Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે ખાસ

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે ખાસ

24 August, 2019 12:09 PM IST |
સેટર ડે સ્પેશિયલ- દીપક મહેતા

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે ખાસ

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે ખાસ


આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ. એટલે કે દુનિયાના કુલ ૧૯૦ દેશોમાંથી ૧૨૯ દેશોમાં વસતા લોકોની ભાષાનો દિવસ. આપણા દેશની બીજી કોઈ ભાષા બોલનાર લોકો આટલી મોટી સંખ્યામાં આટલા બધા દેશોમાં વસતા નથી. અને છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે ત્યાં વારંવાર બૂમો સંભાળવા મળે છે કે ‘ગુજરાતી ભાષા મરવા પડી છે.’ પણ ૧૨૯ દેશોમાં બોલાતી ગુજરાતી ભાષા મરવા કઈ રીતે પડી હોય? લગભગ છ કરોડ લોકોની માતૃભાષા હોય એ ભાષા મરવા કઈ રીતે પડી હોય? ખાનપાન, પહેરવેશ, રીતરિવાજ, ધર્મભાવના વગેરેમાં પરદેશમાં પણ પોતાપણું જાળવી રાખવા માટે આગ્રહી હોય એવી પ્રજાની ભાષા મરવા કઈ રીતે પડી હોય? ના. ગુજરાતી ભાષા મરવા પડી નથી, મરવા પડી શકે તેમ નથી.

પણ એનો અર્થ એવો નથી કે ગુજરાતી ભાષાની સ્થિતિ રાતી રાયણ જેવી છે. હા, જેનો ઇલાજ કરવો પડે એવી માંદગી તો છે. રોજેરોજના વ્યવહારમાંથી બોલાતી ગુજરાતી ભાષાની બાદબાકી થઈ નથી, થવાની નથી. પણ જે માંદગી છે એ લખાતી, છપાતી અને વંચાતી ગુજરાતી ભાષાની છે. આજે આપણી પ્રજાનો એક ઘણો મોટો વર્ગ એવો છે જે ગુજરાતી બોલે અને સમજે છે ખરો, પણ લખવા-વાંચવામાં એનો ઉપયોગ ઓછામાં ઓછો કરે છે. અને આ પરિસ્થિતિ માટે માત્ર અંગ્રેજી માધ્યમના શિક્ષણને માથે દોષનો ટોપલો ઓઢાડી દેવાથી કામ નહીં સરે. હા, અંગ્રેજી માધ્યમમાં ભણતા ગુજરાતીઓની સંખ્યા વધતી જાય છે, પણ એ મુંબઈમાં અને ગુજરાતનાં થોડાં મોટાં શહેરોમાં. એ સિવાયનાં સંખ્યાબંધ ગામોમાં, ગામડાંઓમાં તો હજી ગુજરાતી માધ્યમ જ મુખ્ય અને મહત્ત્વનું છે. અને શહેરોમાં કે બીજે જે વાલીઓ પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મોકલતા હોય તેમને પણ ગાળો દેવાથી કશો અર્થ સરવાનો નથી, કારણ કે ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે; વ્યવહારુ પ્રજા છે. એટલે જેમાં લાભ થશે એમ લાગતું હોય એ કામ પહેલું કરશે. અંગ્રેજી માધ્યમમાં ભણવાથી નોકરી-ધંધામાં ખરેખર લાભ થાય છે કે નહીં એ ચર્ચાનો વિષય હોઈ શકે, પણ અંગ્રેજીમાં જેને ‘પર્સેપ્શન’ કહે છે એ તો એવું છે કે લાભ થાય છે. અને જ્યાં લાભ દેખાય ત્યાં ગુજરાતી ન જાય એવું બને નહીં. સિગારેટ કે દારૂ હાન‌િકારક હોવા છતાં એને વિશેના એક યા બીજા પર્સેપ્શનને કારણે લોકો એનું સેવન કરે છે. એવી જ રીતે અંગ્રેજી માધ્યમનું પણ સેવન કરે છે. એટલે ઘણી મોટી સંખ્યાના લોકો આજે લખાતી-વંચાતી ગુજરાતી ભાષાથી દૂર થતા જાય છે.



જે લોકો દૂર ગયા છે તેમને પાછા નજીક લાવવા માટે શું કશું જ થઈ શકે તેમ નથી? આપણામાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય. પણ આ માટે પહેલ કરવી પડે ગુજરાતી ભાષા લખનાર અને છાપનાર લોકોએ. સંસ્કૃતની એક ઉક્તિ કહે છે કે જેવો ભાષક તેવી ભાષા, જેવો બોલનાર તેવી બોલી. એટલે પહેલી વાત તો એ કે લખાતી-છપાતી ગુજરાતી ભાષા તેના બોલનારને પોતીકી લાગે એવી હોવી જોઈએ. એટલે કે બોલાતી ભાષા અને લખાતી ભાષા વચ્ચે બહુ મોટું અંતર હોવું ન જોઈએ. એક દાખલો: રોજિંદી બોલચાલમાં આપણે છાપું શબ્દ જ વાપરીએ છીએ, વર્તમાનપત્ર કે અખબાર શબ્દ નહીં. કોઈ પણ ગુજરાતી ઘરમાં ‘આજે છાપાં મોડાં આવ્યાં’ એમ જ બોલશે. વર્તમાનપત્ર કે અખબાર મોડું આવ્યું એમ નહીં બોલે. પણ આપણા ઘણા ભણેશરીઓ લખતી વખતે સંસ્કૃત શબ્દો વાપરવાનો આગ્રહ હજી રાખે છે. રોજિંદા વ્યવહારમાં પણ વપરાતા અંગ્રેજી શબ્દોની આભડછેટ પાળે છે. આજની તારીખે પણ આપણા એક પ્રતિષ્ઠિત લેખક ‘સીડી રોમ’ને બદલે બોલવા-લખવામાં ‘ઘનાંકિતા’ જેવો કૃત્રિમ, ઉપજાવી કાઢેલો સંસ્કૃત શબ્દ વાપરવાનો આગ્રહ રાખે છે. પણ અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાના જે શબ્દો આપણા લોકોએ તેમના રોજિંદા વ્યવહારમાં અપનાવ્યા છે એનાથી લખાતી ભાષા કેટલો વખત દૂર રહી શકશે? અંગ્રેજી ભાષા દિવસે-દિવસે વધુ સમૃદ્ધ, વધુ પ્રચલિત થતી જાય છે એનું એક કારણ એ છે કે દર વર્ષે જુદી-જુદી અનેક ભાષાના શબ્દોને તે અપનાવતી રહે છે. ઑક્સફર્ડ અને વેબસ્ટર જેવી પ્રતિષ્ઠિત ડિક્શનરીઓ આવા શબ્દોની યાદીઓ બહાર પાડે છે અને એમાં ગુજરાતી સહિતની ભારતની ભાષાઓના શબ્દો પણ હોય છે જ. આજે હવે કિન્ગ્સ કે ક્વીન્સ ઇંગ્લિશનો આગ્રહ ભાગ્યે જ કોઈ રાખે છે. ઑક્સફર્ડ ડિક્શનરી ઊથલાવતાં આજે એમાં દાદાગીરી, બાપુ, સૂર્ય નમસ્કાર, ગુલાબ જાંબુ, ચમચા, નાટક, ચૂપ જેવા ભારતીય ભાષાઓના અનેક શબ્દો જોવા મળશે. પણ આપણા કેટલાક કહેવાતા ભાષાભક્તો અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાથી દૂર રહેવાનું જ પસંદ કરે છે (અલબત્ત, તેમનાં પોતાનાં સંતાનો ઇંગ્લૅન્ડ-અમેરિકામાં ભણતાં હોય છે). પણ જો લખાતી-છપાતી ગુજરાતી ભાષાને લોકો સુધી લઈ જવી હોય તો આવું બાપના કૂવામાં ડૂબી મરવાનું વલણ બદલવું પડશે.


ગુજરાતી ભાષામાં લેખન કરવાથી આજે ઘણા ડૉક્ટર, વકીલ, વૈજ્ઞાનિક અને અન્ય વ્યવસાયના લોકો દૂર રહે છે એનું એક કારણ છે એની ખૂબ જ ગૂંચવણભરી જોડણીની વ્યવસ્થા. ગુજરાતી ભાષાનો પ્રમાણભૂત જોડણીકોશ મનાય છે એ ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માં જોડણીને લગતા કુલ ૩૩ નિયમ આપ્યા છે અને લગભગ દરેક નિયમમાં પાછા અપવાદ નોંધ્યા છે! હવે તમે જ કહો, આ ૩૩ નિયમ અને એના અપવાદ કેટલાને યાદ રહે? એ યાદ રાખીને કેટલા લોકો લખી શકે? એટલે આ બાબતે નવેસરથી વિચાર કરવાની જરૂર છે. જેમ કે ૩૩ નિયમમાંનો પહેલો જ નિયમ કહે છે: ‘સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી.’ આનો સીધો સાદો અર્થ એ થયો કે તમે ગુજરાતીમાં લખો એ પહેલાં તમને સંસ્કૃત ભાષા અને એનું વ્યાકરણ આવડતાં હોવાં જોઈએ! પણ આજે કેટલા ગુજરાતીઓ એ જાણે છે? આપણે જેને ‘જોડણી’ કહીએ છીએ એને મરાઠીમાં ‘શુદ્ધ લેખન’ કહે છે. મરાઠી શુદ્ધ લેખનના નિયમોમાં આ બાબતે ઘણી સરળતા જોવા મળે છે. ઘણાખરા સંસ્કૃત શબ્દોને પણ મરાઠી ‘શુદ્ધ લેખન’ના નિયમો લાગુ પડે છે. જેમ કે મરાઠીમાં ‘કવી’, ‘રવી’ એમ જ લખાય છે, ‘કવિ’, ‘રવિ’ નહીં. કારણ કે મરાઠી શુદ્ધ લેખનનો એક નિયમ છે કે શબ્દને અંતે આવતો ઈકાર હ્રસ્વ નહીં, પણ દીર્ઘ જ લખવો. અને કવિ કે રવિમાં દીર્ઘ ઈ લખાય છે તેથી મરાઠી કવિઓ નથી મરવા પડ્યા કે નથી રવિ (સૂરજ) મરાઠીભાષીઓ પર રોષે ભરાતો. ગુજરાતીમાં પણ આપણે અંગ્રેજી કે બીજી ભાષાના શબ્દો લખતી વખતે આપણી રીતે જ એ શબ્દો લખીએ છીએ. જેમ કે કોઈ અંગ્રેજ બચ્ચો ‘ટિકિટ’ કે ‘પ્લમ્બર’ બોલતો નથી. એનો અંગ્રેજી ઉચ્ચાર ‘ટિકેટ’ અને ‘પ્લમર’ થાય છે. પણ આપણે આ શબ્દો એ રીતે લખતા નથી. ગુજરાતીમાં જે રીતે બોલાય છે એ રીતે જ લખીએ છીએ. તો પછી સંસ્કૃત શબ્દોની જોડણી સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે કરવી એવો દુરાગ્રહ શા માટે? દરેક ગુજરાતીને સંસ્કૃત તો આવડવું જ જોઈએ એમ આપણે માનીએ છીએ? દાદી પાસેથી વારસામાં મળેલાં સોનાનાં ઘરેણાં આપણે વેચી ન નાખીએ; પણ આપણી જરૂરિયાત પ્રમાણે, જમાનાની માગ પ્રમાણે, એના ઘાટઘૂટ તો બદલી જ શકીએને?

પણ ના. કારણ? ૧૯૨૯માં ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ ત્યારથી આજ સુધી એના પહેલા પાને ગાંધીજીનું એક વાક્ય છપાતું આવ્યું છે: ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.’ કમનસીબે આ વાક્યનો અર્થ આપણે એવો કર્યો છે કે આ કોશમાં જે નિયમો છાપ્યા છે, જે જોડણી આપી છે એ જ સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી જેમનાં તેમ રાખવાનાં છે. એમાં કશો ફેરફાર, સુધારો, વધારો, ઘટાડો કરાય નહીં. પણ હકીકતમાં અહીં ગાંધીજી અરાજકતાનો વિરોધ કરે છે, સ્વેચ્છાચારનો વિરોધ કરે છે, દરેક જણ મનમાની રીતે લખે એનો વિરોધ કરે છે. ભાષામાં સહજ અને સ્વાભાવિક રીતે આવતા પરિવર્તનનો વિરોધ કરતા નથી. ગાંધીજી જેવો ડાયનૅમિક માણસ કદી પરિવર્તનનો વિરોધ કરે ખરો? બીજો કોઈ ઉપાય નથી એવી ખાતરી થતાં જેણે દેશના ભાગલા પણ સ્વીકાર્યા, એ માણસ ભાષા અને જોડણીમાં ક્યારેય કશું બદલી શકાય જ નહીં એવું કહે? ના. ગાંધીજીની માતૃભાષા ગુજરાતી વધુ સરળ બનશે, વધુ લોકો એને લખતાં, વાંચતાં, બોલતાં, સમજતાં થશે તો ગાંધીજીને તો આનંદ જ થશે. ગાંધીજીને આનંદ થાય એવું આપણે કરીશું? ક્યારે? એવું કરવાનો નિર્ધાર કરવા માટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કરતાં વધુ રૂડો દિવસ બીજો કયો હોઈ શકે?


મને કહો તો ખરા, સાહિત્ય શું વરસાદની માફક ઉપર આકાશમાંથી ટપકે છે? એ આ ભૂમિનું, અહીં જીવતા સમાજનું ફરજંદ નથી? સુંદર ગુલાબનું ફૂલ જોઇને મન આનંદથી લહેરાય પણ એ ફૂલ જેનું સર્વોત્કૃષ્ટ નજરાણું છે તે છોડ તંદુરસ્ત હોય, એનાં મૂળ જે માટીમાં વિસ્તર્યાં હોય તે માટી સ્વચ્છ અને કસદાર હોય એ શું જરૂરી નથી? હોમર, શેકસપિયર, કાલિદાસ, ભાસ, ભવભૂતિ અને બાણની વાતો કરીને જ સંતોષ માનીશું કે એથીયે સવાયા સર્જકો અને લેખકો આ ગુજરાતમાં જન્મે અને એમને જાળવતાં આપણને આવડે એવી ઈચ્છા કરીશું? શા માટે આપણે ત્યાં એવા મહાન વિદ્વાનો અને લેખકો ન હોય કે જેમનું સાહિત્ય પામવા જગતના લોકોને ગુજરાતી શીખવાનું મન થાય? લડાયક બનવાનું હું નથી કહેતી. જૂઠી આત્મપ્રશંસામાં રાચવાનુંયે નથી કહેતી. પણ એટલું તો જરૂર કહીશ કે હવે હીનતાગ્રંથીથી છૂટો. તમે ગુજરાતી છો અને ગુજરાતી હોવાનું ગૌરવ તમને હોવું જોઈએ. તમારાં બાળકોને તમારે એ વારસામાં આપવું જોઈએ. ભાષા આપણા ઇતિહાસનું, આપણા સંસ્કારનું, અને આપણાપણાના ભાવનું વાહન છે. એક તરફ માતૃભાષાના વિકાસની અને એના સાહિત્યની ઉચ્ચ કક્ષાની જાળવણી કરીએ, અને બીજી તરફ એના ગૌરવની પુન:પ્રતિષ્ઠા કરીએ એ બહુ જરૂરી છે, અને એમાં હરકોઈ પોતાનો ફાળો આપી જ શકે.
ધીરુબહેન પટેલ

ઉમાશંકર જોશીના હસ્તાક્ષરમાં તેમનું કાવ્ય ‘ગુર્જરી ગિરા

ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો સંસ્કૃતમાં છે તેવા જ, કેટલાક સંસ્કૃત શબ્દના અપભ્રંશ, કેટલાક ખરેખર શુદ્ધ ગુજરાતી, કેટલાક હિન્દુસ્તાની, કેટલાક ઊર્દુ, કેટલાક ફારસી ને કેટલાક અંગ્રેજી, એ રીતે વપરાય છે. તેમાં ઘણો જથ્થો અપભ્રંશનો છે. મૂળ ગુજરાતી તો જૂજ નીકળશે. ભાષા પછી નિયમ ને ધોરણ, કે નિયમ-ધોરણ પછી ભાષા? બહેતર એ છે કે પહેલાં એ નક્કી કરવું કે લોકોનું વલણ અપભ્રંશ, શુદ્ધ ગુજરાતી શબ્દ તરફ છે કે સંસ્કૃત શબ્દ તરફ છે? અમારો વિચાર એવો છે કે, જે શબ્દથી પૂર્ણ ને ખરેખરો આબેહૂબ અર્થ સમજાય તેવા રસિક અને જોર આપનારા શબ્દ વાપરવા. પછી તે ગુજરાતી હોય, સંસ્કૃત હોય, ફારસી હોય, કે અંગ્રેજી હોય.
- વીર કવિ નર્મદ

ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યાસી, ગુજરાતી વ્યાકરણ અને બીજાં કેટલાંક પુસ્તકોના લેખક, ખ્રિસ્તી મિશનરી 

મારા ભાઈ, જરા ધીરજ ખમો, પરભાષાના સંપાદનના શ્રમ કરતાં સ્વભાષામાં પ્રવીણતા મેળવવાનો આયાસ અધિક છે. પશુની બુદ્ધિ વધતી નથી, પણ માણસની અભ્યાસે કરી વધે છે. ભાષા, કે બીજું કંઈ પણ આપણું હોય, તેમાં આપણે મનોયત્નથી પરિશ્રમ કરવો; ત્યારે જ તે દીપે. જોઈએ તે મનોયત્ન કર્યા પૂર્વે, ગુજરાતી કાચી દેખાય, પણ પછી ખરી પાકી જણાશે. યત્નકારી અધૂરો તો તેની ભાષા અધૂરી; પણ જો વાપરનારના યત્ન સંપૂર્ણ, તો ગુજરાતી પણ સંપૂર્ણ, હા, શણગારેલી પણ દેખાય. ગુજરાતી, આર્યકુલની, સંસ્કૃતની દીકરી, ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી, તેને કોણ કદી અધમ કહે? પ્રભુ એને આશીર્વાદ દેજો.
જોસેફ વાન સામરન ટેલર

ફરદુનજી મર્ઝબાન
૧૯મી સદીની શરૂઆતના મુદ્રક, પ્રકાશક, લેખક, ૧૮૨૨માં શરૂ થયેલ ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક તંત્રી.

 

દરેક ભાષાની ખૂબી તેની સાદાઈમાં છે. જ્યારે શબ્દો નાના નાના, સાદા અને સાધારણ લોકો સમજી શકે એવા હોય ત્યારે જ ખરેખરી ખૂબી માલુમ પડે છે અને બોલનાર અથવા લખનારના વિચારોની અસર સાંભળનાર તથા વાંચનાર ઉપર બરાબર રીતે થઇ શકે છે. પણ શબ્દો કઠણ હોવાને લીધે અથવા નહિ સાંભળ્યા હોય તેવા હોવાને લીધે જોઈએ તેવી અસર થતી નથી. સંસ્કૃત ભાષાના માહિતગારો મોટા ગજગજના અને અજાણ્યા શબ્દો વાપરી એમ ધારતા હોય કે આમ વાપરવાથી તે ગુજરાતી ભાષામાં દાખલ થઇ ગયા તો તેમાં તેમની ભૂલ છે.
ઇચ્છારામ દેસાઈ
‘ગુજરાતી’ સાપ્તાહિકના સ્થાપક તંત્રી, જાણીતા લેખક, પત્રકાર, અનુવાદક.

‘અસ્મિતા’ શબ્દ ૧૯૧૩-૧૪માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો, ત્યારથી હું એના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેનાં બે અંગ છે: ‘હું છું’ અને ‘હું, હું જ રહેવા માગું છું.’ જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ? ગુજરાતને સીમાડા નથી. ‘ગુજરાત’ એક જીવંત અને જાગ્રત વ્યક્તિ છે – જે પોતાને એક કલ્પવામાં, પોતાનું અસ્તિત્વ એક દૃઢ સંકલ્પ દ્વારા સરજવામાં જીવનસાફલ્ય સમજે છે. ‘ગુજરાત’ તો એક ભાવનાઘડી પણ જીવંત સાંસ્કારિક વ્યક્તિ છે.
- કનૈયાલાલ મુનશી

 

 

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2019 12:09 PM IST | | સેટર ડે સ્પેશિયલ- દીપક મહેતા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK