હઝારોં જવાબોં સે અચ્છી હૈ ખામોશી ના જાને કિતને સવાલોં કી આબરૂ રખતી હૈ!!

02 September, 2019 03:39 PM IST  |  | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી

હઝારોં જવાબોં સે અચ્છી હૈ ખામોશી ના જાને કિતને સવાલોં કી આબરૂ રખતી હૈ!!

કેટલાક સવાલો ન પુછાય, પુછાય તો એના જવાબ ન મ‍‍ળે એમાં જ ભલીવાર હોય છે. કેટલીક વાર સવાલનો જવાબ જ કોયડારૂપ સવાલ બની જાય છે. કેટલાક એકદમ સરળ સવાલના જવાબ એટલા અઘરા મળે છે કે એમાંથી અસંખ્ય પેટાસવાલ ઊભા થાય છે. તાજેતરમાં આપણે જન્માષ્ટમી ઊજવી પણ કેટલાએ કૃષ્ણના જન્મનો, કૃષ્ણના વિષમ જીવનનાં રહસ્યો જાણવાનો પ્રયત્ન કર્યો હશે? કૃષ્ણજીવન દરમ્યાન બે ભીષણ સંહારકાંડ થયા. એક મહાભારતનું યુદ્ધ અને બીજી યાદવાસ્થળી. આમ તો કૃષ્ણ ઘણાં યુદ્ધ લડ્યા, પણ એ બધાં કાં તો માનવકલ્યાણ ખાતર કે સરહદ-સીમાના ઝઘડા ખાતર કે અંગત વિખવાદ-વેરઝેર ખાતર કે અધર્મ અટકાવવા ખાતરનાં યુદ્ધો હતાં. મહાભારત અને યાદવાસ્થળી કૃષ્ણજીવનનાં મૂલ્યોના ઇતિહાસસ્વરૂપ હતાં. યાદવાસ્થળીનો પ્રારંભ કઈ રીતે થયો?

સત્તા અને સમૃદ્ધિથી યાદવ યુવાનો છકી ગયા હતા. વિવેકભાન ચૂકી ગયા હતા. દ્વારકા પિંડારકમાં વિશ્વામિત્ર, કણ્ય, નારદ કુળના તપસ્વીઓ તપ કરતા હતા. દુરાચારી યાદવ યુવાનોને તેમની મજાક ઉડાડવાનો કુવિચાર આવ્યો. કૃષ્ણના પુત્ર સાંબની પત્ની સગર્ભા હતી. આ યુવાનોએ સાંબને સ્ત્રીવેષ પહેરાવ્યો. મુનિ પાસે જઈને પૂછ્યું, ‘આ સ્ત્રીને શું અવતરશે? દીકરો કે દીકરી?’ આવી મજાકથી ઉશ્કેરાયેલા ઋષિઓએ કહ્યું, ‘કૃષ્ણનો આ પુત્ર સાંબ સમસ્ત યાદવકુ‍ળનો નાશ કરનાર લોખંડનું ભયંકર મુશળ જણશે, બલરામ-કૃષ્ણ સિવાય તમારું આખું કુળ તમારા જ હાથે હણાશે.’ બીજા દિવસે સાંબના પેટમાંથી લોખંડી પથરા જેવું મુશળ નીકળ્યું ત્યારે દ્વારકા આખું ખળભળી ઊઠ્યું.

ડરી ગયેલા દ્વારકાના રાજા આહુડે આ મુશળનો ચૂરો કરાવી નાખ્યો અને બધું દરિયામાં ફેંકી દેવામાં આવ્યું, પણ એક ફળના આકારનો કટકો બાકી રહી ગયો હતો. મુશળના ચૂરામાંથી દરિયાકાંઠે એરકાનાં ઝાડ ઊગ્યાં અને એક કટકો માછલી ગળી ગઈ. આ માછલી જરા નામના એક શિકારીના હાથમાં આવી. જરાને માછલીના પેટમાંથી આ કટકો મળ્યો, જેને શિકારીએ પછીથી બાણ બનાવ્યું. આમ કૃષ્ણના મોતનો તખ્તો પણ ગોઠવાઈ ગયો.

