અયોધ્યાના રામમંદિરમાં દલિત પૂજારી બની શકે?

12 February, 2023 06:37 PM IST  |  Mumbai | Kana Bantwa

ઍન્ટિક ચીજો વેચતી દુકાનમાં બુદ્ધની મૂર્તિ હોવી એ જરા પણ આશ્ચર્યની વાત ન કહેવાય

અયોધ્યાના રામમંદિરમાં દલિત પૂજારી બની શકે?

સનાતન હિન્દુ ધર્મના રક્ષણ માટેનું આ ખૂબ મોટું પગલું હશે. આ એક નિર્ણય લેવાય તો કેટલાંય પાપ ધોવાઈ જાય જે સામાજિક ભેદભાવને લીધે સદીઓથી થતાં આવ્યાં હતાં ત્રણ વાત વાંચો. પછી ત્રેખડની વાત કરીએ.

(૧) હમણાં ઍન્ટિક વસ્તુઓ વેચતી એક દુકાને ગયો. અગાઉ પણ ત્યાં જઈ આવ્યો છું. એ દુકાનમાં દુકાનદારના કાઉન્ટર પાછળ બુદ્ધની એક નમણી મૂર્તિ હતી. ઍન્ટિક ચીજો વેચતી દુકાનમાં બુદ્ધની મૂર્તિ હોવી એ જરા પણ આશ્ચર્યની વાત ન કહેવાય. પૂજા માટે જેટલી બુદ્ધની મૂર્તિઓ ખરીદાય છે એના કરતાં અનેકગણી સુશોભન માટે વપરાય છે. ઘરમાં બુદ્ધની મૂર્તિ શો-પીસ તરીકે રાખવાનો ટ્રેન્ડ જૂનો થતો જ નથી. દુકાનમાંની મૂર્તિ ખરેખર જૂની જ હોય એવું લાગ્યું એટલે એની કિંમત પૂછી. દુકાનદારે કહ્યું, ‘એ મૂર્તિ વેચવા માટે નથી. મારા પોતાના માટે છે. આ જ સાચા ભગવાન છે.’ મને દુકાનદારમાં આવેલા પરિવર્તનથી આશ્ચર્ય થયું. અગાઉ ક્યારેય તેણે બુદ્ધની અથવા ઈશ્વરની અથવા ધર્મની વાત કરી હોય એવું મને યાદ નહોતું. તેના કાઉન્ટર પરના પૂજાના ગોખલામાં કેટલાય ભગવાનના ફોટો અગાઉ મેં જોયા જ હતા એટલે એ ગવાક્ષ તરફ નજર કરી તો ત્યાં એક માતાજી સિવાયના ભગવાનના ફોટો ગાયબ હતા. મેં પૂછ્યું, ‘કેમ તમને બુદ્ધ જ ભગવાન લાગે છે?’ તો તેમણે જવાબ આપ્યો, ‘અગાઉ આપણો આખો દેશ બૌદ્ધ જ હતો. બુદ્ધ જ ભગવાન હતા. દેવી-દેવતા તો પછી પૂજાતાં થયાં. મેં પણ બધા ફોટો મંદિરે જઈને મૂકી દીધા છે. હવે કોઈની પૂજા નહીં.’ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો છે? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, ‘ના, હજી બૌદ્ધ થયો નથી. બાવીસ પ્રતિજ્ઞાઓ લીધી નથી, પણ સમજાઈ ગયું છે કે બુદ્ધ જ ભગવાન છે.’ એ દુકાનદાર સામાન્ય માણસ છે, કોઈ બુદ્ધિજીવી નથી. પછાત વર્ગમાંથી આવે છે અને પોતાની રીતે કમાઈને ખુમારીથી જીવે છે. તે માણસ હિન્દુ ધર્મમાં માનતો હતો, હવે તે બૌદ્ધ બની જવાના માર્ગે છે.

 (૨) ભગવાન શ્રીરામના દરબારમાં એક બ્રાહ્મણ આવ્યો અને પોતાના પુત્રના મોત બદલ રામને જવાબદાર ઠરાવ્યા. રામે વિદ્વાનોને પૂછ્યું તો જાણવા મળ્યું કે કોઈ શૂદ્ર જો તપ કરતો હોય તો જ આવું થાય. ત્રેતાયુગમાં માત્ર ક્ષત્રિયો અને બ્રાહ્મણોને જ તપસ્યાનો અધિકાર છે. ભગવાન શ્રીરામ તરત જ ધનુષ્ય હાથમાં લઈને કોઈ શૂદ્ર જો તપ કરતો હોય તો તેને શોધવા માટે નીકળી પડ્યા. ગાઢ જંગલમાં એક જગ્યાએ શમ્બુક નામના એક શૂદ્ર તેમની નજરે ચડ્યા. શમ્બુક ઝાડ પર ઊંધા લટકીને, જમીન પર અગ્નિ પેટાવીને માત્ર ધુમાડાનું પાન કરીને કઠિન તપાસ્યા કરી રહ્યા હતા. ભગવાન શ્રીરામે તરત જ તલવાર કાઢીને શમ્બુકનું માથું ધડથી અલગ કરી નાખ્યું. એ સમયની વ્યવસ્થા મુજબ શૂદ્ર તપ કરી શકે નહીં એવો નિયમ હતો અને શ્રીરામ નિયમ મુજબ જ ચાલનાર મર્યાદાપુરુષોત્તમ હતા. મર્યાદા પ્રમાણે ચાલવાનો અર્થ જ થાય છે નિયમ મુજબ જ ચાલવું.

 (૩) હમણાં એક ઊડતા સમાચાર આવ્યા જેની સત્યતાની કોઈ ખાતરી નથી. અફવા હોય તો પણ ગમે એવા ધ્યાનમાં લેવા પડે એવા એ સમાચાર છે. અયોધ્યામાં બની રહેલા રામમંદિરના પૂજારી અને રસોઇયાઓ તરીકે દલિતની નિમણૂક કરવાની વિચારણા થઈ રહી છે.

આ ત્રણ બાબતોમાંથી બે તો એકબીજા સાથે સંલગ્ન છે, પણ બુદ્ધની મૂર્તિની વાત ક્યાં ફિટ બેસે છે?

ફિટ બેસે છે, ખૂબ જ ફિટ બેસે છે, ગંભીરતાથી વિચારવી પડે એટલી ​ફિટ બેસે છે. સમજીએ શું છે મહત્ત્વ અને શું છે ગંભીર મુદ્દો.

આ પણ વાંચો: ચમત્કાર માણસને કેમ આકર્ષે છે?

 સનાતન હિન્દુ ધર્મને બચાવવાના નામે નીકળી પડતા ઊછળકૂદિયાઓ ધીરેન્દ્ર શાસ્ત્રી જેવાઓના સમર્થનમાં માત્ર સનાતન હિન્દુ ધર્મના નામે જ ઊભા થઈ જાય છે. કોઈ લેભાગુ પણ કહે કે સનાતન હિન્દુ ધર્મ ખતરામાં છે તો તેઓ તરત જ ઍક્શનમાં આવી જાય છે. તેઓ તપાસતા નથી કે પેલો માણસ સનાતન હિન્દુ ધર્મના નામે પોતાના રોટલા શેકી રહ્યો છે. તેઓ માત્ર હિન્દુ ધર્મ પ્રત્યેની લાગણીને કારણે કૂદી પડે છે. કેટલાક લોકોને તો ધર્મ પ્રત્યે પણ લાગણી હોતી નથી. તેમને પોતાનો સ્વાર્થ સાધવો હોય છે. આવાં ટોળાંઓ સનાતન હિન્દુ ધર્મ સામેના ખરા પડકારને જોઈ શકતાં નથી. આપણે હિન્દુઓ માનીએ છીએ કે હિન્દુ ધર્મને કોઈ હચમચાવી શકે નહીં, એને ચૅલેન્જ કરી શકે નહીં. દિલ કો બહલાને કે લિએ ખયાલ અચ્છા હૈ, પણ વાસ્તવિકતા અલગ છે. ઇતિહાસ પર જરા નજર નાખો તો સમજાશે કે હકીકત અલગ છે.

બે હજાર વર્ષ પહેલાં હિન્દુ તરીકે જન્મેલા તથાગત બુદ્ધે હિન્દુ ધર્મમાં પેસી ગયેલી બદીઓથી આહત થઈને પોતાના અલગ ધર્મ સ્થાપ્યો. એ બૌદ્ધ ધર્મ ભારતમાં અને ભારત બહાર વાવાઝોડાની જેમ ફેલાઈ ગયો. બૌદ્ધ ધર્મે સનાતન હિન્દુ ધર્મને જબ્બર ટક્કર આપી. જૈન ધર્મ તરફથી પણ પડકાર ઊભા થયા. સ્થિતિ એવી થઈ કે હિન્દુ ધર્મ હાંસિયામાં ધકેલાઈ જવાની સ્થિતિ પેદા થઈ. એ સમયે શંકરાચાર્યએ હિન્દુ ધર્મને પુન: સ્થાપિત કર્યો અને બૌદ્ધ ધર્મ ભારતમાં ઓછો થવા માંડ્યો. ચીન અને જપાનમાં એ પ્રચલિત થયો, ભારતમાં એટલો ચલણમાં ન રહ્યો.

 હિન્દુ તરીકે જન્મેલા પણ હિન્દુ તરીકે નહીં મરવાનું પ્રણ લેનારા ભારતના બંધારણના ઘડવૈયા અને દેશમાં સમાનતા લાવનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૧૯૫૬માં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને તેમની સાથે સાડાત્રણ લાખથી વધુ દલિતો પણ બૌદ્ધ બન્યા. થોડા મહિના પહેલાં આમ આદમી પાર્ટીના એક નેતા અને દિલ્હી રાજ્યના પ્રધાને હિન્દુ ધર્મવિરોધી શપથ બૌદ્ધ ધર્માંતરણ સભામાં લેવડાવ્યા એ બાવીસ શપથ ડૉ. આંબેડકર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં હિન્દુ દેવી-દેવતાઓને નહીં માનવાના શપથ છે. એ પછી દલિતો દ્વારા બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનું ચાલુ રહ્યું. હિન્દુ ધર્મ જો દલિતોને સન્માન ન આપતો હોય તો તેઓ બૌદ્ધ કે ખ્રિસ્તી કોઈ પણ ધર્મમાં જતા રહે એ સ્વાભાવિક જ છે. હમણાં-હમણાં દલિતોની બૌદ્ધ બનવાની પ્રક્રિયા વધુ વેગ પકડી રહી છે. ભારતમાં કોઈ પણ વ્યક્તિને પોતાની ઇચ્છા મુજબ ધર્મ પાળવાની છૂટ છે. બૌદ્ધ ધર્મ પોતાની રીતે ઉત્તમ ધર્મ છે. હિન્દુ ધર્મ પોતાની રીતે ઉત્તમ છે. કોઈ ધર્મને ચડિયાતો કે ઊતરતો ગણવાનો કોઈ અર્થ નથી. જોકે સનાતન હિન્દુ ધર્મનો ડંકો લઈને બેઠેલાઓને સમજાતું નથી કે હિન્દુ ધર્મની સામે આ એક મોટો પડકાર છે. ભારતમાં દલિતોની વસતિ વીસ કરોડથી વધુ છે.

 આ દલિતો હિન્દુ ધર્મમાં જ રહે એવું કરવું હોય તો? કાયદાઓ બનાવી નાખવાથી એવું થવાનું નથી. કાયદા તો સાત દાયકાથી હયાત છે. દલિતોને હિન્દુ ધર્મમાં એ સન્માન મળવું જોઈએ જે અન્ય હિન્દુને મળે છે, તો તેઓ પોતાના મૂળ ધર્મને નહીં ત્યાગે. સનાતન ધર્મના નામે ઉપાડો લેનારાઓને જે ક્યારેય ન સૂઝ્યું એ દિલ્હીમાં બેઠેલા સત્તાધીશોને સૂઝ્યું હોય એવું લાગે છે. જો દલિતોને રામમંદિરમાં પૂજારી અને રસોઇયાઓ બનાવવામાં આવે તો એનાથી મોટું સન્માન બીજું કોઈ ન હોય. આ નિર્ણયની સામાજિક અને આર્થિક અસરો ભારત માટે ફળદાયી નીવડશે. દલિતોને સમસ્યા જ એ હતી કે તેમને મંદિરોમાં અગાઉ અછૂત ગણવામાં આવતા અને અત્યારે પણ તેમના તરફ ભેદભાવભરી નજરે જોવામાં આવે છે. આ ભેદ મિટાવવા માટેની દિશામાં સૌથી મોટું પગલું ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને તમામ હિન્દુના હૃદયમાં બિરાજમાન શ્રીરામના મંદિરમાં જ તેમની વરણી થાય એ હશે. ભારતના ઇતિહાસને મોટો વળાંક આપનાર આ નિર્ણય બનશે. સનાતન હિન્દુ ધર્મના રક્ષણ માટેનું પણ આ મોટું પગલું હશે. આ એક નિર્ણય લેવાય તો કેટલાંય પાપ ધોવાઈ જાય જે સામાજિક ભેદભાવને લીધે સદીઓથી થતાં આવ્યાં હતાં.

તુલસીદાસે રામચરિતમાનસમાં ‘ઢોર, ગંવાર, શૂદ્ર, પશુ, નારી તાડન કે અધિકારી’ એવી ચોપાઈ લખી એ બદલ અને શમ્બુકવધ બદલ ભગવાન રામની ટીકા કરવાનો અવસર ગમે તેને મળી જાય છે એ પણ નહીં મળે. ઘણાને આ નિર્ણય કૉન્ગ્રેસની દલિત મતબૅન્ક છીનવી લેવાનો ભાજપનો માસ્ટરસ્ટ્રોક લાગી શકે. જોકે રાજકીય નિર્ણય હોય તો પણ તે સનાતન હિન્દુ ધર્મ માટે લાભદાયી છે એટલે સદા આવકાર્ય છે.

ભારતમાં કોઈ પણ વ્યક્તિને પોતાની ઇચ્છા મુજબ ધર્મ પાળવાની છૂટ છે. બૌદ્ધ ધર્મ પોતાની રીતે ઉત્તમ ધર્મ છે. હિન્દુ ધર્મ પોતાની રીતે ઉત્તમ છે. કોઈ ધર્મને ચડિયાતો કે ઊતરતો ગણવાનો કોઈ અર્થ નથી. જોકે સનાતન હિન્દુ ધર્મનો ડંકો લઈને બેઠેલાઓને સમજાતું નથી કે હિન્દુ ધર્મની સામે આ એક મોટો પડકાર છે.

દલિતોને હિન્દુ ધર્મમાં એ સન્માન મળવું જોઈએ જે અન્ય હિન્દુને મળે છે. તો તેઓ પોતાના મૂળ ધર્મને નહીં ત્યાગે. સનાતન ધર્મના નામે ઉપાડો લેનારાઓને જે ક્યારેય ન સૂઝ્યું એ દિલ્હીમાં બેઠેલા સત્તાધીશોને સૂઝ્યું હોય એવું લાગે છે. જો દલિતોને રામમંદિરમાં પૂજારી અને રસોઇયાઓ બનાવવામાં આવે તો એનાથી મોટું સન્માન બીજું કોઈ ન હોય. 

columnists ayodhya kana bantwa ram mandir