તમને થશે અરે યાર, આ યંગ બૉય થાકતો કેમ નહીં હોય!

16 April, 2024 11:51 AM IST  |  Mumbai | Ruchita Shah

જૈસલ સાડાચાર વર્ષનો હતો ત્યારે મુલુંડમાં યોજાયેલી ઓપન કૅટેગરીની ચેસ ટુર્નામેન્ટમાં તેને પહેલો અવૉર્ડ મળ્યો હતો.

જૈસલ શાહની તસવીર

સાડાચાર વર્ષની ઉંમરથી એક પછી એક પોતાના જ રેકૉર્ડ બ્રેક કરી રહેલા અને અત્યારે ૧૪ વર્ષના ચેસ ચૅમ્પિયન જૈસલ શાહે હવે સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચેસ શીખવવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં અપ્રતિમ સિદ્ધિઓને પાર કરી ગયેલો આ એક્સ્ટ્રા-ઑર્ડિનરી બાળક હવે ચેસ-ટીચર તરીકે કઈ રીતે ઊભરી રહ્યો છે એ આપણે જાણીએ

કેટલાક લોકોનો લાઇફ-ગ્રાફ જોઈએ તો એમ લાગે કે જાણે આ સૃષ્ટિ પર તેમનો જન્મ માત્ર જીતવા માટે જ થયો છે. અફકોર્સ, તેમની મહેનતનો અને પરિવારના સાથ-સહકારનો એમાં સૌથી મોટો રોલ હોય છે. દાદરમાં રહેતા ૧૪ વર્ષના જૈસલ શાહ વિશે તમે ભૂતકાળમાં પણ ઘણી વાર વાંચ્યું હશે. ચેસ ચૅમ્પિયન, ટેડ ટૉક સ્પીકર અને રાષ્ટ્રપતિના હાથે અવૉર્ડ જીતી ચૂકેલો જૈસલ શાહ આજકાલ ટીચર બનીને બાળકોને ચેસ શીખવવાનું કામ કરી રહ્યો છે. 

ભણાવવાનો વિચાર

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણતા આ યંગ બૉયને સ્કૂલમાંથી જ કમ્યુનિટી માટે કંઈક કરવું જોઈએ એની પ્રેરણા મળી અને તેણે શરૂ કરી ટીચિંગ યાત્રા. ૨૩ જૂને માટુંગાની શિશુવન સ્કૂલમાં એક ચેસ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે અને એના માટે નામ નોંધાવનારા સ્પર્ધકો માટે માટુંગા બોર્ડિંગ અને શ્રી મુલુંડ કચ્છી વીસા ઓસવાળ સમાજની સ્પોર્ટ્સ સમિતિએ ફ્રી ચેસ ટ્રેઇનિંગ કૅમ્પ રાખ્યો છે. આ કૅમ્પમાં જૈસલ પ્રશિક્ષણ આપી રહ્યો છે. આ કૅમ્પનું પહેલું ચરણ માટુંગાની શિશુવન સ્કૂલમાં શરૂ થયું છે અને બીજું ચરણ ૧ જૂનથી શ્રી મુલુંડ કચ્છી વીસા ઓસવાળ સમાજની ઑફિસમાં થશે. નાનપણથી જ ચેસમાં એક પછી એક વર્લ્ડ રેકૉર્ડ બનાવનારા જૈસલે અત્યારે શિશુવન સ્કૂલનાં ૬૫ બાળકોને ચેસ શીખવવાનું શરૂ કર્યું છે ત્યારે આ વિચાર વિશે તે કહે છે, ‘ચેસ માત્ર મેડલ જીતવાની કે ચૅમ્પિયનશિપ દરમ્યાન રમવાની રમત નથી, પણ એ રમવાથી તમારું મગજ તેજ થાય છે. તમારી વિચારવાની અને પ્રૉબ્લેમ-સૉલ્વિંગ કૅપેસિટી ડેવલપ થાય છે. નાની ઉંમરથી જ જો ચેસ રમવાની આદત કેળવાય તો બ્રેઇનનો અદ્ભુત વિકાસ થઈ શકે છે. સારામાં સારા વર્કિંગ પ્રોફેશનલ બનવું હોય કે બિઝનેસમૅન બનવું હોય તો એમાં પણ ચેસ શીખેલા હોઈએ તો મદદ જ મળવાની છે. બસ, આ જ વિચાર મને આવ્યો અને થયું કે બાળકોને ચેસ શીખવીએ એટલે ક્યારેક નવરાં પડે તો સોશ્યલ મીડિયામાં ડાફોળિયાં મારવાને બદલે ઑનલાઇન પણ ચેસ રમશે તો એ લાભમાં રહેશે. પ્લસ હું તો બાળકોને તેમના પેરન્ટ્સ સાથે ચેસ રમવાનું કહું છું જેથી ફૅમિલી સાથે બૉન્ડિંગ પણ વધે અને પરસ્પર ક્વૉલિટી ટાઇમ પણ સ્પેન્ડ કરવાનું વધે.’


યંગસ્ટરોમાં ચેસ માઇન્ડસેટ ડેવલપ કરવાનો જૈસલે નિશ્ચય કરી લીધો છે અને અત્યાર સુધીમાં એટલાં પ્લૅટફૉર્મ પર તે જુદી-જુદી રીતે પર્ફોર્મ કરી ચૂક્યો છે કે કૉન્ફિડન્સની અને પોતાની ઉંમરનાં બાળકોને ટીચર બનીને ભણાવવામાં તેને સહેજ પણ તકલીફ નથી પડી રહી. 

અચીવમેન્ટનો ભંડાર

જૈસલ સાડાચાર વર્ષનો હતો ત્યારે મુલુંડમાં યોજાયેલી ઓપન કૅટેગરીની ચેસ ટુર્નામેન્ટમાં તેને પહેલો અવૉર્ડ મળ્યો હતો. તેની મમ્મી કિંજલ કહે છે, ‘એ પછી તેણે પાછળ વળીને જોયું નથી. યંગેસ્ટ ચેસ પ્લેયર તરીકેનો અવૉર્ડ તેને મળ્યો છે. પાંચ વર્ષની ઉંમરે તેને ચેસમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું. ૨૦૧૭માં ચેસની રમત માટે જૈસલને ચાઇલ્ડ અવૉર્ડ ફૉર એક્સેપ્શનલ અચીવમેન્ટ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. નૅશનલ અને ઇન્ટરનૅશનલ મળીને કુલ ૧૯૭ ચેસ ટુર્નામેન્ટ જીતનારો જૈસલ ૨૦૨૦માં ટોક્યોમાં યોજાયેલી ઑલિમ્પિક ગેમ્સમાં ભારતના પર્ફોર્મન્સ વિશે ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા આમંત્રિત થયો હતો. ૨૦૨૨માં જૈસલને ટૉપ ૧૦૦ ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડિજી અવૉર્ડ નોબેલ પ્રાઇઝ વિજેતા સર રિચર્ડ જે. રૉબર્ટ્સના હાથે એનાયત કરવામાં આવ્યો હતો. એ સિવાય ‘ઇન્ડિયાઝ મોસ્ટ એક્સેપ્શનલ ચાઇલ્ડ ૨૦૨૨’ અવૉર્ડ મળવાની સાથે જ જૈસલને TEDx સ્પીકર તરીકે ઇન્વાઇટ કરવામાં આવ્યો હતો. યંગેસ્ટ સ્પીકર એવા જૈસલે MBA સ્ટુડન્ટ્સ સામે સ્પીચ આપી હતી. ધ ક્વીન્સ કૉમનવેલ્થ એસે કૉમ્પિટિશન-2023માં જૈસલે ભાગ લીધો હતો. પચાસ દેશોમાંથી ૩૪,૯૨૪ એન્ટ્રીઓ આવી હતી, જેમાં જૈસલે સિલ્વર મેડલ જીત્યો હતો.’ 

અનુપમ મિત્તલ જ્યારે મેન્ટર હોય

શાર્ક ટૅન્ક ઇન્ડિયાના સુપર શાર્ક અને શાદી ડૉટકૉમના અનુપમ મિત્તલે યંગ ઑન્ટ્રપ્રનરને પ્રોત્સાહિત કરવા માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી ‘ડ્રીમડીલ 2.0’ ઇનિશ્યેટિવ શરૂ કર્યું હતું. દેશભરમાંથી ૫૦૦થી વધુ આઇડિયાઝ મગાવવામાં આવ્યા હતા, જેમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા જૈસલ શાહ અને સાયરસ સેતનાના આઇડિયાએ બીજા રૅન્ક સાથે ૭૫ હજાર રૂપિયાનું ઇનામ મેળવ્યું હતું. સારી સ્કૂલમાં ઍડ્મિશન માટે ખૂબ તકલીફ વેઠતાં બાળકો માટે રેડી રેફરન્સ બની શકે એવા ડેટા સાથે અને જે-તે સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ તેમને લાઇવ ગાઇડન્સ મળે એવું પ્લૅટફૉર્મ ઊભું કરવાનો પ્રોજેક્ટ આઇડિયા જૈસલ દ્વારા આપવામાં આવ્યો હતો. હવે દર અઠવાડિયે અનુપમ મિત્તલ દ્વારા તેમને મેન્ટરિંગ આપવામાં આવે છે. જૈસલનાં મમ્મી કિંજલ કહે છે, ‘જ્યારે અમે એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં ઍડ્મિશન માટે પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે રીતસરની તકલીફો અને ગેરમાર્ગે દોરનારા લોકો અમને મળ્યા હતા. એના પરથી જ જૈસલને વિચાર આવ્યો કે સ્કૂલના ઍડ્મિશન માટે પણ સાચી મહિતી આપનારા પ્લૅટફૉર્મની અત્યારે સર્વાધિક જરૂર છે.’

columnists life and style ruchita shah