સુસાઇડ અટકાવી શકો છો તમે!

10 September, 2019 03:31 PM IST  | 

સુસાઇડ અટકાવી શકો છો તમે!

છેલ્લા કેટલાક અરસામાં મુંબઈમાં જ અરેરાટી ઊપજાવે એવા આત્મહત્યાના ઘણા કિસ્સા બન્યા છે. ક્ષણમાત્રમાં જાતે જ પોતાના પ્રાણ લઈ લેવા જેવું ગંભીર પગલું વ્યક્તિ સાવ અચાનક નથી ભરતો. બસ આપણે એ સિગ્નલ્સને ઓળખી નથી શકતા તો ક્યારેક એને અવગણીએ છીએ. આજે વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે છે ત્યારે આપઘાત કરવા તરફ વ્યક્તિ શું કામ પ્રેરાય છે અને આપણી અલર્ટનેસ કઈ રીતે આવી દુર્ઘટનાઓને રોકી શકે છે એ વિષયે વાત કરીએ

૨૦૧૯ની બીજી સપ્ટેમ્બરના એક અહેવાલ મુજબ વિશ્વભરનાં મૃત્યુનાં કારણોમાં આત્મહત્યા એ બીજું કારણ છે. દર વર્ષે ૮ લાખ કરતાં વધારે લોકો વિશ્વભરમાં આત્મહત્યાને કારણે મૃત્યુ પામે છે અને દુ:ખની વાત એ છે કે આમાંથી ૩ લાખ ભારતીયો છે. જેટલો મોટો આંકડો આત્મહત્યાનો છે એનાથી વધારે મોટી સંખ્યા દર વર્ષે એકથી વધારે વાર આત્મહત્યા કરવાની કોશિશ કરનારાઓની છે. આમ જોવા જઈએ તો આ પરિસ્થિતિ કોઈ પણ ઉંમરે સર્જાઈ શકે, પણ ખાસ કરીને ૧૫થી ૨૯ વર્ષની વયજૂથમાં આત્મહત્યાના બનાવોનું પ્રમાણ સૌથી વધારે નોંધાયું છે અને વધી પણ રહ્યું છે. આત્મહત્યા કરનારાઓમાં બીજા સ્થાને ૭૦ વર્ષ પછીના લોકોનો સમાવેશ થાય છે. છેલ્લા એક મહિનાના અખબારો ઉથલાવશો તો મુંબઈમાં જ બનેલા આપઘાતના કિસ્સાઓ અરેરાટી આપી જશે. ભારતમાં આત્મહત્યાનાં કારણોમાં બેરોજગારી, ઓછી આવક, દેવું, પારિવારિક ક્લેષ, માનસિક રોગોનો સમાવેશ થાય છે. આપણે ત્યાં વડિલોની જેમ યુવાનોમાં પણ આપઘાતનું પ્રમાણ વધ્યું છે. પરીક્ષા, કરીઅર, આર્થિક સમસ્યા, માતા-પિતા વચ્ચેના ઝઘડા, બ્રેકઅપ જેવા અનેક કારણો છે.

‘ડેથ ઇઝ નોટ ધ આન્સર’ પુસ્તકનાં લેખિકા અને સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અંજલિ છાબરિયા આ સંદર્ભે કહે છે, ‘આપણે ત્યાં હતાશા, ડિપ્રેશન કે ઉદાસીનતા અનુભવનાર વ્યક્તિએ મનોચિકિત્સક અથવા મનોવૈજ્ઞાનિકને ત્યાં ઇલાજ માટે જવું જોઈએ એ વિષયમાં લોકોમાં જાગૃતિ આવી નથી. આવું કરવાથી આત્મહત્યા તરફ આગળ વધતા વિચારોને કે વ્યક્તિને અટકાવી શકાય છે. જો યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન અને મેડિકલ સહાય મળે તો આવી વ્યક્તિ થોડા જ સમયમાં માનસિક રીતે સ્વસ્થ જીવન જીવી શકે છે.’ 
આત્મહત્યાવૃત્તિ વારસાગત છે 

