Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ...અને સનત વ્યાસે મારું નામ પાડ્યું સાંગો

...અને સનત વ્યાસે મારું નામ પાડ્યું સાંગો

12 November, 2019 03:44 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

...અને સનત વ્યાસે મારું નામ પાડ્યું સાંગો

સનત વ્યાસ

સનત વ્યાસ


અમિતાભ બચ્ચનની દિવાળી-પાર્ટી પછી ફરી એક વાર આપણે અગાઉના અનુસંધાનને જોડીને આગળ વધવાનું છે. બચ્ચનસાહેબની પાર્ટી પહેલાં આપણે વાતો કરતા હતા ૧૯૮૩-’૮૪ના અરસાનાં નાટકોની. સરિતા જોષીએ બહુ ઓછાં નાટકો પ્રોડ્યુસ કર્યાં છે. તેમણે પ્રોડ્યુસ કરેલાં નાટકો પૈકીનું એક નાટક આ જ અરસામાં આવ્યું હતું, નામ એનું ‘એક હતી રૂપલી’. આ નાટક સુપરફ્લૉપ થયું હતું. ‘એક હતી રૂપલી’ અજિત વાચ્છાનીએ ડિરેક્ટ કર્યું હતું અને નાટકના પ્રોડ્યુસર અને લીડ ઍક્ટ્રેસ હતાં સરિતા જોષી. લોકો સરિતાબહેનને જોવા આતુર રહેતાં પણ એમ છતાં આ નાટક ફ્લૉપ ગયું. કહેવાનું તાત્પર્ય એ જ કે સારા સબ્જેક્ટ જ હંમેશાં ચાલતા હોય છે. સબ્જેક્ટ ખરાબ હોય ત્યારે ઍક્ટર ગૌણ બની જાય છે. એ પછી નાટક આવ્યું હતું ‘કિસમિસ’. ‘કિસમિસ’ની વિષયવસ્તુ ઇન્ટરેસ્ટિંગ હતી. અંગ્રેજી નાટક ‘નોઇઝિસ ઑફ’નું ગુજરાતી રૂપાંતર હતું. એ પ્રકારના જ વિષયવસ્તુવાળું બીજું એક નાટક હમણાં ભજવાઈ ગયું. શર્મન જોષી નિર્મિત નાટકનું નામ હતું ‘નાટકના નાટકમાં નાટક’ અને એ પણ સુપરફ્લૉપ ગયું. નાટકમાં નાટકના વિષયો લોકોએ નકારી કાઢ્યા હતા.

એ પછી સ્વરૂપ સંપટની મુખ્ય ભૂમિકામાં ‘પાંખ વિનાનાં પતંગિયાં’, વિષ્ણુકુમાર વ્યાસનું ‘કસબ’, હોમી વાડિયાનું નાટક ‘હથેળી પર બાદબાકી’ આવ્યું. આ નાટકના લેખક હતા અનિલ મહેતા અને એ આખું નાટક રીરાઇટ કર્યું હતું પ્રદીપ રાણેએ. આઇએનટીનું નાટક ‘પૌરુષ’ આવ્યું, જેનું દિગ્દર્શન સુરેશ રાજડાનું હતું તો ‘આંતક’ પણ મેં જોયું. આ નાટક અંશુમાલી રૂપારેલે લખ્યું હતું અને પરેશ રાવલે ડિરેક્ટ કર્યું હતું. આ જ અરસામાં આવેલું અરવિંદ જોષી લિખિત-દિગ્દર્શિત ‘એની સુંગધનો દરિયો’ પણ લોકોને ખૂબ ગમ્યું હતું. આ નાટક અંગ્રેજી ફિલ્મ ‘ટ્રિબ્યુટ’ પર આધારિત હતું. આઇએનટીએ ઇબ્સનનું ‘એનિમી ઑફ પીપલ’ પર આધારિત ‘લોકશત્રુ’ પણ કર્યું. આ બધાં નાટકો મેં જોયાં હતાં. મિત્રો, મેં જોયેલાં આ નાટકોનો મારા ઘડતરમાં બહુ મોટો ફાળો રહ્યો છે. શું કરવું, ક્યારે કરવું જેવી વાતો મને આ અને આવાં અનેક નાટકોમાંથી શીખવા મળી છે તો સાથોસાથ શું ન કામ કરવું અને શું ન કરવું જેવી વાતો પણ મને આ બધાં નાટકોમાંથી શીખવા મળી છે. ૮૦ના અરસામાં જેટલા પ્રયોગ થતા એટલી માત્રામાં પ્રયોગાત્મક વિષય પર હવે કામ નથી થતું એ મારે કબૂલવાનું રહેશે.



‘હિમકવચ’ નાટક દરમ્યાન મારી મિત્રતા સનત વ્યાસ સાથે જામી. ગુજરાતી રંગભૂમિના મોટા ભાગના કલાકાર-કસબીઓ મને અત્યારે ‘સાંગો’ના હુલામણા નામે બોલાવે છે. સંજયનો ‘સાં’ અને ગોરડિયાનો ‘ગો’ જોડાઈને આ ‘સાંગો’ બન્યું છે. આ નામથી સૌથી પહેલું સંબોધન મને સનતે કર્યું હતું. ‘હિમકવચ’ દરમ્યાન સનત મને સાંગો કહે અને એ પછી ‘સાંગો’ મારું હુલામણું નામ થઈ ગયું. ‘હિમકવચ’ સુપરહિટ થયું, એના રોજ શો થાય અને મને રોજ કવર મળે. મારું ખિસ્સું ભરાયલું રહે. ‘ચિત્કાર’ વખતે તો કોઈ બચત થઈ જ નહોતી, મેં બધા પૈસા ઉડાવી દીધા હતા. મિત્રો, એક પર્સનલ વાત કહું તમને, આ મારી સૌથી મોટી નબળાઈ છે. હું ક્યારેય પૈસાની બચત કરતો નથી. સમયની બચતમાં હું ચોક્કસ માનું છું. અનિવાર્ય ન હોય તો મેં અંગત મિત્રો સાથે બેસવામાં સમયની મર્યાદા નથી જોઈ, પણ બાકી સમયની બાબતમાં હું બહુ પાબંદ હોઉં, પણ વાત પૈસાની આવે ત્યારે એમાં બચત નામે મને કશું સૂઝે નહીં. બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ મૂકવી કે ઘરના કબાટ કે ડબ્બામાં લાવીને પૈસા મૂકી રાખવા જેવું મેં ક્યારેય કર્યું જ નથી. આ આદત સારી નથી, પણ જો હું તમને મારી સારી આદતની વાત કરતો હોઉં તો મારે મારી ખરાબ આદત પણ તમને કહેવી જોઈએ.


આજે પણ અચાનક મારે કોઈક વાર આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય તો એ સમયે તો સંઘર્ષ ચાલતો હતો. સ્વાભાવિક રીતે મારે ઘણી વાર આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો છે અને એવા સમયે મારે મારા મિત્રો સામે હાથ લાંબો કરવો પડ્યો છે. આવી આદત તમને પણ હોય તો વહેલી તકે સુધારી લેજો અને ધારો કે તમે એ સુધારી ન શકો તો પૈસા એવી વ્યક્તિના હાથમાં મૂકવાનું શરૂ કરી દો જે બચતમાં માનતી હોય. વાઇફ કે મમ્મીના હાથમાં બધા પૈસા આપી દેવાના અને પછી જરૂર પડે ત્યારે લેતા રહેવાના. આમાં નાનપની કોઈ વાત નથી, આ સમજદારીનું કામ છે.

આ જ અરસામાં એક નાટક આવ્યું ‘આંખ મીંચીને બોલો જયહિન્દ’. આ નાટકના નિર્માતા જે. અબ્બાસ, સિદ્ધાર્થ રાંદેરિયા અને રસિક દવે હતા. નાટકના લેખક આપણા ટપુડાવાળા તારક મહેતા. ‘આંખ મીંચીને બોલો જયહિન્દ’માં મને એક ભૂમિકા સોંપવામાં આવી, મદ્રાસીની. આ નાટક મેં નવા ટાઇટલ સાથે મારા બૅનરમાં રિવાઇવ કર્યું પણ એની વાત આગળ આવશે ત્યારે નિરાંતે કરીશું. અત્યારે આપણે એ જ સમયની વાત કરીએ.


‘આંખ મીંચીને બોલો જયહિન્દ’માં ખૂબ જ મોટી કાસ્ટ હતી. સિદ્ધાર્થ પોતે રોલ કરતો હતો તો તેની સાથે જતીન કાણકિયા, રસિક દવે, સચી જોષી, કલ્યાણી ત્રિવેદી, પ્રવીણ નાયક, વિદ્યુલતા ભટ્ટ, હર્ષદ ગાંધી, મેઘના રૉય, અમૃત પટેલ જેવા કલાકારો પણ હતા. આ નાટક બહુ ચાલ્યું નહોતું, પણ નાટકને કારણે મારી મિત્રતા સિદ્ધાર્થ રાંદેરિયા સાથે થઈ જે સમય જતાં ખૂબ આગળ વધી. એ પછી મેં સિદ્ધાર્થના દિગ્દર્શનમાં ‘દેવકી’ અને ‘ભાઈ’ એમ બે નાટકો કર્યાં.

મેં કહ્યું એમ, ‘આંખ મીંચીને બોલો જયહિન્દ’ બહુ ચાલ્યું નહીં, પણ આવક ચાલુ રહી અને નાટકને લીધે મારું કામ પણ ચાલુ રહ્યું એ મોટી વાત હતી. નાટકના શો પછી જેવો હું નવરો પડું કે તરત જ નાટક જોવા પહોંચી જાઉં. મિત્રો, હું વારંવાર કહું છું કે જો તમારે નાટકલાઇનમાં કરીઅર બનાવવી હોય તો એનું પહેલું લેસન છે, નાટકો જુઓ. યુટ્યુબ કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર નહીં, ઑડિટોરિયમમાં જઈને નાટક જુઓ. નાટકનું સાચું ઘડતર એનો લાઇવ પર્ફોર્મન્સ જોઈને જ મળે.

food-tips

ફૂડ ટિપ્સ

છેલ્લા ત્રણ મહિનામાં લાગલગાટ એવું બને છે કે મંગળવારે જ છાપાંઓમાં રજા આવે. નૉર્મલી ન્યુઝપેપર બંધ રહેતાં નથી. વર્ષમાં ત્રણથી ચાર વાર ફેરિયાઓ રજા પાડતા હોય ત્યારે પેપર બંધ હોય. આ દિવસો મને મોઢે યાદ છે. ૨૬ જાન્યુઆરી, ગણેશોત્સવનો પહેલો અને છેલ્લો એટલે કે વિસર્જનનો દિવસ અને ભાઈબીજ. નવા વર્ષ કરતાં પણ ભાઈબીજ મહારાષ્ટ્રમાં મોટો તહેવાર ગણાય છે. યોગાનુયોગ ગણપતિવિસર્જન અને ભાઈબીજ બન્ને મંગળવારે જ આવ્યાં, જેને લીધે કૉલમમાં રજા પડી અને એને કારણે મને ઘણા વાચકોના ફોન આવ્યા, ઈ-મેઇલ અને મેસેજ આવ્યાં કે મંગળવારે છાપું બંધ હોવાથી લેખ આવ્યો નથી, એમાં પણ ગયા વીકમાં તો બિગ બીની પાર્ટીની વાતોને કારણે ફૂડ-ટિપ મેં અવૉઇડ કરી દીધી એટલે વાચકમિત્રો વધારે ગુસ્સે થયા.

