કોલેજિયમ સિસ્ટમ : સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ટકરાવ

25 December, 2022 05:26 PM IST  |  Mumbai | Raj Goswami

મૂળ મુદ્દો જજોની પસંદગી અને નિમણૂક કોણ કરે એનો છે

ફાઇલ તસવીર

ધનખડની ટીકા પછી તરત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે બંધારણની જોગવાઈ હેઠળ સુપ્રીમ કોર્ટ કોઈ પણ કાનૂનના મામલે અંતિમ મધ્યસ્થી છે અને કોલેજિયમે સૂચવેલાં તમામ નામોની નિમણૂક સરકારે કરવી જ પડશે. ત્રણ જજની બેન્ચના જસ્ટિસ એસ. કે. કૌલે તો દેશના ઍટર્ની જનરલને કહ્યું હતું કે તમે કેન્દ્રના પ્રધાનોને સલાહ આપો કે મર્યાદામાં રહીને બોલે

ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની વ્યવસ્થાના ઇતિહાસમાં, કેશવાનંદ ભારતીનો કેસ, દેશની લોકશાહીના રક્ષણ માટે ઐતિહાસિક ગણાય છે. ૧૯૭૬માં, દેશમાં કટોકટી લાગુ કરનાર ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે, બંધારણમાં (૪૨મો) સુધારો કરતું વિધેયક સંસદનાં બંને ગૃહોમાં બહુમતીથી પસાર કરાવ્યું હતું. રાજ્યસભામાં તો એનો કોઈએ વિરોધ કર્યો નહોતો, પણ લોકસભામાં શાસક કૉન્ગ્રેસના જ પાંચ બળવાખોર સભ્યોએ સુધારાઓનો વિરોધ કર્યો હતો. એ વખતે, વિરોધ પક્ષોના ૨૧ સંસદસભ્યો મિસા (મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટરનલ સિક્યૉરિટી ઍક્ટ) હેઠળ જેલમાં બંધ હતા. બંને ગૃહોએ વિધયેક પસાર કર્યું એ પછી ૧૬ રાજ્યોની વિધાનસભાઓએ પણ એને મંજૂરી આપી. એ સર્વે રાજ્યોમાં કૉન્ગ્રેસની સરકાર હતી.

આ ૪૨મો બંધારણીય સુધારો, ત્યાર પહેલાંના તમામ સુધારાઓ કરતાં બહુ ધરખમ હતો. એમાં ઘણી બધી જોગવાઈઓ રદ કરવામાં આવી હતી, ઘણી બદલવામાં આવી હતી અને અનેક નવી જોડવામાં આવી હતી. એ ફેરફારો એટલા પાયાના હતા કે ૧૯૪૯માં અમલમાં આવેલા બંધારણની આખી શકલ જ બદલી નાખી. એમાં એવી કલમો જોડવામાં આવી હતી કે અદાલતો વૈધાનિક કાયદાઓની કાનૂની સમીક્ષા કરી ન શકે અને બંધારણ રાજકીય વર્ગની કઠપૂતળી બનીને રહી જાય.

એ વખતે, કેરળમાં ઇડનીર મઠના મહંત કેશવાનંદ ભારતીએ, બંધારણના અનુચ્છેદ ૨૬ (ધાર્મિક કાર્યોના પ્રબંધનની સ્વતંત્રતા) હેઠળ કેરળ સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કેરલા સરકારે મઠની સંપત્તિઓના સંચાલનમાં અમુક નિયંત્રણો મૂક્યાં હતાં. સરકારે તેના ભૂમિ-સુધાર કાનૂન હેઠળ, મઠની ૪૦૦ એકર જમીનમાંથી ૩૦૦ એકર જમીન ખેતી કરવાવાળાઓને ભાડે-પટ્ટે આપી દીધી હતી. આ કાનૂનને અદાલતોમાં પડકારી ન શકાય એવી બંધારણીય જોગવાઈ હતી. ૧૯૬૩ના બંધારણીય સુધારામાં, કેરળ ભૂમિ સુધાર અધિનિયમ પણ હતો. મહંતે આ સુધારને જ પડકાર્યો હતો.

મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો, ત્યારે સુનાવણીમાં સવાલ એ ઊભો થયો કે શું સંસદને એ અધિકાર છે કે તે બંધારણની મૂળ પ્રસ્તાવનાને બદલી નાખે? એમાં ૭ વિરુદ્ધ ૬ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપ્યો કે બંધારણના ‘આધારભૂત માળખા’ (બેઝિક સ્ટ્રક્ચર)માં સંસદ ફેરફાર કરી ન શકે. ૭ ન્યાયાધીશોએ બહુમતીથી કહ્યું હતું કે, ‘બંધારણમાં સંશોધન કરવાની શક્તિ સંસદ પાસે છે, પરંતુ બંધારણની પ્રસ્તાવનાના આધારભૂત માળખાને બદલી ન શકાય અને કોઈ પણ સંશોધન પ્રસ્તાવનાની ભાવનાની વિરુદ્ધ જઈ ન શકે.’ પાછળથી, ‘આધારભૂત માળખા’ના આ નિર્ણયને બંધારણમાં એક સિદ્ધાંત તરીકે માન્યતા આપવામાં આવી હતી.

આ કેસમાં મહંતને તો કોઈ ફાયદો ન થયો, પણ દેશની જનતાને જરૂર થયો. એ દિવસે એ નિર્ણય થયો હતો કે બંધારણ સંસદ કરતાં પણ સર્વોપરી છે. ન્યાયિક સમીક્ષા, ધર્મનિરપેક્ષતા, તટસ્થ ચૂંટણીપ્રક્રિયા અને લોકશાહી બંધારણના આધારભૂત માળખામાં આવે છે અને એમાં ફેરફાર કરવાનો અધિકાર સંસદને પણ નથી. એ દિવસે એ પણ સ્પષ્ટ થયું હતું કે ન્યાયપાલિકા અને કાર્યપાલિકા બંને બંધારણે આપેલી શક્તિઓ અને મર્યાદાઓમાં રહીને કામ કરે છે.

તાજેતરમાં, ન્યાયપાલિકા અને કાર્યપાલિકાનો ‘સીમા-વિવાદ’ ફરી ઊભો થયો છે. ૭ ડિસેમ્બરે, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચૅરપર્સન જયદીપ ધનખડે, તેમના પહેલા ભાષણમાં સુપ્રીમ કોર્ટના ૨૦૧૫ના એ નિર્ણયની આકરી ટીકા કરી હતી, જેમાં કોર્ટે નૅશનલ જુડિશ્યલ અપૉઇન્ટમેન્ટ કમિશન (એનજેએસી) વિધેયકને રદ જાહેર કર્યું હતું. સંસદનાં બંને ગૃહોએ સર્વસંમતિથી પસાર કરેલા આ વિધેયકમાં, ન્યાયિક અપૉઇન્ટમેન્ટ કરવા માટે બનાવવામાં આવેલી કોલેજિયમ સિસ્ટમને રદ કરવાની જોગવાઈ હતી. કોર્ટની આ હરકત ‘સંસદીય સર્વોપરિતાને ગંભીર રીતે જોખમમાં મૂકે છે’ તેમ કહેતાં ધાનકરે કહ્યું હતું કે, ‘લોકશાહીના ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે એક ઉચિત બંધારણીય નુસખો ન્યાયપાલિકાએ ઊલટાવી દીધો હોય.’

એ અગાઉ, કાયદાપ્રધાન કિરણ રિજીજુએ પણ આ જ વાતનો ઉપાડો લીધો. ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરવાના સુપ્રીમ કોર્ટના કોલેજિયમને નિશાન બનાવવા માટે તેમણે ૫ કરોડ જેટલા પેન્ડિંગ કેસો અને ન્યાયાધીશોની ખાલી પડેલી જગ્યાઓનો મુદ્દો આગળ ધર્યો. તેમણે તર્ક કર્યો કે અપૉઇન્ટમેન્ટ્સની ‘નવી સિસ્ટમ’ નહીં બંને ત્યાં સુધી કેસોના ભરાવાની સમસ્યા નહીં ઊકલે. રિજીજુએ ઘા ભેગો લસરકો મારી લેતાં એમ પણ કહ્યું કે ‘કોર્ટોમાં લાંબાં વેકેશનોની’ અંગ્રેજોના જમાનાની પરંપરા પણ મુસીબતમાં ઉમેરો કરે છે. તેમણે સુપ્રીમ કોર્ટની પ્રક્રિયાની સીધી ટીકા કરતાં એમ પણ કહ્યું હતું કે તેની પાસે આટલા બધા પેન્ડિંગ કેસો હોય ત્યારે તેણે ‘જનહિતની ફાલતુ અરજીઓ અને જામીન અરજીઓની સુનાવણીમાં સમય બરબાદ કરવો ન જોઈએ.’

આ છેલ્લી ટીકાનો જવાબ તો ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે આપી પણ દીધો. વીજચોરીના કેસમાં ૧૮ વર્ષની સજા ભોગવતા એક આરોપીના કેસની સુનાવણી કરતી વખતે, ચીફ જસ્ટિસે કાનૂનપ્રધાનની ટીકાને યાદ કરીને કહ્યું હતું કે વ્યક્તિગત આઝાદી અને મૂળભૂત અધિકારો માટેના દરેક પોકારો સાંભળવા માટે જ સુપ્રીમ કોર્ટ છે. ‘કોર્ટનો મુખ્ય હેતુ જ દેશના પ્રત્યેક નાગરિકના જીવનના બંધારણીય અધિકાર અને વ્યક્તિગત આઝાદીનું રક્ષણ કરવાનો છે. આ કોર્ટનો ઇતિહાસ ગવાહ છે કે નાગરિકોની ફરિયાદોના સામાન્ય અને રૂટીન મામલાઓમાંથી જ દેશના વર્તમાન મુદ્દાઓ બહાર આવે છે. કોર્ટ માટે કોઈ મામલો નાનો કે મોટો નથી હોતો. અમે જો વ્યક્તિગત સ્વતંત્રતાના મામલે રાહત ન આપી શકતા હોઈએ, તો અમારી જરૂર જ શું છે?’ એમ તેમણે કહ્યું હતું.

વાસ્તવમાં, કોર્ટોમાં ઢગલાબંધ કેસો પેન્ડિંગ છે એનું એકમાત્ર કારણ જજોની વેકેન્સી નથી. બીજાં અનેક કારણો છે અને સરકારને એ ખબર પણ છે. દેશમાં સરકાર પોતે જ સૌથી મોટી ફરિયાદકર્તા છે અને તેણે ઢગલાબંધ નાના-નાના કેસો કોર્ટોમાં ખડકી દીધા છે. વેકેશનના મુદ્દા પર અનેક નિષ્ણાતો કહે છે કે કોર્ટોમાં મગજથી કામ થાય છે, ફૅક્ટરીઓની જેમ બાવડાં ફુલાવીને નહીં. બૌદ્ધિક કૌશલ્યની જરૂર હોય તેવા દરેક વ્યવસાયમાં નિયમથી કે સ્વેચ્છાએ રજાઓની વ્યવસ્થા છે. એમ તો સંસદ અને વિધાનસભાઓના આંકડા કાઢો તો ખબર પડે કે કોણ કેટલી રજાઓ ભોગવે છે.

મૂળ મુદ્દો એ નથી. મૂળ મુદ્દો જજોની પસંદગી અને નિમણૂક કોણ કરે તેનો છે. ધનખડની ટીકા પછી તરત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું હતું કે બંધારણની જોગવાઈ હેઠળ સુપ્રીમ કોર્ટ કોઈ પણ કાનૂનના મામલે અંતિમ મધ્યસ્થી છે અને કોલેજિયમે સૂચવેલાં તમામ નામોને નિમણૂક સરકારે કરવી જ પડશે. ત્રણ જજોની બેન્ચના જસ્ટિસ એસ. કે. કૌલે તો દેશના ઍટર્ની જનરલને કહ્યું હતું કે તમે કેન્દ્રના પ્રધાનોને સલાહ આપો કે મર્યાદામાં રહીને બોલે.

કોલેજિયમ સિસ્ટમ પ્રમાણે, ભારતના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જસ્ટિસો સરકારને જજોની નિમણૂક અને ટ્રાન્સફરની ભલામણ કરે છે. હાઈ કોર્ટમાં આ કામ ચીફ જસ્ટિસ અને બે વરિષ્ઠ જજ કરે છે. એમાં સરકારની ભૂમિકા એટલી જ છે કે તેનો ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી) કોઈ વકીલને જજ તરીકે બઢતી આપવાની હોય ત્યારે તેની ગુપ્ત તપાસ કરીને રિપોર્ટ આપે છે. કોલેજિયમ જે નામોની ભલામણ કરે તેની સામે સરકાર વાંધો ઉઠાવી શકે અથવા ખુલાસો માગી શકે, પરંતુ કોલેજિયમ ફરીથી એ જ નામની ભલામણ કરે તો સરકારે એ માન્ય રાખવું પડે.

સરકારને જજોની અપૉઇન્ટમેન્ટ્સમાં સત્તા જોઈએ છે, કારણ કે તેને લાગે છે કે કોલેજિયમ સિસ્ટમ ધૂંધળી છે અને કેવી રીતે તેના નિર્ણયો લેવાય છે તે કોઈને ખબર નથી. આ સરકાર જ નહીં, ભૂતકાળમાં બીજી સરકારોએ, વિશેષ કરીને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોએ, પણ જજોની અપૉઇન્ટમેન્ટ્સમાં પોતાની હિસ્સેદારી માગી હતી અને સુપ્રીમ કોર્ટે તેની સ્વાયત્તા બચાવવા માટે કોલેજિયમ સિસ્ટમ દ્વારા સરકારોને છેટી રાખી હતી. કાયદાપ્રધાનના તેવર જોતાં એવું લાગે છે કે સરકાર મૂક પ્રેક્ષક બની રહેવાના મૂડમાં નથી.

ગયા મહિને, સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સુપરત કરેલી હાઈ કોર્ટના જજોની નિયુક્તિની ૨૦ ફાઇલો કેન્દ્ર સરકારે માન્ય રાખી નહોતી અને તેની પર પુન: વિચાર કરવાની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટે એ વિશે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી કે સરકાર નામો મંજૂર કરવામાં વિલંબ કરીને નિમણૂકની પ્રક્રિયાને હતાશ કરી રહી છે.

દેખીતી રીતે જ, ૨૦૧૫માં સંસદે મંજૂર કરેલા નૅશનલ જુડિશ્યલ અપૉઇન્ટમેન્ટ કમિશનને સુપ્રીમ કોર્ટે મંજૂર ન રાખ્યું તેનાથી સરકાર તે વખતથી નારાજ હતી, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાસક ભારતીય જનતા પાર્ટીને જબ્બર બહુમત મળ્યો તેનાથી જોશમાં આવેલી સરકારે જૂની ચર્ચાને ફરીથી છેડી છે.

આ વિવાદમાં, એક વાત કોઈ ખૂલીને બોલતું નથી તે એ છે કે ન્યાયપાલિકા, વિરોધ પક્ષો અને સિવિલ સોસાયટીને એવો ડર છે કે વર્તમાન સરકાર જજોની નિમણૂકમાં પોતાની સત્તા એટલા માટે માગે છે જેથી ‘સરકારવિરોધી’ જજોને આઘા રાખી શકાય. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સભ્ય કપિલ સિબલ એક જગ્યાએ લખે છે કે, ‘સરકારની કાયમી ફરિયાદ છે કે કોર્ટો પ્રસંગોપાત્ત તેની લક્ષ્મણરેખા ઓળંગે છે અને તેના દાયરામાં ન આવે તેવી બાબતોમાં દખલ કરે છે. કાયદાપ્રધાન પણ એ જ કરી રહ્યા છે જેના માટે તેઓ કોર્ટને દોષિત ગણે છે. એ પણ સરકારના દાયરામાં ન આવતા મામલામાં લક્ષ્મણરેખા ઓળંગે છે.’

columnists raj goswami supreme court