આંખમાં આંસુ ક્યારે આવે?

10 September, 2019 03:22 PM IST  |  | ફૅમિલી રૂમ - વર્ષા ચિતલિયા

આંખમાં આંસુ ક્યારે આવે?

ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટતાં ઇસરોના ચૅરમૅન કે. સિવનની આંખમાંથી જે આંસુ વહ્યાં એને સમસ્ત ભારતીયોએ ફીલ કર્યાં છે. કેટલાક તો અંદરખાને રડ્યા પણ હશે. એક પુરુષ તરીકે જાહેરમાં ભાંગી પડ્યા એ બતાવે છે કે આંસુને રોકવાનું કોઈ પણ વ્યક્તિના કન્ટ્રોલમાં હોતું નથી. સાયન્સ પણ માને છે કે વ્યક્તિની ઓવરઑલ હેલ્થ માટે આંસુ છલકાવાં જોઈએ. આ સંદર્ભે એક્સપર્ટ અને પુરુષોના અનુભવો શું કહે છે એ જોઈએ

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરવાની થોડી સેકન્ડ પહેલાં જ ચંદ્રયાન-2 સાથે સંપર્ક તૂટી જતાં ઇસરોના વૈજ્ઞાનિકો જ નહીં, તમામ ભારતીયોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને છેલ્લે આ મિશન સહેજ માટે અધૂરું રહી ગયું હોવાની જાહેરાત થઈ. આ ઘટના બાદ અનેક રાષ્ટ્રપ્રેમીઓની આંખો ભીંજાઈ હશે એમાં કોઈ શંકા નથી, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઇસરોના ચૅરમૅન કે. સિવનને સાંત્વના આપવા ગયા ત્યારે સિવન જાહેરમાં રડી પડ્યા હતા. ત્યાર બાદ અખબારો, ટીવી-ચૅનલો અને સોશ્યલ મીડિયા સુધી વૈજ્ઞાનિકોની સિદ્ધિને બિદરાવતા સંદેશાઓના જુવાળની સાથે સિવનનાં આંસુ પણ ચર્ચાનો વિષય બન્યાં.

આટલી મોટી હસ્તી આ રીતે ઇમોશનલ બની જાહેરમાં ક્યારે રડી પડે? તેમના રાષ્ટ્રપ્રેમને સૅલ્યુટ છે જ પણ પ્રશ્ન એ છે કે શું પુરુષો આ રીતે જાહેરમાં રડી શકે? તમારાં ઇમોશન્સને કન્ટ્રોલમાં કરવાં જોઈએ કે પછી આંસુ વાટે બહાર નીકળી જાય એ જ સારું? ઘણા લોકો કોઈ રડે એ જોઈ નથી શકતા, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોઈ રડતું હોય તો તેને રડવા દેવું. તમારી અંદરની લાગણીને વ્યક્ત કરવા નહીં, હેલ્થ માટે પણ આંખમાં આંસુ આવવાં જોઈએ. ગુસ્સો, નારાજગી, ઉદાસી, હતાશા, ચિંતાની જેમ આંસુને પણ વ્યક્ત કરવાં જોઈએ. આ સંદર્ભે સાયન્સ શું કહે છે તેમ જ પુરુષોનાં આંસુ વિશે તેઓ પોતે શું માને છે એ જાણીએ.

આંસુ કાં તો હરખના હોય છે કાં તો દુ:ખના, વૈજ્ઞાનિક રિસર્ચ કહે છે કે આંસુના ત્રણ પ્રકાર છે. સુખ અથવા દુ:ખમાં આવતાં આંસુ એક્સ્ટ્રિમ ઇમોશનના લીધે આવે છે જેને મેડિકલ ટર્મ્સમાં ફિઝિક ટિયર્સ કહે છે. બેસલ ટિયર્સ કોર્નિયાને લ્યુબ્રિકેટ રાખવા માટે હોય છે. કાંદા કાપતી વખતે કે અશ્રુ ગૅસ છોડતી વખતે જે આંસુ આવે એને રિફ્લેક્સ આંસુ કહેવાય. સોડિયમ ક્લોરાઇડ અને લાઇસોઝિમની હાજરીના કારણે આંસુ સ્વાદમાં ખારાં હોય છે. વાસ્તવમાં આપણું આખું શરીર ફ્લ્યુડથી જ બનેલું છે. ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને આંસુની અંદર ઓલેમાઇન અને જોક્રિબેન નામના કૉમ્પોનન્ટ શોધી કાઢ્યા છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે આંખોને સ્વચ્છ અને કીટાણુરહિત રાખવા આંસુ હોવા જરૂરી છે.

આંસુને આંખના સ્વાસ્થ્ય સાથે શું લાગેવળગે છે એ સંદર્ભે વાત કરતાં બોરીવલીના ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. જિગર બથિયા કહે છે, ‘દરેક વ્યક્તિની આંખમાં આંસુ હોય જ છે. જો એ ન હોય તો આંખ સુકાઈ જાય. આપણી આંખમાં જે શાઇનિંગ દેખાય છે એ ટિયર ફિલ્મને કારણે છે. આંસુના ત્રણ લેયર હોય છે, લિપિડ લેયર, વૉટર અને ઇલેક્ટ્રોલાઇટ્સ. ટિયર ગ્લેન્ડ્સ અપર આઇલેશની અંદર હોય છે. આંસુની પણ ક્વૉલિટી હોય છે. જેમ-જેમ ઉંમર વધે એમ આંસુની ગુણવત્તા નબળી પડે છે. આર્થ્રાઇટિસ અને ડાયાબિટિઝ જેવા રોગોના દરદીઓનાં આંસુની ક્વૉલિટી પર ઉંમર અને રોગની અસર જોવા મળે છે. આંસુના લેયર, નવા ટિયર બનવાની પ્રક્રિયા, એની ક્વૉલિટી અને ઓવરફ્લો જેવી બધી બાબતો મેડિકલ અને સેન્ટિમેન્ટલ સાઇકલ સાથે જોડાયેલી છે.’

આંસુ છલકાવાનાં કારણો ઘણીબધી વસ્તુ સાથે કનેક્ટેડ છે એમ જણાવતાં ડૉ. જિગર આગળ કહે છે, ‘આપણે કોઈ વસ્તુને એકધારી જોયા કરીએ ત્યારે આંખમાં પાણી આવી જાય છે અને સામાન્ય રીતે ૧૫ સેકન્ડમાં તો આંખ ઝપકાવી દઈએ છીએ. તીખું ખાઓ કે આંખમાં કચરો પડે તો આંસુ આવે. આંખમાં બળતરા થાયકે ઇન્ફેક્શન લાગે ત્યારે અને કોઈ ઇમોશનલ ઘટના બને ત્યારે પણ તમારી આંખમાંથી આંસુ બહાર આવે છે. પુરુષની સરખામણીએ મહિલાઓ વધુ એક્સપ્રેસિવ હોય છે તેથી તેઓ જલદીથી રડી પડે છે.આંખમાં આંસુનું અસ્તિત્વ પહેલેથી છે. સંજોગો પ્રમાણે ઑટોમૅટિકલી એ ઓવરફ્લો થાય છે. આંસુને રોકવાં આપણા કન્ટ્રોલમાં નથી હોતું.’


શરદ મોદી, રિટાયર્ડ
ચંદ્રયાન સાથેનો સંપર્ક તૂટી ગયો ત્યારે કે. સિવન ભાવુક બન્યા હતા, પણ રડ્યા નહોતા. વડા પ્રધાને તેમને ગળે વળગાડ્યા ત્યારે તેમના સંયમનો બાંધ તૂટી ગયો હતો. અગિયાર વર્ષની મહેનત અને રાત-દિવસના ઉજાગરા બાદ ધાર્યું પરિણામ ન આવે તો માણસ ભાંગી પડે. પુરુષો આમ તો મજબૂત મનના હોય છે, પરંતુ ક્યારેક એવી મોમેન્ટ આવી જાય જ્યાં તેઓ ભાવુક બની જાય. પુરુષ રડે એટલે કંઈ નબળો ન કહેવાય. મારી વાત કરું તો ઘરમાં કોઈ બીમાર પડે તો હું ઢીલો પડી જાઉં છું. એકાદ વાર તો ટીવી પરના રિયલ્ટી શોના કન્ટેસ્ટન્ટની દુ:ખભરી કહાણી સાંભળીને પણ રડ્યો છું.

આ પણ વાંચો: પુરુષોને કેમ ગમે છે ઉંમરમાં પોતાનાથી મોટી મહિલા?

હરેશ સોની, બિઝનેસમૅન

પુરુષોને પણ દિલ હોય છે. ધંધાકીય પરેશાની કે કોઈ ચિંતા સતાવતી હોય તો તે પોતાના આપ્તજનો પાસે રડીને મન હળવું કરી લે છે. જાહેરમાં રડવું પુરુષો માટે થોડું ડિફિકલ્ટ છે. આપણી સામાજિક વિચારધારા એવી છે કે પુરુષ હોવું એટલે મજબૂત મનના હોવું. પોતાની ગણતરી બાયલા અને નબળા પુરુષમાં ન થાય એથી તેઓ જાહેરમાં ઊભરો ઠાલવી શકતા નથી. દરેક પિતાના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે તે તમામ બંધનો તોડીને સમાજ સામે રડી શકે છે. દીકરીની વિદાય વેળા આંખમાં આવેલાં આંસુ રોકવા પિતા માટે શક્ય નથી.

દેવેશ વળિયા, નોકરિયાત

રડવું એ પુરુષના સ્વભાવમાં નથી એટલે મહિલાઓની જેમ તેઓ વારંવાર રડી શકતા નથી, પરંતુ સપનાંઓ તૂટે છે ત્યારે તેઓ આંસુ સારે છે. કેટલાક સંજોગોમાં પુરુષો પોતાનાં ઇમોશન્સ પર કન્ટ્રોલ રાખી શકતા નથી. ખાસ કરીને સંતાનો તરછોડે છે ત્યારે પિતા તરીકે ખૂબ લાગી આવે છે અને એ આંસુ વાટે વ્યક્ત થાય છે. જાહેરમાં રડવું કે પોતાની જાત પર કન્ટ્રોલ કરવો એ વ્યક્તિગત વિષય છે. કોઈ એકાંતમાં રડી લે છે તો કોઈ લોકોની સમક્ષ આંસુ સારીને મન હળવું કરી લે છે. બાકી, તકલીફ તો બધા પુરુષોને થતી જ હોય છે.

columnists gujarati mid-day