ઇન્ડિયા - ધ મોદી ક્વેશ્ચન : આવું કૃત્ય રાષ્ટ્રદ્રોહી સિવાય અન્ય કોઈ વિચારી કે કલ્પી ન શકે

02 February, 2023 05:04 PM IST  |  Mumbai | Manoj Joshi

લોકશાહી હોય ત્યાં એકબીજાથી વધારે સારા દેખાવાનો પ્રયાસ થવો જોઈએ અને એ જ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે;

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

બીબીસીએ બનાવેલી ડૉક્યુમેન્ટરી ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ માટેનો મનનો ઉકળાટ હજી પણ અકબંધ છે અને એ એમ ને એમ શમવાનો પણ નથી. આજે હિન્દુસ્તાન જે સ્તરે આગળ વધ્યું છે, જે રીતે એણે દુનિયા સામે ઝૂકવાનું છોડીને દુનિયાને ઝુકાવવાનું શરૂ કર્યું છે એ જોઈને ભલભલા મગતરાંઓના પેટમાં તેલ રેડાયું છે, પણ મારે કહેવું છે કે આ પ્રકારની ડૉક્યુમેન્ટરી બનાવવાની પાછળ જો કોઈ જવાબદારી હોય તો એ માત્ર અને માત્ર એ લોકોની છે જેને માટે રાષ્ટ્રદ્રોહથી મોટો કોઈ પ્રેમ નથી અને જેને સત્તાથી આગળ કોઈ મોહ નથી.

‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ હકીકતમાં મોદી સામેના પ્રશ્નો નહીં, પણ રાષ્ટ્રહિતનો દેખાડો કરનારાઓ સામે મસમોટો પ્રશ્ન સર્જી રહ્યો છે. બનીબેઠેલા નેતાઓથી માંડીને સેક્યુલરિઝમનો અંચળો ઓઢીને બેઠેલા લેખકો જ આ આખી ડૉક્યુમેન્ટરી અને એના દ્વારા ઊભી થનારી ભારતની બદનામી પર નિર્ભર છે. નિર્ભર પણ ખરી અને એના દોરીસંચાર સાથે આગળ વધનારી પણ ખરી. આપણા દેશની સૌથી મોટી નબળાઈ જો કોઈ હોય તો એ કે આપણે ત્યાં નકારાત્મકતાનું પ્રમાણ અત્યંત વધતું જાય છે અને એ નકારાત્મકતાને વિરોધીઓ માટે વાપરવામાં આવે છે.

આ પણ વાંચો : કેમ મન ન થયું કાશ્મીરમાં અત્યાચારનો ભોગ બનેલા પંડિતો પર ડૉક્યુમેન્ટરી બનાવવાનું?

નકારાત્મકતા હોવી જોઈએ એમાં કોઈ પ્રશ્ન નથી, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે એનો ઉપયોગ સ્વાર્થ માટે ન થવો જોઈએ, પણ આપણે ત્યાં એ પ્રક્રિયા થઈ રહી છે અને થનારી એ પ્રક્રિયા સંપૂર્ણપણે રાષ્ટ્રવિરોધી બની રહી છે. લોકશાહી હોય ત્યાં એકબીજાથી વધારે સારા દેખાવાનો પ્રયાસ થવો જોઈએ અને એ જ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે; પણ એકબીજાને પછડાવાની, એકબીજાને બદનામ કરવાની મેલી માનસિકતાનો ઉપયોગ કરવાની જે નીતિ છે એ નીતિનો ભોગ અંતે તો રાષ્ટ્રએ જ થવું પડતું હોય છે. હિન્દુસ્તાન શામ-દામ-દંડ અને ભેદ એમ તમામેતમામ મોરચાને ભેદીને વિકાસની રાહ પર છે એવા સમયે સૌકોઈએ સમજવું જ રહ્યું કે સારા કામને પ્રોત્સાહન આપવું જોઈએ. તમે જુઓ, છેલ્લા થોડા સમયમાં ભારતની રાજનીતિ સ્પષ્ટતા એ સ્તરે છે કે બેઝિક જરૂરિયાતોને પહેલાં પૂરી કરો અને એને આંખ સામે રાખીને જ ચાલો.

આ જે બેઝિક જરૂરિયાતો છે એ સર્વજન હિતાય, સર્વજન સુખાયના ભાવથી હોય છે અને એટલે જ અત્યારની સરકાર ચોકસાઈ સાથે આ દેશના સૌથી મોટા જે બે વર્ગ છે એ બન્ને વર્ગને ઉપર લાવવાની નીતિ પર કામ કરી રહ્યો છે. અગાઉ ક્યારેય એવું બન્યું નહોતું કે નાના વર્ગને પણ ઉપર લાવવામાં આવ્યો હોય અને એવું પણ બન્યું નહોતું કે મધ્યમ વર્ગ પર સરકારનું ફોકસ રહ્યું હોય, પણ આવું બન્યું છે અને એ જે બન્યું છે એને જ લીધે દેશવાસીઓમાં સુખાકારીનો આંકડો મહત્તમ થઈ રહ્યો છે. મોંઘવારી વચ્ચે પણ રાષ્ટ્રનો વિકાસ ઉચિત ગતિથી આગળ વધ્યો છે એ જરા પણ નાની વાત નથી અને એ પણ નાની વાત નથી કે કોવિડ જેવી મહામારી સામે પણ ઇન્ડિયાએ એકલા હાથે લડત આપી છે. સાહેબ, જરા વિચારો કે જો એ મહામારી સામે લડવા માટે વિદેશી વૅક્સિનનો સહારો લેવો પડ્યો હોત તો આજે દેશની આર્થિક પરિસ્થિતિ કેવી કફોડી હોત; પણ ના, પાપીઓને એ દિશામાં જોવું નથી, કારણ કે રાષ્ટ્રદ્રોહ તેમનો ધર્મ છે અને એટલે જ કહેવાનું મન થાય છે, ‘બૂરી નજરવાલે તેરા મૂંહ ગોરા.’

columnists narendra modi bbc manoj joshi