રંગભૂમિ એકમાત્ર એવું માધ્યમ છે જ્યાં તમને નાનામાં નાની વાત શીખવા મળે છે

24 April, 2024 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી પેઢીને કરવું બધું છે, જોઈએ બધું છે; પણ તેમનામાં રંગભૂમિને કંઈક આપવાની માન​સિકતાનો અભાવ છે.

અમિત દિવેટિયા

છેલ્લા થોડા સમયથી મારા મનમાં બે વાત સતત ચાલ્યા કરે છે : એક તો આજની આ નવી જનરેશનના ઍક્ટરો અને બીજું, ૩૬થી વધારે વર્ષ ચાલેલું અમારું નાટક ‘પ્રીત, પિયુ ને પાનેતર’. કેવા એ દિવસો હતા જેમાં અમે માત્ર રંગભૂમિ અને દર્શકોને આપવા માટે સ્ટેજ પર આવતા અને આજે... આજે સાવ જુદું વાતાવરણ છે. નવી પેઢીને કરવું બધું છે, જોઈએ બધું છે; પણ તેમનામાં રંગભૂમિને કંઈક આપવાની માન​સિકતાનો અભાવ છે. મેં તો અવેતન એટલે કે એક પૈસો પણ વેતન ન હોય એ નાટકોમાં પણ કામ કર્યું છે તો શેરીનાટકો પણ કર્યાં છે જે સોસાયટીને કોઈ મેસેજ આપવાના હેતુથી થતાં. આજે તો એ બધું બંધ થઈ ગયું છે અને નાનામાં નાના કલાકારથી માંડીને ટેક્નિશ્યનને પણ પૈસા મળે છે. જોકે મને અફસોસ જો થતો હોય તો એ સરખામણીથી છે. પૈસાથી માંડીને રોલ જેવી વાતોમાં નવી પેઢી બહુ સરખામણી કરતી થઈ છે. હું કહીશ કે ભાઈ, પહેલાં એક વાર તમારી જાતને માંજો તો ખરા; એક વાર જાતને પ્રૂવ કરો અને પછી ડિમાન્ડ કરો. અરે, તમારે માગવું પણ નહીં પડે; તમને સામેથી બધું મળશે, પણ તમે શરૂઆત કરો છો ત્યારે તો સમર્પણનો ભાવ રાખો.

‘પ્રીત, પિયુ ને પાનેતર’ નાટકમાં મેં ઍક્ટિંગ શરૂ કરી ત્યારે હું અમદાવાદમાં રહેતો અને બૅન્કમાં જૉબ કરતો. ૭૦ના દશકની વાત છે. એ સમયે અમદાવાદ-મુંબઈ વચ્ચે ત્રણ જ પ્લેન અને છ મહિના સુધી હું રોજ પ્લેનમાં અમદાવાદથી મુંબઈ શો માટે આવતો. સાત વાગ્યે ઍરપોર્ટ પર ઊતરવાનું. ટૅક્સી કરવાની અને ઑડિટોરિયમ પહોંચતાં પહેલાં ટૅક્સીમાં જ મેકઅપ કરી લેવાનો. ઘણી વાર પ્લેન મોડું હોય તો મેં કૉસ્ચ્યુમ્સ પણ ટૅક્સીમાં બદલાવ્યાં છે. રાતે શો પૂરો થાય એટલે પછી ટ્રેનમાં બેસીને અમદાવાદ પાછા આવવાનું અને ફરી સાંજે મુંબઈ જવાનું.

કોઈને આમાં જલસા દેખાય તો કોઈને આમાં સ્ટ્રગલ પણ દેખાય. હું આને સ્ટ્રગલ કહીશ. બૅન્કની નોકરી છોડી શકાય એમ નહોતી, કારણ કે નાટક પર ઘર ચાલે નહીં અને ઍક્ટિંગ મારાથી છૂટે નહીં. એનું કારણ એ કે એના આધારે તો કલાકારો ટકેલા હતા. આજે ઍક્ટિંગ ફુલટાઇમ પ્રોફેશન બની છે. હવે નાટકો પર જ ઘર ચાલતાં થયાં છે ત્યારે મારું કહેવું એટલું છે કે નવી જનરેશન એનો આદર કરે અને ઍક્ટિંગનું ફાઉન્ડેશન વધારે મજબૂત બનાવવા સરખામણી છોડીને જે કામ મળે, જે કામ તેમનાથી થઈ શકે એ કરે અને મન લગાવીને કરે. નાટક એકમાત્ર એવું માધ્યમ છે જ્યાં તમને નાનામાં નાનું કામ શીખવા મળી શકે છે. આજે આપણે જે કોઈ મોટા ગુજરાતી ઍક્ટરોને જોઈએ છીએ તે બધાને રંગભૂમિએ નર્ચર કર્યા છે. પરેશ રાવલથી લઈને પ્રતીક ગાંધી સુધીના ઍક્ટરો આજે મેઇન લીગમાં આટલું સરસ કામ કરે છે તો એની પાછળ રંગભૂમિ કારણભૂત છે. રંગભૂમિની કદર કરો અને એને પહેલાં આપો. તમે રંગભૂમિ અને દર્શકોને આપશો તો તેઓ તમને ખોબલે-ખોબલે બધું આપશે.

અહેવાલ : અમિત દિવેટિયા 

Gujarati Natak Gujarati Drama gujarati community news columnists life and style