✕

જંગલ આપણું ઘર નથી, પણ જંગલ બચશે તો જ આપણું ઘર ચાલશે

15 October, 2026 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાનાં ઢોરઢાંખરને ચરાવવા લઈ જવા, જંગલમાંથી લાકડાં કાપીને લાવવા અને ખાવા-પીવાની ચીજવસ્તુઓ, ફળો, ઔષધિઓ કે બીડી-તેન્દુનાં પાંદડાં વીણવા.હવે આમાં સૌથી મોટો ખેલ છે લાકડાં અને પાણી ગરમ કરવાનો.

અનીશ અંધેરિયા

ક્યારેય એવું થયું છે કે તમે સવારની ચાની ચૂસકી લેતા હો અને અખબારમાં વંચાય કે ગામ નજીક દીપડો દેખાયો કે વાઘના હુમલાથી ગામવાસીઓમાં ફફડાટ. આ વાંચીને એટલું તો કહી દઈએ કે અરે બાપ રે, જાનવરો કેવાં બેફામ બન્યાં છે. જોકે જરા વિચારો કે જંગલની એ સીમાઓ પર રહેતા અસલી સ્થાનિકો પર શું વીતતી હશે?
આજના સમયમાં જંગલ અને વન્યજીવોના રક્ષણને કારણે પ્રાણીઓની વસ્તી અને ડેન્સિટી એટલે કે ઘનતા વધી છે જે સારી વાત છે, પણ એની સામે સિક્કાની બીજી બાજુ પણ છે. છેલ્લાં ૧૦ વર્ષમાં જંગલ અને લોકો વચ્ચેનો સંપર્ક એટલો બધો વધી ગયો છે કે વાત પૂછો જ નહીં.

પહેલાંના જમાનામાં આવું નહોતું, કારણ કે લોકોને ખબર જ નહોતી કે જંગલમાં જવાય કેમ? હવે જ્યારે અચાનક આપણી સામે વાઘ કે દીપડો આવી જાય છે ત્યારે આપણે ફફડી જઈએ છીએ. એમાં જાનવરોની કોઈ મોટી ભૂલ નથી હોતી, પણ આપણે જ એમની ટેરિટરીમાં દાખલ થઈ જઈએ છીએ. અમે આના પર ઊંડું રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે ગામડાના લોકોના જંગલમાં જવા પાછળ મુખ્યત્વે ૩ કારણો છે. પોતાનાં ઢોરઢાંખરને ચરાવવા લઈ જવા, જંગલમાંથી લાકડાં કાપીને લાવવા અને ખાવા-પીવાની ચીજવસ્તુઓ, ફળો, ઔષધિઓ કે બીડી-તેન્દુનાં પાંદડાં વીણવા.
હવે આમાં સૌથી મોટો ખેલ છે લાકડાં અને પાણી ગરમ કરવાનો. તમે માની નહીં શકો પણ ગામડાંઓમાં ખાવાનું બનાવવા કરતાં ૬૦ ટકા લાકડું તો માત્ર પાણી ગરમ કરવામાં વપરાય છે. શિયાળો હોય કે ઉનાળો, ગામડાના લોકોને ગરમ પાણીથી નાહવાની એવી ટેવ હોય કે આખો દિવસ ચૂલા પર લાકડું બળતું જ રહે. એક પરિવાર આખા વર્ષમાં અંદાજે એક ટન જેટલું લાકડું માત્ર આ કામ માટે વાપરે છે. મહારાષ્ટ્રના વિદર્ભમાં ચંદ્રપુર જિલ્લો છે. આખા દેશના કુલ હુમલામાંથી ૫૦ ટકા હુમલા તો એકલા આ જ જિલ્લામાં થાય છે. જંગલો ધીમે-ધીમે પાતળાં થતાં જાય છે અને લાકડાં લેવા જતા લોકો પર હુમલા વધતા જાય છે.

જો આપણે લોકોને જંગલમાં જતા અટકાવવા હોય તો તેમને કોઈ સારો અને સસ્તો વિકલ્પ આપવો પડશે. અમે ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડના બંબાને એટલે કે વૉટર હીટરને એકદમ નાનો અને ઘરના ઉપયોગ માટે યોગ્ય બનાવ્યો. આ મેટલનું હીટર એવું છે કે એમાં મોટાં લાકડાંની કોઈ જરૂર જ નથી પડતી. ખેતરમાં પડેલો કચરો, સૂકાં પાંદડાં કે નાની ડાળખીઓ નાખો એટલે માત્ર ૧૦-૧૫ મિનિટમાં ૩૫ લીટર પાણી એકદમ ગરમ.

આનાથી જંગલમાં લાકડાં કાપવા જવાનું પ્રમાણ ૩૫થી ૪૦ ટકા ઘટી ગયું છે એટલે વાઘના હુમલાના ચાન્સ ઓછા થઈ ગયા છે. જંગલો જીવતાં રહેશે તો જ આપણને શુદ્ધ હવા અને પાણી મળશે. સરકાર કે વહીવટી તંત્ર બધું જ એકલા હાથે ન કરી શકે. આપણે જ્યારે વિજ્ઞાન અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બુદ્ધિપૂર્વક ઉકેલ શોધીએ છીએ ત્યારે પ્રકૃતિને નુકસાન કર્યા વગર માનવ અને વન્યજીવ બન્ને સુરક્ષિત રહીને એકસાથે જીવી શકે છે. પ્રકૃતિ સાથે લડવા કરતાં એની સાથે તાલ મિલાવીને ચાલવામાં જ સાચી સમજદારી છે, કારણ કે કુદરત છે તો જ આપણું અસ્તિત્વ છે આ વાતને માનવજાતને ગાંઠે બાંધવી પડશે.

- અનીશ અંધેરિયા

અનીશ અંધેરિયા વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટના પ્રમુખ અને CEO છે. તેમણે ટાઇગર કન્ઝર્વેશન માટે પણ ઘણા પ્રોજેક્ટ્સ કર્યા છે.

forest lifestyle news wildlife columnists technology environment gujaratis of mumbai gujarati mid day life and style