રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં...

20 November, 2022 10:51 AM IST  |  Mumbai | Shailesh Nayak

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફૅમિલીના સભ્યો જોગાનુજોગ આમને-સામને ચૂંટણીજંગમાં આવી ગયા છે

ડી. કે. સ્વામી, શંભુપ્રસાદ ટુંડિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફૅમિલીના સભ્યો જોગાનુજોગ આમને-સામને ચૂંટણીજંગમાં આવી ગયા છે; કેટલીક બેઠકો એવી છે જ્યાં સગા ભાઈ, મામા–ફોઈના દીકરા, સસરા–પુત્રવધૂ, વેવાઈ, ફ્રેન્ડ્સ, ભૂતપૂર્વ ડ્રાઇવર–સાહેબ, નણંદ-ભાભી ઉમેદવાર તરીકે કે પછી એકબીજા પક્ષનાં નેતા કે કાર્યકર તરીકે જાણે-અજાણે આમને-સામને આવી ગયાં છે. આ ઉપરાંત સંતો પણ ચૂંટણી લડી રહ્યા છે અને પોતાના માટે કે પક્ષ માટે એકબીજાની સામે પ્રચાર કરવા મેદાનમાં ઊતર્યા હોવાના રસપ્રદ અને રોચક કિસ્સા સામે આવ્યા છે

ગુજરાતમાં ધીરે-ધીરે વિધાનસભાની ચૂંટણીપ્રચારનો માહોલ જામતો જાય છે. રાજકીય પક્ષોના નેતાઓ ખૂણે-ખૂણે જાહેર સભાઓ ગજવી રહ્યા છે અને મતદારોની વચ્ચે જઈને ઉમેદવારો પ્રચારકાર્યમાં વ્યસ્ત બન્યા છે ત્યારે કેટલાક વિધાનસભા વિસ્તારમાં મતદારોને અચરજ થઈ રહ્યું છે, થોડા અસમંજસમાં મુકાઈ રહ્યા છે કે ‘યાર, હમણાં તો આ ભાઈ એક પક્ષનો પ્રચાર કરીને ગયા અને તેમના જ ભાઈ બીજા પક્ષમાંથી પ્રચાર કરવા આવ્યા! એક ભાઈ એક પક્ષના ઉમેદવાર અને તેમના ભાઈ બીજા પક્ષના ઉમેદવાર!’

જોકે ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં આ હકીકત છે કે પરિવારના સભ્યો ક્યાંક ને ક્યાંક એકબીજા પક્ષ માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે. ફૅમિલી મેમ્બર જ એકબીજાની સામે ચૂંટણી લડી રહ્યા છે કે પછી પોતાના પક્ષ માટે સામસામે પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં બે ભાઈઓ, કઝિન, ફ્રેન્ડ, ભૂતપૂર્વ ડ્રાઇવર-સાહેબ એક જ બેઠક પર સામસામે ચૂંટણીજંગમાં છે તો સસરા–જમાઈ, સસરા-પુત્રવધૂ, નણંદ–ભાભી, બે વેવાઈ તેમના ફૅમિલી મેમ્બર્સ માટે નહીં, પરંતુ તેમના પક્ષના ઉમેદવારને જિતાડવા માટે પ્રચાર કરી રહ્યા હોવાના રસપ્રદ કિસ્સા બની રહ્યા છે.

સંતો પણ ચૂંટણીના મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બીજેપીએ બે સંત, ગઢડા બેઠક પરથી શંભુપ્રસાદ ટુંડિયા અને જંબુસર બેઠક પરથી ડી. કે. સ્વામીને ચૂંટણીમાં ઊભા રાખ્યા છે. પહેલી વાર ચૂંટણીમાં ઊભા રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દેવકિશોરદાસ જેમને લોકો ડી. કે. સ્વામીના હુલામણા નામથી ઓળખે છે તેઓ ચૂંટણી લડવા પાછળનો હેતુ જણાવતાં કહે છે કે ‘રાષ્ટ્રસેવા માટે હું ચૂંટણી લડી રહ્યો છું. ધર્મ છે, પણ ધર્મની સાથે રાષ્ટ્રની સેવા પણ થાય. નરેન્દ્રભાઈ મોદીનો મંત્ર છે ‘સબકા સાથ, સબકા વિકાસ; સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ’ના મુદ્દા પર પ્રચાર કરીએ છીએ. વિકાસ બધા ધર્મના લોકોને ગમે.’

જંબુસર, આમોદ અને ભરૂચમાં ચાલતા સ્વામીનારાયણ ગુરુકુળ એજ્યુકેશન સંસ્થામાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું કામ સંભાળી રહેલા ડી. કે. સ્વામીને પૂછવામાં આવ્યું કે આપની જેમ અન્ય સંતોએ પણ ચૂંટણીમાં ઊભા રહેવું જોઈએ? એનો ઉત્તર આપતાં તેઓ કહે છે, ‘જેમને દેશની સેવા કરવાની તમન્ના હોય, દેશની સેવા કરવાની ઇચ્છા હોય, દેશ માટે કંઈક કરી છૂટવાની ઇચ્છાશક્તિ હોય તો દેશસેવા માટે આગળ આવવું જોઈએ. કારણ, રાજનીતિ અને ધર્મનીતિ એ દેશની ધરોહરના પાયા છે. નકરી રાજનીતિ ન ચાલે અને ન ધર્મનીતિ ચાલે. બન્નેની જરૂર પડે અને ત્યારે આ દેશ સમૃદ્ધ, સુખી અને સંપન્ન થાય. નરેન્દ્રભાઈ મોદી સંત જેવા પુરુષ છે. રાષ્ટ્રની સેવા માટે ખપનારો પુરુષ છે. રાષ્ટ્ર માટે સતત પ્રયાસ કરતા એક સારા વિશ્વનેતા છે.’ 

મામા–ફોઈના દીકરા આમને-સામને

અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક પર કૉન્ગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ છે અને તેમની સામે તેમના મામાના દીકરા કલ્પેશ પટેલ આમ આદમી પાર્ટી (એએપી-આપ)માંથી ચૂંટણી લડી રહ્યા છે. રાજેન્દ્ર પટેલ કહે છે કે ‘કલ્પેશ પટેલ મારા મામાના દીકરા છે. અમે અલગ-અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છીએ. બે-ત્રણ વાર એવું બન્યું છે કે કૅન્વાસિંગ કરતાં-કરતાં ભેગા થઈ ગયા અને ચા પણ પીધી છે. તેઓ તેમનુ કામ કરે અને આપણે આપણું કામ કરવાનું. આ ઇલેક્શન પૂરતું, બાકી તો સામાન્ય દિવસોમાં અમે એકબીજાના ઘરે આવીએ-જઈએ છીએ. મારે ત્યાં ગમે ત્યારે આવી શકે છે, હું ત્યાં જઈ શકું છું એટલે ફૅમિલીમાં ડિસ્પ્યુટ નથી. આ તો ખાલી પૉલિટિકલી ડિસ્પ્યુટ જેવું કહેવાય.’

બે સગા ભાઈઓ છે આમને-સામને

અંકલેશ્વર વિધાનસભાની બેઠક પર અજીબ સંયોગ રચાયો છે. આ બેઠક પર બીજેપીના ઉમેદવાર છે ઈશ્વરસિંહ પટેલ અને કૉન્ગ્રેસના ઉમેદવાર છે વિજયસિંહ પટેલ, જેઓ સગા ભાઈઓ છે. ગુજરાત સરકારમાં પ્રધાન રહી ચૂકેલા ઈશ્વરસિંહ પટેલ આ ચૂંટણી જીતવાનો આશાવાદ વ્યક્ત કરતાં કહે છે, ‘મારી સામે કોઈ પડકાર નહીં મળે, કેમ કે ૨૦ વર્ષથી આ વિસ્તારના પ્રજાના પ્રાણપ્રશ્નો હલ કર્યા છે. કૉન્ગ્રેસના ઉમેદવાર મારા મોટા ભાઈ છે, પણ આ તો પહેલી વારનું નથી. ૨૦૦૨માં મારા કાકા રતનજી પટેલ સામે હું ચૂંટણી લડ્યો હતો. હું એ સમયે નવોસવો હતો અને મારા કાકા વિધાનસભ્ય હતા. ત્યારે હું ૩૬,૦૦૦ મતથી જીત્યો હતો. આ ચૂંટણીમાં મને મારા મોટા ભાઈ સામે ચૂંટણી-પડકાર જેવું લાગતું નથી. હું તેમની સામે જીતીશ.’

૩૧ વર્ષ પછી બે ભૂતપૂર્વ વિદ્યાર્થી-નેતા ફરી ચૂંટણીજંગમાં સામસામે

અમદાવાદની વેજલપુરની બેઠક પર જબરો સંયોગ રચાયો છે. મુખ્ય પક્ષોના ત્રણ ઉમેદવારો વચ્ચે જૂનો નાતો છે. એક તરફ કઝિન અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે, તો આ જ વેજલપુર બેઠક પરથી બે ભૂતપૂર્વ વિદ્યાર્થી-નેતા વચ્ચે લગભગ ૩૧ વર્ષ પછી ચૂંટણીજંગ ખેલાઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં ૧૯૯૧માં સેનેટની ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમિત ઠાકર અને કલ્પેશ પટેલ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. હવે ફરી એક વાર આ બે નેતાઓ વેજલપુર વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી અને આમ આદમી પાર્ટીમાંથી સામસામે ચૂંટણી લડી રહ્યા છે.

પિતરાઈ ભાઈઓ સામે અને એક સમયે સેનેટની ચૂંટણી લડનાર વેજલપુર બેઠકના બીજેપીના ઉમેદવાર અમિત ઠાકર કહે છે કે ‘જે લોકો જનતાનું કામ કરતા હોય તેમના કામનો દીર્ઘ પરિચય લોકોને હોય એટલે લોકો તેમને કામથી ઓળખે છે. કોણ પરિવાર છે, કયા ઉમેદવાર છે એ માન્ય નથી રાખતા. ભારતનો ઇતિહાસ છે કે લોકો કાર્યકરને પસંદ કરે છે. મારા મતો છે મારી પાર્ટીના નેતાઓની સાધના અને ગુડવિલના. નરેન્દ્રભાઈ મોદીની ગુડવિલ, સંસદસભ્ય અમિતભાઈ શાહની ગુડવિલ છે અને એટલે લોકોને ભરોસો છે. અતિ આત્મવિશ્વાસની વાત નથી કરતો, પણ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થશે. હા, કલ્પેશ પટેલ સામે અગાઉ યુનિવર્સિટી સેનેટની ચૂંટણી લડ્યો હતો, પણ એ ચૂંટણી અને આ ચૂંટણીમાં આસમાન-જમીનનો ફરક છે. આ ચૂંટણીમાં મારી પાસે જનતારૂપી ધન છે અને તેમના આશીર્વાદથી હું જીતીશ.’

ભાભી માટે પ્રચાર નહીં કરે નણંદબા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ફૅમિલિયર સભ્યો જાણે-અજાણે એકબીજા પક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે અથવા તો પ્રચાર કરી રહ્યા છે ત્યારે જામનગર ઉત્તરની બેઠક પરથી બીજેપીનાં ઉમેદવાર રીવાબા જાડેજા છે, જેઓ ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનાં વાઇફ છે. પણ વાત જાણે એમ છે કે રીવાબા જાડેજાનાં નણંદ નયનાબા જાડેજા કૉન્ગ્રેસ સાથે સંકળાયેલાં હોવાથી તેઓ ભાભી માટે પ્રચાર કરવા જઈ નથી શકતાં.

જમાઈ સસરાના કે સસરા જમાઈના ચૂંટણીપ્રચારમાં જઈ નથી શકતા

આ પણ કેવી અજીબ વિટંબણા છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જમાઈ સસરાના ચૂંટણીપ્રચારમાં અને સસરા જમાઈના ચૂંટણીપ્રચારમાં જઈ શકતા નથી. હા, આ હકીકત છે. આમ તો સસરાને થાય કે મારા જમાઈને ચૂંટણી જિતાડવા માટે હું પ્રચાર કરું અને જમાઈને પણ એવું થાય કે ચૂંટણીમાં મારા સસરાને જિતાડવા માટે મહેનત કરું, પણ છોટાઉદેપુર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રાજેન્દ્રસિંહ રાઠવા માટે આ શક્ય નથી. કેમ કે તેઓ બીજેપીના ઉમેદવાર છે અને તેમના સસરા અને પીઢ નેતા સુખરામ રાઠવા જેતપુર બેઠક પરથી કૉન્ગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા છે.

બીજેપીના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાઠવા કહે છે, ‘સુખરામભાઈ મારા સસરા છે. સામાજિક રિલેશનની વાત અલગ છે અને પૉલિટિક્સની વાત અલગ છે. સ્વાભાવિક છે કે અમે અલગ-અલગ પક્ષમાંથી છીએ એટલે પૉલિટિકલી રીતે અમે સામસામે રહેવાના, પણ સામાજિક રીતે નહીં. એમ પણ મારા અને મારા સસરાના મતવિસ્તાર જુદા છે. ઘરમાં મારી પત્ની પણ મને જિતાડવા માટે મહેનત કરે છે.’

સસરા માટે પુત્રવધૂ પ્રચાર નહીં કરી શકે

કાલોલ બેઠક પર કૉન્ગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણના પ્રચાર માટે તેમનાં પુત્રવધૂ મતદારો પાસે જઈ ન શકે એવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં પ્રભાતસિંહ ચૌહાણ બીજેપી છોડીને કૉન્ગ્રેસમાં જોડાયા હતા. જોકે વિટંબણા એવી છે કે સુમનબહેન ચૌહાણ હાલમાં કાલોલ બેઠક પરનાં બીજેપીનાં વિધાનસભ્ય છે. જોકે આ વખતે બીજેપીએ આ બેઠક પરથી ફતેસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા છે અને તેમના પ્રચારકાર્યમાં સુમનબહેન ચૌહાણ જોડાયાં છે. સુમનબહેન તેમના સસરા માટે પ્રચાર નથી કરી રહ્યાં એ મુદ્દે તેઓ કહે છે, ‘કાલોલ બેઠક પરથી મારા સસરા કૉન્ગ્રેસના ઉમેદવાર છે, પરંતુ હું બીજેપીમાં હોવાથી તેમના પ્રચાર માટે નથી જઈ શકતી. હું બીજેપીની હાલમાં વિધાનસભ્ય છું એટલે તેમના પ્રચારમાં જવાય પણ નહીં અને હું મારી પાર્ટીમાં જ રહેવાની છું અને પાર્ટીએ જે ઉમેદવાર મૂક્યા છે તેમને જિતાડવા અને પાર્ટીને જિતાડવા માટે પ્રચાર કરી રહી છું.’ 

અમદાવાદમાં બે વેવાઈઓ ચૂંટણી લડશે

અમદાવાદમાં બે વેવાઈ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા છે. રખેને વિચારતા કે તેઓ સામસામે ચૂંટણી લડી રહ્યા છે, પણ સુખદ સંયોગ રચાયો છે કે આ બન્ને વેવાઈને બીજેપીએ તેમના ઉમેદવાર બનાવ્યા છે. અમદાવાદની જમાલપુર–ખાડિયા બેઠક પરથી ભૂષણ ભટ્ટ અને એલિસબ્રિજ બેઠક પરથી અમિત શાહ બીજેપીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઊભા છે અને તેઓ બન્ને વેવાઈ છે. વર્ષોથી રાજકારણમાં સક્રિય રહેલા ભૂતપૂર્વ વિધાનસભ્ય ભૂષણ ભટ્ટ કહે છે, ‘મારી દીકરીને અમિતભાઈના દીકરા સાથે પરણાવી છે. આ ચૂંટણીમાં તેઓ તેમની રીતે મહેનત કરે છે. તેમનો અને મારો વિસ્તાર અલગ છે. અમે આ ચૂંટણી જીતવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ અને જીતીશું.’

એલિસબ્રિજ વિધાનસભા બેઠકના બીજેપીના ઉમેદવાર અને અમદાવાદના ભૂતપૂર્વ મેયર અમિત શાહ કહે છે, ‘ભૂષણભાઈ અમારા વેવાઈ છે. અમે બન્ને અલગ-અલગ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છીએ. અત્યારે અમે પ્રચારકાર્યમાં વ્યસ્ત છીએ. તેઓ અને હું આ ચૂંટણીમાં વિજયી બનીએ એ માટે અમે એકબીજાને શુભેચ્છા આપી છે.’ 

અમરેલી બેઠક પર અચરજ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી બેઠક પર એક ઉમેદવારે અપક્ષ તરીકે ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે પહેલી નજરે બહુ અજુગતું લાગ્યું નહીં, કેમ કે ઘણા લોકો અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા હોય છે, પણ જ્યારે અમરેલી બેઠકના આ અપક્ષ ઉમેદવારના નામની જ્યારે લોકોને ખબર પડતી ગઈ ત્યારે અચરજ પામી ગયા કે ‘અરે તમે, ચૂંટણીમાં ઊભા રહ્યા!’

વાત જાણે એમ છે કે અમરેલી વિધાનસભા બેઠક પરથી જૂના જોગી અને હાલના કૉન્ગ્રેસના વિધાનસભ્ય પરેશ ધાનાણીએ ફરી એક વાર ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ અપક્ષ તરીકે વિનુ ચાવડાએ પણ આ જ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ વિનુભાઈ પરેશ ધાનાણીની કાર ચલાવતા હતા. ૯ વર્ષ સુધી પરેશ ધાનાણીને ત્યાં વિનુભાઈએ ડ્રાઇવર તરીકે કામ કર્યું છે એટલે હવે ઘટના એવી સર્જાઈ છે કે એક સમયના ડ્રાઇવરે માલિક સામે ચૂંટણીજંગમાં ઝુકાવ્યું છે અને એને લઈને લોકોમાં અચરજ સર્જાયું છે.

તમે આ પાર્ટીનાં નામ સાંભળ્યાં છે?  

આ વખતે એટલીબધી પાર્ટીઓનો રાફડો ફાટ્યો છે કે ભાગ્યે જ એ પાર્ટીનું નામ મતદારે ક્યારેય સાંભળ્યું હોય. જોકે લોકશાહીમાં દરેકને નવો રાજકીય પક્ષ શરૂ કરવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર છે. ઘણી વખત કોઈ નેતા કે કાર્યકર અથવા તો સામાજિક સંગઠનના આગેવાનોને કે પછી ચૂંટણી લડવાની ખેવના રાખનાર કોઈને રાજકીય પક્ષમાંથી ટિકિટ નથી મળતી ત્યારે ક્યાં તો તે અપક્ષ તરીકે ચૂંટણીના મેદાનમાં ઝુકાવે છે કે પછી ઘણા તો આખી નવી રાજકીય પાર્ટી ઊભી કરી દે છે. તો ઘણા લોકો દેશ માટે સેવાકાર્ય કરવા માટે કે અન્ય કોઈક કારણસર પણ નવા પક્ષની રચના કરતા હોય છે.

જુઓ, આ પાર્ટીનાં નામ કેવાં-કેવાં છે... સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, રિયલ ડેમોક્રસી પાર્ટી, સર્વોદય ભારત પાર્ટી, ગણ સુરક્ષા પાર્ટી, સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી, ઑલ ઇન્ડિયા હિન્દુસ્તાની પાર્ટી, રાઇટ ટુ રીકૉલ, રાષ્ટ્રીય સમાજ પક્ષ, ગુજરાત સર્વ સમાજ પાર્ટી, પ્રજા વિજય પક્ષ, સંયુક્ત વિકાસ પાર્ટી, ગુજરાત નવનિર્માણ સેના, રાષ્ટ્ર નિમાર્ણ પાર્ટી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રાષ્ટ્રીય જનક્રાન્તિ પાર્ટી, રાષ્ટ્રીય હિન્દ એકતા પાર્ટી, લોગ પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, રાષ્ટ્રીય હિન્દ એકતા દળ, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટી, ભારતીય જન પરિષદ, રાષ્ટ્રીય સમાજ દળ, રાષ્ટ્રીય પાવર પાર્ટી, આદિ ભારત પાર્ટી જેવી જાણી–અજાણી પાર્ટીઓના ઉમેદવારોએ પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.

columnists gujarat gujarat elections gujarat election 2022 shailesh nayak