મારા જીવનમાં યોગ ન હોત તો હું જ ન હોત

22 June, 2022 11:04 AM IST  |  Mumbai | Ruchita Shah

યોગ દ્વારા પોતાની માનસિક અને શારીરિક હેલ્થનું અને ફાઇનૅન્શિયલી ઘરનું ધ્યાન રાખી રહેલાં હેતલ પીપરિયાએ અત્યાર સુધીમાં જૈન સાધ્વીજીઓથી લઈને અનેક વડીલોને પણ યોગથી લાભ અપાવ્યો છે

મારા જીવનમાં યોગ ન હોત તો હું જ ન હોત

માતા અને ભાઈને કૅન્સરમાં ગુમાવ્યાં, એ જ ગાળામાં પિતાનું છત્ર પણ ગયું અને એ પછીયે યોગ દ્વારા પોતાની માનસિક અને શારીરિક હેલ્થનું અને ફાઇનૅન્શિયલી ઘરનું ધ્યાન રાખી રહેલાં હેતલ પીપરિયાએ અત્યાર સુધીમાં જૈન સાધ્વીજીઓથી લઈને અનેક વડીલોને પણ યોગથી લાભ અપાવ્યો છે

જીવનમાં ઘણી વાર સંજોગો એટલા વિકટ આવી જતા હોય કે જો કોઈ મજબૂત સહારો ન મળે તો ભલભલી વ્યક્તિ એમાં જાતને ખોઈ બેસતી હોય. આ સહારો યોગનો પણ હોઈ શકે. ઇલેક્ટ્રૉનિક્સસ અને મેકૅનિકલ ફીલ્ડમાં ડિપ્લોમા કરનારાં હેતલ પીપરિયાની સ્ટોરી કંઈક એવી જ છે. હેતલબહેને જીવનમાં જે સંઘર્ષ વેઠ્યો છે એની કલ્પના નબળા હૃદયના લોકો માટે અઘરી છે. ભણવાનું પૂરું થયું હોય અને બેસ્ટ કૉર્પોરેટ કંપનીમાં ઇન્ટરવ્યુ પાસ કરીને નોકરી પણ મળી ગઈ હોય, નોકરી માટે બીજા શહેરમાં જવું પડશે એ વિશે ઘરેથી પરવાનગી મળી ગઈ હોય, ઇન્ટરવ્યુ આપીને તમે પાછા આવ્યા હો અને ત્યાં માતાને કૅન્સર થયું છે એવા રિપોર્ટ હાથમાં આવે. આ આઘાતમાંથી હેતલબહેન ગુજરી ચૂક્યાં છે. પોતાની નોકરીને સાઇડ પર રાખીને એ પછી માતાની સેવામાં જ લાગી ગઈ હતી હું એમ જણાવીને હેતલબહેન કહે છે, ‘ત્યારે હું બીજું શું કરું એ પણ સમજાતું નહોતું. નાનપણથી ઘરની નજીક એક પારસી આન્ટીના આગ્રહથી યોગ શીખેલી. હું જ્યાં યોગ શીખવા જતી એ જ ટીચરે મને શિક્ષક તરીકે યોગ માટે તૈયાર કરી હતી. ત્યારથી મારા જીવનમાં યોગ આવી ગયા હતા.’
બે વર્ષમાં મમ્મીનું ડેથ થઈ ગયું અને હેતલબહેન હજી તો એ આઘાતને જીરવવાની હિંમત કેળવે ત્યાં થોડાક જ સમયમાં પિતાએ હાર્ટ સર્જરી દરમ્યાન પ્રાણ છોડ્યા. હેતલબહેન કહે છે, ‘જાતને સંભાળવા માટે અને સાંત્વના આપવા માટે પણ લોકોના શબ્દો ટૂંકા પડ્યા હતા. જોકે એ ઘાવ હજી માંડ જૂનો થયો હતો. મારા ભાઈનું બાળક સવા વર્ષનું હશે ત્યાં મારા ભાઈને કૅન્સર ડિટેક્ટ થયું. એક નવો સંઘર્ષ ચાલુ થયો. તે ટ્રીટમેન્ટમાં વ્યસ્ત હતો એટલે ભાઈની દુકાન પર બેસવાનું મેં શરૂ કર્યું. યોગશિક્ષક તરીકે સક્રિય થઈ હતી અને પોતાની એક ઓળખ પણ બની હતી. યોગને પછી તો મેં જીવવાનું શરૂ કર્યું હતું. જીવન અને મૃત્યુ શરીરનાં થાય, આત્મ તત્ત્વનું મહત્ત્વ જેવી બાબતો મારા મનમાં ઘર કરવા માંડી હતી; જેણે મને આત્મવિશ્વાસ પણ ખૂબ આપ્યો.’
છ વર્ષના સંઘર્ષ પછી ભાઈએ પણ દુનિયા છોડી એ પછી ભાભી અને ભાઈના દીકરાનું ધ્યાન રાખવાની સાથે ઘરની જવાબદારીઓ નિભાવવાની બાબતમાં હેતલબહેન સક્રિય થઈ ગયાં. અત્યાર સુધીમાં સેંકડો લોકોને તેમણે યોગની ટ્રેઇનિંગ આપી છે. જૈન સાધ્વીજીઓને પણ તેઓ યોગ શીખવી ચૂક્યાં છે. નિયમિતપણે યોગ કૅમ્પ વગેરેનું પણ આયોજન કરે છે. ગૌશાળામાં પણ નિયમિત જઈને પોતાનાથી બનતી મદદ કરે છે. તેઓ કહે છે, ‘યોગે મારા જીવનને એક જુદો જ અર્થ આપ્યો છે. મોટા ભાગના બધા જ સ્વજનોએ દુનિયા છોડી દીધી હોય અને એકલા હાથે સતત તમારા ભાગે સંઘર્ષ આવ્યો હોય ત્યારે એની પાછળનાં પણ સકારાત્મક કારણો શોધવાની દૃષ્ટિ યોગમાંથી જ ખૂલતી હોય છે.’

 

યોગે મારા જીવનને એક જુદો જ અર્થ આપ્યો છે. એકલા હાથે સતત સંઘર્ષ આવ્યો હોય ત્યારે એની પાછળનાં સકારાત્મક કારણો શોધવાની દૃષ્ટિ યોગમાંથી મળી - હેતલ પીપરિયા

વડીલો પ્રત્યે વિશેષ વહાલ

હેતલ પીપરિયા યોગ તરફ વળ્યાં એમાં તેમના ઘરની નજીક રહેતાં એક સિનિયર સિટિઝન પારસી મહિલાનો ફાળો હતો. તેઓ યોગમાં આગળ વધ્યાં અને તેમને પદ્ધતિસર તાલીમ મળી એમાં પણ એક વડીલ યોગશિક્ષક તેમની વહારે આવ્યા. એમ ડગલે ને પગલે તેમને વડીલોએ ખૂબ મદદ કરી છે. તેઓ કહે છે, ‘મારા માથેથી તો માતા-પિતાનું છત્ર જતું રહ્યું છે એટલે દરેક વડીલમાં મને મારાં મા-બાપનાં જ દર્શન થાય છે અને તેમની સહાય માટે હું મારાથી બનતું બધું જ કરવાના પ્રયાસો કરું છું. ઉંમરનો એ તબક્કો જ્યારે શરીર નબળું પડી ગયું હોય, હાથપગ બરાબર કામ ન કરતા હોય ત્યારે વડીલો માટે યોગ ખૂબ ઉપયોગી થઈ પડે છે. તેમની માનસિક અને શારીરિક એમ બન્ને હેલ્થ માટે નાની-નાની સૂક્ષ્મ વ્યાયામની પ્રૅક્ટિસ, નાડીશુદ્ધિ અને ભ્રામરી પ્રાણાયામ વગેરે અદ્ભુત પરિણામ આપે છે.  જ્યારે પણ કોઈ સિનિયર સિટિઝન ક્લાસમાં હોય તો આખો ક્લાસ ઊર્જાથી ભરાઈ જતો હોય છે. તેમને હું સ્પેશ્યલ ટ્રેઇનિંગ પણ આપું છું.’

columnists ruchita shah international yoga day yoga