17 June, 2025 02:24 PM IST | Mumbai | Heena Patel
પુત્ર, પતિ, સાસુ અને દીકરી સાથે હિના બહેન
ફક્ત કૉર્પોરેટ ઑફિસમાં કામ કરતી મહિલા જ નહીં; ઘર ચલાવવા માટે નાનાં-મોટાં કામ કરતી મહિલા પણ સ્ટ્રૉન્ગ, ઇન્ડિપેન્ડન્ટ વુમન હોય છે. ડોમ્બિવલીમાં રહેતાં અને હાલમાં પોતાનું બ્યુટીપાર્લર ચલાવતાં ૪૩ વર્ષનાં હિના ગાલાણી પણ આવી જ મહિલાઓમાંનાં એક છે. લગ્ન થયા પછી નૉનસ્ટૉપ આવતી રહેલી પ્રતિકૂળ પરિસ્થિતિઓને પગલે હિનાબહેનના માથે એકલા હાથે ઘરની જવાબદારી સંભાળવાની નોબત આવી. એ સમયે કઈ રીતે સંઘર્ષો વચ્ચેથી પોતાનો માર્ગ કાઢીને જીવનમાં તેઓ આગળ વધ્યાં એ જાણીને ખરેખર અન્ય સ્ત્રીઓએ તેમની પાસેથી પ્રેરણા લેવા જેવી છે
કચ્છમાં ઊછરેલી સ્ત્રી જ્યારે મુંબઈ જેવા શહેરમાં પરણીને આવે, પરણીને આવ્યા પછી ખબર પડે કે પતિનો કામધંધો ચાલી નથી રહ્યો, ઘરની આવક બંધ થઈ ગઈ છે, ઘરખર્ચ કાઢવાનું ભારે પડી રહ્યું છે તો શું કરે? એ સ્ત્રી બધી જ રીતે ભાંગી પડે. જોકે હિના ગાલાણી થોડાં જુદી માટીનાં નીકળ્યાં. તેમણે પોતાનાં દુઃખોને પકડીને રડવા કરતાં ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના પ્રયત્નો શરૂ કર્યા. તેમની પાસે જે પણ કળા હતી એનો ઉપયોગ પૈસા કમાવા માટે કરીને ઘર ચલાવવાનું સુકાન પોતાના હાથમાં લીધું. બાળકોને ભણાવ્યાં એટલું જ નહીં, સંઘર્ષો વચ્ચેથી પસાર થઈને તેઓ પોતે પણ આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર બન્યાં.
શરૂઆતનો સંઘર્ષ
પરણીને સાસરે આવ્યા બાદ જીવનમાં કઈ રીતે એક પછી એક આફતોની વણજાર આવી પડી અને ઘર ચલાવવા માટે કઈ રીતે પૈસા કમાવાનું શરૂ કરવું પડ્યું એ વિશે વાત કરતાં ડોમ્બિવલીમાં રહેતાં ૪૩ વર્ષનાં હિનાબહેન કહે છે, ‘હું પરણીને સાસરે આવી એ પછીથી મારા હસબન્ડ હેમેન્દ્ર કોઈ દિવસ લાંબા સમય સુધી એકધારું કામ કરી શક્યા નથી. તેમણે ઘણી નાની-મોટી નોકરીઓમાં હાથ અજમાવ્યો પણ કંઈ ખાસ સફળતા મળી નહીં. એટલે ઘરમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ હતી. ઘરમાં આવકના અભાવે બચત ખર્ચાઈ રહી હતી. એટલે મારે કમાવા માટે કંઈક શરૂ કરવા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો. મેં સાડી પર એમ્બ્રૉઇડરી વર્ક કરી આપવાનું કામ શરૂ કર્યું. મારા પિયરમાં મારી મમ્મીને એમ્બ્રૉઇડરીનું કામ આવડતું એટલે એ કળા મને તેમની પાસેથી મળી છે. મુંબઈમાં હું મારા હાથેથી એમ્બ્રૉઇડરી કરેલી સાડીઓ હોય એ પહેરતી એટલે ઘણી મહિલાઓ મને પૂછતી કે તમે આ કામ ક્યાંથી કરાવ્યું છે? તો હું તેમને કહેતી કે મેં મારી જાતે કરી છે. એ પછી મને તેમની પાસેથી સાડી એમ્બ્રૉઇડરી કરવાના ઑર્ડર મળતા ગયા. આ કામ એવું હતું કે એમાં મહેનત બહુ લાગે અને પૈસા એટલા મળે નહીં એટલે મેં મેંદીના ઑર્ડર્સ પર જવાનું શરૂ કર્યું. હું પિયરમાં હતી ત્યારે મેંદીનો ૧૫ દિવસનો એક સાવ બેઝિક કહી શકાય એવો કોર્સ કરેલો. એમાં મેંદીના કોન બનાવવાનું ને થોડીક ડિઝાઇનો શીખવાડવામાં આવેલાં. મારું સાસરિયું હતું ત્યાં એક-બે એવી છોકરીઓ હતી જે લોકોને ત્યાં પ્રસંગ હોય તો મેંદી લગાવવા જતી. એટલે મેં તેમને વાત કરેલી કે તમને જરૂર લાગે તો મને પણ તમારી સાથે મેંદીના ઑર્ડર પર લઈ જજો. એ રીતે ધીરે-ધીરે મેં મેંદીનું કામ શરૂ કર્યું. એ રીતે ઘરનું ગાડું ચાલતું હતું. એ પછી ૨૦૦૫માં મારા દીકરા દિવ્યનો જન્મ થયો. તે માંડ ત્રણ-ચાર મહિનાનો હશે ત્યાં ૨૬ જુલાઈએ મુંબઈમાં ભારે વરસાદ આવેલો. એ સમયે અમારું ભાંડુપમાં ઘર હતું અને એમાં પાણી ભરાઈ ગયેલું. મારો દીકરો બીમાર હતો. બીજી બાજુ મારા હસબન્ડ કુર્લાના એક ગોડાઉનમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને પગમાં ઈજા થતાં ચીરો પડી ગયો હતો અને નસ કપાઈ હતી. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવેલી. જોકે ગંદા પાણી અને કીચડમાં તેઓ ચાલીને આવ્યા હોવાથી તેમને પગમાં ઇન્ફેક્શન થઈ જતાં રસી ભરાઈ ગયેલી. પગ સડી ગયો હતો. ડૉક્ટરે કહી દીધું હતું કે સાજા થતાં મહિનાઓ લાગી જશે. એ સમયે જાણે ચારેય બાજુથી મારા પર આભ ફાટી નીકળ્યું હોય એવી સ્થિતિ હશે.’
પડકારો હજી બાકી હતા
હિનાબહેનની મુશ્કેલ પરિસ્થિતિ હજી શરૂ જ થઈ હતી. આગળ હજી ઘણા સંઘર્ષો કરવાના બાકી હતા. એમાંથી તેઓ કઈ રીતે આગળ વધતાં ગયાં એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અમે ભાંડુપનું ઘર વેચીને ડોમ્બિવલીમાં રહેવા માટે આવી ગયાં. હું બહાર નોકરી પર જાઉં તો ઘરે મારા દીકરાનું ધ્યાન કોણ રાખે? મારો દીકરો જન્મ્યો ત્યારે તે હેલ્ધી અને હટ્ટોકટ્ટો હતો. જોકે ધીમે-ધીમે તેની તબિયત ખરાબ થવા લાગી. વારંવાર તાવ આવી જતો. અમે તેની ખાવાપીવામાં બધી કાળજી રાખતા પણ સાજો જ નહોતો થતો. ત્રણ વર્ષ સુધી તેની તબિયત એવી નરમગરમ રહી. એ પછી ૨૦૦૭માં મારા દીકરાને ટીબી હોવાનું નિદાન થયેલું. ડૉક્ટરે કહેલું કે તમારી ફૅમિલીમાંથી કોઈને ટીબી છે એટલે બાળકને ટીબી થયો છે. ટેસ્ટ કરાવતાં ખબર પડી કે મારા હસબન્ડને ટીબી છે અને એ પણ ઍડ્વાન્સ લેવલ પર છે. એ વખતે હું બીજી વાર પ્રેગ્નન્ટ હતી. ૨૦૦૮માં મેં દીકરીને જન્મ આપ્યો. દરમિયાન એમ્બ્રૉઇડરી અને મેંદીનું કામ તો ચાલુ જ હતું, પણ એમાં ઑર્ડર્સ મળે તો જ જવાનું હોય. પરિવાર વિસ્તરી રહ્યો હતો એટલે પૈસાની પણ જરૂર હતી. એટલે એ વિચાર સાથે મેં ઘરેથી ટિફિન-સર્વિસ શરૂ કરી. બીજી બાજુ મારાં સાસુ દમયંતીબહેને પણ બીજાના ઘરે જઈને રસોઈ બનાવવાનું શરૂ કર્યું. અમે ડોમ્બિવલીમાં આડોશપાડોશમાં અને સમાજના જે લોકો રહેતા હતા તેમને કહી રાખેલું કે અમે ઑર્ડરથી જમવાનું બનાવી આપીશું. એ રીતે મને પાંઉભાજી, મિસળ, સમોસા, પંજાબી સબ્જી બનાવવાના ઑર્ડર મળવા લાગ્યા. મારી પાસે થોડી આવક જમા થયેલી એટલે એમાંથી મેં બ્યુટીપાર્લરનો થોડો સામાન ખરીદ્યો. મેંદીના ઑર્ડર પર જતી એટલે આઇબ્રો, ફેશ્યલ માટે પણ મને ઇન્ક્વાયરી આવતી એટલે એ શીખીને પછી મેં લોકોના ઘરે જઈને આઇબ્રો, ફેશ્યલ, હેરકટ કરવાનું શરૂ કર્યું. દરમિયાન ટીબીમાંથી એક વાર સાજા થઈ ગયા બાદ ફરી ટીબીએ ઊથલો મારતાં મારા હસબન્ડની તબિયત બગડી. એમાંથી માંડ સાજા થયા ત્યાં ફરી ૨૦૧૦માં મારા હસબન્ડ ખૂબ જ બીમાર પડ્યા. તેમને ખૂબ જ જુલાબ રહેતા હતા. તેમનું શરીર પણ સાવ સુકાઈ ગયેલું. વજન ૩૫ કિલો થઈ ગયેલું. કેટલીયે સારવાર કરાવેલી પણ કંઈ વધુ ફેર પડ્યો નહીં. એ સમયે મને સાસુએ બીજાં લગ્ન કરી લેવા માટે કહેલું, પણ હું એ માટે રાજી નહોતી. આટલું ઓછું હોય એમ ૨૦૧૪માં તેઓ દાદર રેલવે-સ્ટેશન પર દાદરા પરથી ગબડીને નીચે પડી ગયા. એમાં તેમના પગનાં હાડકાં ભાંગી ગયાં અને ફરી તેઓ બેડરિડન થઈ ગયા. ત્રણ મહિને તેઓ સાજા થયા. તેમને એક જગ્યાએ કામ મળેલું અને એ નોકરીને હજી ત્રણ દિવસ જ થયા હતા ત્યાં તેમની સાથે આ હાદસો થઈ ગયેલો. એ પછીથી તો તેમણે સાવ કામ બંધ કરી દીધેલું.’
બ્યુટી પાર્લરમાં ક્લાયન્ટને તૈયાર કરી રહેલાં હિનાબહેન
સફળતા મળી ખરી
છેલ્લાં ૨૧ વર્ષમાં હિનાબહેને ઘરને ચલાવવાની, બાળકોને ભણાવવાની જવાબદારી તો નિભાવી જ અને સાથે ખુદનો બિઝનેસ વધારીને આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર બનવા પર ધ્યાન આપ્યું. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું મૂળ કચ્છના આદિપુરની છું. મારો ઉછેર ત્યાં જ થયો છે. મેં બારમા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. મારા પિયરમાં મેં કોઈ દિવસ કમાવા માટે ઘરની બહાર પગ મૂક્યો નહોતો. હું ૨૧ વર્ષની થઈ ત્યારે હેમેન્દ્ર સાથે મારું સગપણ નક્કી થયું. પરણીને સાસરે આવી ત્યાં ઘર ચલાવવાની બધી જવાબદારી માથે આવી. એટલે એ સમયે હિંમત રાખીને આગળ વધવા સિવાય મારી પાસે કોઈ બીજો રસ્તો જ નહોતો. એમ્બ્રૉઇડરી, મેંદી, ટિફિન, પાર્લર બધાનાં કામ ચાલુ રાખીને ઘર ચલાવ્યું. મારો દીકરો અને દીકરી મોટાં થઈ રહ્યાં હતાં એટલે ભણવાનો ખર્ચ વધી રહ્યો હતો. એટલે એક સ્ટેબલ ઇનકમ મળે એ માટે મેં પોતાનું બ્યુટીપાર્લર શરૂ કર્યું. હું છેલ્લાં પાંચ વર્ષથી પોસ્ટમાં પૈસા જમા કરતી હતી. એ પૈસા આવ્યા એમાંથી જ મેં ત્રણ વર્ષ પહેલાં ડોમ્બિવલીમાં મારું બ્યુટીપાર્લર શરૂ કર્યું. અત્યારે તો એનું કામકાજ સારું ચાલે છે. મારો દીકરો એન્જિનિયરિંગના ચોથા વર્ષમાં છે. દીકરી પણ દસમા ધોરણમાં છે. સાથે જ મારાં સાસુ છે એટલે અમે ઑર્ડરથી પાંઉભાજી, મિસળ એ બધું બનાવી આપવાનું ચાલુ રાખ્યું છે. મારાં સાસુની ઉંમર ૭૩ વર્ષની છે તેમ છતાં તેઓ આજે પણ ઘરનાં બધાં જ કામ સંભાળી લે છે. હું મારા પાર્લરનું કામ સંભાળું છું. મારી હજી એવી પરિસ્થિતિ નથી કે સ્ટાફ રાખું એટલે સવારે બ્યુટીપાર્લર ખોલી, એની સાફસફાઈ કરી જે પણ ક્લાયન્ટ આવે તેને હું એકલા હાથે હૅન્ડલ કરું છું. પાર્લરના બ્યુટિફિકેશનનું કામ પણ મેં જ કર્યું છે. દીવાલો પર જ્યાંથી કલર ઊખડી ગયો હોય ત્યાં કલરથી સુંદર વૉલ-આર્ટ કરવાથી લઈને જૂના ફર્નિચરને નવો લુક આપવાનું કામ મેં જાતે કર્યું છે. મને પહેલેથી જ વિવિધ પ્રકારની કળામાં ખૂબ રસ છે. મારી કળાના જોરે જ હું જીવનમાં અહીં સુધી પહોંચી શકું છું. દરેક સ્ત્રીએ જીવનમાં નવી-નવી સ્કિલ્સ શીખવા પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે જીવનમાં કઈ પરિસ્થિતિ ક્યારે આવી જાય એની આપણને ખબર નથી. હવે તો મારું જીવન ઘણું સારું છે. આજે હું જ્યારે પાછળ વળીને જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે મેં જીવનમાં ઘણું અચીવ કર્યું છે. ઘણા લોકો માટે પોતાનું બ્યુટીપાર્લર ખોલવું એ નાની વાત હશે, પણ મારા માટે એ લાઇફની સૌથી મોટી અચીવમેન્ટ છે.’