‘અહીં કોઈએ પણ થૂંકવું નહીં’ એવા પાટિયા વિનાય યુકે ચોખ્ખુંચણક છે

10 November, 2024 02:30 PM IST  |  Mumbai | Sairam Dave

...ને આપણે ન્યાં આવા પાટિયાની નીચે જ બે-ચાર કિલો થૂંકના લોંદા પડ્યા હોય!

પ્રતીકાત્મક તસવીર

દેશમાં નવરાત્રિ ચાલુ થાય એટલે કલાકારોની વિદેશમાં માર્કેટ નીકળી પડે. આ નવરાત્રિએ અમે એક ટ્રૅક્ટર ભરાય એટલા કલાકારો યુકે જઈ આવ્યા. આમ તો મારા જીવનનો આ પિસ્તાલીસમો વિદેશ પ્રવાસ હતો, પણ તોયે ફૉરેન જવાનો ઉત્સાહ દર વખતે જરાક જુદો જ હોય. થેપલાંની થપ્પીઓ અને છૂંદાની કોથળીઓને સરહદ પાર લઈ જવાની આશા સાથે અમે યુકે પહોંચ્યા. હું વર્ષોથી જમતી વખતે મૌન રાખું છું, જેના મુખ્યત્વે મને બે ફાયદા થયા છે.

એક તો સામેવાળાને બોલવાનો મોકો મળે અને બીજો, દામ્પત્યજીવન સારું રહે. મૌનનો નિયમ આકાશમાં પણ અડગ હતો. મારી બાજુમાં મારો તબલચી હિતેશ બેઠો હતો જે ગુજરાતી સિવાય એક પણ ભાષા જાણતો નહોતો. ભોજન પીરસાયું એટલે સ્વાભાવિક રીતે હું મૌન રહીને જમવા લાગ્યો. પ્લેનમાં આપેલી ભોજન કિટમાં ચમચી શોધવી એ કપરું કામ હોય છે. કપડાના રૂમાલમાં અથવા ટિશ્યુમાં ચમચીઓ વીંટળાયેલી હતી જે હિતેશે શોધી, પણ મળી નહીં એટલે હિતેશે શાક—ભાત હાથેથી ઝાપટવાનાં શરૂ કર્યાં. મેં બે વખત ચમચી તરફ મૌન ઇશારા કર્યા, પણ હિતો સમજ્યો નહીં.

‘એ પછી છેલ્લે લેશું... જમ્યા પછી મજા આવે.’

આવો જવાબ આપીને હિતેશે એકલ હાથે શાક-ભાત પતાવ્યાં. બ્રેડ હાથમાં લીધી ત્યારે પણ મેં બટર તરફ ઇશારો કર્યો, પણ તેણે અવગણ્યો. એકલી કોરેકોરી બ્રેડ ઝાપટ્યા પછી આખી થાળી સાફ કર્યા બાદ તેણે બટરનું પાઉચ ખોલ્યું. થોડી વાર પહેલાં મેં કરેલો ઇશારો તેને હવે સમજાયો, પણ ‘જબ ચીડીયત ખેતી ચૂગ ડારે, ફિર પછતાવે ક્યા હૌવત...’

બ્રેડ વગરનું બટર શરદ પવારની જેમ એકલું પડી ગયું હતું. હિતો હિંમત રાખીને કોરેકોરું બટર દાબી ગયો. મારું મૌન
તૂટતાં-તૂટતાં બચ્યું. થાળીમાં હવે એકમાત્ર ચમચીવાળી કોથળી જ બચી હતી. હિતેશને એમ હતું કે આ સફેદ કાગળમાં પણ કૈંક ફૉરેનની વાનગી આપી હશે. આશાભરી નજરે તેણે એ કોથળી ખોલી. ‘ઓહોહો...! ચમચી હતી તો કહેવાયને...! મારે હાથ નો એંઠા કરવા પડતને!’

હિતેશના આ પશ્ચાત્તાપે મને કલાપીની કવિતાની યાદ અપાવી, ‘રે પસ્તાવો વિપુલ ઝરણું...!’

જમવાનું પૂર્ણ થઈ ગયું હોવાથી હિતેશે એ ચમચી યાદ સ્વરૂપે પોતાના ગજવામાં પધરાવી. યુકે અમારા માટે કાંઈ સાવ નવીન નથી. જો તમે યુકે ગ્યા હો તો તમને ખબર હશે, આખા યુકેમાં ઢગલાબંધ એરિયાના નામ પાછળ ‘બરી’ લાગે. જેમ કે સનબરી, કિંગ્સબરી, ક્વીન્સબરી, ન્યુ બરી, નોબરી વગેરે વગેરે..! ઍન્ડ વેલ, કૅડબરી એરિયાનું નામ નથી એ સહેજ તમારી જાણ ખાતર. આપણી ન્યાં તો વિંયાયેલી ગાયના દૂધની બરી જ હોય. બીજી એક વસ્તુ માર્ક કરી કે ત્યાં કોઈ પણ ગામ કે વિસ્તાર પાછળ ‘ટન’ બહુ લાગેલા હોય. બ્રુસ્ટન, બ્રિટન, મેલ્ટન, કિંગ્સટન, નાયમ્સ્ટન, સાઉધમ્પ્ટન, મિડલટન..! જ્યારે આપણે ત્યાં તો બટન હોય કાં તો વિરોધ કરવાની ‘પલટન’ હોય ને બાકી બધું ‘ટનાટન’ હોય. આપણે જેમ ચા છે એમ યુકેમાં કૉફી છે. ત્રણ પાઉન્ડની એક કૉફી એટલે અંદાજે આપણા ત્રણસો રૂપિયાની કૉફી, જેમાં દોઢસો રૂપિયાના તો ખાલી ફીણ હોય.

લેસ્ટરમાં એક રસ્તાનું નામ ‘લફબરો રોડ’ (સ્પેલિંગ છે Loughborough Road) છે. ત્રણ-ચાર વાર એ રોડ પર નીકળવાનું થયું એમાં બોલતાં આવડી ગયું, પણ આમ જુઓ તો ગળામાંથી ગળફા નીકળી જાય એવું નામ છે. એક સમયે ‘લેસ્ટરના ગુજરાતીઓ’ કહેવાતા હવે ‘ગુજરાતીઓનું લેસ્ટર’ કહેવાય છે. પંદર-પંદર પાનની દુકાનો ગુજરાતીઓની પાનપ્રવૃત્તિની યુકેમાં ચાડી ખાય છે. જોકે ત્યાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ છે. આશરે દોઢસો પાઉન્ડ એટલે આપણા અંદાજે પંદરસો રૂપિયા જેટલી પેનલ્ટી ત્યાં જાહેરમાં થૂંકતાં પકડાઓ તો ભરવી પડે છે. ‘થૂંકપ્રથા બંધ છે’ કે ‘અહીં કોઈએ થૂંકવું નહીં’ આવા બોર્ડની નીચે આપણે ત્યાં પિચકારીઓ હોય ને ન્યાં ક્યાંય બોર્ડ માર્યાં નહોતાં છતાં પેનલ્ટીની બીકે કોઈ જાહેરમાં થૂંકતું નથી. અતુલે આ વાત સાંભળીને અમિતાભ બચ્ચનની હાઇટ જેવડો નિહાકો નાખ્યો, ‘સાંઈ, આ હિસાબે લાખો-કરોડો રૂપિયાનું તો આપણે થૂંકી નાખીએ છીએ. આમાં આપણાં દેણાં ક્યારે ભરાય?’

લંડનમાં હીથ્રો (HETHROW) ઍરપોર્ટ પર હું ઊતર્યો. એ સાંભળીને અતુલે ફોનમાં પૂછેલું કે ‘હી-થ્રો’ છે તો ‘શી (SHE)-થ્રો’ અને ‘ઇટ (IT)-થ્રો’ પણ ન્યાં બ્રિટનમાં હશેને...

લંડનમાં બધા વાતે-વાતે ‘યુ નો?’ બોલે અને આપણે ત્યાં વાતે-વાતે લોકો ‘ચૂનો’ મારે.

ઢગલાબંધ ફિલ્મોમાં આપણે જોયો હોય એવો ‘લંડન બ્રિજ’ સરસ છે, એમાં એકેય બાજુ ‘પુલ નબળો છે, વાહન ધીમે હાંકો’ એવું લખાણ પણ નથી લખેલું. ‘લંડન આઇ’ આમ તો આપણા ચકડોળ કે ફજરફાળકાનું વિરાટ દર્શન છે. ખૂબ જ મોટું અને ઉંમરલાયક થવાથી લંડન આઇનું ચકડોળ મંદ-મંદ ચાલે છે. મૅડમ ટુસૉના મ્યુઝિયમમાં મીણનાં એવાં અદ્દલ પૂતળાં છે કે તમે વહેમાઈ જાઓ. બકિંગહૅમ પૅલેસ ડાયનોસૉરની ડોક જેવો લાં...બો છે, જોઈને થાકી જવાય. મને તો થાય કે આ બનાવવાવાળા નહીં થાક્યા હોય?

થેમ્સ નદીના જળથી મોં વીંછળીને એટલું તો મનમાં જરૂર થયું કે આ નદીના પાણીમાં કૈંક તો હતું કે પોણી દુનિયા પર આ બ્રિટિશરોએ રાજ કર્યું. લંડનના ટાવરથી પણ ઊંચા લાશોના ખડકલા કરીને આ લોકોએ ગુલામ દેશોને ઈતડીની જેમ ચૂસ્યા છે.

હશે, આપણામાં’ય ક્યાં સંપ હતો ને આજેય ક્યાં છે?

navratri travel gujarat culture news london united kingdom columnists