જુદી-જુદી વિચારધારા વચ્ચે પણ ચાર પેઢીના આ પરિવારમાં છે અનેરો સંપ

11 September, 2019 08:27 AM IST  |  | ફૅમિલી રૂમ - ભક્તિ ડી દેસાઈ

જુદી-જુદી વિચારધારા વચ્ચે પણ ચાર પેઢીના આ પરિવારમાં છે અનેરો સંપ

જ્યારે એક યુગલ લગ્ન કરે છે ત્યારે એ સપ્તપદીનાં વચનોથી પણ બંધાય છે, પણ એ વચનોનું પાલન કેટલાં પતિ-પત્ની કરતાં હશે?  શાંતિભાઈ મગનલાલ શાહ અને એમની પત્ની આજની પેઢી માટે એક એવું ઉદાહરણ છે કે  જેમણે એકબીજા પ્રત્યેની  પ્રતિકૂળતાને એક સફળ લગ્નજીવનમાં પરિવર્તિત કરી. એમની ચારેય પેઢીને પણ આવા વડીલ પાસેથી સબંધ કઈ  રીતે નિભાવવા જોઈએ એના સંસ્કારનો બખૂબી વારસો મળ્યો છે.

૯૬ વર્ષના શાંતિભાઈ તથા એમનાં પત્ની સ્વ. મધુકાંતાબહેનનાં પરિવારમાં રાજીવભાઈ, સંજીવભાઈ અને કેનડીભાઈ આ ત્રણ દીકરા તથા એમની પત્ની અને સંતાનો અને ત્રણ દીકરી,  સ્મિતાબહેન બિપીનચંદ્ર શાહ, હસિતાબહેન સુભાષચંદ્ર શાહ અને અર્ચિતાબહેન કિરણકુમાર શાહનો સમાવેશ થાય છે. 

એનર્જી આવે છે ક્યાંથી?

શાંતિભાઈ આજે પણ એટલા કાર્યરત છે કે બોરીવલી એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ છે અને એમણે કરેલી પહેલથી બનેલી બોરીવલી એજ્યુકેશન સોસાયટીની સીબીએસઈ બોર્ડની એમકેવીવી ઇન્ટરનેશનલ વિદ્યાલયમાં સંચાલક છે. તેઓ રોજ સવારે ઑફિસ જાય છે અને આટલી ઉંમરે પણ શાળાની પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી સક્રિય છે. 

બીજી પેઢી: શાંતિભાઈના દીકરા સંજીવભાઈએ એમના પિતાની પ્રશંસા કરતાં કહ્યું કે “અમને પણ નવાઈ લાગે છે કે આટલી ઉંમરે પણ મારા પિતા એમના સ્વાસ્થ્ય કરતાં પણ કામને વધારે મહત્ત્વ આપે છે અને સ્વાવલંબી છે. હું હજી 60મા વર્ષમાં પ્રવેશ્યો છું પણ મારા પિતા જેટલો ઉત્સાહ કે પ્રબળ માનસિક શક્તિ મારી પાસે પણ નથી.”

લગ્ન કરવા પાત્રની પસંદગી?

શાંતિભાઈ જન્મથી મૂળ ખેડા એટલે કે કેરા જિલ્લામાં આવેલા  જનોડ ગામના નિવાસી હતા. એ જમાનામાં ગામડાંમાં પોતાની નાતમાં પુત્ર અને પુત્રીનો જન્મ થોડા સમયને અંતરે થાય તો વડીલો, પરિવાર સારો હોય તો, પોતાનાં જન્મેલાં બાળકોનાં  લગ્ન મોઢે વાત કરીને નક્કી કરી લેતા. અહીં શાંતિભાઈ કહે છે, ‘એ જમાનામાં શબ્દોની કિંમત આજના જમાનાના કોન્ટ્રાક્ટથીયે ખૂબ વધારે હતી. એક વાર મૌખિક રીતે વચન આપી દીધું પછી એમાં કોઈ પીછેહટ થઈ ન શકે. લીગલ કોન્ટ્રાક્ટમાં તો હજી કોઈ એવી કલમ હોય છે જેનાથી કોન્ટ્રાક્ટને રદ કરી શકાય, પણ  અમારા જમાનામાં મોઢેથી નીકળેલો શબ્દ અમલ થઈને જ રહેતો, મારાં લગ્નમાં પણ એવું જ બન્યું. મારા પિતા અને મારી પત્ની મધુકાંતાના પિતાએ અમારાં લગ્ન નક્કી કરી દીધાં. લગ્ન નક્કી થયા પછી આશરે ૧૭ વર્ષ પછી સીધા માંડવે જ મુલાકાત થાય અને ત્યાં સુધી એકબીજાનો ચહેરો પણ ન જોયો હોય. મારી ખરી કસોટી ત્યારે થઈ જ્યારે મેં મારી પત્નીને પહેલી નજરે જોઈ અને મને એમ થયું કે અમારી વચ્ચે કોઈ સુસંગતતા છે જ નહીં.’

આ પણ વાંચો: સુસાઇડ અટકાવી શકો છો તમે!

બીજી પેઢી ઃ સંજીવભાઈ પોતાનાં અને પોતાના ભાઈઓનાં લગ્નની વાત કરતાં કહે છે, ‘અમારા પિતા વિકસિત વિચારધારાવાળા છે, એથી અમારા પર એવું કોઈ બંધન ન હતું. મારાં લગ્ન સમયે અમને અમારા પાત્રને પસંદ કરવાનો અધિકાર હતો. મારા નાના ભાઈએ અમારી જ નાતની કન્યા પોતે પસંદ કરી લવ મેરેજ કર્યા છે અને મારાં માતા-પિતાને ક્યારેય એ વાતનો કોઈ જ વાંધો નહોતો.’
ત્રીજી પેઢી ઃ અહીં સંજીવભાઈના દીકરા હાર્દિક પોતાનાં લગ્નની વાત કરતાં કહે છે, ‘મારા અને મારી પત્ની જાહ્નવીના લવ મેરેજ છે અને એક વાતનો ગર્વ છે કે આટલી મોટી ઉંમરના દાદાથી લઈને મારી મમ્મી સુધી બધા જ  આગળ પડતા વિચાર ધરાવે છે. જાહ્નવી અમારા ઉપર રહેતા પાડોશીને ત્યાં આવતી અને અમારું સર્કલ પણ એક જ હતું. એથી ઘરમાં પણ એને બધાએ જોઈ હતી. મારાં લગ્ન માટે મારી મમ્મીને જાહ્નવી ગમી ગઈ હતી અને મારા મનની વાત એને સમજાઈ ગઈ હતી. એથી મને લગ્નની વાત કરતાં કોઈ સંકોચ ન થાય એટલે પોતે જ સામેથી ‘જાહ્નવી સરસ છોકરી છે’ એમ કહી વાતની રજૂઆત કરી હતી.’

વડીલોએ આપેલો ભોગ 

શાંતિભાઈ પોતાનાં લગ્નની વાત કરતાં બોલ્યા કે એમને પોતાના અને મધુકાંતાબહેનના વ્યક્તિત્વમાં એટલોબધો વિરોધાભાસ જણાયો કે એમને એમની પત્ની જરાય ગમી નહીં. તેઓ પોતાના આગવા અને સ્વતંત્ર વિચારોનું કારણ સમજાવતાં કહે છે, “હું નાનપણથી જ શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ રસ લેતો અને એનું એક કારણ એ હતું કે મારા પિતા કાપડના વેપારી હતા. તેઓ સાધનસંપન્ન હતા, તોયે પરિવાર મોટો હોવાથી એમની જવાબદારી ખૂબ મોટી હતી, પણ એમણે ક્યારેય મને પોતાના વેપારમાં જોડાવાનો આગ્રહ નહોતો રાખ્યો અને ઉપરાંત મને ભણાવવાની જ વાત કરી. આશ્ચર્યની વાત એ છે કે મારા નાના ભાઈઓને મારા પિતાએ વેપારમાં સામેલ કર્યા, પણ મને આગળ ભણવા મુંબઈ, કલકત્તા અને  અમદાવાદ એમ  વિવિધ શહેરમાં મોકલવાની વ્યવસ્થા કરી. આજે પણ હું મારા પિતાએ લીધેલા મને ભણાવવાના નિર્ણયનો વિચાર કરું તો ખબર નથી પડતી કે એ એમની દૂરદૃષ્ટિ હતી કે શું હતું? મને નવાઈ લાગવાનું કારણ એ છે કે એ જમાનામાં લોકો મોટા સંતાનને પરિવારની જવાબદારી સોંપતા અને નાનાં ભાઈ-બહેનોને ભણાવતા, પણ અહીં એથી વિપરીત નિર્ણય હતો. જે પણ હોય  હું આજે જે  છું એ માટે મારાં માતા-પિતાનાં આ નિર્ણયને કારણે જ છું. મારી માતા આમ જોવા જઈએ તો નિરક્ષર હતાં પણ એમને કોઠાસૂઝ હતી અને એ ખૂબ હોશિયાર હતાં. અમારા ગામમાં ધોરણ ૪ પછી આગળ ભણવા વર્ગ અથવા શાળા ન હતાં. એથી મારા પપ્પાએ આગળ ભણવા મને અમદાવાદ મોકલ્યો અને પછી ૧૨મા પછી હું મુંબઈની ખાલસા કૉલેજથી બીકોમ થયો. પોતાના બાળકને નાની ઉંમરથી પોતાનાથી દૂર રાખવા માનું મન ક્યારેય ન માને પણ હું ભણી શકું એ માટે મારી માતાએ એમના  હૃદય પર પથ્થર મૂકી, મને ગામથી બહાર મોકલ્યો. આ કેટલો મોટો ભોગ છે, એ ફક્ત એક માતા જ સમજી શકે.’