રાજા આહુડ સાવચેતીનાં બીજાં પગલાં પણ ભરવા માંડ્યા. દ્વારકામાં શરાબબંધી દાખલ કરી. શહેરમાં ઢંઢેરો પિટાવ્યો કે આજથી કોઈ પણ યાદવ પોતાના ઘરમાં આશવ બનાવશે તો આખા પરિવારને સૂળીએ ચડાવવામાં આવશે! પણ પરિણામ શું આવ્યું? આજે દારૂબંધીનું પરિણામ ભારતમાં આવ્યું છે એ જ. આજે ભારતમાં જ્યાં-જ્યાં દારૂબંધી છે ત્યાં દારૂ વધુ પીવાય છે. દ્વારકામાં પણ એવું જ થયું. કોઈ પણ વસ્તુની બંધી માનવસ્વભાવને વધારે આકર્ષે છે, વધારે ઉશ્કેરે છે.

ગાંધારીના શાપ અને ઋષિઓનાં કાળવચનોની અસર ધીરે-ધીરે દ્વારકામાં દેખાવા લાગી. વિદ્વાનો, વડીલો, સંતપુરુષો, ગુરુજનોનાં અપમાન થવા લાગ્યાં. કુટુંબકલેશ વધવા લાગ્યો. એટલી હદ સુધી કે પતિ-પત્ની પણ અરસપરસ એકબીજાને છેતરવા લાગ્યાં. રસ્તામાં ઉંદરો ઊભરાવા લાગ્યા, જીવજંતુઓનો ઉપદ્રવ વધવા લાગ્યો. ઠેર-ઠેર ગંદવાડ વધ્યો, કૃષ્ણના પાંચજન્ય શંખના નાદની નકલ ગધેડાઓના અવાજમાં સંભળાવા લાગી. કૃષ્ણની શસ્ત્રશક્તિ ઘટવા લાગી. તેમનું સુદર્શનચક્ર અદૃશ્ય થઈ ગયું. રથના ઘોડા રથને દરિયામાં તાણી ગયા. ઉજાણી-ઉત્સવોમાં છડેચોક નશાયુક્ત પેય-પદાર્થોની લહાણી થવા લાગી.
યાદવાસ્થળીનું વર્ણન જુદાં-જુદાં પુરાણોમાં કંપારી છૂટી જાય એ રીતે કરવામાં આવ્યું છે. પ્રભાસના દરિયાકાંઠે એક ઉત્સવનું આયોજન થયું. ભાતભાતની માંસાહારી વાનગીઓ અને જાતજાતનાં શરાબી પીણાંઓની વ્યવસ્થા થઈ. ઉજાણી માણવા માટે બધા યાદવો સવારે શરાબપાન કરીને જ નીકળ્યા. ‘મહામાનવ કૃષ્ણ’ પુસ્તકમાં વિવિધ પુરાણીનો આશરો લઈને જે નોંધાયું છે એ વાંચીને રૂંવાડાં ઊભાં થઈ જશે. દરિયાકાંઠે પહોંચીને બધા યાદવો પોતપોતાના જૂથમાં, અનુકૂળતા મુજબ જગ્યા શોધીને ગોઠવાયા અને પછી સ્ત્રીઓ તેમ જ પુરુષો દારૂ સાથે પેટ ભરીને જમ્યાં. ખાતાં જે વધ્યું એમાં દારૂ ભેળવીને વાંદરાઓને ખવડાવી દીધું. પછી છાકટા થઈ નાચગાન શરૂ થયાં. એ પછી ફરીથી દારૂની મહેફિલ શરૂ થઈ. કૃષ્ણ પોતે તો શરાબ પીતા નહોતા, પણ તેમની બાજુમાં જ બેસીને બલરામ, સાત્યકિ, ગદ્દ, બભુ, કૃતવર્માએ બેફામ પીધો. બલરામે તો એટલોબધો પીધો કે બેભાન થઈને ઢળી પડ્યા. યાદવોના માંધાતાઓએ દારૂના નશામાં એકબીજાનું ચ‌ારિત્ર‍્યહનન શરૂ કર્યું. સાત્યકિએ કૃતવર્માની ઠેકડી ઉડાડી. પ્રદ્યુમન પણ કૃતવર્મા સામે જેમતેમ બોલવા માંડ્યો. કૃતવર્મા પણ ગાંજ્યો જાય એવો ક્યાં હતો? તેણે બધાને આડેહાથ લીધા. કૃષ્ણ વિશે એલફેલ બોલવા માંડ્યું. તેણે સત્યભામાને પણ ન છોડી. સત્યભામા રડતી-રડતી કૃષ્ણના ખોળામાં પડીને તેમને ઉશ્કેરવા લાગી. કૃષ્ણ કંઈ કહે એ પહેલાં સાત્યકિ ભડકી ઊઠ્યો. બોલ્યો, ‘તમે રડો નહીં હે સુંદરી, આ પાપી કૃતવર્માનું આયખું અને આબરૂ હવે ખતમ થઈ ગયાં એમ સમજો.’ સાત્યકિ લથડિયાં ખાતો ઊઠ્યો અને કૃષ્ણની બાજુમાં પડેલી તલવાર ઉઠાવીને કૃતવર્માને કાપી નાખ્યો. એટલું જ નહીં, આજુબાજુ ઊભેલા કૃતવર્માના મળતિયાઓને પણ તલવારથી વીંઝી નાખ્યા. કૃષ્ણ તેને રોકવા ગયા પણ ત્યાં તો કૃતવર્માના બીજા સાથીઓએ સાત્યકિને ઘેરી લીધો. ચારે બાજુ હોંકારા-દેકારા થવા લાગ્યા. ગુસ્સે ભરાયેલો પ્રદ્યુમન સાત્યકિને છોડાવવા માટે દોડ્યો, પણ સાત્યકિ અને પ્રદ્યુમન બન્ને આ મારામારીમાં ઢળી પડ્યા.

બન્નેને હણાયેલા જોઈને કૃષ્ણ ગુસ્સામાં લાલચોળ થઈ ગયા. તેમણે સમતોલપણું ગુમાવ્યું. બાજુમાં ઊગેલા એરકાનાં પાન મુઠ્ઠીથી ખેંચી કાઢ્યાં. તેમના હાથમાં લોખંડી મુશળ બની ગયેલા આ પાનથી કૃષ્ણે સાત્યકિ-પ્રદ્યુમન પર હલ્લો કરનારને ઢાળી દીધા. એ પછી તો ભયંકર મારામારી-કાપાકાપી ચાલી. દરિયાકાંઠો લોહિયાળ બની ગયો. યાદવો હાથમાં આવ્યું એ હથિયાર ધનુષ્ય, તલવાર, ભાલા, ગદા, તોમર, પથ્થરથી લડવા લાગ્યા. પુત્રો પિતા જોડે, ભાઈ ભાઈ જોડે, પોતાની દીકરીના દીકરા જોડે, કાકાઓ-મામાઓ જોડે દારૂના નશામાં ભાન ભૂલીને એકબીજા પર ઘા ઝીંકવા લાગ્યા. વિવેકભાન ભૂલી ગયા. કોણ કોની સામે લડે છે એ જોવાનું પણ ચૂકી ગયા. બાપે દીકરાને અને દીકરાએ બાપને વાઢી નાખ્યો. આગમાં કૂદી પડતા પતંગિયા જેવા યાદવોને ભાગવાનું પણ ભાન રહ્યું નહીં. સાંબ, ચારૂદૃષ્ણ, અનિરુદ્ધ જેવા પોતાના તમામ દીકરાની લાશ જોઈને કૃષ્ણ હતાશ થઈ ગયા. હતાશ કૃષ્ણ પર યાદવો તૂટી પડ્યા. કૃષ્ણે વારવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ કૃષ્ણની સલાહ માનવાને બદલે બધા તેમની હાંસી ઉડાડવા લાગ્યા, મહેણાં-ટોણાં મારવા લાગ્યા. ક્રોધે ભરાયેલા કૃષ્ણએ બચેલા યાદવોનો ઘાણ કાઢી નાખ્યો!! બધું છિન્નભિન્ન થઈ ગયું, ગાંધારીનો અને ઋષિમુનિઓનો શાપ સત્ય ઠર્યો. પૂર્ણ થયો.

