દુબઈ-મૉસ્કો ફ્લાઇટ મિસ કરી એટલે નાઇટ-હૉલ્ટ દુબઈમાં જ કરવાનું આવ્યું

Published: Aug 16, 2019, 12:41 IST | જમનાદાસ મજીઠિયા - જેડી કૉલિંગ | મુંબઈ ડેસ્ક

તકલીફો આવે તો એને સ્વીકારીને આગળ વધશો તો એ તકલીફ હશે એના કરતાં પણ નાની થઈ જશે એની ગૅરન્ટી મારી

કમઠાણ પ્લેનનુંઃ આ પ્લેન આમ ફસકી પડ્યું એમાં વેકેશનમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવી ગઈ અને વેકેશનની પહેલી રાત મુંબઈ ઍરપોર્ટ પર તો બીજી રાત દુબઈમાં પસાર કરવાનો અનુભવ મળ્યો.
કમઠાણ પ્લેનનુંઃ આ પ્લેન આમ ફસકી પડ્યું એમાં વેકેશનમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવી ગઈ અને વેકેશનની પહેલી રાત મુંબઈ ઍરપોર્ટ પર તો બીજી રાત દુબઈમાં પસાર કરવાનો અનુભવ મળ્યો.

જેડી કૉલિંગ

(અમારા વેકેશનની પહેલી કહેવાય એવી અમારી દુબઈની ફ્લાઇટ ૧૨ કલાક મોડી એટલે કે બીજા દિવસે બપોરે ૧૨ વાગ્યે રવાના થઈ. અમારે દુબઈ અને ત્યાંથી ફ્લાઇટ ચેન્જ કરીને મૉસ્કો જવાનું હતું. મૉસ્કો પહોંચીએ એટલે અમારું વેકેશન શરૂ થવાનું હતું. ફ્લાઇટ લેટ હોવાને કારણે હવે બધું કટ-ટુ-કટ ચાલતું હતું. જો એ સમયે અમારું ચાલ્યું હોત તો અમે પાઇલટભાઈને કીધું હોત કે ભાઈ જરા લિવર પર પગ મૂકી દે, નહીં તો અમારી દુબઈની ફ્લાઇટ નીકળી જશે, પણ એવું તો કંઈ કહેવાય નહીં અને આપણને તો એ પણ ક્યાં ખબર છે કે પ્લેનનું લિવર પગ પાસે આવે કે સ્કૂટરની જેમ હાથમાં હોય. હવે આગળ વાંચો...)

મુંબઈથી દુબઈ સુધીની સફરમાં અમારા હાર્ટબીટ ફ્લાઇટ કરતાં વધારે ઝડપથી ભાગતા હતા. પહોંચ્યા દુબઈ, હૅન્ડબૅગ હાથમાં જ રાખી હતી, આગળ ગયા અને ગેટની તપાસ કરીને સીધા એ દિશામાં ભાગ્યાં. જેવા અમે દુબઈ-મૉસ્કો ગેટ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર સ્ટાફે અમને કાચમાંથી દેખાડ્યું, ‘તમારી ફ્લાઇટ જસ્ટ ઊપડી અને એ... ઊડીને જાય.’ વેકેશન બરાબર પરીક્ષા લઈને આવ્યું હતું એવું મને વધુ એક પ્રતીત થયું.
અમારાં સૌનાં મોઢાં વીલાં થયાં, પણ મિત્રો, દરેક સમસ્યાનો ઉકેલ અને તકલીફનો તારણહાર હોય જ છે. તમને એ શોધતાં કે પછી એને તમારા સુધી લઈ આવતાં આવડવું જોઈએ. ફ્લાઇટ મિસ થયા પછી દુબઈના ઍરપોર્ટ ઑથોરિટીએ અમારી સાથે ખૂબ સારું વર્તન કર્યું. ખૂબ સહાનુભૂતિ સાથે વર્તીને અમને ઍરલાઇન્સે દુબઈમાં જ રાતવાસો ગોઠવી આપ્યો. વેકેશન પર રવાના થયા એ પહેલાં એટલે કે જુલાઈ પહેલાં અમે ચાર મહિનાથી ઑલમોસ્ટ ફેબ્રુઆરીથી વેકેશન પર જવાની તૈયારી કરતા હતા, મહેનત કરતા હતા અને પ્લાન પર પ્લાન બનાવતા હતા. અમારા એ પ્લાનમાં ક્યાંય દૂર-દૂર દુબઈનું નામ નહોતું અને એ પછી પણ અમે એ સમયે દુબઈમાં હતા.
બેઝિકલી અમે ચારેય પૉઝિટિવ માનસિકતા ધરાવીએ છીએ એટલે જ્યારે ધાર્યું હોય એમ થાય ત્યારે પણ ખુશ હોઈએ અને અણધાર્યું બને ત્યારે પણ અમે એમાં ઢળી જતા હોઈએ. ક્યારેય એકબીજા સામે કે એકબીજા પર વડચકાં ન નાખીએ, ક્યારેય નહીં. જે પરિસ્થિતિ મળે, જે અવસ્થા મળે એને દિલથી માણવાની અને એમાં ઢળીને એ સમયને માન આપીને એનો પણ આનંદ લેવાનો. અનાયાસ હવે અમને એક સાંજ દુબઈમાં મળી હતી, જેનું અમારું કોઈ પ્લાનિંગ જ નહોતું, પણ જે થાય છે એ સારા માટે થાય છે એવું ધારીને અમે દુબઈની એ સાંજની મજા માણવાનું શરૂ કરી દીધું. દુબઈની એ સાંજે અમે અમે એક ક્રૂઝ બુક કર્યું. આને દુબઈમાં દાઉ-ક્રૂઝ કહે છે. જેકોઈ ટૂરમાં જતા હોય તેમણે આ દાઉ-ક્રૂઝનો આનંદ પહેલા જ દિવસે લીધો હશે અને પહેલા દિવસે તેમને નહીં મળ્યો હોય તો ટ્રિપ દરમ્યાનમાં ક્યારેક તો લીધો જ હશે. ખાડી (પણ આપણા જેવી નહીં, એકદમ ચોખ્ખી અને સરસમજાની રીતે સજાવેલી)માં તમારુ ક્રૂઝ ચાલતું હોય અને તમારે ડિનર લેવાનું. ક્રૂઝની બન્ને બાજુએ દુબઈ દેખાયા કરતું હોય, એ જોતા જવાનું અને ખાડી પરથી આવતી ઠંડી હવા વચ્ચે ગરમાગરમ ડિનરનો આનંદ માણવાનો.
કમાલનો દેશ છે આ દુબઈ, સદા અગ્રેસર. પાછું વાળીને જોતું જ નથી અને જે ન હોય એ પોતાને ત્યાં ઊભું કરીને જ શાંતિ લે એનું નામ દુબઈ. ક્રૂઝ પરથી અમે દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિગ બુર્જ ખલીફા જોયું, નજીકથી પણ જોવા જેવું છે અને અંદરથી તો ખાસ જોવા જેવું હશે એવું હું એના બાહ્ય દેખાવ પરથી કહી દઉં છું. આ વાત કરતી વખતે તમને એક વાત કહેવાનું ભૂલી ગયો કે હવે અમે લોકો નાની-મોટી ઘટનાથી એટલા ટેવાઈ ગયા છીએ કે ઘટનાઓની અપસેટનેસ આવતી જ નથી. સ્ટ્રેસ અવૉઇડ કરવામાં ફાવટ આવી ગઈ છે.
વાત એમ હતી કે દીકરી મિશ્રીની તબિયત ફ્લાઇટમાં બગડી હતી અને બીજી વાત એ કે ફ્લાઇટ પકડવાની દોડાદોડમાં મિશ્રીબહેનનો મોબાઇલ ફ્લાઇટમાં જ મિસ થઈ ગયો. જે થાય છે એ સારા માટે જ થાય છે અને એની પાછળ કોઈ સંકેત હોય જ છે. જો આ એક વાતને સરળ અને સહજ રીતે સ્વીકારી લો તો તમને જગતની કોઈ તકલીફ હેરાન ન કરી શકે અને હું તો આ શીખી જ ગયો છું. આ વાત અત્યારે મેં ફ્લાઇટ મિસ કરવાની બાબતમાં કહી છે એટલે એને મોબાઇલ સાથે કનેક્ટ કરવાની જરૂર નથી. એક ખાસ સલાહ આપવી છે મારે તમને કે જો તમે ફરવા નીકળ્યા હો અને આવું બધું બને તો એનાથી ગુસ્સે થવાને બદલે કે રાડારાડ કરીને કશું મળવાનું નથી એટલે એવું કશું કરવું નહીં. આપણામાંના મોટા ભાગના લોકો આ જ કરી બેસે છે. નવી જગ્યા હોય એટલે જગ્યાનું સ્ટ્રેસ હોય, લૅન્ગ્વેજના પ્રૉબ્લેમને કારણે પણ મન વધારેપડતું સજાગ થયેલું હોય અને એવામાં આવું બને એટલે સીધી રાડારાડ કરવાનું શરૂ થઈ જાય. ના, ક્યારેય નહીં અને જરા પણ નહીં. આવું બને અને આવું બને એટલે જ પ્રવાસ યાદગાર બને. તમે ગયા બધા, બધું બરાબર ચાલ્યું અને એ પછી તમે પાછા આવી ગયા. આ કંઈ વાર્તા કહેવાય. આવી વાર્તા કહેવાની મજા પણ આવે? ના, ન આવે. રોમાંચ હોવો જોઈએ વાતમાં અને વાર્તામાં. અત્યારે પણ એ જ આવી રહ્યો હશે તમને. પહેલાં ફ્લાઇટ ઊપડવાને કારણે ૧૨ કલાક ઍરપોર્ટ પર, પછી દુબઈથી ફ્લાઇટ મિસ કરવી અને એ પછી દુબઈમાં એક નાઇટનો હૉલ્ટ અને એમાં પણ પાછો મોબાઇલ ગુમ થવો. ટર્ન-ટ્વિસ્ટ જુઓ તમે. આટલાં ટર્ન-ટ્વિસ્ટ હોય તો વેકેશન કર્યાનો આનંદ આવે. યાદ રાખજો કે આવી બધી વાતોનો આનંદ વર્ષો પછી બેવડાતો જાય છે એટલે એનો રોમાંચ અકબંધ રાખવા માટે સ્વભાવગત ગુસ્સાને કાબૂમાં રાખજો.
આપણે ફરી આવીએ મિશ્રીબહેનના મોબાઇલ પર.
મોબાઇલ રહી ગયો એટલે અમે ઑથોરિટીને ઇન્ફર્મ કર્યું. અમને કહેવામાં આવ્યું કે જો દુબઈની ફ્લાઇટમાં કે દુબઈ ઍરપોર્ટ પર ફોન ભુલાયો હશે તો એ ફોન ક્યાંય નહીં જાય, તમને પાછો મળી જશે. વાત ખોટી નથી. દુબઈના લોકોના કાયદા અને દુબઈના લોકોની વિચારસરણી એવી છે કે ફોન ક્યાંય જાય જ નહીં. એ લોકોની વિચારસરણીને એક વાક્યમાં સમજાવું તો, ‘ખોટું કરવું નથી, ખોટું થવા દેવું નથી અને ખોટું ચાલવા દેવું નથી.’ જો આપણે પણ આ વાતને સહજ રીતે સ્વીકારી લઈએ, આપણી વિચારસરણી પણ એ મુજબની કરી નાખીએ તો આ જ કાયદા વચ્ચે આપણે પણ આપણા દેશને એ સ્તર પર પહોંચાડી શકીએ.
જો દુબઈની ફ્લાઇટમાં કે ઍરપોર્ટ પર ફોન ભુલાયો હશે તો એ ક્યાંય નહીં જાય, તમને પાછો મળી જશે.
વાત ૨૦૦ ટકા સાચી છે.
બન્યું પણ એવું કે જેવા અમે ઍરપોર્ટ પર પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં અમને સમાચાર મળ્યા કે તમારો ફોન મળી ગયો છે. એ સમયે મને હસવું આવતું હતું, ખરેખર. મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો કે વેકેશન દરમ્યાન આટલી ચીજો ખોવાના અનુભવ લઈ લીધા પછી પણ અમારામાં જોઈએ એવો સુધારો નથી આવ્યો.
હસવાનું મહામહેનતે દબાવ્યું અને હસવું જે વાત પર આવતું હતું એ વાત અમારા માટેનો બોધપાઠ ગણીને નક્કી કર્યું કે મિશ્રીને ઠપકો આપીને વધારે હેરાન નથી કરવી. મેં એમ જ જાણવા ખાતર ત્યાં હાજર હતી એ ઑથોરિટીને પૂછ્યું કે રોજ તમને આવી ખોવાયેલી કેટલી ચીજવસ્તુ મળતી હોય છે? ચીજવસ્તુ ભૂલો સાહેબ, તેમણે પહેલાં ખાલી ખોવાયેલા ફોનનો આંકડો કહ્યો, જે સાંભળીને તમે જિંદગીમાં ક્યારેય ફોન ખોવાશે તો જાતને નહીં કોસો. ગૅરન્ટી.

આ પણ વાંચો : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ

૫૦૦.
હા, રોજના ૫૦૦ ફોન લોકો ત્યાં ભૂલીને આગળ નીકળી જાય છે. અચરજ પણ અંજાઈ જાય એવી ચીજ બીજા નંબરે આવે છે, પાસપોર્ટ. લોકો ફ્લાઇટમાં પાસપોર્ટ ભૂલી જાય છે અને ઘણી વાર એવું બને કે ઇમિગ્રેશન પર પાસપોર્ટ યાદ આવે એટલે પાછા પાસપોર્ટ લેવા જાય અને એમાં કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK