15 April, 2025 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગુજરાતીઓને શૅર ગમે.
શૅર લેવા-વેચવા ગમે, શેર સાંભળવા પણ ગમે, શૅર કરેલી કટિંગ ચાય ગમે. શૅરબજારમાં હમણાં કાંઈ કહેવાપણું નથી, તેથી શેર કહેનારાઓને સાંભળવા મુંબઈગરા પહોંચી ગયા ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના આંગણે ગઝલોત્સવમાં (૧૧, ૧૨, ૧૩ એપ્રિલ). ગુજરાતીઓ કડવું ક્યારેય ન બોલે. ગુસ્સે થાય તોય બોલે ‘તારી ભલી થાય’. પ્રેમાનંદના કડવા હોય કે ગઝલના મિસરા હોય, સમજાય કે ન સમજાય, મોઢામાં મિસરી ભરીને મીઠું-મીઠું વાહ-વાહ બોલે. ‘ઇર્શાદ’ બોલવું તેમને ન ફાવે. રદીફ-કાફિયા નથી સમજવા ભૈ! તમે જેમ બોલો છોને એમાં જ મજા આવે છે બસ. હર્ષદ મહેતા વખતે ડૂબતા બજારે પણ ‘સ્કૅમ છો?’ ‘સજામાં છું’ કહીને મજા કરી લે તે ગુજરાતી.
ભલે અરબીમાંથી ફારસીમાં અને ઉર્દૂમાં થઈને આવી, પણ આજે ગુજરાતીમાં ગઝલોનો મબલખ પાક ઊતરે છે. આજે જે પ્રમાણમાં ગુજરાતીમાં લખાય છે એ માટે ‘ગિરનાર જેટલી ગઝલો લખાય છે’ એમ રઈશ મનિયારને કહેવું પડ્યું. ‘જેવી’ નહીં એ ટકોર પણ સાનમાં કરી દીધી. ગઝલ એટલે મૂળ તો પ્રેમની ગોષ્ઠિ. અને આપણે તો સંસ્કારી પ્રજા ભૈ! મનમાં ભલે ઇશ્કે મિજાજી (પ્રિયતમ તરફનો પ્રેમ) હોય, જાહેરમાં વાતો તો ઇશ્કે હકીકી (ઈશ્વર તરફના પ્રેમ)ની જ કરાય. ઉપર હાથ કરે તો માલિકને અને સામો હાથ કરે તો માશૂકને - એમ બન્નેને સાંકળતા જવાહર બક્ષી કા અંદાઝે-બયાં કુછ ઑર હી હૈ. સ્નેહલ મજુમદારના છંદોબદ્ધ લયને તો રેકૉર્ડ કરી રાખવા જોઈએ.
કેટલીક ટિટબિટ્સ : ગુજરાતી ગઝલની શરૂઆત બાલાશંકર કંથારિયાએ કરી એમ કહેવાય છે (ગુઝારે જે શિરે તારે...) અને કલાપીએ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે’ કહીને ઠેરઠેર ગવડાવી. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’માં લખેલી ‘સુખી હું તેથી કોને શું?’ જેવી ગઝલે ઇશ્ક સિવાયના વિષયો ઉઘાડ્યા. ગાંધીજીએ (અહો આશ્ચર્યમ્) જેનું વિવેચન લખીને ઇન્ડિયન ઓપિનિયનમાં પ્રકાશિત કરેલી એ ગઝલ એટલે મણિલાલ નભુભાઈ દ્વિવેદીની ‘કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’. હાસ્યરસવાળી ગઝલને હઝલ કહે છે. ગુજરાતના ગાલિબ ‘મરીઝ’ની ગઝલોમાં ટ્રૅજી-કૉમેડી જોવા મળે છે (ટોળે મળે છે કોઈની દીવાનગી પર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે).
શેરનો ઉચ્ચાર શેઅર જેવો કરવામાં આવે છે, જેનો અર્થ છે જાણવા જેવી વાત. શેર પરથી જ શાયર અને મુશાયરો શબ્દો આવ્યા. સૌપ્રથમ મુશાયરો ૧૯૩૦માં રાંદેરમાં મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના વખતે યોજાયો હતો. ગુજરાતી ગઝલના ગગનમાં ‘ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીં’ એટલા તારલાઓ છે. છાબડીમાં તો કેમ માય? તોય લલિતભાઈએ અને હિતેનભાઈએ ચોક્કસપણે ઐતિહાસિક કાર્ય કર્યું કહેવાય!
‘ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ (IKS)’ હમણાં બહુ ચર્ચામાં છે તો ભારતીય પરંપરાની શ્લોકની વિભાવના અરબી-ફારસીના શેર સાથે સરખાવી શકીએને?
-યોગેશ શાહ