ભલભલા રોગ પણ આ દાદીના વિલ પાવરને નબળો પાડી નથી શક્યા

23 November, 2022 09:43 AM IST  |  Mumbai | Jigisha Jain

ઘાટકોપરમાં રહેતાં ૮૯ વર્ષનાં હેમલતાબહેન પરમારને અલ્ઝાઇમર્સ અને કૅન્સર છે. ડૉક્ટરોએ ૬ મહિના પહેલાં કહી દીધું કે તેમની પાસે ૩ મહિના જેવો માંડ સમય છે, પરંતુ પોતાના મજબૂત મનોબળથી તેઓ ફક્ત જીવી નથી રહ્યાં, જીવનને માણી પણ રહ્યાં છે

ઘાટકોપરમાં રહેતાં ૮૯ વર્ષનાં હેમલતાબહેન પરમાર

૮૯ વર્ષની ઉંમર સુધી જેમને નખમાંય રોગ નથી એવાં ઘાટકોપરમાં રહેતાં હેમલતાબહેન નાનજીભાઈ પરમારને આશરે ૬ મહિના પહેલાં કિડનીના કૅન્સરનું નિદાન થયું છે. નિદાન થયું ત્યારે ડૉક્ટરે કહેલું કે ૩ મહિનાથી વધુ સમય નથી તેમની પાસે, પરંતુ મેડિકલ સાયન્સ ક્યારેય વ્યક્તિની જિજીવિષાનો માપદંડ નથી કાઢી શકતું. ફિઝિકલી કૅન્સરની અસર એવી હતી કે હેમલતાબહેન કદાચ લાંબું ન જીવી શકત, પરંતુ તેમને જીવવું હતું અને એ પણ જિંદગીને પૂરી રીતે માણીને. એને કારણે જ મૃત્યુના કોઈ પણ જાતના ડર વગર આજે હેમલતાબહેન ભગવાને આપેલું જીવન પૂરી રીતે જીવી રહ્યાં છે. 

હેમલતાબહેનને અલ્ઝાઇમર્સ છે જે એના સેકન્ડ સ્ટેજ સુધી પહોંચી ગયું છે. જૂન મહિનામાં તેમના કૅન્સરનું નિદાન આવ્યું ત્યારે ઘરના લોકો ખાસ્સા ગભરાઈ ગયેલા. એ વિશે વાત કરતાં તેમના દીકરા રાજેશભાઈ કહે છે, ‘એ દિવસે મારો જન્મદિવસ હતો અને અમને આ ખબર પડી. અમારા ઘર-પરિવારમાં મમ્મીનો પડ્યો બોલ ઝીલવાની બધાને આદત છે એમ કહી શકાય. મારા પિતાજીના મૃત્યુને બે વર્ષ થયાં એ પછી પણ તેમણે હિંમત રાખી. તેમને ક્યારેય કોઈ બીમારી નથી આવી કે તેમણે હૉસ્પિટલમાં એને કારણે દાખલ થવું નથી પડ્યું. એ માટે બધા ખૂબ દુખી થઈ ગયેલા.’

હેમલતાબહેન પણ બે દિવસ સાવ મૂંગાં થઈ ગયેલાં જાણે આવનારા સમય માટે પોતાને તૈયાર કરતાં હોય. ત્રીજા દિવસે બેક ટુ નૉર્મલ થઈને તેમણે કહ્યું કે ‘હું મરીશ તો એક જ વાર. દરરોજ નહીં. મૃત્યુની પણ કાંઈ રાહ જોવાની હોય? એ આવે એ પહેલાં જીવી લેવાનું હોય.’ હેમલતાબહેનના આ શબ્દો ફક્ત શબ્દો નહોતા. એક પ્રતિબદ્ધતા હતી તેમના મનમાં. મોટી ઉંમરે સર્જરી, રેડિયેશન અને કીમો થેરપી ટાળવાની સલાહ ડૉક્ટરે તેમને આપી. તેમનો ઘરે ઓરલ મેડિસિન દ્વારા જ ઇલાજ ચાલે છે. જેનાથી તેમને ઘણો ફરક છે. તબિયત ઠીક રહે છે. 

કૅન્સરનું નિદાન થયું એ પહેલાંના અઠવાડિયે તેઓ ઇમેજિકા જઈને લગભગ દરેક રાઇડમાં બેઠેલાં. તેમની ઉંમર જોઈને ત્યાં લોકોએ ના પાડી કે નઈ બેસો પરંતુ તેમણે કીધું કે મને કાંઈ નહીં થાય, તું બેસવા દે. છેલ્લા ૬ મહિનામાં તેમનું એક જ ધ્યેય છે. મળાય એટલા લોકોને મળીએ અને થાય એટલી મજા કરી લઈએ. એ વિશે વાત કરતાં તેમની પૌત્રી પ્રિયા કહે છે, ‘દાદીને રેખા, ધર્મેન્દ્ર, ફિરોઝ ખાન ખૂબ ગમે. દાદીનું પોતાનું પ્લેલિસ્ટ છે. ‘શાયદ મેરી શાદી કા ખયાલ’ અને ‘ક્યા ખૂબ લગતી હો’ તેમનાં ફેવરિટ ગીતો. તેમની ઇચ્છાથી અમે લગભગ આખો પરિવાર થોડો સમય પહેલાં જ એક ગુજરાતી ફિલ્મ જોવા ગયેલા. તેમને પત્તાં રમવાનું ખૂબ ગમે એટલે રજાના દિવસે આખો પરિવાર ભેગો થઈને પત્તાં રમીએ.’

હેમલતાબહેનને ૪ દીકરા અને એક દીકરી છે. એટલા મોટા પરિવારમાં આજે પણ બાનો સિક્કો બોલે એવો તેમનો રૂબાબ. એ વિશે વાત કરતાં તેમનાં વહુ હર્ષાબહેન કહે છે, ‘આજે પણ પોતાના હાથનો ટેસ્ટ જ તેમને માફક આવે. તેમનાથી ન બને તો પણ અમુક વસ્તુઓ તેઓ ખુદ પોતાની નિગરાનીમાં જ બનાવડાવે, કારણ કે ખાવામાં કોઈ પણ જાતનું કૉમ્પ્રોમાઇઝ તેમને ગમે નહીં. મંચુરિયન અને ફ્રાઇડ રાઇસ હેમલતાબહેનને ખૂબ ભાવે. અત્યારે પણ અઠવાડિયામાં એક વાર તો એ એની ડિમાન્ડ ચોક્કસ કરે જ. 

બીમારી અને ઉંમર કાંઈ પણ હેમલતાબહેનની જિજીવિષા આગળ આડું નથી આવતું. તેઓ આજની તારીખે ઊન અને સોય લઈને પોતાની પૌત્રીનાં લગ્ન માટેનો રૂમાલ તૈયાર કરી રહ્યાં છે, કારણ કે તે જ્યારે પણ લગ્ન કરે ત્યારે એ રૂમાલના રૂપમાં તેનાં દાદીના આશીર્વાદ તેની સાથે રહી શકે. વહુ જીદ કરે તો તેના હાથમાં મેંદી પણ મૂકી દે. પોતાના પૌત્ર દેવ સાથે તેઓ બૉલથી રમે પણ છે. હેમલતાબહેન કહે છે, ‘મરવાનું તો એક દિવસ બધાએ છે. એની ચિંતા કરવાને બદલે છેલ્લા જેટલા દિવસ બચ્યા છે એને માણી લેવાની મારી તૈયારી છે. જતાં રહેવાનો સમય આવશે ત્યારે જતાં રહીશું. બાકી તો જે છે એને માણી લઈએ.’

columnists Jigisha Jain ghatkopar cancer