બીજી પેઢી ઃ સંજીવભાઈનાં પત્ની સ્મૃતિબહેને પણ એમનાં વડસાસુનો વારસો લીધો છે. તેઓ કહે છે, ‘મારાં વડસાસુએ મારા સસરાને ભણવા બહાર મોકલ્યા અને મેં મારી દીકરીને લગ્ન માટે મુંબઈની બહાર એટલે કે સુરત મોકલી. એનાં લગ્ન અમે જ ગોઠવ્યાં. મને એક મા તરીકે એમ થયું કે એને અહીં આવેલાં માગાં કરતાં હાલમાં જ્યાં લગ્ન કર્યાં છે ત્યાં તે વધારે ખુશ રહેશે અને નોંધપાત્ર  વાત એ છે કે લવ મેરેજ નથી છતાંય અમે અમારી નાતની બહાર એને પરણાવવા તૈયાર હતા. આ જમાના પ્રમાણે દરેક પેઢીએ અને નાતે પોતાના વિચાર બદલવા જ જોઈએ તો જ બાળકો સુખેથી રહી શકે અને પેઢીઓ વચ્ચેનું અંતર ઓછું થઈ શકે.’

ગુણ અને દેખાવ

મારાં લગ્ન વર્ષ ૧૯૪૨માં થયાં અને પછી અમે વર્ષ ૧૯૪૭માં મલાડના એક નાનકડા ઘરમાં પોતાનું સાંસારિક જીવન આદર્યું. એમ જણાવીને શાંતિભાઈ પોતાની વાત આગળ વધારતાં કહે છે, ‘નાની ઉંમરે લગ્ન થયાં હોવાથી ભણવાનું અને નોકરી શોધવાની જવાબદારી હતી. હું ભણેલો અને સ્વતંત્ર વિચારોવાળો અને મધુકાંતા એકદમ ઓછું ભણેલી અને એક ગામડાની સ્ત્રી. મને મારા મિત્રો પણ કહેવા લાગ્યા કે મારે આ લગ્ન માટે બીજી વાર વિચાર કરવો જોઈએ, પણ જો હું કોઈ પણ વિપરીત પગલું લેવાનો વિચાર કરું તો મારા પિતા અથવા સમાજના લોકો એમ સમજી બેસત કે મને ભણાવ્યો એટલે મારા મુક્ત વિચારોની ખરાબ અસરથી લગ્નજીવન બરબાદ થયું અને કોઈ પોતાના છોકરાઓને ભણાવત નહીં. એ સમયનો સમાજ ખૂબ રૂઢિચુસ્ત વિચારોવાળો હતો. છેલ્લે મનને મારીને હું એની સાથે રહેવા લાગ્યો. પણ એ સ્ત્રીએ મારા હૃદયમાં એના ગુણોથી એવું સ્થાન પ્રાપ્ત કર્યું કે જે જીવનમાં કોઈ સ્ત્રી ન લઈ શકત. આજની પેઢી સાથે જો આવી પરિસ્થિતિ સર્જાય તો કદાચ એને ‘ઈનકમ્પૅટેબલ કપલ’ એવું  કારણ બતાવી છૂટાછેડા તરફ પ્રયાણ કર્યું હોત.”

દેખાવને મહત્ત્વ આપતો આજનો યુવાવર્ગ એ નથી જાણતો કે સ્વભાવ અને સંસ્કારથી ઉપર જીવનમાં કાંઈ જ નથી. શાંતિભાઈ કહે છે, ‘મધુકાંતાના વ્યક્તિત્વમાં ત્રણ ગુણ એવા હતા કે જેનાથી આખી ચાલીના મોઢે, કોઈ પણ સહાયની જરૂર પડે કે ક્યાંય પણ સારાં કામ કરવાં હોય તો, ફક્ત એનું જ નામ આવે. એનો પહેલો ગુણ એ કે એ બધાની ખૂબ કાળજી લેતી, બીજી ખાસિયત એ હતી કે ગમે તે સમયે ગમે તેને મદદ કરવામાં તે પાછું વાળીને જોતી નહીં અને ત્રીજી વાત જે એક સ્ત્રીને  સુશીલ ગૃહિણી બનાવી શકે એ હતી ઘર ચલાવવામાં અને સાંભળવામાં એની નિપુણતા. આ ઉપરાંત મુંબઈ આવ્યા બાદ એના પહેરવા-ઓઢવામાં પણ બદલાવ આવ્યો. એ જમવાનું બનાવવામાં પણ એટલી જ માહિર હતી. એક પુરુષ પોતાની પત્નીમાં  જે મૂળભૂત ગુણ ઈચ્છતો હોય, એનાથી પણ ઉચ્ચ ગુણોનું આધિપત્ય એની પાસે હતું. સાચું કહું તો મારા લગ્નજીવનની વાત અને કન્હૈયાલાલ મુનશી લિખિત ‘ગુજરાતનો નાથ’નાં યુગલ પાત્રો મંજરી અને કીર્તિનાં દામ્પત્ય જીવનની કથામાં  ઘણી સામ્યતાઓ છે.’ 

આ પણ વાંચો: તહેવાર હવે વહેવાર બની ગયા છે

સુસંગતતાનું રહસ્ય 

ચાર પેઢી જ્યારે સાથે રહેતી હોય તો કોણ સૌથી વધારે સમજદારી સાથે રહે છે, એનો જવાબ આપતાં ત્રીજી પેઢીના હાર્દિક કહે છે, “અમારી વચ્ચે સમજદારી જેવો પ્રશ્ન નથી. કારણ કે મારા દાદા અને અમે એક જેવા જ વિચારો ધરાવીએ છીએ. અને જો અમારા મિત્રો કે કોઈ આવે અને દાદા બેઠા હોય તો તેઓ અમને સંકોચ ન થાય માટે બીજા રૂમમાં ચાલ્યા જાય છે.”

ચોથી પેઢીના એટલે કે શાંતિભાઈના મોટા પુત્ર રાજીવભાઈના પૌત્ર તક્ષ કહે છે, “મારો અને મારા પરદાદાનો સંબંધ ખૂબ જ મૈત્રીભર્યો છે. હું એમની સાથે મારી દરેક વાતો વિના સંકોચ કરું છું અને એમની વાત પણ માનું છું. મારા પપ્પા સાથે સૌથી વધારે નિકટતા અનુભવું છું. અમારા આખા પરિવારમાં કોઈ જનરેશન ગેપ નથી.”

ચાર પેઢીના આ સંયુક્ત પરિવારમાં ૯૬ વર્ષના દાદા અને ૬ મહિનાનો એમનો પ્રપૌત્ર એટલે કે સંજીવભાઈના દીકરા હાર્દિકનો દીકરો, આદિરાજ એકબીજા સાથે હળીમળીને રહે છે. આ પરિવારમાં સ્વાતંત્ર્ય છે, વિચારોની તથા પોતાની રીતે જીવવાની આઝાદી છે પણ સાથે જ સંયમ તથા સંસ્કારનો વારસો છે એથી જ જૂની પેઢીની દરેક અપનાવવા જેવી વાતો નવી પેઢી સહજતાથી સ્વીકારી રહી છે, એનું મોટું ઉદાહરણ છે, ચોથી પેઢીનાં બાળકનું પૌરાણિક નામ આદિરાજ.

columnists gujarati mid-day