાં હોય તો એ છે માત્ર આનંદ. સાચું કહું છું, ટ્રાય કરી જોજો એક વાર. તમારે બીજું કંઈ જ વિચારવાનું નથી, પણ જે ક્ષણમાં છો એ ક્ષણમાં રહેવાની કોશિશ કરવાની છે. હા, એમ જ. જેમ અત્યારે આ પીસ તમે વાંચી રહ્યા છો અને થોડીક ક્ષણ એમાં રહ્યા અને પાછું તમારું મન વિચારોના ચગડોળે ચડ્યું. 

ઓશો કહેતા કે જે આજમાં જીવે છે એ ક્યારેય દુખી હોઈ ન શકે. જે વ્યક્તિ આજમાં જીવે છે તેનું મન સમાપ્ત થઈ જાય છે. મન જ ન હોય તો શું સુખ અને શું દુઃખ. હોવાપણાનું જે મહત્ત્વ છે એ આપણે ત્યાં શાસ્ત્રોમાં ખૂબ ગવાયું છે. માઇન્ડફુલનેસ નામનો આજકાલ ખૂબ ચગેલો શબ્દ વિદેશીઓની દેન નથી, પણ આપણી પરંપરાની ધરોહર છે. આજનું સેલિબ્રેશન. ધીમે-ધીમે જો એવું થઈ જાય કે તમે આજમાં રહેવાના અભ્યાસમાં પારંગત થઈ ગયા પછી જોજો તમે, દુનિયાની તમામ ઘટનાઓ તમારા માટે સહજ થઈ જશે. ભગવાન શ્રીકૃષ્ણનો યોગ એટલે દરેક સ્થિતિમાં સમત્વમ્ રાખવું એ બાબત તમારા માટે સહજ થઈ જશે. આજનો મહિમા સમજી જાઓ. પ્રત્યેક ક્ષણનો મહિમા સમજી જાઓ, પ્રત્યેક ક્ષણમાં રહેવાનો મહિમા સમજી જાઓ તો જીવનની ધન્યતાનો અહેસાસ થયા વિના રહેશે નહીં. બીજું એકેય ગતકડું નહીં કરો તો ચાલશે, પણ બસ સતત જાતને આ ઘંટડી વગાડી-વગાડીને કહેતા રહો, ફોકસ ઑન નાઉ. આ જ ક્ષણ. આવતી કાલનાં સોનેરી સપનાં કે દુઃખભરી દાસ્તાન નહીં કે ભૂતકાળની ભુતાવળ કે ગૌરવગાથા નહીં. આજની વાત, આ જ ક્ષણ. હા, બસ આ જ ક્ષણ. જેમાં તમારી આંખો જે શબ્દ વાંચે છે એ જ ક્ષણમાં હોવાની યાત્રા તમારી શરૂ કરો આ જ ક્ષણથી.

manoj joshi columnists