12 December, 2024 01:14 PM IST | Mumbai | Laxmi Vanita
દેવાંશી શાહ અને ભક્તિ શાહ
એક બહુ જ ફેમસ કહેવત છે કે આપણી સાથે થાય તો ટ્રૅજેડી અને કોઈ બીજા સાથે થાય તો કૉમેડી. એટલે કોઈ બીજાની વહુ કે દીકરી સ્ટેજ પર કૉમેડી કરતી હોય તો આપણે હસી શકીએ પરંતુ આપણા પરિવારની જ દીકરી સ્ટેજ પર જોક્સ કહેતી હોય અને એમાં પણ અમુક સેન્સર્ડ શબ્દો બોલતી હોય તો આપણા ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ જાય. દેવાંશી શાહ સાથે આવું થાય છે. ગિરગામમાં રહેતી ૩૦ વર્ષની દેવાંશી કૉમેડી લખે છે, પર્ફોર્મ કરે છે; ટીવી-શો, વેબ-સિરીઝ અને ગુજરાતી ફિલ્મ માટે પણ લખે છે. આ ગુજરાતી ગર્લ ગજબની કૉમેડી-રાઇટર, યુટ્યુબર, રીલ-મેકર અને સ્ટૅન્ડઅપ કૉમેડિયન છે. તેની વાત કરવાની છટા રમૂજી છે, પણ જો હસતી ન હોય તો એ બધી વાત સમાજ માટે ધારદાર કટાક્ષ છે. દેવાંશીએ નાનપણથી કરેલાં નિરીક્ષણોને કેવી રીતે કૉમેડીમાં તબદીલ કર્યાં એ રસપ્રદ છે. તેની આ સફરમાં બનેલા કિસ્સાઓમાં સૌથી વધારે રસપ્રદ કિસ્સો એ છે કે તેણે કેવી રીતે પોતાની મમ્મીને સ્ટેજ પર પોતાની કૉમેડીમાં સામેલ કરી.
ભાઈ યશ, મમ્મી ભક્તિ અને પપ્પા સંજય સાથે દેવાંશી શાહ
પરમિશનની ચિંતા નહીં કરવાની
પરિવારનો જેની સામે વિરોધ હોય અથવા પરિવારને જે કામ ન ગમતું હોય એના માટે પરમિશન કઈ રીતે મળી? દેવાંશી કહે છે, ‘હું જૉઇન્ટ ફૅમિલીમાં મોટી થઈ છું અને મારું બાળપણ ધમાચકડીથી ભરપૂર હતું. હું ટીવી સામે દરેક K સિરીઝ જોઈને મોટી થઈ છું. એ સમયની વાત કરું છું જ્યારે ‘કસૌટી ઝિંદગી કી’, ‘કહાની ઘર ઘર કી’ જેવી સિરિયલો ટીવી પર ચાલતી હતી. ‘ખિચડી’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ મારા ઘરમાં વારંવાર જોવામાં આવતી સિરિયલ્સ છે. એમાંય મારાં દાદીની ફેવરિટ સિરિયલ CID અને KBC હતી. આ સિરિયલના ટાઇમે અમે ટીવી સામે ગોઠવાઈ જતાં. મારાં દાદી જૈન દેરાસર અને સંઘ માટે નાટકો લખતાં હતાં. તેમના દરેક ડ્રામામાં અમે ભાગ લેતાં હતાં. મારાં દાદી મારી પાસે જ લાઇનો બોલાવતાં એટલે નાનપણથી પર્ફોર્મિંગ આર્ટ સાથે કનેક્શન થઈ ગયું હતું. મારા સિવાય ઘરમાં અન્ય બાળકો પણ હતાં. મારાં મમ્મી-પપ્પાની વાત કરું તો મારા ભાઈનો જન્મ થતાં જ મમ્મી-પપ્પાનું ધ્યાન મારાથી હટીને તેના પર શિફ્ટ થઈ ગયું હતું. એટલે આ બધું હું બાળપણથી ઑબ્ઝર્વ કરતી હતી. કટ-ટુ મારી કરીઅર-ચૉઇસ, તો ત્યારે મને એક વાતની ખબર પડી કે મમ્મી-પપ્પા પાસેથી પરમિશન માગવાની નહીં, કામ કરીને તેમને ઇન્ફૉર્મ કરી દેવાનું. મારી કૉમેડીમાં એન્ટ્રી કંઈક એવી જ રીતે થઈ.’
સ્વીકૃતિ ફેમ સાથે બદલાતી રહે
ઇંગ્લિશ લિટરેચરમાં ગ્રૅજ્યુએશન બાદ સ્પીચ અને ડ્રામા સ્કૂલમાં બે વર્ષ ટીચર તરીકે પાર્ટટાઇમ જૉબ કર્યા પછી દેવાંશીને જાણીતા કૉમિડિયન વીર દાસની કંપનીમાં ઇન્ટર્નશિપ મળી. ત્યાંથી કૉમેડી-રાઇટર તરીકેની સફર શરૂ થઈ. કૉમેડી માટે જાણીતી મુંબઈની ત્રણ અગ્રણી કંપની સાથે કૉમેડી-રાઇટર તરીકે કામ કર્યા બાદ હવે ફ્રીલાન્સ રાઇટર તરીકે કામ કરતી દેવાંશી કહે છે, ‘આજે હું જે ટૉપિક પર કૉમેડી કરું એ ટૉપિક પેદા નથી કરતી પણ મારી આસપાસ જે ઑબ્ઝર્વ કરું છું એને જ મારા જોક્સમાં વણી લઉં છું. અમુક શબ્દો કદાચ તમને બોલ્ડ લાગે, પણ મારી રજૂઆતમાં જબરદસ્તી અપશબ્દોનો ઉપયોગ નથી કરતી. મારા આ વિડિયો પરિવારના લોકો પણ જુએ છે અને તેમના રીઍક્શનમાં વિરોધાભાસ હોય છે. જેમ કે મમ્મીની સાઇડનો પરિવાર પ્રોગ્રેસિવ છે, મામા-માસીના છોકરાઓ ટીનેજર છે, તેઓ તેમના પેરન્ટ્સને સમજાવી દેતા હોય છે. પરિવારના અન્ય લોકોની સ્વીકૃતિ ફેમની સાથે આવતી ને જતી હોય છે.’
બધાની સહમતી શક્ય નથી
પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલી ૨૦૧૯ની કૉમિકસ્તાન સીઝન 2માં સ્પર્ધક તરીકે ભાગ લઈ ચૂકેલી દેવાંશી કહે છે, ‘આ કૉમેડી-શો પછી મારા પેરન્ટ્સને લાગ્યું કે હું આ કરીઅર માટે બહુ જ સિરિયસ છું. ત્યાં સુધી તેઓ એવું માનતા હતા કે હું શોખ માટે કરી રહી છું. આ શોમાં જ્યારે મને સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું ત્યારે મારાં મમ્મી-પપ્પા બન્ને હાજર હતાં. મારા પપ્પાની મારી કરીઅર-ચૉઇસ પર મને સંપૂર્ણ સ્વીકૃતિ હજી સુધી નથી મળી, પરંતુ આ શો જોયા બાદ તેમણે મારા અમુક જોક્સ અને પંચલાઇનનાં વખાણ કર્યાં હતાં. એમ કહી શકાય કે અડધું વૅલિડેશન મળ્યું હતું. જોકે મારા પપ્પા મારા અમુક જ શોમાં હાજર રહ્યા છે, કારણ કે તેમને ગુજરાતીમાં હોય તો વધારે ગમે અને સમજ પડે. મારા શો અંગ્રેજી અને હિન્દીનું કૉમ્બિનેશન હોય છે. પરિવારમાં બધા જ તમારી ચૉઇસ સાથે સહમત હોય એવું જરૂરી નથી પણ પરિવાર સાથે જ હોય છે. મારો ભાઈ યશ અને હું કરીઅરની બાબતમાં એકબીજાની સ્ટ્રેંગ્થ છીએ. ભલે હું છેલ્લાં ૯ વર્ષથી કૉમેડી કરું છું, પણ સમાજની સ્વીકૃતિની વાત આવે તો આજે પણ સ્ટ્રગલ છે.’
૬ મહિના પહેલાં દેવાંશીએ પોતાની યુટ્યુબ ચૅનલ પર પોતાની લાઇફના અનુભવોથી પ્રેરિત ‘અનમૅરિડ’ નામનો સ્ટૅન્ડઅપ કૉમેડીનો વિડિયો પોસ્ટ કર્યો જેમાં સ્ટેજ પર તેની મમ્મી ભક્તિ શાહ પણ તેનો સાથ પુરાવે છે.
મમ્મીને પણ સાથે લીધી
૬ મહિના પહેલાં દેવાંશીએ પોતાની યુટ્યુબ ચૅનલ પર પોતાની લાઇફના અનુભવોથી પ્રેરિત ‘અનમૅરિડ’ નામનો સ્ટૅન્ડઅપ કૉમેડીનો વિડિયો પોસ્ટ કર્યો જેમાં સ્ટેજ પર તેની મમ્મી ભક્તિ શાહ પણ તેનો સાથ પુરાવે છે. આ વિડિયો પોણાબે લાખ લોકો જોઈ ચૂક્યા છે. એ શક્ય કેવી રીતે બન્યું એના પર વાત કરતાં દેવાંશી કહે છે, ‘હું મારા પેરન્ટ્સને થતી મારાં લગ્નની ચિંતા વિષય પર ‘અનમૅરિડ’ શીર્ષક ધરાવતી સ્ક્રિપ્ટ લખી રહી હતી. આ અનુભવો લગભગ મોટા ભાગની અનમૅરિડ ગર્લ્સને થયા જ હશે. હું એક એવા પ્રોફેશનમાં છું જ્યાં મારો દિવસ બપોરના ૪ વાગ્યે શરૂ થાય છે, કારણ કે અમારા શો રાત્રે થતા હોય છે. સમાજની ભાષામાં મારું ઘરે મોડું આવવું એ મારાં લગ્ન ન થવા પાછળનું કારણ છે. આ કારણો સમય સાથે બદલાતાં હોય છે. જેમ કે મારા પપ્પાની વાત કરું. હું કંઈ પણ અનકન્વેશનલ કરું તો તેમના મતે એ જ કારણે મારાં લગ્ન નથી થતાં. ક્યારેક મારી હેરસ્ટાઇલમાં એક્સપરિમેન્ટ કરું તો તેમનો ડાયલૉગ હોય છે કે આવી રીતે વાળ ઓળે છે એટલે લગ્ન નથી થતાં. જો તમારામાં સમાજને લઈને ગુસ્સો હોય અને તમે ઑબ્ઝર્વ કરી શકો તો તમે કૉમેડિયન બની શકો છો.’
જે વાત તમે ગુસ્સામાં ન કહી શકો એ સ્ટેજ પર આવીને ભડાસ કાઢો એટલે લોકો હસે એમ જણાવતી દેવાંશી કહે છે, ‘તો આવું જ કંઈક ‘અનમૅરિડ’ શો માટે લખી રહી હતી જેમાં ૧૫ મિનિટનો સેટ લખાઈ ગયો હતો. ત્યારે મને આઇડિયા આવ્યો કે મમ્મીને પણ આમાં સામેલ કરું. મને એવું હતું કે મમ્મી ના જ પાડશે, પણ મેં તેને પૂછ્યું અને તેણે હા કહી. મારી મમ્મીનું મન બદલાય એ પહેલાં જ મેં તેને મારી સ્ક્રિપ્ટ કહી સંભળાવી. તો એમાં તેને અમુક શબ્દો અને એક્સપ્રેશનમાં વાંધો હતો. સ્ટેજ પર અમુક શબ્દો બોલવામાં તે કમ્ફર્ટેબલ નહોતી એટલે સ્ક્રિપ્ટમાં મેં અમુક કરેક્શન કર્યાં. હું કોઈ પણ આઇડિયાને ડાયરેક્ટ કરી શકું છું તો મેં એ જ અનુભવ મારી મમ્મીને રેડી કરવામાં ઉપયોગ કર્યો. આવી રીતે મમ્મી મારી સ્ક્રિપ્ટનો ભાગ બની. મારી મમ્મીનું દરેક રીઍક્શન પહેલાં હા હોય છે અને કામ થઈ ગયા પછી વિચારે કે મેં આ શું કર્યું. દરેક વખતે સ્ટેજ પર કૉન્ફિડન્સથી જોક બોલે અને પછી વિચારે કે કયા જોકને બદલવાની જરૂર છે. એટલે પોતે જ પોતાની ટીકાકાર બની જાય. આવી રીતે મેં મારી મમ્મી સાથે ૬ શો કર્યા. મારી મમ્મી બહુ જ બ્યુટિફુલ છે અને તેને ઍક્ટર બનવું હતું, પરંતુ તેનો સમય બહુ જ જુદો હતો. આજે મારી મમ્મી મારી સાથે સ્ટેજ પરની અને સ્ટેજ પાછળની લાઇફનો અનુભવ કરી રહી છે. ઘણાબધા કૉમેડિયન્સને પણ મળે છે. હું ફરી નવા જોક્સ સાથે એક વિડિયો અપલોડ કરવાની છું તો એના પર કામ ચાલી રહ્યું છે.’
દીકરીને ફુલ સપોર્ટ કરતી મમ્મી ભક્તિ શાહ
૫૪ વર્ષનાં ભક્તિ શાહ ગુજરાતી સમાજના દરેક કાર્યક્રમમાં ઍક્ટિવ હોય છે. સંઘનાં નાટકોમાં ભાગ લે છે તેમ જ સિન્ગિંગનો શોખ ધરાવે છે. સ્વભાવે ધાર્મિક હોવાથી દિનચર્યાની શરૂઆત પૂજા-પાઠથી કરે છે. તેઓ કહે છે, ‘આપણો ગુજરાતી સમાજ હજી પણ ઘણો પાછળ હોય એવું લાગે છે. આપણા કપડાં મૉડર્ન છે પણ વિચારો હજી મૉડર્ન નથી થયા. જેમ કે જ્યારે કોઈ એમ કહે કે ‘એમાં વાંધો નથી પણ...’ એટલે કે એમાં વાંધો છે. ‘અમે તો કોઈ રિસ્ટ્રિક્શન નથી રાખ્યું’ એટલે કે રિસ્ટ્રિક્શન છે. હિપોક્રસી પર મારી દીકરી જોક્સ કરે છે અને હું પણ સમાજમાં એ હિપોક્રસી જોઈ રહી છું. મારી દીકરીની કરીઅર-ચૉઇસ મને એકદમ યોગ્ય લાગે છે. દરેક પેરન્ટની જેમ એક દિવસ હું દેવાંશીને દરરોજ મંદિરે જવાની શીખ આપતી હતી તો તેણે તેના પપ્પાને બોલાવીને મારી પાસે ઊભા રાખ્યા અને અમારી ફરતે ત્રણ પ્રદક્ષિણા કરી. એટલે હું તેને ગણપતિ કહેતી થઈ ગઈ. દેવાંશી બહુ જ ચતુર છે અને તેની પાસે દરેક સવાલના જવાબ હોય છે જે તે હસતાં-હસતાં સમજાવે છે. તેની આ જ પર્સનાલિટી તે સ્ટેજ પર રજૂ કરે છે. જ્યારે તેના વિડિયોની વાત છે તો તેની ટીકા કરનારા લોકો સામે હું મૌન રાખું છું. જે લોકો અમારી ચૉઇસ નથી સમજતા તેમને લાંબી વાત કરીને પણ સમજાવવામાં મને સફળતા નથી મળવાની, પરંતુ એવા લોકોના ફોન પણ આવ્યા છે જે અમારી મા-દીકરીના સ્ટેજ પરના ઍક્ટનાં વખાણ કરે છે. આ વિડિયો બાદ મારી સ્કૂલ-ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. તેણે અમારી હિંમતની દાદ આપી હતી. મારી દીકરી પોતાના પગ પર ઊભી છે, આર્થિક રીતે પોતાને સપોર્ટ કરી શકે છે. અહીં સુધી પહોંચવામાં તેણે કોઈનો સહારો નથી લીધો એ બદલ મને તેના પર ગર્વ છે. કોઈ પરિવારની વહુ કે દીકરી સ્ટેજ પર રાતે કૉમેડી-શો કરતી હોય તો આપણો સમાજ તેને અલગ લેન્સથી જોતો હોય છે. હું મારી દીકરી સાથે બહુ જ અટૅચ્ડ છું એટલે તેનાં લગ્નની મને ચિંતા હોય એ સ્વાભાવિક છે, પરંતુ તે બહુ જ સારું કામ કરી રહી છે એટલે હું તેને ફુલ સપોર્ટ કરું છું.’