આ પણ વાંચો: ઝોંપડે પે લિખા રહેતા હૈ સુસ્વાગતમ ઔર મહલવાલે લિખતે હૈં કુત્તોં સે સાવધાન

વિષાદમય કૃષ્ણ દ્વારકા છોડીને જંગલમાં રઝળવા લાગ્યા. દિવ્યદૃષ્ટિ, જગોદ્ધારક, તિમિરતારક કહેવાતા કૃષ્ણને ખુદ કાળે અંધારપછેડી ઓઢાડી દીધી. માનવ હોય કે દેવ, કોઈનું આધિપત્ય, કોઈનું સામર્થ્ય, કોઈનું સામ્રાજ્ય કાયમ રહેતું નથી. યાદવાસ્થળી એનું દુખદ ઉદાહરણ છે. શું કૃષ્ણ યાદવાસ્થળી અટકાવવા માટે અસમર્થ હતા? ના. ભાગવતમાં જે નોંધાયું છે એ ખૂબ જ અગત્યનું છે. ‘યાદવો અપરાજિત હોવાથી ધરતીને ભારરૂપ બનવા લાગ્યા હતા એથી કૃષ્ણે જાતે જ પોતાના કુળનો સંહાર કરવાનો નિર્ણય લીધો હતો અને એથી જ ગાંધારી-મુનિઓના શાપને નિમિત્ત બનાવ્યા.

અને છેલ્લે...
કુરુક્ષેત્ર અને યાદવાસ્થળી બન્ને મહાસંહારનાં સ્થળ, પણ બન્નેમાં ફરક શું છે? કુરુક્ષેત્ર અને યાદવાસ્થળી બન્નેમાં મહાસંહાર થયો. કુરુવંશની તારાજી ઘણી ભયંકર થઈ, પણ સર્વનાશ નથી થયો. માત્ર બે કુટુંબો જ બરબાદ થયાં છે. લડાઈથી અલિપ્ત રહેનાર હજારો પાંડવ-કૌરવોને ઊની આંચ આવી નથી, કુળ-ધર્મ લોપાયાં નથી. વ્યભિચાર ફેલાયો નથી. પરીક્ષિત-જન્મેજયે રાજ સંભાળી-ટકાવી રાખ્યું. કુરુક્ષેત્રનું યુદ્ધ લાંબું ચાલ્યું. યાદવાસ્થળી પાંચ-સાત કલાકમાં જ પતી ગઈ. બન્ને કુળ વિગ્રહ છે, પણ યાદવાસ્થળીનાં જેવાં અને જેટલાં દુષ્પરિણામ આવ્યાં એટલાં કુરુક્ષેત્રનાં નથી આવ્યાં. કુરુક્ષેત્ર યુદ્ધ છે, સંઘર્ષ છે. યાદવાસ્થળી નરી ખૂનરેજી છે. કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર પણ છે. યાદવાસ્થળી વ્યસનીઓનો આપસી ઝઘડો હોવાથી કેવળ પાપભૂમિ છે. કુરુક્ષેત્રની યાત્રા થાય છે, યાદવાસ્થળીની યાત્રા કોઈ કરતું નથી. કુરુક્ષેત્રે કૃષ્ણને મહામાનવ બનાવ્યા છે. યાદવાસ્થળીએ કૃષ્ણના નામને લાંછન લગાડ્યું છે જે લાંછન કૃષ્ણે જાતે વહોરી લીધેલું છે. કુરુક્ષેત્રમાં ધર્મનો વિજય થયો, જ્યારે યાદવાસ્થળીમાં અધર્મનો ઉદય થયો.

આ પણ વાંચો:મૈંને હરરોજ ઝમાને કો રંગ બદલતે દેખા હૈ ઉમ્ર કે સાથ ઝિંદગી કે ઢંગ બદલતે દેખા હૈ

સમાપન
કેટલાક સવાલોના જવાબ ન મળે એ ઇચ્છનીય છે, પણ પ્રેમના
સવાલોની તાસીર કંઈક જુદી જ છે. શેખાદમનો આ શેર જુઓ...
‘મોહબ્બતના સવાલોના
    કોઈ ઉત્તર નથી હોતા
અને હોય છે એ બધા
    કોઈ સધ્ધર નથી હોતા
સાચી લગન હોય છે માત્ર
    એક જ પ્રેમી દિલને
બધા ઝેર પીનારા કંઈ
    શંકર નથી હોતા.’

columnists gujarati mid-day