Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તહેવાર હવે વહેવાર બની ગયા છે

તહેવાર હવે વહેવાર બની ગયા છે

04 September, 2019 03:14 PM IST |
ફૅમિલી-રૂમ - ભક્તિ ડી દેસાઈ

તહેવાર હવે વહેવાર બની ગયા છે

તહેવાર હવે વહેવાર બની ગયા છે


પરિવર્તન સંસારનો નિયમ છે પણ આ પરિવર્તનને પોતાના જીવનમાં સકારાત્મકતા સાથે અપનાવનાર વડીલો જૂની પરંપરાઓ તથા હાલની મૉડર્ન સિસ્ટમ વચ્ચે સુસંગતતા સાધવાની કોશિશ કરી રહ્યા છે. એમાંના જ એક છે જયપ્રકાશભાઈ મહેતા તથા એમના પત્ની. 

જયપ્રકાશભાઈ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી નિવૃત્ત થઈ હવે લોકો સાથે સમય વિતાવવો, વાંચન, ફરવું આવા વિવિધ શોખ પૂરા કરી રહ્યા છે. તેમને બે પુત્રો છે; મોટા દીકરા નિશાંતભાઈ, જે મુંબઈમાં યસ બૅન્કમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. તેમના પરિવારમાં તેમની પત્ની કોમલ તથા તેમનો દીકરો માનવ છે. જયપ્રકાશભાઈના નાના દીકરા ચિરાગભાઈ આઇટી એન્જિનિયર છે. પત્ની હીરલ અને દીકરી યશ્વી સાથે હાલમાં અમેરિકામાં સ્થાયી છે. જયપ્રકાશભાઈ તથા તેમનાં પત્ની નિરુપાબહેન ભારત તથા વિદેશમાં ઘણું ફર્યાં છે. એ બન્ને બદલાતા સમયને સ્વીકારી આજની ટેક્નૉલૉજી તથા નવી પેઢીનો સાથ પણ માણે છે. 




પહેલાંના તહેવારો વિશે

પહેલી પેઢીના જયપ્રકાશભાઈ કહે છે, ‘પહેલાં ઘરે-ઘરે ગણપતિ લેવાની પ્રથા ખાસ નહોતી એટલે અમે મોટા ભાગે સાર્વજનિક ગણેશોત્સવમાં સહભાગી થતા. ત્યારની નવરાત્રિની તો મજા જ અલગ હતી. પોતાની ચાલી અથવા બિલ્ડિંગના પરિસરમાં મંડપ બાંધી માતાજીની એક છબી મૂકી એની ફરતે અમે ગરબા-દાંડિયાની રમઝટ આખી રાત જમાવતા. પહેલાં લોકો તહેવારો અને પ્રસંગોની મજા માણવા પોતાનાં અનેક કામ બાજુએ મૂકી દેતા ત્યારે આજે પ્રસંગો અને તહેવારો માત્ર સચવાતા હોય છે. આજની તારીખમાં આ તહેવારોએ એક વહેવારનું રૂપ લઈ લીધું છે.’


બીજી પેઢી : અહીં બીજી પેઢીના ચિરાગભાઈ કહે છે, ‘હું યુનાઇટેડ સ્ટેટ્સમાં મારા પરિવાર સાથે રહું છું અને આજે પણ ભારતીય પરંપરા સાથે જોડાયેલી ઘણી વાતોને યાદ કરું છું, પણ એને રોજિંદા જીવનમાં સ્થાન આપવા માટે અમે અસમર્થ છીએ. એક વ્યક્તિએ તેના રહેઠાણના ભૌગોલિક વાતાવરણને અનુરૂપ રહેવાની આદત પાડવી પડે. ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા તથા અમારાં બાળકોને પણ એ સંસ્કાર મળે એ માટે અમે ઘરમાં નવરાત્રિમાં દર વર્ષે મંડપ બનાવી નવ દિવસ રાત્રે આરતી ગાઈએ છીએ. હું ગણેશોત્સવને પણ અહીં બહુ યાદ કરુ છું.’

ત્રીજી પેઢી : ત્રીજી પેઢીની યશ્વી અહીં પોતાનાં દાદા-દાદી, નાના-નાનીને ખૂબ યાદ કરતાં કહે છે, ‘મને એ લોકોને મળવાનું મન રોજ થાય છે અને મારા વડીલો પાસેથી મને ભારતની રહેણીકરણી વિશે શીખવા મળે છે જ્યારે એ લોકો અમને મળવા અહીં આવે છે. હું તેમની સાથે રોજ સ્કાઇપ પર વાત કરું છું. મને પણ ગણપતિ, નવરાત્રિ, દિવાળી મનાવવાની ખૂબ મજા આવે છે. અમારે ત્યાં બહુ મહેમાન નથી હોતા જેમ દાદા અથવા નાનાના ઘરે હોય છે.’

એ સમયનું મુંબઈ તેમની નજરે

મહેતાપરિવાર છેલ્લાં ૯૦ વર્ષોથી મુંબઈમાં જ રહ્યો છે અને એમાં પણ જયપ્રકાશભાઈના પિતાનું ભુલેશ્વરમાં ઘર હતું. જયપ્રકાશભાઈ કહે છે, ‘મુંબઈમાં થતી પ્રગતિને મેં અનુભવી છે. હું એનો સાક્ષી છું એમ કહી શકાય. ચોથા ધોરણ પછીની રજાઓમાં મારા પિતાએ અમને થોડા દિવસો માટે દેશમાં મોકલ્યા અને જ્યારે પાછા આવ્યા ત્યારે એટલે કે લગભગ ૧૯૬૧માં બોરીવલીના એક ઘરમાં રહેવા આવ્યા. એ સમયમાં માતા-પિતા નિર્ણયો લેતાં અને બાળકોએ વડીલોને પ્રશ્ન પૂછવાનો સવાલ આવતો જ નહોતો.

આજના છોકરાઓને સાંભળીને નવાઈ લાગે એવી વાત કહું. અમે ત્રીજા ભોઈવાડામાં ભુલેશ્વરની ફૂલગલી અને નાણાવટી સ્કૂલના વળાંક પર એક મકાન હતું ત્યાં રહેતા. આજે પણ એ મકાન છે અને હવે એ લગભગ ૧૧૦ વર્ષ જૂનું છે. અહીં આમનેસામને બે સ્કૂલ જેનાં નામ લાલ સ્કૂલ અને લીલી સ્કૂલ એમ હતાં. હું એક વર્ષ લાલ સ્કૂલમાં ભણું તો બીજું વર્ષ લીલી સ્કૂલમાં જાઉં. આમ હું ચોથા ધોરણ સુધી બે સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો.

જ્યારે અમે બોરીવલી રહેવા આવ્યાં ત્યારે અમારે માટે એ કોઈ જંગલથી ઓછું નહોતું, કારણ કે એ વખતે લોકો પરામાં રહેવા આવવાનું પસંદ ન કરતા. સમય-સમયની વાત છે. આજે આ જ બોરીવલી (વેસ્ટ) ઝવેરી બજાર બની ગયું છે એમ કહી શકાય. આજનું બોરીવલી વર્ષો પહેલાનાં બોરીવલી સામે વિદેશ જેવું લાગે. ચીકુવાડી, શિંપોલી, મહાવીરનગર, એલઆઇસી, આઇસી કૉલોની બધા આજના ધીકતા વિસ્તારો છે. એ વખતે અહીં ગણી શકાય એટલાં જ મકાનો કે દુકાનો દેખાતાં. ભુલેશ્વરનો આવરો-જાવરો, બાળકોનો અવાજ, નવરા થયા પછી ગપ્પાં મારવા બેસેલા વડીલોની મંડળીથી જીવંત ભુલેશ્વર ભૂલવા ઇચ્છીએ તોયે આટલાં વર્ષે પણ ન ભુલાય એવો એનો મહિમા છે. હવે કહું તો અમે બોરીવલી છોડીને અમારા દીકરા પાસે વિદેશ રહેવા પણ તૈયાર નથી એવી અમને અહીંની માયા લાગી ગઈ છે.’ જયપ્રકાશભાઈ એટલી વિગતવાર વાતો કહેતા હતા જાણે એ વર્ષો પહેલાંની નહીં પણ કાલની વાત હોય.

અગવડમાં પણ સુખી જીવન

એ વખતનાં ઘર ઘણાં નાનાં હતાં અને આજની જે સુવિધાઓ છે એને સમક્ષ રાખતાં વિચાર કરીએ તો એ જીવનમાં ઘણી અગવડો હતી, પણ એ અમારે માટે આનંદ આપનારી હતી એમ કહેતાં તેમની યાદોને તાજી કરતાં તેમણે ઉમેર્યું, ‘જે લોકો એ વખતે મુંબઈમાં રહ્યા હશે તેમને ખબર હશે કે એ સમયમાં પાણી પણ છૂટથી મળતું નહીં. ચાલીની બહાર એક નળ હોય, જેમાં સવારે અમુક સમય સુધી પાણી આવે. પહેલાં મહેમાન પણ અચાનક આવતા. મને યાદ છે કે પોતાના ઘરમાં જો પાણી, પૈસા કે અનાજ આમાંથી કંઈ પણ ઓછું પડે તો પાડોશીઓ લાજ રાખી લે. એથી જ ‘પહેલો સગો પાડોશી’ એમ ફક્ત કહેવાતું નહીં, પણ અમારી પેઢીએ આ અનુભવેલી કહેવત છે. આજની તારીખમાં આ ત્રણેય વસ્તુ પાડોશી પાસે તમે માગી જ ન શકો, પણ જો માગો તો ભાગ્યે જ કોઈ એવું હશે જે હસતે મોઢે આપશે. સમય જરૂર બદલાય છે અને બદલાવો પણ જોઈએ, કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરંતુ પચાસેક વર્ષના અંતરમાં જ માણસનાં મન પણ ઘણાં બદલાઈ ગયાં.’

બીજી પેઢી : ચિરાગભાઈના કહેવા મુજબ તેમનું ઘર ખૂબ મોટું છે. તે કહે છે, ‘મારા પપ્પાની વાત સાથે હું સહમત છું કે અમારાં ઘર એટલાં મોટાં અને સુવિધાસભર છે કે ત્રીસ માણસો પણ સહજતાથી સમાઈ શકે, પણ વાસ્તવિકતા એ છે કે અમારે ત્યાં આવનારું કોણ? અમે હાલમાં જ સત્યનારાયણની કથા કરી હતી, પણ ત્યારેય હું ને મારો નાનોસરખો પરિવાર એકલા જ હતા.’

આવકની અછત, જગ્યાની અગવડ છતાંય લગ્ન યોગ્ય ઉંમરે

જયપ્રકાશભાઈ એક હોશિયાર વિદ્યાર્થી રહ્યા. તેઓ ૧૯૬૮માં બોરીવલીની ન્યુ હાઈ સ્કૂલમાંથી એસએસસીના ટૉપર બન્યા. બીકૉમ કરી તેમને બૅન્કની નોકરી મળી અને પગાર ઘર ચાલે એટલો બધો નહોતો. તેઓ સાત ભાઈ-બહેન અને એથી જ તેમના માટે લગ્ન કરતાં પહેલાં ઘર લેવું પણ અનિવાર્ય જ હતું. લગ્નની વાત ચાલી. સમજદાર તથા સંસ્કારી કન્યા મળી. નામ નિરુપા. જયપ્રકાશભાઈના હૈયે તે વસી ગઈ. તેમણે તેની સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી જવાબદારી પૂરી પાડવા, આવક વધારવાના રસ્તા શોધ્યા. નોકરી તો કરે પણ સાથે ટ્યુશન, ઘણી સોસાયટીનાં અકાઉન્ટ્સ લખવાનાં કામ પણ તેઓ કરે. આગળ જતાં તેમને નોકરીમાં પ્રમોશન મળ્યું અને પગાર વધ્યો. તેમણે હિંમતથી ઘર લીધું અને સાથે જ સંસાર આગળ વધાર્યો. જયપ્રકાશભાઈ લગ્ન વિશે કહે છે, ‘વર્ષો પહેલાં લગ્ન તૂટવાના કિસ્સાઓ ખૂબ જૂજ હતા, કારણ કે અમે સંસારની દરેક જટિલ સમસ્યાનો સાથે મળીને સામનો કરતા. સામાજિક, આર્થિક કે પારિવારિક દરેક જવાબદારી ‘તારી’ કે ‘મારી’ નહીં; પણ ‘અમારી’ માનીને ચાલતાં. અમારાં દીકરા-વહુ પણ આ જ નકશે કદમ પર ચાલે છે. મારા દીકરા બહારથી વસ્તુ લાવવી હોય કે ઘરમાં રસોઈ બનાવવી હોય, દરેક કામ કરવા માટે સક્ષમ છે.’
જયપ્રકાશભાઈ અને નિરુપાબહેને હરખથી કહ્યું, ‘અમારો ચિરાગ તો રોટલી પણ એવી કરે કે કદાચ મારી રોટલી પણ તેની રોટલી સામે જાડી લાગે. તેને આ કળા યુએસમાં ખૂબ કામ લાગે છે.’   

આ પણ વાંચો: આર્થિક મંદીનું અલાર્મ

બીજી પેઢી : ચિરાગભાઈ બોલ્યા, ‘હા, જ્યારે હું મિત્રો સાથે રહેતો ત્યારે મેં રોટલી આવડવાની વાતનો ખૂબ લાભ લીધો હતો. હું મારા મિત્રોને કહેતો કે તેમણે દાળ, ભાત, શાક, સૅલડ બધું બનાવવાનું અને હું ફક્ત ગરમ રોટલી બનાવીને ખવડાવીશ. હવે લગ્ન પછી આ કામ મારા ભાગે આવતું નથી, પણ મારી પત્ની જ્યારે ભારત જાય છે ત્યારે હું રોટલી અને થેપલાં પોતે બનાવું છું.છોકરો હોય કે છોકરી, જમાનો કેટલોય આધુનિક હોય અને ભલે ઘરમાં રસોઈ કરનાર બાઈ અથવા મહારાજ હોય, પણ બાળકોને રસોઈ શીખવાડવી ખૂબ જરૂરી છે એવું હું મારા અનુભવથી કહી શકું.’

જયપ્રકાશભાઈ તથા તેમની બીજી અને ત્રીજી પેઢીની વાતો પરથી એક વાત ચોક્કસ કહી શકાય કે પેઢી દર પેઢી જીવનશૈલીઓમાં જે ફરક દેખાય છે એ માત્ર વિચારોના અથવા પેઢીઓની વચ્ચે રહેલા ઉંમરના અંતરને કારણે નથી, પણ ભાગતા સમય સાથે કદમથી કદમ મેળવીને ચાલવાની જંજાળમાં ઘણી મજાઓ, વાતો, વસ્તુઓ પાછળ છૂટી જાય એ સ્વાભાવિક છે. પરિવારના વડીલોએ જીવેલી જિંદગી જો આજનાં બાળકો રોજિંદા જીવનમાં જીવે તો સમયની સાથે ચાલવું કદાચ અઘરું થઈ જાય અને ચિરાગભાઈ તથા યશ્વીની વાતોથી ખ્યાલ આવે છે કે આજની પેઢીને ભલીભાંતિ જાણ છે કે ફાસ્ટ લાઇફ જીવતાં-જીવતાં એક તરફ તેઓ વધતી સુવિધાઓનો ફાયદો લઈ રહ્યા છે અને બીજી તરફ રૂઢિઓથી ચાલી આવતી પરંપરાઓને ગુમાવી રહ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2019 03:14 PM IST | | ફૅમિલી-રૂમ - ભક્તિ ડી દેસાઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK