Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઝોંપડે પે લિખા હૈ સુસ્વાગતમ ઔર મહલવાલે લિખતે હૈં કુત્તોં સે સાવધાન

ઝોંપડે પે લિખા હૈ સુસ્વાગતમ ઔર મહલવાલે લિખતે હૈં કુત્તોં સે સાવધાન

19 August, 2019 03:17 PM IST | મુંબઈ
માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી

ઝોંપડે પે લિખા હૈ સુસ્વાગતમ ઔર મહલવાલે લિખતે હૈં કુત્તોં સે સાવધાન

ઝોંપડે પે લિખા હૈ સુસ્વાગતમ ઔર મહલવાલે લિખતે હૈં કુત્તોં સે સાવધાન


ગરીબ અને અમીરનાં વાણી-વર્તનમાં ફેર હોય એ સમજી શકાય એવી સરળ વાત છે. દરેક ગરીબ આદર્શ વ્યક્તિ નથી હોતી અને દરેક ધનવાન બદનામ નથી હોતો એ પણ સમજી શકાય એવી વાત છે. ગરીબીની સમસ્યા વર્ષો પુરાણી છે. આત્મા અમર છે એમ ગરીબી પણ અમર છે. જેમ-જેમ એને નિવારવાના પ્રયત્નો થયા છે એમ-એમ એ વધારે ઉલઝાયા છે. આવું જ રાજકીય સમસ્યા અને આમ જનતાની સમસ્યાનું છે.

તાજેતરમાં સરકારે ધારા ૩૭૦ની કલમ રદ કરવાનો નિર્ણય લીધો, અમલ પણ કર્યો. દેશ- વિદેશમાં એના વિસ્ફોટક પડઘા પડ્યા. મોટે ભાગે જયજયકાર થયો. ક્યાંક હાહાકાર થયો. મીડિયાને મસાલો મળી ગયો ને લોકોને વાતનો વિષય મળી ગયો. ચર્ચાનું ચકડોળ ફરવા લાગ્યું. ‘મોદીએ ધડાકો કર્યા, ખરેખર તેમણે ૫૬ ઇંચની છાતી બતાવી, અમિત શાહ ચંદ્રગુપ્ત મોદીના ચાણક્ય છે, અરે છોડો યાર, ખરી ભૂમિકા તો અજિત ડોભાલની છે, હજી તો શરૂઆત છે, આગે- આગે દેખો હોતા હૈ ક્યા... વગેરે-વગેરે. કોઈ શ્રીનગરમાં બે બેડરૂમ-હૉલ-કિચન લેવાની કલ્પના કરવા લાગ્યા તો કોઈ ગુલમર્ગમાં બંગલો બાંધવાનાં સપનાં સેવવા લાગ્યા. પણ આ લોકો કોણ હતા? ઉચ્ચ મધ્યમ વર્ગના કેટલાક લોકો, કેટલાક કહેવાતા બુદ્ધિજીવીઓ, અલ્પ બુદ્ધિજીવીઓ, કેટલાક શાસક પક્ષના સભ્યો, અમલદારો, ચાહકો, કેટલાક અખબારો, ટીવી, રેડિયો, મીડિયાના માધ્યમથી દોરાયેલા લોકો.



તમને આશ્ચર્ય થશે કે આવું હું કયા આધારે કહું છું? શું સરકારનું આ પગલું પ્રશંસનીય નથી? છે. સોએ સો ટકા પ્રશંસનીય છે. પ્રસ્તુત લખાણ સરકારની પ્રશંસા કે ટીકા કરવા માટે નથી. આમ આદમીની લાગણી, માનસ વ્યક્ત કરવા છે. નાટકનો માણસ છું. વ્યવસાયિક લેખક છું. પ્રેક્ષકોનાં રુચિ-રસનું મારે સતત ધ્યાન રાખવું પડે છે. એના સંપર્કમાં સતત રહેવું પડે છે. ઉપરાંત મનોવૈજ્ઞાનિકો કહે છે કે માનવીનો મૂળભૂત સ્વભાવ પોતાનું માનેલું સુખ શોધવાનો છે અને સામાન્ય માણસના સુખની વ્યાખ્યા પણ સામાન્ય-મર્યાદિત હોય છે. શું જોઈએ છે આમ જનતાને? રહેવા છાપરું, પહેરવા કપડાં, ખાવા માટે પૂરતું અન્ન અને જીવનનિર્વાહ સ્વમાનપૂર્વક અને સહેલાઈથી થઈ શકે એટલું ધન.


આ ઉપરાંત તેમના સુખની સૌથી મહત્ત્વની વાત કહી એ છે કે જીવવા માટેની સગવડો અને સાધનો સરળતાથી મળે. તમે કદી રિક્ષા માટે કરગરતા, હાથ જોડતા માણસો જોયા છે? મેં જોયા છે. કૉલેજમાં સંતાનની ઍડ્મિશન માટે મોટાં-મોટાં માથાંઓ, લાગતાવળગતાઓને પગે પડતા, આજીજી કરતા વિવશ લોકોને જોયા છે? મેં જાયા છે. મ્હાડાના કે સરકારી કોઈ યોજનાનાં સસ્તાં ઘર માટે કહેવાતા દલાલોની જાળમાં ફસાઈને તરફડિયાં મારતા માણસો તમે જોયા છે? મેં  જોયા છે. શાકભાજી માટે રાતના માર્કેટ પૂરી થયા પછી વધ્યાં-ઘટ્યાં શાકભાજી મેળવવા માટે ફાંફાં મારતા લાચારો જોયા છે? મેં જોયા છે? લોકલ ટ્રેનમાં અંદર ઘૂસવા માટે જાનવરની જેમ પ્રવેશ કરવાના પ્રયત્નો કરતા અભાગિયાઓ તમે જોયા છે? મેં જોયા છે. ફુટપાથ પર સૂવા માટે જગ્યા મેળવવા દ્વંદ્વ યુદ્ધ કરતા લોકો તમે જોયા છે? મેં જોયા છે. કૉમન નળમાંથી પાણી મેળવવા બેડાં લઈને કતારબંધ માણસોને લડતા-ઝઘડતા તમે જોયાના છે? મેં જોયા છે. રસ્તા પર દાતાઓ દ્વારા છાશ વિતરણ કરતાં કેન્દ્રો પર છાશનો ગ્લાસ મેળવવા હવાતિયાં મારતા લોકો તમે જોયા છે? મેં જોયા છે. સરકારી દવાખાનામાં ઇલાજ કરવા માટે કેટકેટલાં અપમાનો અને અવગણના સહન કરવાં પડે છે એની તમને ખબર છે? મને ખબર છે. નાનાં બાળકોને નોકર તરીકે કામ કરાવવાની કાયદામાં મનાઈ હોવા છતાં અસંખ્ય બાળકો મજૂરી કરે છે એ જાણો છો? હું જાણું છું. વરસાદમાં ઝૂંપડાની છતમાંથી ટપકતા પાણીને આખી રાત ઉલેચતા નિરાધારો તમે જોયા છે? મેં જાયા છે. વૈશાખના ધોમધખતા તડકામાં ખેતી કરતા ખેતમજૂરો કે રસ્તો ખોદતા માણસો તમે જોયા છે? મેં જોયા છે.

હવે વિચાર કરો, ૩૭૦ની કલમ રદ થાય, સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરે, શૅરબજારનો ઇન્ડેક્સ ઊંચો-નીચો થાય, કર્ણાટકમાં સરકાર ભાંગી પડે કે ન‍વી સરકાર બને, સોનાના ભાવ ઊંચકાય કે ચાંદીના ભાવ ગગડે, ચંદ્ર પર યાન મોકલાવાય, જી.ડીપી.નો ગ્રોથ વધે કે ઘટે, બજેટમાં ઇન્કમ-ટૅક્સમાં રાહત મળે કે ટૅક્સ વધે વગેરે-વગેરે સમાચારો-ઘટના આ લોકો માટે માત્ર સમાચાર સિવાય બીજું શું હોઈ શકે? આવા લોકોના જીવન પર શું અસર કરી શકે?


