અબ તુમ્હારે હવાલે મહારાષ્ટ્ર સાથીઓ : હવે કટ્ટર હરીફાઈમાં ફેરવાઈ ગયો છે

13 November, 2019 02:28 PM IST  |  Mumbai | Manoj Joshi

અબ તુમ્હારે હવાલે મહારાષ્ટ્ર સાથીઓ : હવે કટ્ટર હરીફાઈમાં ફેરવાઈ ગયો છે

ઉદ્ધવ ઠાકરે

જર, જમીન અને જોરું. ત્રણેય કજિયાનાં છોરું. 

આ કહેવત સાવ સાચી છે. સદીઓ પહેલાં પણ સાચી હતી અને આજની અવસ્થામાં પણ આ વાત ૧૦૦ ટચના સોના જેવી સાચી અને ચળકાટ ધરાવે છે. મહારાષ્ટ્ર રાષ્ટ્રપતિશાસનના કિનારે આવી ગયું છે. આ લખાય છે ત્યારે રાષ્ટ્રપતિશાસન ઑલમોસ્ટ ફાઇનલ છે અને એવું ન બને એને માટે પણ હવે ચમત્કાર સિવાય કશું બાકી બચતું નથી. રાષ્ટ્રપતિશાસન આવે તો એનો એક અર્થ સીધો એ જ થયો કે મહારાષ્ટ્રમાં કાં તો તડજોડની રાજનીતિ કામ લાગશે અને કાં તો આવતા સમયમાં ઇલેક્શન આવશે.

તડજોડની રાજનીતિમાં બીજેપી સિવાય કોઈ હોશિયારી દેખાડી શકે એમ નથી અને આ વખતે એ નીતિ માટે હજી સુધી બીજેપીની થિન્ક ટૅન્ક ગણાતા અમિત શાહ મેદાનમાં નથી આવ્યા. આવશે, નહીં આવે એવું નહીં બને, પણ અત્યારના તબક્કે હજી પણ ક્યાંક ને ક્યાંક બીજેપી શિવસેના સાથેના સંબંધોને આંખ સામે રાખીને ચાલે છે. આમ જોઈએ તો આ સંબંધોમાં અંટશ તો બે દિવસ પહેલાં જ, જ્યારે શિવસેનાના સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાને રાજીનામું આપ્યું ત્યારે જ આવી ગઈ હતી, પણ એમ છતાં બેમાંથી એક પણ પાર્ટી ગરિમા નથી તોડી રહી. જો મહારાષ્ટ્રમાં હજી પણ કોઈ ચમત્કાર ન થયો કે હજી પણ બન્ને વચ્ચે ગઠબંધન આગળ ન વધ્યું તો લખી રાખજો કે કેન્દ્રમાં રહેલી એનડીએ સરકારમાંથી પણ શિવસેના બહાર નીકળી જશે. શિવસેના અત્યારે એનડીએની સૌથી મોટી પાર્ટી છે. શિવસેના બહાર નીકળી જશે તો બીજેપીને કેન્દ્રમાં કોઈ ફરક નથી પડવાનો, પણ વાત દરેક વખતે માત્ર ફરકની નથી. દુખની અને લાગણીની હોય છે.

મહારાષ્ટ્રમાં સરકાર બીજેપીની બને એવી શક્યતા હજી પણ ભારોભાર છે. એનું કારણ પણ છે. આ અગાઉ શરદ પવારે બહારથી બીજેપીને સપોર્ટ આપ્યો હોવાનું બન્યું જ છે. આ વખતે પણ શરદ પવાર એ નીતિ અપનાવી શકે છે. બીજેપીને જ્યારે સરકારનું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે પહેલા ઝાટકે શરદ પવાર કે એનસીપીને આગળ કરવામાં નથી આવી, પણ એનો અર્થ એવો નથી કે શરદ પવાર આ પગલું ન ભરે કે પછી બીજેપી એની કૂટનીતિ અપનાવીને પવાર પાસે આ પગલું ન ભરાવી શકે. એ પગલું આવી શકે એમ છે અને એની સત્તા પણ રાજ્યપાલના હાથમાં છે.

રાજ્યપાલ મહારાષ્ટ્રમાં થોડી ઉતાવળ કરી ગયા છે એ પણ હકીકત છે. બીજેપીને જેટલો સમય મળ્યો એટલો જ સમય રાજ્યપાલે અન્ય પાર્ટીઓને આપવાની જરૂર હતી. શું કામ એવું નથી બન્યું એ પણ જાણવું જરૂરી છે. જો બીજી પાર્ટીને પૂરતો સમય મળ્યો હોત તો ઍટ ‌લીસ્ટ એવું ન બન્યું હોત કે શિવસેના સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે લડવા ન ગઈ હોત. શિવસેનાને રાડો પાડવાની તક ન મળી હોત, પણ હવે જે થઈ ગયું છે એની વાતોનું પુનરાવર્તન કરવાની આવશ્યકતા લાગતી નથી.

આ પણ વાંચો : ...અને સનત વ્યાસે મારું નામ પાડ્યું સાંગો

હવે અફસોસ કરવાનો છે તો માત્ર એક જ વાતનો કે બે મહિના પહેલાં શિવસેના અને બીજેપી વચ્ચે જે પ્રેમ હતો, જે લાગણી બન્ને દેખાડતાં હતાં એ પ્રેમ અને લાગણી સત્તાના મોહમાં કટ્ટર હરીફાઈમાં ફેરવાઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન કોઈ પણ તબક્કે લાગુ પડી શકે છે. એને અટકાવી શકે તો માત્ર એક જ, કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકારની કઈ નીતિ હવે કેવું પગલું લે છે એના પર સૌકોઈનું ધ્યાન રહેશે અને રહે પણ શું કામ નહીં, વાત તો મારા મુંબઈની છેને.

uddhav thackeray columnists shiv sena