વાડિયા મૂવીટોન, હન્ટરવાલીથી શ્રીકૃષ્ણલીલા ભૂસ્તરશાસ્ત્રી અને ઉદ્યોગપતિ

24 August, 2019 12:46 PM IST  |  | ચલ મન મુંબઇ નગરી- દીપક મહેતા

વાડિયા મૂવીટોન, હન્ટરવાલીથી શ્રીકૃષ્ણલીલા ભૂસ્તરશાસ્ત્રી અને ઉદ્યોગપતિ

વાડિયા કુટુંબ વિશેની વાત ગયા અઠવાડિયે અધૂરી રહી હતી એ આજે આગળ વધારીએ. હન્ટરવાલી, હિન્દ કેસરી, મિસ ફ્રન્ટિયર મેલ, પંજાબ મેલ, ડાયમન્ડ ક્વીન, બમ્બઈવાલી, બચપન, શ્રી રામભક્ત હનુમાન, ધૂમકેતુ, શ્રી ગણેશ મહિમા, જંગલ કે જવાહર, ચાર દરવેશ, ખિલાડી, શ્રીકૃષ્ણલીલા, ઍડ્વેન્ચર્સ ઑફ અલાદીન... જેમને આપણી જૂની ફિલ્મોમાં રસ હશે તેમને તો તરત ખ્યાલ આવશે કે આ બધાં નામો એક જમાનામાં બહુ ગાજેલી ફિલ્મોનાં નામ છે અને સાથોસાથ કેટલાકને કદાચ સવાલ પણ થશે કે વહાણ બાંધકામના ક્ષેત્રે આખી દુનિયામાં નામ કાઢનાર ખાનદાનની વાત કરતી વખતે આ બધી ફિલ્મોનાં નામ લેવાની શી જરૂર? પણ જે લવજી વાડિયાએ અને તેમના બેટાઓએ વહાણો બાંધીને તરાવ્યાં એ જ કુટુંબના બે નબીરાઓએ આ અને આવી બીજી ફિલ્મો બનાવીને ફરતી મૂકી હતી.

જમશેદ બોમન હોમી (જે.બી.એચ.) વાડિયાનો જન્મ ૧૯૦૧ના સપ્ટેમ્બરની ૧૩ તારીખે અને તેઓ બેહસ્તનશીન થયા ૧૯૮૬ના જાન્યુઆરીની ૪ તારીખે. તેમના ભાઈનું નામ હોમી વાડિયા. તેમનો જન્મ ૧૯૧૧ના મે મહિનાની બાવીસમી તારીખે અને ૨૦૦૪ના ડિસેમ્બરની ૧૦ તારીખે તેઓ ખોદાઈજીને પ્યારા થઈ ગયા. આ બન્ને ભાઈઓએ મળીને વાડિયા મૂવીટોન નામની કંપની શરૂ કરેલી અને એના નેજા નીચે તેમણે ઘણીબધી હિન્દી ફિલ્મો બનાવી. બે ભાઈઓમાંથી જમશેદ વાડિયા ફિલ્મોનું દિગ્દર્શન કરતા, પટકથા લખતા, ફિલ્મોનું નિર્માણ કરતા. આ બન્ને ભાઈઓ જ્યારે ફિલ્મઉદ્યોગમાં દાખલ થયા ત્યારે હજી આપણે ત્યાં મૂંગી ફિલ્મનો જમાનો ચાલતો હતો. જમશેદ વાડિયાએ પહેલી ફિલ્મ ‘વસંતલીલા’ ૧૯૨૮માં બનાવી અને પછી બીજી ૧૧ મૂંગી ફિલ્મો દાદરના કોહિનૂર સ્ટુડિયોમાં બનાવીને લોકો સમક્ષ રજૂ કરી. આ ફિલ્મોને પ્રમાણમાં સારો આવકાર મળ્યો હતો.

મૂંગી ફિલ્મો પછી આપણે ત્યાં બોલપટ-ટૉકીઝનો યુગ શરૂ થયો. એટલે પોતાના નાના ભાઈની સાથે જમશેદભાઈએ ૧૯૩૩માં વાડિયા મૂવીટોન નામની કંપની શરૂ કરી અને પહેલી બોલતી ફિલ્મ તેમણે બનાવી એનું નામ ‘લાલ-એ-યમન’. એની કથા અરેબિયન નાઇટ્સ પર આધારિત હતી. આ ફિલ્મને ધાર્યા કરતાં ઘણી વધારે સફળતા મળી. ત્યારથી હિન્દી ફિલ્મોના ક્ષેત્રે વાડિયા મૂવીટોનનું નામ ગાજતું થયું અને જમશેદભાઈએ પોતાના આ કામમાં ભાઈ હોમીને, ફિલ્મના ડિસ્ટ્રિબ્યુટર મનચેરશાહ બીલીમોરિયાને અને તાતા કુટુંબના બે ભાઈઓ બરજોર અને નાદિરશાહને પણ વાડિયા મૂવીટોનમાં ભાગીદાર બનાવ્યા.

વાડિયા મૂવીટોને હિન્દી ફિલ્મ ક્ષેત્રે કેટલીક નવી બાબતો દાખલ કરી. તેમણે ઇન્ડિયન ગૅઝેટ નામની એક ફિલ્મ બનાવી જેમાં પહેલી વાર એક સ્ટન્ટ ઍક્ટ્રેસ મુખ્ય પાત્ર ભજવતી હતી. આ ઉપરાંત તેમણે હરિપુરા કૉન્ગ્રેસ વિશે પણ એક લાંબું દસ્તાવેજી ચિત્ર તૈયાર કર્યું હતું. એ જમાનાના કેટલાક શાસ્ત્રીય સંગીત અને ઉપશાસ્ત્રીય સંગીતના ગાયકોને લોકો સામે રજૂ કરવા માટે તેમણે વાડિયા મૂવીટોનનો વરાઇટી પ્રોગ્રામ તૈયાર કર્યો. એમાં પંડિત ફિરોઝ દસ્તુર, બાલ ગાંધર્વ, મલ્લિકા પુખરાજ અને પંડિત તીર્થંકર જેવા સંગીતકારોને તેમણે લોકો સમક્ષ રજૂ કર્યા. વાડિયા મૂવીટોને એક બીજી નવાઈની વાત કરી. તેમણે બનાવેલી ‘નવજવાન’ નામની ફિલ્મમાં એક પણ ગીત નહોતું. એ અગાઉ ફિલ્મો માટે ગીતો અનિવાર્ય મનાતાં હતાં. આ ઉપરાંત તેમણે ‘કોર્ટ ડૅન્સર’ નામની ફિલ્મ અંગ્રેજીમાં બનાવી હતી, પણ સાથોસાથ એનું હિન્દી અને બંગાળી રૂપાંતર પણ રજૂ કરવામાં આવ્યું હતું. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા અને આપણો દેશ સ્વતંત્ર થયો એ પછી સિંધી ભાષામાં સૌથી પહેલી ફિલ્મ ‘એકતા’ પણ વાડિયા મૂવીટોને બનાવી એટલું જ નહીં, આપણા દેશમાં જ્યારે ટેલિવિઝન દાખલ થયું ત્યારે એને માટે સૌથી પહેલી સિરિયલ પણ વાડિયા મૂવીટોને બનાવેલી જેનું નામ હતું હોટેલ તાજમહાલ.

૧૯૩૦ના દાયકામાં જમશેદ વાડિયા દેશની આઝાદી માટેની લડત સાથે નિકટતાથી સંકળાયેલા રહ્યા. પહેલાં ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના તેઓ એક અનુયાયી હતા. પછીથી તેઓ એમ. એન. રૉયની અને તેમના રૅડિકલ હ્યુમનિઝમની અસર નીચે આવ્યા. એમ. એન. રૉય સાથેની મૈત્રીને કારણે વાડિયા દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પરિવર્તન કરવાના આગ્રહી બન્યા. નારીમુક્તિ, અંધશ્રદ્ધા નિર્મૂલન, જ્ઞાતિવાદનો વિરોધ અને દેશના એકેએક નાગરિકને માટે શિક્ષણની અનિવાર્યતા જેવી બાબતોને તેમણે પોતાની ફિલ્મોમાં વણી લેવાનું શરૂ કર્યું. તેમની આવી કેટલીક ફિલ્મો એટલે રાજનર્તકી, વિશ્વાસ, બાલમ, મદહોશ, મેલા, આંખ કી શરમ, મંથન અને અમર રાજ. પણ તેમની ફિલ્મ કારકિર્દીમાં મોટો પલટો આવ્યો એ તો ડાયમન્ડ ક્વીન નામની ફિલ્મથી. એમાં મુખ્ય પાત્રરૂપે ફિયરલેસ નાદિયાએ કામ કર્યું હતું અને એ ફિલ્મ દ્વારા દેશમાં સમૂળી ક્રાંતિ લાવવાની અને ભ્રષ્ટાચારને દૂર કરવાની હિમાયત વાડિયાએ કરી હતી અને સાથોસાથ ફિયરલેસ નાદિયાના પ્રેક્ષકોના શ્વાસ થંભાવી દે એવા સ્ટન્ટ પણ એ ફિલ્મમાં તેમણે બતાવ્યા હતા.

જમશેદ વાડિયાએ એમ. એ. અને એલ.એલ.બીની ડિગ્રી મેળવી હતી અને ફારસી, ગુજરાતી અને ઉર્દૂ જેવી ભાષાઓ પર તેઓ સારુંએવું પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત કાયદાના ક્ષેત્રે કરી, પણ થોડા વખતમાં જ તેમને સમજાયું કે તેમના રસનું ક્ષેત્ર આ નથી પણ સિનેમા છે. કુટુંબનો આવો ભણેલો-ગણેલો છોકરો વકીલાત કરવાને બદલે ફિલ્મલાઇનમાં પડે એ તેમના કુટુંબીજનોને જરાય ગમ્યું નહોતું અને એટલે તેમણે જમશેદ અને તેમના ભાઈ હોમી બન્નેનો શરૂઆતમાં વિરોધ કર્યો હતો, પણ જેમ-જેમ તેમની ફિલ્મોને સફળતા મળતી ગઈ તેમ-તેમ કુટુંબનો વિરોધ ઓછો થતો ગયો.

પણ થોડા જ વખતમાં જમશેદ અને હોમીનો વિરોધ કરવા માટે તેમના કુટુંબીજનોને એક બીજું કારણ મળી ગયું. પોતાની ફિલ્મોમાં સ્ટન્ટ ઍક્ટ્રેસ તરીકે કામ કરવા માટે જમશેદજીએ મૅરી ઍન નામની અભિનેત્રીને શોધી કાઢી અને તેની પાસે પોતાની ફિલ્મોમાં દિલધડક સ્ટન્ટ કરાવ્યા. પણ તેને જોઈને નાના ભાઈ હોમીનું દિલ કોઈ જુદી જ રીતે ધડકવા લાગ્યું. તેઓ મૅરી ઍન ઇવાન્સના પ્રેમમાં પડ્યા અને છેવટે તેને પરણ્યા. જમશેજીએ આ પ્રેમ પ્રકરણમાં સતત તેમનો સાથ આપ્યો અને ધીમે-ધીમે કુટુંબીજનોને સમજાવ્યા, પણ આ બન્ને ભાઈઓનાં મા ધનમાઈ છેવટ સુધી આ વાત માનવા તૈયાર થયાં નહોતાં એટલે તેમની હયાતીમાં હોમીએ લગ્ન કર્યાં નહીં. માતાના અવસાન પછી છેક ૧૯૬૧માં પ્રમાણમાં મોટી ઉંમરે હોમી અને મૅરીએ લગ્ન કર્યાં. હોમી વાડિયાનાં પત્ની ફિયરલેસ નાદિયા મૂળ ઑસ્ટ્રેલિયાનાં હતાં અને તેમનું નામ હતું મૅરી ઍન ઇવાન્સ. તેમનો જન્મ ૧૯૦૮ના જાન્યુઆરીની ૮ તારીખે અને અવસાન ૧૯૯૬ના જાન્યુઆરીની ૯ તારીખે. લશ્કરમાં કામ કરતા પિતા સાથે ૧૯૧૩માં પાંચ વર્ષની ઉંમરે તેઓ હિન્દુસ્તાન આવ્યાં, પણ પહેલાં વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૧૫માં તેમના પિતા જર્મન સૈનિકોને હાથે મરાયા. આથી કુટુંબ પેશાવર ગયું. ત્યાં તેઓ ઘોડેસવારી, શિકાર, મચ્છીમારી અને નિશાનબાજી જેવાં જાતજાતનાં હિંમતભર્યાં કરતબ શીખ્યાં. ૧૯૨૮માં માતાની સાથે તેઓ ફરી મુંબઈ આવ્યાં અને માદામ આસ્ત્રોવા પાસે બેલે નૃત્ય શીખવા લાગ્યાં. એમ કહેવાય છે કે એક અમેરિકન જોશીએ કહ્યું હતું કે આગળ જતાં તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ થવાની છે પણ એક શરતે, તમે જે ક્ષેત્રમાં કામ કરો એ ક્ષેત્રમાં તમારા પોતાના નામથી નહીં પણ અંગ્રેજીના N અક્ષરથી શરૂ થતા નામથી કામ કરો તો જ સફળતા મળશે. આથી તેમણે પોતાનું અસલ નામ પાછળ મૂકીને નાદિયા નામ અંગીકાર કર્યું. તેમણે થોડો વખત નાટકોમાં અને સર્કસમાં પણ કામ કર્યું, પણ પછી જમશેદ વાડિયાની નજરે તેઓ ચડ્યાં અને ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી. નાદિયાએ સર્કસમાં કામ કરેલું એટલે જાતજાતના સ્ટન્ટ કરવામાં તેઓ ખૂબ જ કુશળ હતાં. તેથી જમશેદ વાડિયાએ તેમને કેન્દ્રમાં રાખીને એક પછી એક ફિલ્મો બનાવી જેને એ જમાનામાં ખૂબ લોકપ્રિયતા મળી. તેમની પહેલી ફિલ્મ હન્ટરવાલી ૧૯૩૫માં રિલીઝ થઈ અને ૧૯૬૮માં રિલીઝ થઈ તેમની છેલ્લી ફિલ્મ ખિલાડી. જમશેદજી પોતે હિલ્લા પટેલ નામની પારસી યુવતીને પરણ્યા હતા. તેમને બે બાળકો થયાં, દીકરો વિન્સી અને દીકરી હૈદી. તેમાંથી વિન્સી વાડિયાએ નર્ગિસ ખંભાતા સાથે લગ્ન કર્યાં. આ નર્ગિસ ખંભાતાએ ઇન્ટરપબ્લિસિટી અથવા ઇન્ટરપબ નામની ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી શરૂ કરી. માત્ર ભારતમાં જ નહીં, આખા એશિયા ખંડમાં આવી એજન્સી શરૂ કરનાર તેઓ પહેલાં મહિલા હતાં.

જમશેદજીના નાનાભાઈ હોમી વાડિયા સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી કૉલેજમાં દાખલ થયા, પણ ફક્ત એક દિવસ માટે જ; કારણ કે તેમણે નક્કી કરી લીધું કે આ ભણવા-બણવાનું કામ આપણું નહીં. આપણે તો ફિલમ બનાવવાનું કામ જ કરવાનું. અને એટલે તેઓ મોટા ભાઈની સાથે તેમના કામમાં જોડાઈ ગયા. હોમીભાઈએ બનાવેલી છેલ્લી ફિલ્મ રાજનર્તકી ૧૯૪૧માં રજૂ થઈ હતી. ત્યાર બાદ ૧૯૪૨માં તેમનો વાડિયા મૂવીટોનનો સ્ટુડિયો વી. શાન્તારામે ખરીદી લીધો અને એ જગ્યાએ રાજકમલ કલામંદિરની સ્થાપના કરી. એ પછી હોમી વાડિયાએ પોતાની નવી કંપની શરૂ કરી. એનું નામ બસંત પિક્ચર્સ રાખ્યું. ૧૯૪૭માં તેમણે બસંત સ્ટુડિયોની સ્થાપના કરી. ૧૯૮૧ સુધી આ સ્ટુડિયો કામ કરતો હતો. હોમીભાઈએ ફિલ્મો ઉપરાંત નાટકોમાં પણ કામ કર્યું. તેમની નાદિયા સાથેની ફિલ્મો હન્ટરવાલી, મિસ ફ્રન્ટિયર મેલ, હાતિમ તાઈ વગેરેને કારણે હોમીભાઈનું નામ ગાજતું થયું, પણ ૧૯૮૧માં યુનિયન લીડર દત્તા સામંત સાથે તેમને ઝઘડો થયો અને એમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો ન જણાતાં તેમણે સ્ટુડિયો વેચી દીધો અને ફિલ્મ ક્ષેત્રમાંથી સંન્યાસ લઈ લીધો.

વાડિયા કુટુંબનું એક મોટું ઔદ્યોગિક સાહસ એ બૉમ્બે ડાઇંગ. એની સ્થાપના ૧૮૭૯માં થઈ હતી. એનું વડું મથક મુંબઈમાં આવેલું છે અને દેશના કાપડ ઉદ્યોગમાં આ ગ્રુપ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હાલમાં નસલી વાડિયા એના ચૅરમૅન છે. વાડિયા ઉદ્યોગ સમૂહમાં બૉમ્બે ડાઇંગ ઉપરાંત ગો ઍર, બૉમ્બે બર્મા ટ્રેડિંગ કૉર્પોરેશન લિમિટેડ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વગેરે કંપનીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે ખાસ

આ ઉપરાંત વાડિયા ખાનદાનના ઘણા નબીરાઓએ જુદાં-જુદાં ક્ષેત્રોમાં આગળ પડતું કામ કર્યું છે. તેમાંથી કેટલાંકનાં નામ અને કામ જોઈએ. દારાશાહ નોશેરવાન વાડિયાનો જન્મ ૧૮૮૩ના ઑક્ટોબરની ૨૫ તારીખે અને તેમનું અવસાન ૧૯૬૯ના જૂનની ૧૫ તારીખે. આપણા દેશના શરૂઆતના જિયોલૉજિસ્ટ (ભૂસ્તરશાસ્ત્રી)માંના તેઓ એક હતા અને તેમણે સર્વે ઓફ ઇન્ડિયામાં હિમાલયના અભ્યાસ બાબતે મહત્ત્વની કામગીરી બજાવી હતી. ૧૯૫૮માં ભારત સરકાર તરફથી તેમને પદ્મભૂષણનું સન્માન મળ્યું હતું. આપણા ટપાલ ખાતાએ ૧૯૮૪માં તેમના માનમાં ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. નેવિલ વાડિયાએ વેપારઉદ્યોગના ક્ષેત્રે નામના મેળવી હતી અને ઘણાં વર્ષો સુધી તેઓ બૉમ્બે ડાઇંગના ચૅરમૅન રહ્યા હતા, પણ તેમનું નામ લોકોની જીભે ચડ્યું એ તેમનાં લગ્નને કારણે. પછીથી પાકિસ્તાનના સ્થાપક બનેલા મોહંમદઅલી ઝીણાની દીકરી દીના સાથે ૧૯૩૮માં તેમણે લગ્ન કર્યાં. નેવિલ હતા પારસી અને પત્ની હતાં મુસ્લિમ. એથી એ જમાનામાં સારોએવો ઊહાપોહ થયો હતો. જોકે તેમનું આ લગ્ન બહુ લાંબું ટક્યું નહીં. ૧૯૪૩માં તેમણે છૂટાછેડા લીધા. તેમને બે સંતાનો, નસલી વાડિયા અને ડાયના વાડિયા. તેમાંથી પિતાના અવસાન પછી નસલી વાડિયા બૉમ્બે ડાઇંગના ચૅરમૅન બન્યા.

હવે વાડિયા ખાનદાનની વિદાય લેતાં પહેલાં એક ખાસ વાત: વાડિયા ભાઈઓએ વાડિયા મૂવીટોન નામની કંપની અને સ્ટુડિયો શરૂ કર્યાં અને એને માટે લોગો પણ બનાવ્યો, પણ આ લોગોમાંનું ચિત્ર ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલું નહોતું, પણ એ લોગોમાં એક વહાણ મૂકવામાં આવ્યું હતું અને એ રીતે વાડિયા ખાનદાનના આદિ પુરુષ લવજી નસરવાનજી વાડિયા પ્રત્યેનું ઋણ અદા કર્યું હતું. પારસી વાડિયા ભાઈઓએ કેટલીક હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મો પણ બનાવી હતી. એમાંની એક શ્રીકૃષ્ણલીલા (૧૯૭૧). આજે દહિ કાલાના તહેવારના દિવસે એ ફિલ્મના એક ગીતની થોડી પંક્તિઓ:
સત્યમ્ શિવમ્ સુન્દરમ્
અનુપમ, અમર કૃષ્ણલીલા
મનોહર મધુર કૃષ્ણલીલા
કે જય જય સીરી કૃષ્ણલીલા

columnists gujarati mid-day