સાયન્ટિસ્ટ બની છે આ ગુજરાતી ગર્લ, માનવતા માટે કામ કરવા માગે છે

15 April, 2024 09:42 PM IST  |  Mumbai | Jigisha Jain

નાનપણથી સાયન્સના પ્રયોગોમાં રસ ધરાવતી કવિતા ગાલાએ અઘરા માર્ગ પર ચાલીને ઓવેરિયન કૅન્સરના ઇલાજ પર રિસર્ચ કર્યું છે

કવિતા ગાલાની તસવીર

સાયન્સ ભણનારી ઘણી છોકરીઓ મળશે, પરંતુ રિસર્ચમાં આગળ વધીને વૈજ્ઞાનિક બનનારી ઘણી જૂજ જોવા મળે છે. નાનપણથી સાયન્સના પ્રયોગોમાં રસ ધરાવતી કવિતા ગાલાએ અઘરા માર્ગ પર ચાલીને ઓવેરિયન કૅન્સરના ઇલાજ પર રિસર્ચ કર્યું છે

સાયન્સના સ્ટ્રીમમાં આજની પરિસ્થિતિમાં છોકરાઓ કરતાં છોકરીઓ ઘણી વધુ જોવા મળે છે. એક સમય હતો જ્યારે ગણિત-વિજ્ઞાન જેવા વિષયો છોકરીઓના ગણવામાં જ ન આવતા. એ તો આર્ટ્સ અને હોમ સાયન્સ માટે જ સર્જાયેલી માનવામાં આવતી. પરંતુ સમય બદલાયો, દીકરીઓ ભણવા લાગી. તેમના ભણતરમાં માતા-પિતાને ખાસ્સો રસ પડવા લાગ્યો. ટકાવારી સારી આવવા લાગી એટલે દીકરીઓની સંખ્યા સાયન્સમાં વધવા લાગી. આજની તારીખે કોઈ પણ કૉલેજના સાયન્સ વિભાગના ક્લાસમાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં વધુ જ જોવા મળશે. મેડિકલમાં તો છોકરીઓ પહેલેથી જ વધુ હતી, પરંતુ સાયન્સના બીજા વિષયોના ક્લાસમાં પણ જો એ વધુ ન હોય તો બરાબરી પર તો દેખા દેતી જ હોય છે. છતાં જ્યારે દેશના વિમેન સાયન્ટિસ્ટોનું લિસ્ટ જોઈએ તો એ પુરુષ વૈજ્ઞાનિકો કરતાં ઘણું નાનું છે. મંગળ યાન મિશનમાં જ્યારે સ્ત્રી વૈજ્ઞાનિકોએ કામ કર્યું ત્યારે દેશમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે આપણી હોશિયાર દીકરીઓને આપણે વૈજ્ઞાનિકની કક્ષા સુધી પહોંચાડવી જ જોઈએ. આ વાતને થોડી ગંભીરતાથી અમલમાં મૂકી ચર્ની રોડ પર રહેતા બિઝનેસમૅન ગિરીશ ગાલાએ, જેમણે તેમની નાની દીકરી કવિતાને સાયન્સના રિસર્ચ ક્ષેત્રમાં આગળ વધવા માટે પૂરતો ટેકો આપ્યો. એને કારણે કવિતાએ ખંતપૂર્વક PhD કરીને ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. તેનાં રિસર્ચ-પેપર્સ લાઇફ સાયન્સિસ અને ટ્રાન્ઝૅક્શનલ ઑન્કોલૉજી નામનાં જાણીતાં જર્નલ્સમાં છપાયાં છે.

નાનપણથી કેળવ્યો રસ 
હાલમાં ૨૮ વર્ષની કવિતા જ્યારે નાની હતી ત્યારથી સાયન્સમાં તેને ખાસ્સો રસ હતો. એ વિશે વાત કરતાં તે ‘મિડ-ડે’ને કહે છે, ‘નાનપણમાં હું ટીવીમાં સાયન્સના પ્રયોગોવાળા શોઝ જોતી અને ઘરે ખૂબ પ્રયોગો કર્યા કરતી. ડ્રાય આઇસ સાથેના પ્રયોગો હોય કે નાનાં-નાનાં રૉકેટ બનાવવાનાં હોય, એ બધું મને ખૂબ ગમતું. જેમ-જેમ ભણતી ગઈ એમ મારી રુચિ એમાં વધતી ગઈ અને બારમા પછી મેં બાયોટેક જૉઇન કર્યું. હું એન્જિનિયરિંગ કરી શકી હોત, પરંતુ મારી મોટી બહેને મને માર્ગદર્શન આપ્યું અને હું સમજી કે ગાડરિયા પ્રવાહમાં જોડાવા કરતાં રિસર્ચની દુનિયામાં ઝંપલાવીએ. સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી મારે PhD કરવું જ હતું. હજી પણ પોસ્ટ ડૉક્ટરેટ કરવા હું અબ્રૉડ જવાનું વિચારું છું, જેના માટેના પ્રયાસ મેં શરૂ કરી દીધા છે. એ કર્યા પછી હું કામ શરૂ કરીશ.’ 

સ્ત્રી અને સાયન્સ 
મીઠીબાઈ કૉલેજમાં વિઝિટિંગ લેક્ચરર તરીકે કામ કરનાર કવિતાને પૂછ્યું કે સાયન્સમાં છોકરીઓ વૈજ્ઞાનિક તરીકે કેમ જોવા મળતી નથી? એ વિશે જવાબ આપતાં તે કહે છે, ‘આમ તો રિસર્ચમાં જ ઓછા લોકો જોવા મળે છે, કારણ કે રિસર્ચ ખૂબ અઘરું છે. જે લોકો ખૂબ ઊંડા ઊતરવા માગતા હોય એ જ આવી મહેનત કરી શકે. છોકરીઓ માટે એ થોડું વધુ અઘરું બને છે, કારણ કે માસ્ટર્સ પતી જાય એ પછી માતા-પિતા ઇચ્છતાં હોય છે કે તે પરણી જાય. પોતે ડૉક્ટરેટ કરેલું હોય તો સમાજમાં એટલું જ ભણેલો છોકરો ક્યાં લેવા જવો એવા પ્રશ્નો પણ નડતા હોય છે. હું અત્યંત ભાગ્યશાળી છું, કારણ કે મારા ઘરમાંથી મને આવું કોઈ પ્રેશર આપવામાં આવ્યું નથી. મારાં માતા-પિતાએ મને જેટલું અને જેવું ભણવું હતું એ માટે પૂરી છૂટ આપી છે. બીજું એ કે અમુક બાળકોએ વ્યવસ્થિત કમાવું જરૂરી બને છે. તમે રિસર્ચ કરતા હો તો તમારા નાના-મોટા ખર્ચા નીકળે એટલું માંડ કમાઈ શકો. બાકીનું ધ્યાન તો રિસર્ચમાં જ આપવું પડે. આ પરિસ્થિતિમાં પણ ઘણા લોકો રિસર્ચ છોડી દે છે. મને આમાંની કોઈ જ તકલીફ નડી નથી એટલે હું મારું પૂરું ફોકસ મારા રિસર્ચને આપી શકી.’ 

રિસર્ચ 
‘ઇન્વેસ્ટિગેશન ઑફ થેરપ્યુટિક પોટેન્શિયલ ઑફ ટેલોમરેસ ઇન્હિબિટર્સ ઇન ઓવેરિયન કૅન્સર’ વિષય પર કવિતા PhD એટલે કે ડૉક્ટર ઑફ ફિલોસૉફી થઈ છે. એ વિશે સમજાવતાં કવિતા કહે છે, ‘દર ૮૭ સ્ત્રીઓએ એક સ્ત્રી ઓવેરિયન કૅન્સરનો ભોગ બને છે અને એના ઇલાજ થકી ફક્ત ૪૫ ટકા સ્ત્રીઓને પાંચ વર્ષ કે તેથી વધુનું જીવન જીવવા મળે છે, બાકી તે મૃત્યુ પામે છે. મારું રિસર્ચ ઓવેરિયન કૅન્સરના ઇલાજ બાબતે છે. સાયન્સ જાણે છે કે કૅન્સર સેલ્સમાં ટિલોમરેસ નામનો એક એન્ઝાઇમ હોય છે જેને કારણે એ કોષો મરતા નથી અને વૃદ્ધિ પામે છે. ઇલાજમાં આપણી પાસે એવી દવાઓ હોય કે જે આ ટિલોમરેસ પર કામ કરે તો આપણે કૅન્સર સામે યોગ્ય લડત આપી શકીએ. મારા રિસર્ચમાં મેં આ બાબતને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. આ રિસર્ચ પર ભવિષ્યમાં ક્લિનિકલ ટ્રાયલ થઈ તો ઓવેરિયન કૅન્સરના ઇલાજ માટે આપણે વધુ સારી દવાઓ શોધી શકીશું.’ 

રિસર્ચમાં સૌથી અઘરું શું લાગ્યું?
 દરરોજ કલાકો તમે લૅબમાં પસાર કરો, કેટકેટલું વાંચો, રેફરન્સ લો, સમજો અને વિચારો. સાયન્સ રિસર્ચની ખાસિયત એ છે કે એમાં તમે દરરોજ ફેલ થાઓ છો, દરરોજ પ્રયાસ કરો, દરરોજ ફેલ્યર આવે, ફેલ થાઓ એટલે ફરી પાછા લાગી પડો. માનસિક રીતે ખૂબ સ્ટ્રૉન્ગ રહીએ ત્યારે શક્ય છે કે રિસર્ચ થાય. ખૂબ ધીરજનું કામ છે આ, જે હું છેલ્લાં પાંચ વર્ષમાં શીખી. એક વૈજ્ઞાનિક તરીકે હું માનવતા માટે કામ કરવા ઇચ્છું છું. લોકોને સાયન્સના માધ્યમથી મદદ આપવા ઇચ્છું છું. એ જ મારું લક્ષ્ય છે.’  
- કવિતા ગાલા

columnists Jigisha Jain life and style gujarati community news