ભૂખ્યા ભજન ના થાય રે ગોપાલા... તીર્થ કરવા જાઓ ત્યારે કયો પ્રસાદ આરોગશો?

16 September, 2019 02:30 PM IST  |  | ખાઇ પી ને મોજ - પૂજા સાંગાણી

ભૂખ્યા ભજન ના થાય રે ગોપાલા... તીર્થ કરવા જાઓ ત્યારે કયો પ્રસાદ આરોગશો?

‘ભૂખ્યા ભજન ના થાય રે ગોપાલા...’ એટલે કે ભોજન લઈને, પેટ ભરીને જ ભજન કરવું. એ એક ખૂબ જાણીતી ઉક્તિ છે. એવી જ રીતે પ્રભુનાં તમામ સંતાનો તેમનાં પોતાનાં જ છે એ માટે પણ એક જાણીતું વાક્ય છે, ‘પ્રભુ ભૂખ્યા ઉઠાડે છે, પણ સુવાડતા નથી.’ અન્ય એક વાક્ય પણ છે, ‘કીડીને કણ ને હાથીને મણ મળી જ રહે.’ એટલે કે કીડી એના પેટ ભરવા જેટલું અને હાથીને પણ એની ભૂખ સંતોષવા પૂરતું ભોજન મળી જ રહે છે. એટલે મૂળ વાત એ છે કે ઈશ્વર સૌનું સારું કરે. લે આજે તમને બધાને એમ થયું હશે કે આ ભોજનમાંથી ભક્તિ પર ક્યાંથી આવી ગઈ, પરંતુ આજનો લેખ પ્રભુ અને ભોજન પર જ છે. હા, આજે આપણે વાત કરીશું અલગ-અલગ ધર્મસ્થાનો અને ત્યાં ભક્તોને આપવામાં આવતા પ્રસાદની. હા ફૂડની વાત આવે તો પ્રભુને કેમ ભુલાય. તમામ પવિત્ર સ્થાનો પરનું ભોજન અને પ્રસાદ પણ પવિત્ર હોય છે અને એનો એક કુદરતી મીઠો સ્વાદ હોય છે (મેં કંઈ ખોટું કીધું?) સાચુંને? બસ તો પછી. પ્રભુનાં દ્વારે જઈએ તો ભક્તોને કાંઈ ને કાંઈ તો મળે જ. 

તો ચાલો વાત કરીએ મારા શહેર અમદાવાદની. જમાલપુરમાં પ્રસિદ્ધ જગન્નાથ મંદિર આવેલું છે. સમગ્ર ગુજરાતમાં એ ખૂબ જ પ્રખ્યાત છે અને દર અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ નીકળે એને રથયાત્રા કહે છે. એ દિવસે તો ભોજન અને પ્રસાદનો જોરદાર વૈભવ હોય છે. જૂના અમદાવાદમાં આવેલા સરસપુરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનું મોસાળ છે. એટલે રથયાત્રાના અમુક દિવસ પહેલાં તેઓ મોસાળમાં બિરાજમાન હોય છે. ત્યાર બાદ રથયાત્રાના આગલા દિવસે તેઓ નિજ મંદિરે પાછાં ફરે ત્યારે ભગવાને મામાને ત્યાં જાતજાતનાં ભોજન કર્યાં હોય એટલા માટે સાદું ભોજન આપવાના પ્રતીકરૂપે તેઓને ખીચડી અને ગુવાર-કોળાનું શાક ધરાવવામાં આવે છે. આ...હા...હા... એ ખીચડીનો સ્વાદ એટલો સુપર્બ હોય છે કે હું તો કહું છું કે વિશ્વની નંબર-વન ખીચડી. હા ડ્રાયફ્રૂટ અને શુદ્ધ ઘીથી ભરપૂર સહેજ મીઠી ખીચડી અને ઉપર ગુવાર-કોળાનું શાક નાખેલું હોય એ ખાવા માટે ભક્તો વહેલી સવારથી જ લાઇન લગાવી દે છે. હજ્જારોની સંખ્યામાં ભક્તોને પડિયામાં આપવામાં આવે છે અને એના જેવો સ્વાદ તમને બીજી કોઈ ખીચડીમાં નહીં મળે. કોઈક દિવસ પધારો અમારા અમદાવાદ મંદિરે રથયાત્રાનાં દર્શન કરવા અને પ્રસાદનો લાભ લેવા માટે. હા, આ મંદિરમાં જ બારેમાસ પ્રસાદરૂપે શુદ્ધ ઘીના માલપૂઆ, પોચા અંગૂઠિયા ગાંઠિયા અને મીઠી બૂંદી પાનમાં વાળીને આપવામાં આવે છે. અદ્ભુત સ્વાદ હોય છે એનો ભાઈ.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં ગબ્બર પર્વતની ટોચ પર મા આરાસુરી અંબા બિરાજમાન છે. તેમનું મંદિર તળેટીમાં પણ છે. ભાદરવી પૂનમના દિવસે હૈયૈહૈયું દળાય એટલી ભીડ હોય અને ભાદરવા મહિનાની એકમથી લઈને પૂનમ સુધીમાં ૨૦ લાખથી વધુ લોકો દર્શન કરે છે. લોકો પગપાળા સંઘ કાઢે અને દર્શન કરીને ધન્ય થાય. હા, તો આ મંદિરમાં બારેમાસ મળતો મોહનથાળ એટલે સમજો માતાજીના સાક્ષાત્ આશીર્વાદ. પ્રસાદને પ્રસાદની રીતે જ ખવાય, જમી ન લેવાય, પરંતુ માતાજીના આશીર્વાદ જેવો આ પ્રસાદ જમી લેવામાં કોઈ વાંધો પણ નહીં. એક વાત હું સ્પષ્ટ કરી લઉં કે કોઈ પણ મંદિર દ્વારા ભક્તોને આપવામાં આવતા પ્રસાદ પાછળ એક ઉમદા ભાવના હોય છે, સેવાકીય પ્રવૃત્તિ હોય છે અને જે લોકો દર્શન કરવા આવ્યા નથી તેમને ઈશ્વર-માતાજીના આશીર્વાદ મળી રહે એવા ઉચ્ચ વિચાર હોય છે, પરંતુ પ્રસાદની કુદરતી મીઠાશ એવી હોય છે કે લોકો માતાજીના મોહનથાળનો પ્રસાદ થેલી ભરીને લઈ જાય.

આ પણ વાંચો: આ ગણેશમંદિરમાં ફેમસ છે ગરમાગરમ કેળાની વેફર

હવે વાત કરીએ ગુજરાતના દરિયાકાંઠે આવેલા ગીર-સોમનાથ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સોમનાથદાદાની. ખુદ વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન રૂપાણી હંમેશાં તેમનાં દર્શનનો લાભ લે છે અને તેમની ખાસ દરકાર લે છે. દાદાને ત્યાં શીશ નમાવ્યા પછી દાદાનો શિંગ-તલની ચીકીનો પ્રસાદનો લાભ ભક્તોને મળે. સરસ પૅકિંગમાં એક ચીકી મળે અને આરોગીને ધન્ય થઈ જવાય. સોરાષ્ટ્રમાં આવેલા લોહાણા સમુદાય જેમનાં દર્શનમાત્રથી ધન્ય થઈ જવાય છે એ વીરપુરધામ ખાતે જલારામ મંદિરમાં ખીચડી-કઢી અને બટાટાનું શાક આરોગીને ધન્ય થઈ જવાય. કહેવાય છે કે જલારામબાપાનો ભક્ત કોઈ દિવસ ભૂખ્યો નથી સૂતો.

સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બાપા સીતારામનું મંદિર છે. ત્યાં આખો દિવસ હજારો લોકો સંત શ્રી બજરંગદાસબાપાના આશીર્વાદથી સવાર-સાંજ ભોજન આરોગે છે. કહેવાય છે કે અહીંથી ભોજન કર્યા વગર ન જવાય, કારણ કે બાપાનો ભાવ હોય છે કે કોઈ તેમને ત્યાંથી ભોજન વગર પાછો ન જાય.

હવે પાછા ક્યાં જઈશું... હંહંહંહં, હા, ગાંધીનગર જિલ્લાનું મહુડી. શ્રી ઘંટાકર્ણ મહાવીરસ્વામીના મંદિરમાં ગરમાગરમ સુખડીનો પ્રસાદ હોય છે. એ પ્રસાદ ત્યાં જ બેસીને આરોગવાનો હોય છે અને મંદિર બહાર લઈ જવાની સખત મનાઈ છે. અમદાવાદથી ગાંધીનગર વચ્ચે કોટેશ્વર ગામમાં કોટેશ્વર મહાદેવ ખાતે રેવડીનો પ્રસાદ હોય છે. અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલા ઇસ્કૉન મંદિર અને ભાડજ મંદિરમાં ગરમાગરમ ખીચડી વગર ભક્તો જતા નથી. ખીચડીની જ વાત આવે તો બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા સંચાલિત પ્રેમવતી રેસ્ટોરાંની ખીચડી કેમ ભુલાય. હવે તો શાહીબાગ મંદિરની બહાર ફાસ્ટ ફૂડની જેમ ખીચડી પણ મળે છે.

વૈષ્ણવ મંદિરોમાં અમુક તિથિએ મગ અને ભાતનો પ્રસાદ હોય જેને ‘સખડી ભોગ’ કહેવામાં આવે છે. આ ઉપરાંત લાલજીમહારાજને મગસ, મઠડી, કોપરાપાક જેવી જાતજાતની મીઠાઈ તો ભાવે જ એટલે એનો પ્રસાદ હોય છે. સ્વામીનારાય મંદિરમાં મગસની લાડુડીનો પ્રસાદ સર્વવિદિત છે. મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લાના તીર્થસ્થાન અને ભગવાન રણછોડરાયના મંદિર ડાકોર ખાતે ચોખાનો લોટ અને સહેજ કપૂરનો સ્વાદ હોય એવા સફેદ રંગના લાડવાનો પ્રસાદ અનોખો સ્વાદ ધરાવે છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઢ ગામે ગણપતપુરા ખાતે મળતા ચૂરમાના લાડુ અને બૂંદીના લાડુ ખાઈ લીધા હોય તો પછી ભૂલી નહીં શકાય. અમદાવાદની ભાગોળે આવેલા લાંભામાં બળિયાદેવનું મંદિર છે. લોકો અહીં બાધા લે છે અને પછી ઘરેથી આગલા દિવસે લાવેલું ઠંડું ભોજન મંદિરના પ્રાંગણમાં બેસીને આરોગે છે. આ મંદિરનું ચવાણું અને મોટા બૂંદીના લાડવા એટલા કુદરતી રીતે સ્વાદિષ્ટ હોય છે કે લોકો ત્યાં ભોજનમાં તો એ આરોગે જ છે, પરંતુ ઘરે પણ લઈ જાય છે. પાલિતાણા જૈન મંદિરની તળેટીમાં આવેલી ધરમશાળાઓમાં નવકારશીમાં (સવારનો નાસ્તો) ગાંઠિયા, બૂંદી, મેથીનો મસાલો અને ચા પીરસવામાં આવે છે અને એ ખૂબ સરસ હોય છે. અમદાવાદમાં જ આશ્રમ રોડ પર વલ્લભ સદન નામની શ્રીકૃષ્ણ હવેલી છે. ત્યાંનો પ્રસાદ ટોપરાપાક જીભ પર મૂકતાં જ ઓગળી જાય એવો સૉફ્ટ અને કુદરતી મીઠાશવાળો હોય છે.

પ્રસાદની વાત કરી તો પ્રથાની પણ વાત કરું. નડિયાદમાં આવેલા પવિત્ર શ્રી સંતરામ મહારાજના મંદિરે હિન્દુ કૅલેન્ડર મુજબ માહ મહિનાની પૂનમના દિવસે એટલે કે જાન્યુઆરી મહિનામાં વર્ષમાં એક વાર બોર ઉછાળવાના ઉત્સવમાં હજ્જારો ભાવિકો પહોંચી જાય છે. કહેવાય છે કે જેમનાં સંતાનો બરાબર બોલતાં ન શીખ્યાં હોય તેઓ અહીં મંદિરની બાધા રાખે છે અને બોલતાં થાય એટલે મંદિરની ચારેય બાજુએ આવેલી અગાશીએ પહોંચી જાય અને સંતાનનું નામ લઈને ખોબો ભરીને બોર ઉછાળે છે. ચણી બોર કે લીલાં બોર ઉછાળે એ હાજર ભક્તો પ્રસાદીરૂપે આરોગે. આ જ દિવસે સાકરવર્ષા પણ કરવામાં આવે છે, જ્યાં સાકર ઉછાળીને ભક્તો પ્રસાદમાં લે છે. અહીં બારેમાસ પ્રસાદમાં મગસની લાડુડી હોય છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે વરદાયિની માતાનું મંદિર છે ત્યાં માતાજીની પલ્લી પર હજારો મણ ઘી ચડાવવાની આસ્થા છે.

આ પણ વાંચો: ઘરની થાળીમાંથી અતિપ્રિય સ્ટ્રીટ ફૂડ સુધીની ઢોકળાંની સફર

ગુજરાતની બહાર જ્યાં ગુજરાતીઓનો ભારે ધસારો છે એ શ્રીનાથજી મંદિર, નાથદ્વારા ખાતે બદામપાક, કેસરપાક, થોર, મઠડી, મગસ અને મોહનથાળ સહિતની જાતજાતની મીઠાઈઓ મળે છે અને પ્રસાદ તરીકે ખવાય છે. આંધ્ર પ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિરમાં જે બૂંદીનો લાડુ હોય છે એની તો ક્યાંય જોડ જડે એમ નથી. તમામ પ્રકારનાં ડ્રાયફ્રૂટ સાથેનો શુદ્ધ ઘીનો લાડુ એક ખાઓ ત્યાં જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ જાય. હવે સિખ સમુદાયમાં ભોજન કરાવવાનું અનેરું મહત્ત્વ છે એટલે દરેક ગુરુદ્વારામાં ભોજન પીરસે અને ભક્તો પ્રસાદ લે એને લંગર કહેવાય છે. લંગરની ખીરમાં ઈશ્વરના આશીર્વાદ હોય છે. સત્યનારાયણની કથાનું આયોજન કરો ત્યારે બનાવવામાં આવતો રવાનો શીરો તો યાદ છેને? કોઈક વાર પ્રયત્ન કરી જોજો, કથાના દિવસે જે પ્રસાદમાં શીરો મળે છે એની મીઠાશ કોઈ અન્ય દિવસે બનાવો ત્યારે આવતી નથી. તો મારા ફૂડી મિત્રો, તમને પ્રભુભજન અને પ્રસાદની અવનવી વાત કરી, હવે આપ પણ દર્શન કરવા જાઓ ત્યારે લાભ અવશ્ય લેજો અને તમને કયા ફૂડ વિશે શું વાંચવું ગમશે એ મને ઈ-મેઇલમાં જણાવશો. આવજો ત્યારે...

columnists gujarati mid-day