શૂરવીર ક્રાન્તિકારી સાવરકરથી મૅગ્નેટિક મોદીની અખંડ વિચારધારા

17 April, 2024 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાવરકર ક્યારેય ગાંધીજીના વિરોધી નહોતા, પણ અહિંસાના વિરોધી હતા.

રંદીપ હૂડા

જેમ સાવરકરે ઘણું સહન કર્યા છતાં પોતાની લડત ચાલુ રાખી એમ રણદીપ હૂડાએ પણ ઘણું સહન કરી ઘણી અડચણોનો સામનો કરી આ ફિલ્મ બનાવી અને હિન્દી તથા મરાઠી એમ બે ભાષામાં રિલીઝ કરી અને આજે લોકો એને ખોબલે-ખોબલે વધાવી રહ્યા છે. એક જીવનમાં બે જન્મટીપની સજા ભાગ્યે જ આ ધરતી પર સાવરકર સિવાય કોઈને મળી હશે. કાલાપાનીની ક્રૂર સજા ભોગવવા છતાં પોતાની લડત તૂટેલા, ભાંગેલા, ભૂખ્યા અને તરસ્યા શરીરે ચાલુ રાખવી એ ખાવાના ખેલ નથી. સાવરકરને ખબર પડી ગઈ હતી કે પોતાની લડત ચાલુ રાખવા માટે કાલાપાનીની જેલમાંથી બહાર નીકળવું પડશે અને એને માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવવી જ પડશે જેથી જેલની બહાર નીકળીને પોતાની લડત ફરી પાછી ચાલુ કરી શકે અને આજના યુનિફૉર્મ સિવિલ કોડ જેવો ‘એક દેશ એક કાયદો’ જેવું હિન્દુ રાષ્ટ્ર બનાવી શકે. આ સપનાને પૂરું કરવા માટે જેલમાંથી અંગ્રેજોને માફીનામાં લખ્યાં પણ અત્યારના બુદ્ધિજીવીઓ સાવરકરને અંગ્રેજોના એજન્ટ ગણાવે છે.  

એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ ઍન્ડ વૉર. અંગ્રેજોને ખબર હતી કે સત્યાગ્રહ ચાલુ રહેવાથી તેમનું નુકસાન નથી, પણ સાવરકર બહાર રહેશે તો તેના જેવા લાખ્ખો સાવરકર સામે તેમણે લડવું પડશે અને ભારતમાં રહેવું તેમને માટે મુશ્કેલ બની જશે. સાવરકરલિખિત ‘૧૮૫૭ સ્વતંત્ર સમર’ પુસ્તકથી ઘણા લોકો પ્રભાવિત થયા અને દેશને મળ્યા ભગત સિંહ, ખુદીરામ બોઝ અને બીજા ઘણા વીર. બ્રાહ્મણ હોવા છતાં હરિજન શબ્દનો વિરોધ કરનાર, દલિતો માટે મંદિર બનાવનાર અને હિન્દુઓના હક માટે લડનાર સાવરકર હતા. જોકે આઝાદીની લડતમાં કૉન્ગ્રેસના એક પણ સભ્યને ક્યારેય કાલાપાનીની સજા થઈ નથી, અંગ્રેજોએ સાવરકરના ઘરનાઓ પાસેથી ઘરબાર છીનવી લીધાં હતાં. ઘરવખરી, વાસણ સુધ્ધાંની   લિલામી કરી નાખી હતી અને તેમણે ભીખ માગીને દિવસો કાઢવાનો વારો આવ્યો હતો. સાવરકરના મૃત્યુ બાદ પણ એક કાવતરા હેઠળ અન્યાય હજી સુધી ચાલુ જ હતો, પણ છેવટે સુપ્રીમ કોર્ટ દ્વારા છેક હવે તેમને ક્લીન ચિટ મળી.  

સાવરકર ક્યારેય ગાંધીજીના વિરોધી નહોતા, પણ અહિંસાના વિરોધી હતા. આક્રાંતાઓને તેમની ભાષામાં જ જવાબ આપવો પડે. સાવરકર અને તેમના અનેક સાથીદારોના ભોગ વ્યર્થ નહીં જાય.  ભારત માટેનાં તેમનાં સપનાં છેવટે પૂરાં થઈ રહ્યાં છે.  સાવરકર માત્ર એક વ્યક્તિ કે ક્રાન્તિકારી નહીં, પણ એક પ્રોગ્રેસિવ વિચારધારા હતી અને રહેશે. જે વિચારધારારૂપી બીજ વિનાયક દામોદરદાસ સાવરકરે વાવ્યું એ આજે નરેન્દ્ર દામોદરદાસ મોદી તરીકે વટવૃક્ષ બનવા તરફ આગળ વધી રહ્યું છે.  

columnists life and style jimit trivedi randeep hooda narendra modi mahatma gandhi