હશે, વાચક અને ઑડિયન્સ હંમેશાં સર્વોપરી રહ્યા છે. મૂળ વાત પર આવીએ હવે.

મિત્રો આપણે છેલ્લે વાત કરી હતી એ હૈદરાબાદ ફૂડ-ટિપ્સની.

હૈદરાબાદના નિમરાહ કૅફેની વાત કરી હતી. નિમરાહ કૅફેમાં અમે આગલી રાતે ગયા હતા, બીજે દિવસે સવારે ૧૦ વાગ્યે અમારો શો હતો. એ રાતે મને ખબર પડી કે ‘રામ કી બંડી’ નામની એક લારી રસ્તા પર ઊભી રહે છે. બેગમ બઝારમાં, કરાચી બેકરીની જે મેઇન બ્રાન્ચ છે એની એક્ઝૅક્ટ સામે આ ‘રામ કી બંડી’ ઊભી રહે છે. સવારે સાડાપાંચથી આઠ વાગ્યા સુધી જ હોય. એના ઢોસા બહુ વખણાય છે એટલે મેં નક્કી કર્યું કે સવારે ૧૦ વાગ્યે શો છે એટલે વહેલા જાગીને ત્યાં જવું. હું તો ૬ વાગ્યામાં જાગીને ‘રામ કી બંડી’ પર પહોંચી ગયો. ત્યાં જોયું તો બે લારી હતી. હૈદરાબાદની ભાષા તેલુગુ છે, તેલુગુમાં રામ કી બંડી એટલે રામની રેંકડી. તેલુગુમાં રેંકડીને બંડી કહેવાય છે.

મૂળ વાત પર આવીએ. ‘રામ કી બંડી’ના ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ છે એવી મારે ચોખવટ કરવાની જરૂર નથી. ત્યાં બે રેંકડી હતી, ખૂબ સરસ ઢોસા બનાવે છે એટલે જ તેણે બે રેંકડી રાખવી પડી છે. ભીડ હોવા છતાં ઢોસાની ડિલિવરી મળવામાં બહુ વાર લાગતી નથી. એકસાથે ૧૬-૧૬ ઢોસા બનતા હોય છે. તવો જ ૬થી ૮ ફુટ લાંબો હોય છે. ઢોસાની વાત કરું તો ઢોસાનું જે ખીરું છે એ થોડું જાડું હોય છે.

આપણને પેપર ઢોસાની આદત છે, પણ કર્ણાટક, તામિલનાડુ, કેરળમાં તમે સાઉથ ઇન્ડિયન ખાવા જશો તો તમને ખ્યાલ આવશે કે એના ઢોસા જાડા જ હોય. આપણે ત્યાં બટર ઢોસાની સિસ્ટમ છે પણ ત્યાં ઘીનું ચલણ છે. જોકે ‘રામ કી બંડી’ના ઢોસા બટરમાં બનાવ્યા હતા. ઢોસાની અંદર સફેદ કોપરાની ચટણી, લાલ લસણની ચટણી નાખે, લિક્વિડ ફૉર્મમાં થોડું ઉપમાનું ખીરું નાખે, એના પર મૂલગાપૂડી નામનો પાઉડર પણ નાખે અને એ બધા પર કાંદા અને કોથમીર ભભરાવીને પછી બટર નાખે. આ ઢોસા ચટણી સાથે ખાવાના. મિત્રો, ક્યારેય હૈદરાબાદ જાઓ તો સવારે નાહીધોઈને પહોંચી જજો, અદ્ભુત મજા આવશે. મિત્રો, એક વાત મારે તમને કહેવી છે કે બ્રેકફાસ્ટ હંમેશાં નાહીધોઈને જ કરવાનો. નાહીધોઈને કરેલો બ્રેકફાસ્ટ હેલ્થ માટે બેસ્ટ છે. આ આદત ન હોય તો આજે જ કેળવી લેજો, તમારા હિતમાં રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2019 03:44 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK