હું, તું અને દરિયો

05 May, 2022 01:36 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ન્યુ જનરેશન કપલ્સમાં બ્યુટિફુલ બીચ, લક્ઝુરિયસ ક્રૂઝ, વૉટર સ્પોર્ટ્સ અને નિર્જન ટાપુઓ પર ટહેલવાનું આકર્ષણ વધતાં ગ્રીસ, મૉલદીવ્ઝ, અબુ ધાબી મોસ્ટ ફેવરિટ હનીમૂન ડેસ્ટિનેશન બન્યાં

પ્રતીકાત્મક તસવીર

રોહિત અને સોનિયા પોતાના મિત્રો સાથે ક્રૂઝ પર ફરવા નીકળ્યાં છે. પાર્ટીમાં હાર્ડ ડ્રિન્ક લીધા બાદ બન્ને અનાયાસે લાઇફ સેવિંગ બોટમાં બેસીને ક્રૂઝ શિપથી છૂટાં પડી જાય છે. આ બોટ તેમને એક​ ટાપુ પર લઈ જાય છે જ્યાં તેમના સિવાય કોઈ નથી. એકાંતમાં તેમની વચ્ચે પ્રેમ પાંગરે છે. હાઉ રોમૅન્ટિક! હૃતિક રોશનની ડેબ્યુ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’નું આ દૃશ્ય ન્યુલી મૅરિડ કપલને આજે પણ એટલું જ અટ્રૅક્ટ કરે છે. નિર્જન ટાપુ પર હાથોમાં હાથ પરોવી પ્રેમાલાપ કરવો કોને ન ગમે? દામ્પત્યજીવનની શરૂઆત કરતાં પહેલાં સુંદર અને શાંત વાતાવરણમાં એકમેક સાથે સમય વિતાવવા રોમૅન્ટિક લોકેશનની પસંદગી કરવી દરેક કપલ માટે ટાસ્ક હોય છે. તમે પણ બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશનની તલાશમાં હો તો અહીં આપેલા કેટલાક ઑપ્શન્સ પર નજર ફેરવી લેજો.

મૅજિકલ ડેસ્ટિનેશન

હનીમૂન માટે ફૉરેન ડેસ્ટિનેશન દરેક કપલનું સપનું હોય છે. ટ્રાવેલ ટુ ગ્લોબલ હૉલિડેઝના મૅનેજિંગ ડિરેક્ટર મિત્તલ ગોરડિયા આવી વાત કરતાં કહે છે, ‘આ સીઝનમાં સૌથી વધુ બુકિંગ મૉલદીવ્ઝમાં થયાં છે. ન્યુલી મૅરિડ કપલ્સ અને કોવિડ ગાઇડલાઇનના કારણે લાસ્ટ યર હનીમૂન મિસ કરનારાં કપલ્સ માટે મૉલદીવ્ઝ ડ્રીમ ડેસ્ટિનેશન છે. ઇન્ડિયાથી સૌથી નજીકના આ લોકેશન પર અઢળક લક્ઝરી પ્રૉપર્ટી આવેલી છે. બીચ વિલા વિથ પૂલ અને વૉટર વિલા વિથ પૂલ કપલને અટ્રૅક્ટ કરે છે. મૉલદીવ્ઝમાં વૉટર સ્પોર્ટ્સની મજા માણવા જેવી છે. આપણા દેશના ટ્રાવેલરોને આકર્ષવા મોટા ભાગના આઇલૅન્ડ પર ઇન્ડિયન રેસ્ટોરન્ટ ખૂલી જતાં વેજ ફૂડ સહેલાઈથી મળી જાય છે. ફોર નાઇટ્સ-ફાઇવ ડેઝના પૅકેજમાં ઍરપોર્ટથી પિક-ડ્રૉપની સુવિધા સહિત બધું જ ઇન્ક્લુડ હોવાથી લોકેશન પર પહોંચ્યા બાદ કોઈ મગજમારી રહેતી નથી. મૉલદીવ્ઝમાં કોવિડ ગાઇડલાઇનના નિયમો હળવા કરવામાં આવ્યા છે. આરટીપીસીઆર ટેસ્ટ નીકળી જતાં રાહત થઈ ગઈ છે. સૌથી મોટો ફાયદો છે વિઝા ઑન અરાઇવલ. અફૉર્ડેબલ પ્રાઇસમાં લક્ઝુરિયસ હનીમૂન માટે મૉલદીવ્ઝ પર્ફેક્ટ ચૉઇસ છે. મૉલદીવ્ઝ ઉપરાંત સ્વિટ્ઝરલૅન્ડ પણ પૉપ્યુલર ડેસ્ટિનેશન છે. ખાસ કરીને પૅરિસનો ક્રેઝ છે. જોકે હાલની પરિસ્થિતિમાં વિઝા મળવા અઘરું છે. આ ડેસ્ટિનેશન પર હનીમૂન પ્લાન કરવા બે મહિના પહેલાંથી અપૉઇન્ટમેન્ટ લેવી પડે અને હાઈ બજેટ રાખવું પડે. ફ્લાઇટના રેટ્સ પણ વધી ગયા છે. આવાં અનેક કારણોસર કપલ્સ મૉલદીવ્ઝ તરફ ડાઇવર્ટ થયાં છે.’

હનીમૂન કપલ્સમાં બીચ ડેસ્ટિનેશનનું જબરદસ્ત અટ્રૅક્શન છે, કારણ કે આ સ્થળો તેમણે ફિલ્મોમાં જોયાં છે એવી વાત કરતાં ટ્રાવેલ ૩૬૦ ડિગ્રીના ફાઉન્ડર ચેતન ગાંધી કહે છે, ‘કપલ્સને સવારે ઊઠીને સાઇટ-સીઇંગ માટે દોડાદોડી નથી કરવી. તેમને રિલૅક્સેશન, ઍડ્વેન્ચર, પાર્ટી, પ્રાઇવસી અને બીચ જોઈએ છે. આવાં લોકેશનની તલાશ હોય તો ગ્રીસ બેસ્ટ ઑપ્શન છે. ગ્રીસમાં એકાંત મળી રહે એવા ઘણા ટાપુઓ છે. વૉટર ગેમ્સ, કૅન્ડલ લાઇટ ડિનર અને રિવર ક્રૂઝની મસ્તી લગ્નનો તમામ થાક દૂર કરીને તાજગી આપે છે. હનીમૂન કપલ્સ ઑફર પણ જોતાં હોય છે. ગ્રીસથી સ્પેન ક્રૂઝ જાય છે. ક્રૂઝની અંદર દરેક પ્રકારના એન્ટરટેઇનમેન્ટની સાથે દરરોજ તમે નવા-નવા પોર્ટ પર લૅન્ડ કરો છો તેથી ટૂર એક્સાઇટિંગ બની જાય છે. લાઇવ શો, કસીનો, ફૂડ, ડાન્સ બધી જ રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય છે. જોકે હાલની પરિસ્થિતિમાં યુરોપ જવા માટે ઇન્ટરનૅશનલ પ્રોટોકૉલ્સ ફુલફિલ કરવામાં પંદર દિવસ નીકળી જાય છે. તેમ છતાં ગ્રીસ જવા માટે બુકિંગ થયાં છે.

લવેબલ ઇન્ડિયા

ડોમેસ્ટિક ડેસ્ટિનેશનમાં હવે કાશ્મીર અને હિમાચલમાં તરફ ઝુકાવ વધ્યો છે એવી માહિતી આપતાં ચેતનભાઈ કહે છે, ‘સમર સીઝનમાં લગ્ન કરનારાં કપલ્સ રાજસ્થાન કે સાઉથ નથી જવાનાં. કાશ્મીરમાં અત્યારે વેધર ખૂબ સરસ છે. ઇન્ડિયન કપલ માટે આ ડ્રીમ ડેસ્ટિનેશન છે. હનીમૂનનો બેઝિક કન્સેપ્ટ છે મેલ પાટર્નર ફીમેલને પૅમ્પર કરે. ડેકોરેટેડ પ્રાઇવેટ શિકારા રાઇડ ફૅન્સી અને પૅમ્પરિંગ લાગે છે. પ્રાઇવેટ વેહિકલ અને હોટેલની રૂમમાંથી બેસ્ટ વ્યુ જોવા મળે એવા એક્સક્લુઝિવ પૅકેજની તેઓ ડિમાન્ડ કરે છે. ઇન્ડિયામાં કુલુ-મનાલી પણ એવરગ્રીન ડેસ્ટિનેશન છે. ઘણાં કપલ્સ દાર્જીલિંગ, સિક્કિમ અને મેઘાલયની પણ પૂછપરછ કરે છે.’

ડોમેસ્ટિક લોકેશનમાં લેહ-લદ્દાખ અને આંદામાન-નિકોબાર મોસ્ટ ફેવરિટ હનીમૂન ડેસ્ટિનેશન બન્યાં છે એવી વાત કરતાં મિત્તલ કહે છે, ‘હનીમૂન કપલ્સને ઇન્ડિયાનાં ઍડ્વેન્ચરસ લોકેશન પર એક્સપ્લોર કરવું ગમે છે. લેહ-લદ્દાખના લૅન્ડસ્કેપની બ્યુટી જોવાની મજા છે. અહીં દરેક પ્રકારની ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી થાય છે. કપલ્સને રસ્તાઓ પર બાઇકિંગનો અને ટેન્ટમાં રહેવાનો એક્સ્પીરિયન્સ લેવો છે. ફોટોગ્રાફીનો શોખ હોય એવાં કપલ માટે ઇન્ડિયામાં આનાથી બેસ્ટ લોકેશન નહીં મળે. હનીમૂન કપલ્સમાં આંદામાન-નિકોબારનું અટ્રૅક્શન પણ છે, કારણ કે અહીં ઘણીબધી વૉટર ઍક્ટિવિટી થાય છે. રાધાનગર બીચ પર આવેલા રિસૉર્ટ અને કૉટેજ ખૂબ જ સુંદર હોવાથી ઘણાં બુકિંગ થયાં છે.’

ઍનિવર્સરી સુધી હનીમૂન

હનીમૂન માટે અગાઉ કપલ્સમાં લાંબી રજાઓ લેવાનો ટ્રેન્ડ હતો. જે હવે નીકળી ગયો છે. કરીઅર ઓરિએન્ટેડ કપલ્સ અઠવાડિયાની અંદર પરત ઑફિસ જૉઇન કરી શકાય એ રીતે હનીમૂન પ્લાન કરે છે. ત્રણેક મહિના બાદ કામકાજના પ્રેશરમાંથી બ્રેક લઈ તેઓ ફરી નવી જગ્યાએ ફરવા ઊપડી જાય છે. ફર્સ્ટ ઍનિવર્સરી સુધીમાં આ રીતે ત્રણથી ચાર ડેસ્ટિનેશન એક્સપ્લોર કરે છે. હનીમૂન ટુ ઍનિવર્સરી સુધી એન્જૉયમેન્ટ ન્યુ ટ્રેન્ડ છે.

ન્યુ અટ્રૅક્શન

હાલમાં દુબઈ, અબુ ધાબી અને ક્રૂઝ જ ચાલે છે; કારણ કે બાકીનાં ડેસ્ટિનેશનને એક્સપ્લોર કરવા માટેના પ્રોટોકૉલ કડક છે એવી માહિતી શૅર કરતાં એસઓટીસીની ફ્રૅન્ચાઇઝી ધરાવતા રૉયલ ટૂર્સના દિલીપ મોદી કહે છે, ‘આ વર્ષે દુબઈમાં વર્લ્ડ આઇલૅન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અહીંના બીચ પર મૉલદીવ્ઝ જેવી લક્ઝરી પ્રૉપર્ટી ડેવલપ થઈ રહી છે. દરિયાની અંદર દુનિયાના જુદા-જુદા દેશોના નકશાના આકારની સિત્તેર હોટેલો બની રહી છે. હાલમાં બે હોટેલો ખૂલી ગઈ છે. ઘણાં હનીમૂન કપલ્સે અહીં બુકિંગ કરાવ્યું છે. દુબઈ ક્રૂઝ પણ કપલ્સને અટ્રૅક્ટ કરે છે. ૧૯ માળની આ લક્ઝુરિયસ ક્રૂઝ દુબઈ, અબુ ધાબી, સરબનિયાસ આઇલૅન્ડ કવર કરીને દોહા સુધી જાય છે. એમાં દુનિયાભરનાં અટ્રૅક્શન મળી રહેશે. અબુ ધાબી અપકમિંગ હનીમૂન ડેસ્ટિનેશન તરીકે ઊભરી રહ્યું છે. અહીં સ્વિટ્ઝરલૅન્ડને ટક્કર મારે એવા પાર્ક અને દરિયાની વચ્ચે લક્ઝરી વૉટર વિલા બની રહ્યા છે.’


વૅક્સિનના લેટેસ્ટ નિયમો શું?

- વૅક્સિનેટેડ કપલ્સ ઇન્ડિયા, મૉલદીવ્ઝ એક્સપ્લોર કરી શકે છે.

- દુબઈ, અબુ ધાબી જવા ૭૨ કલાક પહેલાં આરટીપીસીઆર કરાવવી પડે છે.

- વૅક્સિનના સેકન્ડ ડોઝને ૨૭૦ દિવસ થઈ ગયા હોય તો યુરોપ જવા માટે બૂસ્ટર ડોઝ અનિવાર્ય છે.

columnists life and style travel news Varsha Chitaliya