સેન્ટ પીટર્સબર્ગની દુનિયામાં આવેલો પીટરહોફ પૅલેસ

06 September, 2019 08:28 AM IST  |  | જેડી કૉલિંગ-જમનાદાસ મજીઠિયા

સેન્ટ પીટર્સબર્ગની દુનિયામાં આવેલો પીટરહોફ પૅલેસ

(એ આખો દિવસ અમે ખૂબ ફર્યા. ગયા વીકમાં તમને કહ્યું એમ, મેટ્રોમાં ‘બન્કર 42’ જોવા ગયા અને ત્યાંથી અમે રશિયાના સ્પેસ સેન્ટર અને ત્યાંથી સીધા ફરી એક વૉર મ્યુઝિયમ જોવા ગયા. ત્યાંથી ક્રેમલિન સેન્ટર અને લેનિન સેન્ટર અને પછી મોસ્કોનું આર્મરી ચેમ્બર મ્યુઝિયમ અને પછી છેલ્લે રેડ સ્ક્વેર. રશિયાનું મેટ્રો સ્ટેશન પણ જોવા જેવું છે. એ પણ પતાવ્યું અને પછી મસ્ત ફૂડ લઈને સીધા હોટેલ પર. બીજા દિવસે સવારે અમારે ટ્રેન પકડીને સેન્ટ પીટર્સબર્ગ જવાનું હતું. સુંદર અને અદ્ભુત છે આ સેન્ટ પીટર્સબર્ગ. સેન્ટ પીટર્સબર્ગની વાતો હવે...)

સેન્ટ પીટર્સબર્ગ શહેરનું નામ ત્યાંના રાજા પીટર ધ ગ્રેટના નામ પરથી પડ્યું છે. પીટર ધ ગ્રેટ. આ નામ વાંચીને આપણને એવું લાગે કે કોઈ પોતાને જાતે જ ગ્રેટ કહેવડાવે ખરા? નામથી ન જ કહેવડાવવું જોઈએ પણ કામ પરથી પણ જરૂર કહેવડાવે એવા હતા પીટર ધ ગ્રેટ. રશિયન સલ્તનતના સૌથી મોટા હીરો. હીરો પરથી યાદ આવ્યું એટલે તમારી સાથે શેર કરું છું કે રશિયામાં રાજ કપૂર બહુ ફેમસ છે, એ તો આપણને બધાને ખબર છે પણ બીજા નંબરે જો રશિયાનો બીજા સૌથી મોટા હીરો કોઈ હોય તો એ છે, મિથુન ચક્રવર્તી. 
ખરેખર. 

અત્યારે હિન્દુસ્તાનમાં નથી એવડું મોટું ફેન ફોલોવિંગ મિથુનનું ત્યાં છે. રશિયામાં હતા ત્યારે ત્યાં ટેક્સી કરી. એ ડ્રાઇવર સાથે હું એમ જ વાત કરતો હતો એ દરમ્યાન એ ડ્રાઇવરને ખબર પડી કે હું મિથુનને ઓળખું છું એટલે એણે બધું પડતું મૂકીને પહેલાં પોતાની ઑફિસમાં ફોન કરીને બધાને આ વાત કહી અને મારો પણ ઓટોગ્રાફ લીધો. મિથુનને ઓળખું છું એટલે નહીં પણ અમારી વાતો પછી તેને જરા ઇંતેજારી થઈ એટલે તેણે મારા નામથી ગૂગલ કર્યું એટલે તેને ખબર પડી કે હું પણ થોડોઘણો ફેમસ કલાકાર છું. એટલે ખુશ થઈને તેણે મારો ઓટોગ્રાફ લીધો. એની વે, આપણે આપણી રશિયાની ટૂર અને સેન્ટ પીટર્સબર્ગ પર આવી જઈએ.

આ પણ વાંચો: દુબઈ-મૉસ્કો ફ્લાઇટ મિસ કરી એટલે નાઇટ-હૉલ્ટ દુબઈમાં જ કરવાનું આવ્યું

કલાકરનો જીવ એટલે કલાકારનો જીવ! જેવા સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યા કે તરત જ અમે ત્યાંના ફેમસ બેલે સ્વોન લેક વિષે બધું શોધી લીધું અને પછી ઓનલાઇન ટિકિટ બૂક કરીને ભાગતાં સીધા ઓડિટોરિયમ પર પહોંચી ગયા. શું અદ્ભુત કલાકારી છે આ બેલે ડાન્સની! બેલેમાં ડાયલોગ તો હોય નહીં અને જો હોત તોપણ એ રશિયનમાં હોત એટલે અમને સમજાવાનું હતું નહીં અને એ પછી પણ કહું છું કે એનાથી કોઈ ફરક નહોતો પડવાનો. એકદમ સુંદર અને અદ્ભુત રીતે ભજવાયેલા એ બેલેએ અમારી સેન્ટ પીટર્સબર્ગની પહેલી સાંજ ખુશનુમા બનાવી દીધી. બધો થાક ઊતરી ગયો અને શરીરમાં એકદમ તાજગી આવી ગઈ. બેલે જોઈને અમે બહાર આવ્યા અને એ પછી શરૂ થઈ અમારી રોજની જેમ જ વેજિટેરિયન ફૂડ શોધવાની રમત. વેજ ફૂડ શોધતાં-શોધતાં અમે ટહેલતા ગયા અને એમાં અમે પહોંચી ગયા એક કાશ્મીરી રેસ્ટૉરાંમાં.

એકપણ શબ્દ કાશ્મીર અને ૩૭૦ કલમ પર અત્યારે લખવા નથી માગતો. એનું પહેલું કારણ એ છે કે અમે જ્યારે રશિયામાં હતા ત્યારે દુનિયામાં કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આવું થવાનું છે અને એ થયા પછી આટલી અદ્ભુત રીતે આખો પ્રશ્ન પણ હેન્ડલ કરી લેવામાં આવવાનો છે.

કાશ્મીર નહીં, સેન્ટ પીટર્સબર્ગ. આપણે ફરી પાછાં વેકેશન પર આવી જઈએ.

કાશ્મીરની સુંદરતા સાથે ઊભું રહી શકે એવું જ સ્વાદિષ્ટ અને લાજવાબ ભોજન હતું. ત્યાં કૂક આપણા કાશ્મીરના જ હતા તો રેસ્ટોરન્ટની મૅનેજર કમ એટેન્ડન્ટ છોકરી કઝાકિસ્તાનની હતી. આ છોકરીને નથી રશિયામાં રહેવું અને નથી એને કઝાકિસ્તાન પાછાં જવું, એને આપણા હિન્દુસ્તાન આવીને સેટલ થવું છે. એ હિન્દુસ્તાનના પ્રેમમાં ગળાડૂબ છે. એ વર્ષો સુધી ઇન્ડિયા રહી છે અને તે ઇન્ડિયા ખૂબ ફરી છે. તે ઇન્ડિયામાં જ યોગ શીખી છે અને ફરી પાછું તેને અહીંયાં એટલે કે ઇન્ડિયા આવવું છે. એ રેસ્ટૉરાંની અમને ખૂબ સરસ રીતે ફૂડ સર્વ કર્યું. મને લાગે છે કે ઇન્ડિયન હતા એટલે પણ એની અમારા પ્રત્યેની ‌ઉષ્મા જુદી હતી. એકદમ સંતુષ્ટ અને તૃપ્ત થઈને અમે રાત્રે બાર વાગ્યે હોટેલ પર પાછા પહોંચ્યા.

સેન્ટ પીટર્સબર્ગની અમારી જે હોટેલ હતી, એ અત્યાર સુધીની મારી સારામાં સારી હોટેલના લિસ્ટમાં આવે એવી હતી. એનો સ્વીમિંગ પુલ અલગ-અલગ પ્રકારના જકૂઝીથી ભરેલો હતો. તમે આખો દિવસ ફરીને આવ્યા હોવ, થાકી ગયા હોવ અને પૂલમાં ઊતરો એટલે બધો થાક ઉતારી દે. હોટેલનું નામ હતું, સોલો-સો-કોઝ હોટેલ પેલેસ બ્રિજ. આ હોટેલમાં માત્ર સ્વીમિંગ પૂલ જ એવું નહીં, પૂલમાં પણ ભાતભાતના પૂલ. ઓછા ગરમ પાણીથી લઈને ઉકળતાં કહેવાય એવાં બહુ જ ગરમ પાણીના પૂલ પણ ખરા! અલગ જ અનુભવ હતો આ હોટેલનો! સવારે નાસ્તામાં અઢળક વેરાયટી અને સાથે સ્પાર્કલિંગ વાઇન.

આ પણ વાંચો: રશિયાનો યુદ્ધભૂમિનો ઇતિહાસ ગૌરવદાયી અને પ્રભાવશાળી રહ્યો છે

તમને મનમાં થાય કે સવાર-સવારમાં વાઇન કંઈ થોડું પીવાય? મને પણ એમ જ થતું હતું અને એમાં પાછા આપણે તો ગુજરાતી એટલે પીવાનું તો સાંજે કે રાત્રે જ હોય પણ રશિયામાં લોકો ડ્રિંક્સના હેતુથી કે નશો કરવાના ઇરાદે નથી પીતા હોતા પણ જાણે કે ગ્લાસમાંથી ચાખતા હોય એમ લેતા હોય છે. મેં પણ ચાર ચમચી ચાખવાના ઇરાદે સ્પાર્કલિંગ વાઇન ચાખ્યો. જુદો જ અનુભવ હતો, હોટેલનો અને બ્રેકફાસ્ટનો. ભાઈ, પીવાની વાત નથી કરતો હું. પીવાની બાબતમાં પણ હું ચોખવટ કરીને કહી દઉં કે હું કંઈ બેવડો નથી અને પીવાનું છોડી દીધાને પણ વર્ષો થઈ ગયાં. ચાખવાની જ વાત છે અને એ પણ ચાખવાના હેતુ સાથે જ. 

સેન્ટ પીટર્સબર્ગમાં આમ જોઈએ તો અમારો એ બીજો દિવસ હતો અને એ દિવસે વહેલો નાસ્તો કરીને અમારે પીટરહોફ પેલેસ જોવા જવાનું હતું. આ પેલેસની ટૂરના ટાઇમિંગ ફિક્સ હોય છે. ટ્રાફિકને લીધે વીસ-પચ્ચીસ મિનિટ અમે મોડા પડ્યા, જેને લીધે અમારે હવે લાઇનમાં વચ્ચે ઘૂસવાનું હતું. અમારી પાછળ બહુ લાંબી લાઇન હતી. સાહેબ, લાઈનમાં ઊભેલા એ ટુરિસ્ટની અને ત્યાં રહેલા ગાઇડની સમજણને સાચે જ સલામ. બધા સમજી ગયા કે જો અમે પાછળ ઊભા રહીશું તો અમારો આજે વારો જ નહીં આવે અને જો વારો ન આવે તો જગતની ઉત્કૃષ્ટ અજાયબી સમાન પીટરહોફ પેલેસ મિસ થઈ જાય. તમને વિચાર આવે કે એમાં શું છે, અમારે એ જોવા માટે બીજા દિવસે આવવું જોઈએ. તમને આ વિચાર આવ્યો હોય તો સ્પષ્ટતા સાથે કહી દઉં કે અમે ઓલરેડી મુંબઈથી જ બધી બાબતમાં મોડા ચાલતા હતા. મુંબઈમાં ફ્લાઇટ કૅન્સલ થઈ એટલે ઓલમોસ્ટ સોળ કલાક અમે મોડા પડ્યા. એ પછી અમે દુબઈમાં પણ ફ્લાઇટ ચૂકી ગયા એટલે ત્યાં પણ એક દિવસ અમારે કાઢવો પડ્યો. હવે અમારી પાસે સમય નહોતો. વૅકેશન શરૂ પ્રોપર સમયે થયું હતું, અમે એ જર્નીમાં વચ્ચે અટવાયા હતા. અમારે પાછા ફરવાનું નક્કી હતું અને એમાં કોઇ ચેન્જ થઈ શકે એમ નહોતો. આ જ કારણે અમે બીજા દિવસે પેલેસ જોવા માટે આવી શકીએ એવી શક્યતા બિલકુલ નહોતી પણ મેં તમને કહ્યું એમ, ત્યાં હાજર રહેલા ટુરિસ્ટ અને પેલેસના ગાઇડના કારણે એવી પરિસ્થિ‌તિ ઊભી ન થઈ કે અમારે એ પેલેસ મ‌િસ કરવો પડે. અમને એ પેલેસ જોવા મળ્યો અને જોયા પછી અમારા બધાના મોઢામાં એક જ વાત હતી.

અદ્ભત! અકલ્પનીય! અવિસ્મરણીય!

columnists gujarati mid-day