મનોવૈજ્ઞાનિક તથા ‘જેન્ડર ઍન્ડ કલ્ચરલ કન્ટેક્સ્ટ ઑફ અર્બન ઍન્ડ મેન્ટલ હેલ્થ ઑન મુંબઈ’ વિષય પર સ્વિટ્ઝરલૅન્ડની યુનિવર્સિટી ઑફ બાઝેલથી પીએચડી કરનાર ડૉક્ટર શુભાંગી પાર્કર મુંબઈની એક મોટી હૉસ્પિટલ સાથે સંકળાયેલાં છે, તેઓ કહે છે, ‘માનસિક તણાવ જ્યારે ન્યુરોકેમિકલને અસંતુલિત કરે છે ત્યારે ડિપ્રેશન સાથે હતાશા અનુભવાય છે અને અસંતુલન વધવાથી માણસ આત્મહત્યા કરવા પ્રેરાય છે. જેમ કોઈ ગંભીર બીમારીમાં દવા અથવા સારવારના અભાવથી આકસ્મિક રીતે મૃત્યુ થાય છે એમ ડિપ્રેશન સાથે જો હતાશા અનુભવાય, આવેગની વૃત્તિ હોય, બહારનાં પરિબળોથી ઉત્તેજિત થઈને આંતરિક પ્રેરણાશક્તિ અથવા ભાવનાત્મક પ્રકૃતિ નબળી થઈ જતી હોય ત્યારે એક વ્યક્તિ પોતાના જીવનને કોઈ પણ પ્રકારે ટૂંકાવવાનો પ્રયત્ન કરે છે, ડિપ્રેશન આજના સમયમાં ખૂબ સામાન્ય માનસિક સ્થિતિ છે. આત્મહત્યાની વૃત્તિ વારસાગત હોય છે એવું મેં અનુભવોથી તારવ્યું છે, પણ ઇલાજ થતાં લોકોને બચાવી શકાય છે.’

આ પણ વાંચો: આર્થિક મંદીનું અલાર્મ

કેટલાક કિસ્સાઓ

દરદીઓ સાથેના પોતાના અનુભવો પરથી એક મનોઋગ્ણનું ઉદાહરણ આપતાં ડૉ. અંજલિ કહે છે, ‘મારી પાસે આવનારા ૬૭ વર્ષના એક ભાઈ તેમની પત્ની ગુજરી જવાથી એકલતા અનુભવવા લાગ્યા હતા. તેમને માથામાં ભારે દુખાવો થતો અને એથી તેમની ચિકિત્સા પરથી મને સમજાયું કે તેઓને ઍન્ટિ ડિપ્રેશન્ટ દવાઓની જરૂર હતી. ઇલાજથી તેમને સારું થવા લાગ્યું. એક દિવસ તેઓ બીજા ડૉક્ટર પાસે ગયા અને પોતાની વાત કહી. તે ડૉક્ટરે કહ્યું કે તમને દવાની જરૂર નથી, પણ હરવાફરવાની આવશ્યકતા વધારે છે એથી આ બધું છોડી મિત્રો સાથે ફરવા જાઓ. તે ફરવા ગયા ત્યાં સુધી તેમને સારું લાગ્યું અને પછી આવીને ફરી ડિપ્રેશનમાં એટલા ઊંડા ઊતરી ગયા કે પોતાનું જીવન ખતમ કરવા અચાનક એક રાત્રે ઊંઘની ગોળીઓ બમણી માત્રામાં લઈ લીધી અને હાલમાં તેઓ જીવન અને મૃત્યુ બન્નેની વચ્ચેની પરિસ્થિતિમાં હૉસ્પિટલમાં છે. તેમના કેસથી એક વાત સમજવી જોઈએ કે ડિપ્રેશન એ એક માનસિક બીમારી છે અને જ્યારે એ ખૂબ વધી જાય છે તો એક સાઇકિયાટ્રિસ્ટ ફક્ત દરદીનું કાઉન્સેલિંગ નથી કરતો સાથે-સાથે તેમને દવાઓ પણ આપે છે જે લાંબા સમય માટે નથી હોતી, પણ એ બીમારીને દૂર કરવા અને દરદી ફરીથી ખુશ અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવી શકે એ માટે અત્યંત જરૂરી હોય છે. જો એ સમયમાં તબીબી સારવાર કે દવા ન આપવામાં આવે તો દરદી આત્મહત્યા તરફ પોતાની જાણ વગર ધકેલાતો જાય છે, જે મારા આ દરદી સાથે થયું.’

ડૉક્ટર અંજલિએ આવા ઘણા બધા દરદીઓને આત્મહત્યાથી પાછા સામાન્ય જિંદગી તરફ જીવવા યોગ્ય કર્યા છે. તેમણે તેમના બીજા દરદી બાર વર્ષના એક છોકરાની વાત કહી. તેના પિતા તેની મમ્મીનું હંમેશાં અપમાન કર્યા કરતા અને મા બાળકને એમ કહેતી કે બાળકને લીધે તેણે આ સંબંધમાં રહેવું પડે છે. જો તે એકલી હોત તો પતિથી અલગ થઈ જાત. તે બાળકનું ઉદાહરણ આપતાં તેઓ આગળ કહે છે, ‘એક વાર તે બાર વર્ષનો છોકરો તેના ઘરની બારી પર ઉદાસ બેઠો-બેઠો કઈક વિચાર કરી રહ્યો હતો. એવામાં તેની મમ્મી તેના રૂમમાં આવી અને પોતાના દીકરાને ૧૪મા માળના ઘરની બારીએ આમ ચૂપચાપ બેસેલો જોઈને ડરી ગઈ. એ પછી તેમણે મારી પાસે આવીને આખી ઘટના કહી. છોકરાની મમ્મીને  માનવામાં આવતું ન હતું કે આ બાળક ડિપ્રેશન તરફ ધકેલાઈ રહ્યું છે અને જો એ દિવસે તેમનું ધ્યાન ન ગયું હોત તો તે કોઈ ખોટો માર્ગ અપનાવી બેસત. મેં તેની મમ્મીને તેના રૂમની તપાસ કરવા કહ્યું અને મારો અંદાજ સાચો નીકળ્યો. તેની મમ્મીના હાથમાં તેમના દીકરાએ તેની મનોવ્યથા લખેલી ડાયરી આવી અને એમાં તેણે એવી વાતો લખી હતી જેનાથી સાબિત થઈ ગયું કે તે ખૂબ મૂંઝવણમાં હતો. મારી પાસે જ્યારે તે બાળકે ઇલાજ શરૂ કર્યો ત્યારે વાત-વાતમાં તેણે પોતાના મનની વાત કહી કે તેને તેના અસ્તિત્વને ખતમ કરવું છે અને એનાથી તેની મમ્મી તેના પપ્પાથી મુક્ત થઈ શકશે અને તેને કોઈ દુઃખ નહીં સહેવું પડે.’

સારવારનો વિચાર કરો

સામાન્ય રીતે ભારતમાં આત્મહત્યાનું પ્રમાણ વધારે હોવાનું એક કારણ એ હોઈ શકે કે આપણે ત્યાં માનસિક તણાવથી પીડાતા લોકો પોતાના મનની વ્યથા મુક્ત રીતે કોઈ સામે માંડી શકતા નથી અને જો ભૂલથી પણ કોઈ સમજદાર વ્યક્તિ આવા લોકોને કાઉન્સેલર અથવા મનોચિકિત્સક પાસે જવાનું સૂચન કરે તો તેઓ ઊંડા ડિપ્રેશનમાં સરી પડે છે, એનું કારણ અહીંના લોકોની ગેરસમજભરી એવી માનસિકતા છે કે મનના ડૉક્ટરનો ઇલાજ કરાવનાર દરેક વ્યક્તિ પાગલ હોય છે, પણ તેઓ એક વાતથી અવગત નથી કે જેમ શરીરની બીમારીનો સમયસર યોગ્ય ઇલાજ કરાવવો જરૂરી છે અને ડૉક્ટર પાસે ચેક-અપ કરાવવું જરૂરી છે એમ જ માનસિક રીતે સ્વસ્થ રહેવા, એમાં ઉદ્દભવેલા રોગનું મેડિકલ ચેક-અપ કરી એનો તબીબી ઇલાજ કરવો અત્યંત અનિવાર્ય છે.

હેલ્પલાઇનની સહાય

૧૩થી ૧૯ વર્ષ એટલે કે જેને ટીનેજર કહેવાય. આ વયજૂથનાં બાળકો માનસિક રીતે પરીક્ષાના દબાવથી, પોતાને જોઈતા ક્ષેત્રમાં પ્રવેશ મેળવવાની ચિંતાથી, તેમના ‘લવ ઍટ ફર્સ્ટ સાઇટ’વાળા હાલથી માનસિક રીતે પીડાતા હોય છે. તેમના ડિપ્રેશનને દૂર કરવા અથવા તેમની મન:સ્થિતિ સાંભળી તેમને સહાનુભૂતિ આપી તેમનું યોગ્ય રીતે ફોન પર માર્ગદર્શન આપનારી હેલ્પલાઇનનાં સંચાલક મનોહર રાંગણેકર કહે છે, ‘અમારી સંસ્થામાં હેલ્પલાઇન પર ફોન કરનારાઓનું  માર્ગદર્શન કરવા સ્વયંસેવક તરીકે અમે યુવાન છોકરા-છોકરીઓને  ટ્રેઇનિંગ આપીએ છીએ. પહેલાં થોડી મોટી ઉંમરના લોકો પણ અમે રાખતા, પણ તેમની વાત ટીનેજર કૉલરના હૃદય સુધી પહોંચતી ન હતી અને હવે યુવાન બાળકો ઘણું સારું કામ કરે છે. અમારા ત્રણ ફોન-નંબર છે અને ડિપ્રેશન અથવા સ્ટ્રેસથી પીડાતા લોકોના દર દિવસે અમને આશરે ૨૨થી ૨૫ કૉલ્સ આવે છે અને એક કૉલ ૪૦થી ૪૫ મિનિટ સુધી ચાલે છે. મારા ૨૭ વર્ષોના અનુભવ પરથી કહી શકાય કે આવાં યુવાન બાળકોને કોઈ પોતાની વાત સાંભળે એમાં રસ હોય છે. તેમનાં માતા-પિતાને ઘણી વાર સમય હોતો નથી. કોઈ વાર જનરેશન-ગૅપને કારણે પણ તેઓ તેમની વાત સમજાવી નથી શકતા. જે ઘરોમાં  માતા-પિતા થોડા ભણેલા હોય છે ત્યાં થોડો ફરક પડે છે અને તેઓ ટીનેજરની વ્યથા સમજે છે.’ 

અહીં સ્વયંસેવક તરીકે કામ કરનાર રૂપેશ જેસોતા દિવસના ૨૪ કૉલ્સ પર વાત કરે છે. પોતાનો અનુભવ માંડતાં તેઓ કહે છે, ‘ડિપ્રેશનથી પીડાતા લોકોને કોઈક એવી વ્યક્તિ જોઈએ કે જે તેને સાંભળી શકે, કોઈ પણ સલાહ આપ્યા વગર અને કોઈ પણ પૂર્વગ્રહ બાંધ્યા વિના. અમે એ જ કરીએ છીએ. તેમને નામ, ઉંમર, ક્યાં રહે છે એ કોઈ પણ પ્રશ્ન પૂછતા નથી. સલાહ નથી આપતા, ફક્ત તેનું મન શાંત થાય એ રીતે એક મિત્ર તરીકેની ભૂમિકા ભજવીએ છીએ.’

આ પણ વાંચો: તહેવાર હવે વહેવાર બની ગયા છે

વિશ્વભરમાં આવી હેલ્પલાઇન ઉપલબ્ધ છે. બી ફ્રેન્ડ્સ વર્લ્ડવાઇડ (બીઆય) દુનિયાના આત્મહત્યાનો વિચાર ધરાવનાર, તકલીફવાળા, આશાહીન લોકોને ભાવનાત્મક આધાર આપનારી હેલ્પલાઇન્સની એક વૈશ્વિક સંસ્થા છે. સમારિટન્સ, મુંબઈ અને સાથે જ જમશેદપુરની જીવન, ચેન્નઈની સ્નેહા, અમદાવાદની સાથ, કલકત્તાની લાઇફલાઇન આવી ભારતભરની તમામ હેલ્પલાઇન્સ આ સંસ્થા સાથે જોડાયેલી છે. ટૂંકમાં અહીં માનસિક તણાવ અનુભવતા લોકો પોતાના મનનો ઊભરો ઠાલવી શકે અથવા હૃદય હલકું કરી શકે છે.

જો મસ્તિષ્કની રચના સમજીએ તો શરીર માત્ર કામ કરે છે, અનુસરે છે, જેના કમાન્ડ મગજ આપે છે અને જ્યારે મગજના મેકૅનિઝમમાં કોઈ પણ ઊણપ આવે તો એની અસર શરીર પર જ નહીં, આખા વ્યક્તિત્વ પર દેખાય છે. ડિપ્રેશન પણ મગજમાંથી ઉદ્ભવતો એક ગંભીર રોગ જ છે. એનો ઇલાજ આર્થિક રીતે વાજબી અને સહજ રીતે શક્ય છે. નિષ્ણાતોના કહેવા મુજબ દરેક આત્મહત્યા કરનાર વ્યક્તિ પહેલાં માનસિક રોગથી પીડાય છે અને એનાં લક્ષણો વાણી, નકારાત્મક વલણ તથા હતાશભર્યા વર્તનથી સૂચવે છે. આવી વ્યક્તિના પરિવારજનો અથવા મિત્રોએ આ સૂચનોને ગંભીરતાથી લઈને ઇલાજ કરાવવો જોઈએ. તો આવો આજના દિવસે આવા લોકોને અથવા આવાં લક્ષણોથી પોતાને બચાવવાની શપથ લઈએ અને મૃત્યુથી જીવન તરફ વળીએ.

columnists gujarati mid-day