ત્રણ-ત્રણ વાર સર્જરી થયા પછી આ બહેન કઈ રીતે બન્યાં યોગ ચૅમ્પિયન?

21 June, 2022 12:14 PM IST  |  Mumbai | Ruchita Shah

દીપિકા સોલંકીને ગરદનનો, કમરનો એવો જબરો દુખાવો હતો કે સર્જરી વિના છૂટકો નહોતો. સ્લિપ્ડ ડિસ્કને તેમણે યોગ થકી હરાવ્યું એ પછી ઘણી યોગિક કૉમ્પિટિશનમાં પણ તેઓ જીતી આવ્યાં છે

ત્રણ-ત્રણ વાર સર્જરી થયા પછી આ બહેન કઈ રીતે બન્યાં યોગ ચૅમ્પિયન?

ચેમ્બુરમાં રહેતી દીપિકા સોલંકીને થોડાંક વર્ષ પહેલાં તમે મળ્યા હો અને આજે મળો તો અચંબામાં પડી જાઓ. એક સમયે ગરદન અને કમરનો બેલ્ટ પહેર્યા વિના પગ પર ઊભી ન રહી શકતી દીપિકાનું જીવવું હરામ થઈ ગયું હતું. તેની કન્ડિશન રિવર્સ થાય એવી કોઈ શક્યતા ડૉક્ટરોને લાગતી નહોતી અને તેમણે તેને ત્યાં સુધી કહી દીધેલું કે જીવનમાં ક્યારેય કોઈ હેવી એક્સરસાઇઝ કરવાનું તો વિચારતી પણ નહીં. મોટા ભાગે બેડરેસ્ટની સલાહ સાથે જીવવાની ટેવ પાડવાનું કહેવામાં આવ્યું હોય એ ઊંધા માથે શીર્ષાસન કરે તો તાજ્જુબ જ થાયને. પોતાના જીવનને યોગ દ્વારા ટ્રાન્સફૉર્મ કરનારી બે બાળકોની મમ્મી સાથે વાત કરીએ આજે. 
અચાનક તકલીફ શરૂ થઈ
સ્લિપ્ડ ડિસ્ક ડિટેક્ટ થયું એ સમયની વાત કરતાં દીપિકા સોલંકી કહે છે,‘મારો જન્મ રાજસ્થાનમાં થયો છે. નાનપણથી જ સ્પોર્ટ્સમાં ઍક્ટિવ રહી છું. એનસીસીમાં હતી. ૨૦૧૧માં લગ્ન થયાં એ પછી મુંબઈ શિફ્ટ થઈ ગઈ. એક વાર અચાનક જ કમરમાં જોરદાર દુખાવો ઊપડ્યો. અસહ્ય એવો દુખાવો અને દવાથી પણ ફરક ન પડે. રિપોર્ટમાં ખબર પડી કે સ્લિપ્ડ ડિસ્ક છે અને સર્જરી એનો એક જ ઇલાજ છે. થોડાક સમય માટે મેં વિચાર્યું કે દવાથી જ સારું થાય એવી કોશિશ કરું. એ જ દરમ્યાન ઍપેન્ડિક્સનો પ્રૉબ્લેમ પણ આવ્યો અને એની તો તાત્કાલિક સર્જરી કરાવવી પડી હતી. પેલી સર્જરી પાછળ ઠેલાઈ ગઈ. દુખાવાની આદત પડી ગઈ હતી. એ દરમ્યાન દીકરાનો જન્મ થયો અને એ ઑપરેશનથી ડિલિવરી થઈ. કમરનો દુખાવો આ ગાળામાં હજી વધ્યો હતો એમાં ચોથી એક નવી જ સમસ્યા હતી. મારા ગર્ભાશયમાં ગાંઠ હતી અને એની પણ તાત્કાલિક સર્જરી કરવી પડી. બૅક ટુ બૅક ત્રણ ઑપરેશન પછી હવે કમર માટે ચોથા ઑપરેશન માટેની હામ રહી નહોતી. પેઇનકિલરથી કમરનો દુખાવો ઓછો કરવાની કોશિશ ચાલુ હતી. જોકે એ બધામાં મારી મૂવમેન્ટ સાવ ઘટી ગઈ હતી. વજન નહીં ઉપાડવાનું. હેવી કસરતો નહીં કરવાની. ઝડપથી ચાલવાનું નહીં એટલે દોડવાનું તો દૂર જ રહ્યું. બહુ જ ખરાબ ડિપ્રેસિવ હાલત હતી મારી.’

હસબન્ડનો ઉપકાર
બધા જ ઉપાયો કરી જોયા હતા. એમાં યોગથી લાભ થયાનું મારા હસબન્ડે ક્યાંક વાંચ્યું હશે એના પરથી જ તેમણે મને કહ્યું કે તું પણ ટ્રાય કરને એમ જણાવીને દીપિકા કહે છે, ‘તમને નવાઈ લાગશે કે મારી સીધી શરૂઆત યોગ ટીચર તરીકેની ટ્રેઇનિંગથી જ થઈ. જોકે એમાં પણ હું એટલું બધું સારું ફીલ કરતી હતી કે ન પૂછો વાત. એક પછી એક મારી તકલીફો ઓછી થવા માંડી. મારા દુખાવામાં ફરક પડ્યો. દેવાંગ શાહ અને ફોરમ શાહ જે મારાં ગુરુ હતાં તેમણે મને મોટિવેટ કરી અને મારામાં જબરો સેલ્ફ-કૉન્ફિડન્સ આવવા માંડ્યો. છ મહિનાના નિયમિત યોગાભ્યાસમાં મારો કમરનો દુખાવો તો ગાયબ થયો જ પણ મેં ૨૦૨૦માં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય યોગ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈને ફિફ્થ રૅન્ક સાથે પ્રાઇઝ પણ મેળવ્યું.’ 
દીપિકા આટલે અટકી નથી. બીજા બાળકના જન્મ પછી પણ તેણે આવી જ એક કૉમ્પિટિશનમાં ભાગ લઈને ૭૦૦ પાર્ટિસિપન્ટ્સ વચ્ચે ટૉપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. તે કહે છે, ‘યોગે સૌથી મોટું કામ મને મનથી સ્ટ્રૉન્ગ કરવાનું કર્યું. મારા મનના ડરને કાઢવાનું કામ કર્યું અને દરેક સંજોગ સામે લડી શકું એટલી ફિઝિકલી પણ સ્ટ્રૉન્ગ કરી. આજે વિચારું છું કે યોગ ન હોત તો કદાચ હું બહુ જ દયનીય જીવન જીવતી હોત.’

columnists yoga international yoga day ruchita shah