સાચું સન્માન (લાઇફ કા ફન્ડા)

16 September, 2019 03:22 PM IST  |  | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

સાચું સન્માન (લાઇફ કા ફન્ડા)

ગુરુજીને એક શિષ્યએ પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુજી, સમાજમાં જ્યાં જઈએ ત્યાં સન્માન અને તે પણ સાચું સન્માન મેળવવા માટે શું કરવું જોઈએ?’ ગુરુજીએ કહ્યું, ‘વત્સ તે સરસ પ્રશ્ન પૂછ્યો છે. હું આ પ્રશ્નનો જવાબ વિગતવાર ઉદાહરણ સાથે સમજાવીશ, જો તમે બધા આ જવાબ બરાબર સમજી લેશો અને ગાંઠે બાંધી લેશો તો તમને દરેક જગ્યાએ સાચું સન્માન મળશે, સાચું સન્માન મેળવવા માટે આપણી પાસે ‘જ્ઞાન–માન અને સ્થાન’ હોવા જરૂરી છે.’

શિષ્યએ પૂછ્યું, ‘ગુરુજી, જ્ઞાન–માન-સ્થાનનો સન્માન સાથે શું સંબંધ?’ ગુરુજીએ કહ્યું, ‘ઘણો ઊંડો સંબંધ છે. તમે મને કહો, કોઈ શેઠ પાસે ઘણા પૈસા હોય પણ જ્ઞાન ન હોય તો તેને ઘડી બે ઘડી બધા સલામ કરે કે તે દાન કરે ત્યારે થોડું માન મળે, પણ પાછળથી બધા અંગૂઠાછાપ કહી ઠેકડી ઉડાડે બરાબર...?’ શિષ્યોએ હા પાડી. ગુરુજીએ આગળ પૂછ્યું, ‘કોઈ અતિ જ્ઞાની વિદ્વાન હોય કે પ્રતિભાસંપન્ન કલાકાર હોય કે એક રમતવીર, તો બધા માન આપે પણ જો તેનામાં નમ્રતા ન હોય, બધાનું અપમાન કરે, તોછડાઈભર્યું વર્તન કરે તો કોઈ તેની બહુ નજીક ન જાય અને સાચું સન્માન ન મળે, બરાબર...’ શિષ્યો એક ચિત્તે ગુરુજીની વાત સાંભળી રહ્યા હતા. ગુરુજી બોલ્યા, ‘કોઈ મોટા પદ પર યોગ્યતા વિના લાગવગથી કે સગાંવાદને લીધે જે અફસર બની ગયો હોય તેનું પણ માન ન જળવાય અને તેનામાં યોગ્યતા ન હોવાથી તેની હાથ નીચેના પણ તેની ઠેકડી ઉડાડે, જ્ઞાન–માન-સ્થાનનો સમન્વય થાય ત્યારે જ સાચું સન્માન મળે.’

આ પણ વાંચો: શું તમારે જાદુ કરતા શીખવું છે?

શિષ્યએ પૂછ્યું, ‘ગુરુજી હવે પ્રશ્ન થાય છે કે સાચું સન્માન મેળવવા માટે આ જ્ઞાન–માન-સ્થાન કઈ રીતે મેળવીએ તો યોગ્ય કહેવાય, જે સાચા સન્માનના હકદાર બને.?’ ગુરુજીએ કહ્યું, ‘વત્સ સૌથી પહેલાં જ્ઞાન, સાચી શ્રદ્ધા હોય તો જ મળે. જો તમને મારામાં પૂર્ણ શ્રદ્ધા હશે ત્યારે જ તમને જ્ઞાન મળશે. માન મેળવવું હોય તો ભારોભાર નમ્રતા જોઈએ. તમે ગમે તેટલા જ્ઞાની હશો, કલાકાર કે રમતવીર હશો, પણ નમ્ર નહીં હો તો માન નહીં મળે. અને કોઈ પણ સ્થાન પર પહોંચવા માટે તમારામાં તે સ્થાન માટે જરૂરી દરેક પ્રકારની યોગ્યતા જોઈએ. જો યોગ્ય યોગ્યતા હશે તો સ્થાન તમને મળશે અને તમે તે શોભાવી શકશો. શ્રદ્ધાથી મેળવેલું જ્ઞાન, નમ્રતાથી શોભતું માન અને યોગ્યતાસભર સ્થાન - આ ત્રણે મળે તો વ્યક્તિને દરેક જગ્યાએ સાચું સન્માન મળે.’ ગુરુજીએ શિષ્યોને જીવનભર યાદ રાખવા જેવી સુંદર વાત સમજાવી.

columnists gujarati mid-day