મનોવિજ્ઞાન કહે છે કે આમ જનતા ‘સ્વ’ કેન્દ્રિત હોય છે. તે પોતાને ક્યાં ફાયદો થાય એટલું જ વિચારે છે. ક્યાં સસ્તું મળશે, ક્યાં વધારે ડિસ્કાઉન્ટ મળશે, ક્યાં વધારે વ્યાજ મળશે, ક્યાં મફત મળશે એ જ દિશામાં વિચાર કરતી હોય છે. તેમને કોઈ સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક કે સાહિત્યક ઘટના સ્પર્શતી નથી. આમ જનતાનું જીવન યાં‌િત્ર‌ક છે, જિંદગીમાં વિસંગતિ છે. તેમનું ‘સ્વ’ અનેક ટુકડાઓમાં વહેંચાયેલું છે, એ સ્થિર ઊભો રહી શકતો નથી, વિચારી શકતો નથી, સ્પષ્ટ બોલી શકતો નથી, મનગમતું કરી શકતો નથી. મ‍ળે એટલું ભેગું કરી લેવું અને ‍વધારે મેળવી લેવાના પ્રયત્ન કરવા એ જ એમનું ધ્યેય હોય છે.

દેશ સમૃદ્ધ ક્યારે કહેવાય? આમ જનતાની પાયાની જરૂરિયાત સહેલાઈથી મળી રહે, મૂળભૂત સગવડો સરળતાથી પ્રાપ્ત થાય ત્યારે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી જ્યારે પહેલી વાર ભારત આવ્યા ત્યારે ગોપાલ કૃષ્ણ ગોખલેએ એક જ સલાહ આપી કે ભારત દર્શન કરો, દેશમાં ખૂણે-ખૂણે ફરો, આમ લોકોની કથા અને વ્યથા જાણો. પછી જ કોઈ ચળવળની શરૂઆત કરો. આવી સલાહ ગોપાલ કૃષ્ણ જ આપી શકે. મને ‘ગોપાલ કૃષ્ણ’નામ ખૂબ ગમે છે. દ્વારકાધીશ કૃષ્ણ નહીં, મુરલી મનોહર કૃષ્ણ નહીં, ચક્રધારી કૃષ્ણ નહીં, રાધાનો કૃષ્ણ નહીં, ભગવાન કૃષ્ણ નહીં પણ ગોપાલ કૃષ્ણ. આમ આદમીનો કૃષ્ણ, ગોવાળિયાઓનો કૃષ્ણ. ભારત ભ્રમણમાં બાપુએ એક સ્ત્રીને નદી કાંઠે નિર્વસ્ત્ર નહાતી જોઈ, તેની પાસે બદલવા માટે બીજું વસ્ત્ર ન હતું. એ જોઈ બાપુ વ્યથિત થઈ ગયા. પોતાનું એક વસ્ત્ર તેને ઢાંકવા આપ્યું (પહેરવા નહીં, ઢાંકવા). ત્યાં ને ત્યાં જ તેમણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી મારા દેશવાસીઓને પહેરવા પૂરતાં વસ્ત્રો નહીં મળે ત્યાં સુધી હું જીવનભર એક ‘પોતડી’ જ પહેરીશ અને એ વચન પાળી પણ બતાવ્યું.

કોઈ પણ રાજકીય, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક ઘટનાના પ્રવાહ સાથે આમ જનતા શા માટે ઓતપ્રોત થઈ શકતી નથી? ‘આપણે ચંદ્ર પર પહોંચ્યા પણ એમાં અમને શું ફાયદો?’ ‘૩૭૦ કલમ નાબૂદ થવાથી અમારાં સંતાનોને કૉલેજમાં ઍડ‍્મિશન મળી જશે?’ આવા મૂર્ખાઈભર્યા પ્રશ્નોનું નિવારણ શું? એ લોકોને એવો વિશ્વાસ કેમ નથી બેસતો કે આ બધી સિદ્ધિઓ તેમના ઊજ‍ળા ભવિષ્ય માટે જ છે? કારણ એટલું જ કે કોઈ પણ સિદ્ધિ કે યોજનાનું ફળ આમ જનતાને પૂરેપૂરું મળતું નથી. અનેક કલ્યાણકારી યોજનાઓ માત્ર કાગળ પર જ રહી છે. સરકાર જનહિત માટે પ્રામાણિકપણે યોજનાઓ ઘડે છે, પણ એ તો અમલ કરવાનું કામ અમલદારોના હાથમાં હોય છે. (બ્યુરોક્રેટ્સ) અમલદારો થકી અમલ થતો નથી એ તો ઠીક પણ એ લોકો સૌથી પહેલાં રોટલાના ટુકડામાંથી પોતાનો ભાગ કાપી લે છે. સરકાર ગમે તે આવે ને જાય, આ અમલદારો એના એ જ રહે છે. કોઈ પણ સરકારે આ અમલદારોને નિયંત્રણમાં રાખવાના પ્રામાણિક પ્રયત્નો કર્યા નથી, જેની સૌથી પહેલી જરૂરિયાત છે. ગરગડીને કાટ લાગી ગયો હોય તો કૂવાનું પાણી હવાડા સુધી પહોંચી શકતું નથી.

અને છેલ્લે...

જર્મન રાજા ફ્રેડરિકની વાત. રાજા ફ્રેડરિકે તેમના ૧૦૮ ચુનંદા સાથીઓની તાત્કાલિક સભા બોલાવી. કહ્યું કે આપણું રાજ્ય સમૃદ્ધ છે, અઢળક આવક છે, કોઈ કમી નથી છતાં આપણા રાજ્યમાં આટલી ગરીબી, આટલું દારિદ્ર કેમ છે? એક પછી એક ઘણાંબધાં કારણો રજૂ થયાં, પણ ફ્રેડરિકને સંતોષ ન થયો. એક વૃદ્ધ ઊભો થયો. કહ્યું કે મહારાજ, મને એક બરફનો ટુકડો આપો. બરફનો ટુકડો આપ્યો. વૃદ્ધે બાકીના ૧૦૭ સભ્યોને ઉદ્દેશીને કહ્યું કે આ બરફનો ટુકડો વારાફરતી, એક પછી એક હાથમાં લઈ છેલ્લે ૧૦૭મા સભ્ય સુધી પહોંચાડો. શું થયું? છેલ્લે ૧૦૭મા સભ્યના હાથમાં એ ટુકડો આવ્યો ત્યારે પાણી થઈ ગયું હતું. રાજાની આંખ ખૂલી ગઈ. આમ જનતા સુધી પહોંચે ત્યાં સુધીમાં યોજનાનું પાણી જાય છે, બધા પોતપોતાનું એમાંથી સેરવતા જાય છે.

સમાપન

વૉટ્સઍપ પર ગોપાલ ઇટાલિયાનો મેસેજ ફરે છે - કાશ્મીરમાં પ્લૉટ લેવાનાં સપનાંઓ જોતા હો તો ભૂલી જાઓ, કારણ કે સૌથી પહેલાં તમામ પાર્ટીઓના મોટા-મોટા નેતાઓને મળશે, તમામ સંપ્રદાયોના કથાકારો, બાપુઓને આશ્રમ બાંધવા મળશે, નૅશનલ-ઇન્ટરનૅશનલ મોટી-મોટી કંપનીઓને મળશે, મોટા-મોટા મીડિયા હાઉસને મળશે, હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટના જજને મળશે, બૉલીવુડ સેલિ‌િબ્ર‌ટીઝને મળશે, ઉચ્ચ સરકારી અધિકારીઓ, ઇન્કમ-ટૅક્સ-આઇપીએસ ઑફિસરોને મળશે, અબજોપતિ બિલ્ડરોને મળશે, નેતાઓ અધિકારીઓનાં-સગાંવહાલાંઓને મળશે, મોટાં-મોટાં ટ્રસ્ટોને, હૉસ્પિટલ, સ્કૂલો, કૉલેજો બાંધવાના બહાને મળશે. આ પછી બાકી જો રહેશે તો આમ જનતાને મળશે.

આ પણ વાંચો : શરીરને પંપાળવાને બદલે એને સાચી રીતે વાળશો તો એ એ રીત પર ઢળી પણ જશે

ભૂતકાળના અનુભવો આવું વિચારવા પ્રેરે એ સ્વાભાવિક હોવા છતાં દુ:ખદ છે. આવું વિચારવું જ્યારે પાપ ગણાશે ત્યારે જ દેશનો ખરો વિકાસ થયેલો ગણાશે.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે

સુખ જ્યારે મળે ત્યાં બધાના વિચાર દે

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 03:17 PM IST | મુંબઈ | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK