ટૅરિફની તાણમાં બજાર ૭૩૩ પૉઇન્ટ તૂટીને છેવટે ૭૯ પૉઇન્ટ સુધારામાં

09 August, 2025 06:44 AM IST  |  Mumbai | Anil Patel

દોઢ લાખ ભણીની દોટમાં પાકિસ્તાની શૅરબજાર ૧.૪૬ લાખ વટાવી નવી ટોચે : ખરાબ બજારમાં NSDL ૧૧૨૩ના શિખરે જઈ ૧૮૭ રૂપિયા ઊછળી ત્યાં જ બંધ

પ્રતીકાત્મક તસવીર

દોઢ લાખ ભણીની દોટમાં પાકિસ્તાની શૅરબજાર ૧.૪૬ લાખ વટાવી નવી ટોચે : ખરાબ બજારમાં NSDL ૧૧૨૩ના શિખરે જઈ ૧૮૭ રૂપિયા ઊછળી ત્યાં જ બંધ : HDB ફાઇનૅન્સ બૅક-ટુ-બૅક નવા નીચા તળિયે જઈ પોણાબે ટકા અપ : અદાણીના ફ્લૅગશિપ શૅર ડૂલ, અદાણી એન્ટરપ્રાઇઝિસ સવાબે ટકા ખરડાયો, અદાણી પોર્ટ્‍સ દોઢ ટકો ગગડીને ટૉપ લૂઝર બન્યો : નફો ૮૦ ટકા ડાઉન થતાં પ્રિન્સ પાઇપ્સ ૮.૫ ટકા ગગડી : પરિણામ પાછળ ડેટામેટિક્સ અને ફોર્ટિસ હેલ્થકૅર ઑલટાઇમ હાઈ : પરિણામની પૂર્વસંધ્યાએ તાતા મોટર્સમાં નબળાઈ, સ્ટેટ બૅન્ક ફ્લૅટ : એડીસી ઇન્ડિયા ઓપન ઑફર જાહેર થતાં ૨૦ ટકા ઊછળી : ગૉડફ્રે ફિલિપ્સ નવી ટૉપ બનાવી ૮૫૫ રૂપિયા બગડી

બોલ્યું પાળી બતાવવાના મૂડમાં ટ્રમ્પે રશિયન કનેક્શન બદલ ૨૫ ટકાની પેનલ્ટી કે સેકન્ડરી ટૅરિફ ઝીંકી દીધી છે. આને પગલે ભારત પરની ટૅરિફ વધીને ૫૦ ટકા થાય છે, જેમાંથી પ્રથમ હપ્તે ૨૫ ટકાની ટૅરિફ ૭ ઑગસ્ટથી અમલી બની ચૂકી છે. બાકીની ૨૫ ટકા ૨૭ ઑગસ્ટથી લાગુ પડશે. જેકોઈ વિગત બહાર આવી છે એ પ્રમાણે ટેક્સટાઇલ, ઑર્ગેનિક કેમિકલ્સ, લેધર, ગાર્મેન્ટ્સ, કાર્પેટ, શ્રીમ્પ્સ, જેમ જ્વેલરી અને ડાયમન્ડ, મશીનરી તેમ જ મેકૅનિકલ અપ્લાયન્સિસ પર ૫૦ ટકાથી લઈને ૬૫ ટકા સુધી ડ્યુટીનો બોજ પડશે. સ્ટીલ તથા ઍલ્યુમિનિયમ ઉપર તો પહેલેથી ૫૦ ટકા જકાત છે જ. ફાર્મા હાલમાં બાકાત છે, પરંતુ એના પર ક્રમશઃ ૨૫૦ ટકા ટૅરિફ નાખવાની તૈયારી ટ્રમ્પે શરૂ કરી દીધી છે. અમેરિકાની કુલ આયાતમાં ભારતનો ફાળો ત્રણ ટકા જેવો કહેવાય છે. જો આ સાચું હોય તો ભારત પર ટૅરિફના પગલે અમેરિકન ઇકૉનૉમીની હાલત બગડવાની, ત્યાં મોંઘવારી વધી જવાની વાતો જે સરકારના માનીતા ચેનલિયા પત્રકારો-ઍન્કરો કરે છે એ સાવ વાહિયાત છે. અને માનો કે ટૅરિફથી અમેરિકામાં મોંઘવારી-બેકારી વધશે, અર્થતંત્ર ખાડે જશે તો એની ફિકર તમે શા માટે કરો છો? તમે તમારું વિચારોને, અમેરિકાનું જે થવાનું હશે એ થશે, ભારતનું શું થશે? આપણી નિકાસમાં અમેરિકા મોખરે છે. ૫૦ ટકાની ટૅરિફ તમારી મતલબ કે ભારતની નિકાસનો ખો કાઢી નાખશે. નિકાસમાગના સંકોચનથી અહીં વેપારધંધા મંદ પડશે. બેકારી વધશે. નિકાસ-કમાણી ઘટતાં રૂપિયો નવાં નીચાં તળિયાં બનાવશે. વેપારખાધ વધશે. લઘુ મધ્યમ કદના એકમોની હાલત કફોડી બનશે. બૅન્કોની બૅડ લોન અને NPA વધશે. આવી રીતે  તો ટ્રમ્પના વિજય માટે ભારતમાં કરાયેલાં હોમહવન અને પૂજાપાઠ સાવ એળે ગયાં છે. MAGA + MIGA = MEGA અર્થાત્ ‘માગા-મિગા’નાં નરેન્દ્ર મોદીએ લલકારેલાં જોડકણાં તથા ટ્રમ્પને ભેટવાના અને ગળે પડવાના જાહેરમાં કરેલા ચાળા સાવ બેકાર નીવડ્યા છે.

સેન્સેક્સ ગુરુવારે આગલા બંધથી ૨૮૧ પૉઇન્ટ નરમ, ૮૦૨૬૩ ખૂલી ૭૯ પૉઇન્ટના સુધારામાં ૮૦૬૨૩ તથા નિફ્ટી ૨૨ પૉઇન્ટ વધીને ૨૪૫૯૬ બંધ થયો છે. આરંભથી અંત સુધી બહુધા નેગેટિવ ઝોનમાં રહેલા બજારમાં શૅરઆંક નીચામાં  ૭૯૮૧૧ તથા ઉપર ૮૦૭૩૭ થયો હતો. નરમ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૪૨૪ શૅર સામે ૧૫૫૪ જાતો નરમ હતી. માર્કેટકૅપ ૩૪૦૦૦ કરોડ વધી ૪૪૫.૪૯ લાખ કરોડ રૂપિયા રહી છે. પાકિસ્તાન શૅરબજાર ૧૪૬૦૮૧ની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી રનિંગમાં ૧૪૫૯૪૩ દેખાતું હતું. બજાર ગઈ કાલે સુધર્યું છે એ સુધારો હકીકતમાં ઘણો આભાસી છે. વાંધો નહીં, આગળ ઉપર વધુ ખરાબી ટૂંકમાં આવશે એ નક્કી છે.

પ્રથમ દિવસે JSW સિમેન્ટ ૩૦ ટકા ભરાયો, પ્રીમિયમ ગગડ્યું

મેઇન બોર્ડમાં JSW સિમેન્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૭ના ભાવનો કુલ ૩૬૦૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે પ્રથમ દિવસે કુલ ૩૦ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ગગડીને ૪ બોલાય છે. જ્યારે પ્લાસ્ટિક્સની ઘરવખરી વેચતી વડાલાની ઑલટાઇમ પ્લાસ્ટિક્સનો બેના શૅરદીઠ ૨૭૫ રૂપિયાની મારફાડ અપરબૅન્ડ સાથે ૪૦૦ કરોડ પ્લસનો IPO પ્રથમ દિવસે કુલ ૩૭ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૨૫ ચાલુ થયું છે. ઇન્દોરની હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાંચના શૅરદીઠ ૭૦ના ભાવનો ૧૩૦ કરોડનો ઇશ્યુ આખરી દિવસે કુલ ૩૧૬ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પ્રીમિયમ ઘટીને ૩૬ ચાલે છે.

SME સેગમેન્ટમાં ગઈ કાલે મધ્ય પ્રદેશના ધાર ખાતેની સાવલિયા ફૂડ્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૦ની અપર બૅન્ડ સાથે ૩૪૮૩ કરોડનો NSE SME IPO પ્રથમ દિવસે કુલ ૧.૬ ગણો તથા અમદાવાદના દસ્ક્રોઈ ખાતેની કૉનપ્લેક્સ સિનેમાઝનો ૧૦ના શૅરદીઠ ૧૭૭ની અપર બૅન્ડ સાથે ૯૦૨૭ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૭૭ ટકા ભરાયો છે. કૉનપ્લેક્સ દ્વારા ગયા વર્ષે ૫૯ ટકાના વધારામાં ૯૬૭૮ લાખની આવક પર ૩૬૫ ટકાના વૃદ્ધિદરથી ૧૯૦૧ લાખનો નેટ પ્રૉફિટ બતાવી દેવાયો છે એ હજમ થાય એવો નથી. ગ્રેમાર્કેટ ખાતે ૩૦થી શરૂ થયેલું પ્રીમિયમ સુધરીને હાલમાં ૩૧ રૂપિયા બોલાય છે. આજે શુક્રવારે ત્રણ SME ભરણાં ખૂલવાનાં છે. રાજકોટની ANB મેટલકાસ્ટ ૧૦ના શૅરદીઠ ૧૫૬ની અપર બૅન્ડમાં ૪૯૯૨ લાખનો, અમદાવાદના નારોલ ખાતેની મેડીસ્ટેપ હેલ્થકૅર ૧૦ના શૅરદીઠ ૪૩ના ભાવથી ૧૬૧૦ લાખનો તેમ જ નવી દિલ્હી ખાતેની સ્ટાર ઇમેજિંગ ઍન્ડ પૅથ લૅબ ૧૦ના શૅરદીઠ ૧૪૨ના ભાવથી ૬૯૪૭ લાખનો SME ઇશ્યુ કરશે. હાલ મેડીસ્ટેપમાં ૧૨ રૂપિયા, સ્ટાર ઇમેજિંગમાં ઝીરો તથા ANB મેટલ કાસ્ટમાં ઝીરો પ્રીમિયમ બોલાય છે.

હીરો મોટોકૉર્પ પરિણામ પાછળ નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર બન્યો

ઝોમાટો ફેમ એટર્નલમાં ચાઇનીઝ અલીબાબાની એન્ટફીન તરફથી ૧૮.૮ ટકાનું સમગ્ર હોલ્ડિંગ બ્લૉકડીલ મારફત વેચી ૫૩૭૫ કરોડ ઘરભેગા કરવાનું નક્કી થયું છે. જેના ભાગરૂપ શૅરદીઠ ૨૮૫ની ફ્લોર પ્રાઇસથી ગઈ કાલે એક્ઝિટ લેવાઈ છે. એટર્નલનો શૅર નીચામાં ૨૯૦ થઈ છેવટે એક ટકો વધીને ૩૦૨ બંધ થયો છે. હીરો મોટોકૉર્પ સાડાપાંચ ટકાના ઘટાડામાં ૯૫૭૯ કરોડની આવક પર ફ્લૅટ વૃદ્ધિદરમાં ૧૧૨૬ કરોડ નેટ નફો કર્યો છે, જે ૧૦૫૪ કરોડની એકંદર અપેક્ષા કરતાં વધુ છે. શૅર ગઈ કાલે ૪.૧ ટકા કે ૧૮૫ રૂપિયા વધી ૪૬૫૯ હતો. તાતાની ટ્રેન્ટ દ્વારા આવકમાં ૨૦ ટકાના વધારા સામે ૨૪ ટકાના વધારામાં ૪૨૩ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર ગઈ કાલે એક ટકો ઘટીને ૫૩૦૨ બંધ આવ્યો છે. સ્ટેટ બૅન્ક પરિણામની પૂર્વસંધ્યાએ ૮૦૫ના લેવલે ફ્લૅટ રહી છે.

તાતા મોટર્સનાં રિઝલ્ટ આજે છે. શૅર ગઈ કાલે નીચામાં ૬૩૬ બતાવી ૦.૯ ટકા ઘટીને ૬૪૭ બંધ આવ્યો છે. અદાણી પોર્ટ્સ દોઢ ટકો, અદાણી એન્ટરપ્રાઇઝિસ સવાબે ટકા, હિન્દુસ્તાન યુનિલીવર અડધો ટકો, મહિન્દ્ર અડધો ટકો, અપોલો હૉસ્પિટલ નહીંવત્, શ્રીરામ ફાઇનૅન્સ અડધો ટકો, ભારત ઇલેક્ટ્રિક અડધો ટકો, ગ્રાસિમ પોણો ટકો, NTPC પોણો ટકો, કોટક બૅન્ક અડધો ટકો, બજાજ ફીનસર્વ નજીવી ડાઉન હતી. રિલાયન્સ નીચામાં ૧૩૬૬ થઈ નહીંવત્ ઘટી ૧૩૯૧ રહી છે. જિયો ફાઇનૅન્શિયલ ૦.૪ ટકાની નરમાઈમાં ૩૨૫ થઈ છે. ICICI બૅન્ક ૦.૩ ટકા, DCB બૅન્ક એક ટકો અને સેન્ટ્રલ બૅન્ક એક ટકો ઘટી છે. ઇન્ફોસિસ ૧૪૧૪ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ નજીવી વધી ૧૪૩૮ હતી. TCS અડધો ટકો સુધરી ૩૦૪૭ રહી છે. નેસ્લે શૅરદીઠ એક બોનસમાં આજે એક્સ-બોનસ થશે. ભાવ ગઈ કાલે નજીવો વધી ૨૨૩૫ બંધ રહ્યો છે. અદાણીના અન્ય શૅર લાલ થયા. અદાણી ગ્રીન ૨.૨ ટકા, ACC ૦.૯ ટકા, NDTV ૨.૨ ટકા, PSP પ્રોજેક્ટ્સ ૧.૯ ટકા માઇનસ થઈ છે.

કૅશ યૉર ડ્રાઇવ માર્કેટિંગનું નબળું અને રેનોલનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ

ચેન્નઈની કૅશ યૉર ડ્રાઇવ માર્કેટિંગ ૧૦ના શૅરદીઠ ૧૩૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૩૪ના પ્રીમિયમ સામે ૧૫૫ ખૂલી ૧૬૦ બંધ થતાં ૨૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જ્યારે રાજકોટની રેનોલ પૉલિકેમ ૧૦ના શૅરદીઠ ૧૦૫ની ઇશ્યુ પ્રાઇસ અને ૩ના પ્રીમિયમ સામે ૧૦૫ ખૂલી ૯૯.૭૫ બંધ રહેતાં એમાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ  છે. શુક્રવારે ફ્લાય એસબીએસ એવિયેશનનું લિસ્ટિંગ છે. ૧૦ના શૅરદીઠ ૨૨૫ની ઇશ્યુ પ્રાઇસવાળા ૧૦૨૫૩ લાખના આ SME ઇશ્યુની સારી ફૅન્સી હતી. ભરણું ૩૧૮ ગણાથી વધુ છલકાયું હતું. ગ્રેમાર્કેટમાં હાલમાં ૨૪૦નું પ્રીમિયમ બોલાય છે. સબ્જેક્ટ-ટૂમાં ૧૦૯૪૦૦ના રેટ છે.

દરમ્યાન બુધવારે ૧૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન આપનારી NSDL ગઈ કાલે ૨૦ ટકા ઊછળી ૧૧૨૩ બંધ થઈ છે. શ્રી લોટસ ડેવલપર્સ અડધો ટકો વધી ૧૯૮ તથા એમઍન્ડબી એન્જિનિયરિંગ બે ટકા વધીને ૪૧૭ હતી. શૅરદીઠ ૭૪૦ની ઇશ્યુ પ્રાઇસવાળી HDB ફાઇનૅન્શિયલ બુધવારે બિલોપાર, ૭૩૩ના તળિયે જઈ નજીવા ઘટાડે ૭૩૮ બંધ થયા પછી ગઈ કાલે ૭૩૨ની નવી વર્સ્ટ બૉટમ દેખાડી ૧.૮ ટકા વધીને ૭૫૧ રહી છે.

BSE લિમિટેડ પરિણામ પૂર્વે સવાબે ટકા વધીને બંધ

રેઇન ઇન્ડસ્ટ્રીઝે ૪૪૮૬ લાખની ચોખ્ખી ખોટ સામે આ વખતે ૮૨૯૯ લાખ નેટ પ્રૉફિટ કરતાં શૅર ૪૦ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૬૮ થઈ ૭.૪ ટકાની મજબૂતીમાં ૧૬૩ થયો છે. સરકારની ૯૦ ટકા માલિકીની સતત ખોટ કરતી કંપની આઇટીઆઇ લિમિટેડ ૧૩ ગણા કામકાજે ઉપરમાં ૩૨૫ બતાવી ૭ ટકાના જમ્પમાં ૩૨૦ હતી. કિર્લોસ્કર બ્રધર્સ ૧૯૯૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૪.૫ ટકા કે ૮૫ રૂપિયા વધી ૮૭૨ હતી. ફ્યુઝન ફાઇનૅન્સ એક ટકો વધી હતી, પણ એનો પાર્ટપેઇડ શૅર અઢી ટકા ગગડીને ૯૧ થયો છે. સળંગ બે દિવસ ૧૦-૧૦ ટકાની ઉપલી સર્કિટ મારનાર ગૉડફ્રે ફિલિપ્સ ગઈ કાલે ૧૧૪૫૦ના નવા શિખરે જઈ પ્રૉફિટ બુકિંગમાં ૭.૯ ટકા કે ૮૫૫ રૂપિયા ગગડી ૧૦૦૦૩ બંધ આવી છે.

એડીસી ઇન્ડિયામાં ૭૨ ટકા હોલ્ડિંગ ધરાવતી વિદેશી પેરન્ટ્સ દ્વારા શૅરદીઠ ૧૧૮૦ના ભાવે ઓપન ઑફર જાહેર થઈ છે. શૅર ગઈ કાલે ૨૭ ગણા કમકાજે ઉપરમાં ૧૪૩૨ બનાવી ૧૫.૪ ટકા કે ૧૮૪ રૂપિયાના ઉછાળે ૧૩૭૮ બંધ થયો છે. પરિણામ પાછળ આગલા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં બંધ રહેલી સંદેશ લિમિટેડ ગઈ કાલે ૪.૨ ટકા ઘટી ૧૩૩૦ રહી છે. ૬૩ મૂન્સનાં રિઝલ્ટ ૧૨મીએ છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૯૬૨ વટાવી નીચામાં ૯૨૧ થઈ સામાન્ય સુધારે ૯૪૬ રહ્યો છે. બાયર ક્રૉપ સાયન્સે ૧૦ ટકાના વધારામાં ૨૭૯ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે, પણ શૅર નીચામાં ૫૬૧૫ થઈ પાંચ ટકા કે ૩૦૯ રૂપિયા બગડી ૫૭૦૦ બંધ થયો છે.

BSE લિમિટેડ પરિણામ પૂર્વે ઉપરમાં ૨૪૫૪ થઈ સવાબે ટકા વધીને ૨૪૪૨ બંધ આવ્યો છે. CDSL સવા ટકાની મજબૂતીમાં ૧૫૬૪ હતી. બજાજ ઇલેક્ટ્રિકલ્સે પોણાઆઠ ટકાના ઘટાડામાં ૧૦૬૫ કરોડની આવક પર ૯૬.૮ ટકાના ધોવાણમાં ૯૧ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. પરિણામ પૂર્વે શૅર અઢી ટકા વધીને ૬૧૧ બંધ થયો હતો. આજે ભાવ ખરડાશે.

ભેલની નેટ લૉસ ૧૧૫ ટકા વધી, શૅર પાંચ ટકા બગડ્યો

સરકારી કંપની ઇરકોન ઇન્ટરનૅશનલે આવકમાં ૨૨ ટકા ઘટાડા સાથે ૨૭ ટકા ઘટાડામાં ૧૬૪ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ગઈ કાલે ૨.૪ ટકા ઘટી ૧૬૮ હતો. સુલા વાઇનયાર્ડની આવક સવાનવ ટકા ઘટી છે, પણ નેટ નફો ૮૭ ટકા ગગડી ૧૯૪ લાખ પર આવી ગયો છે. શૅર નીચામાં ૨૬૨ જઈને ૪.૯ ટકા ગગડી ૨૬૫ થયો છે. કિર્લોસ્કર ઑઇલ એન્જિનિયરિંગની આવક ૮ ટકા વધવા છતાં ૧૧ ટકાની પીછેહઠમાં ૧૪૨ કરોડ નજીક ચોખ્ખો નફો કર્યો છે. શૅર અડધો ટકો ઘટીને ૯૧૧ બંધ હતો. એમએમ ફોર્જિંગ્સે ૩૬ ટકાના ઘટાડામાં ૧૯૧૯ લાખ નેટ પ્રૉફિટ મેળવ્યો છે. શૅર ૭.૫ ટકા તૂટીને ૩૦૬ રહ્યો છે. GNFCની આવક ૨૦ ટકા ઘટી છે, સામે નેટ નફો ૩૦ ટકા ગગડીને ૮૩ કરોડ નોંધાયો છે. શૅર પોણાઆઠ ટકા લથડીને ૫૦૩ દેખાયો છે.

પ્રિન્સ પાઇપ્સની આવક ૪ ટકા ઘટી ૫૪૦ કરોડ થઈ છે, પરંતુ નેટ પ્રૉફિટ ૮૦ ટકા ધોવાઈને ૪૮૨ લાખ પર આવી ગયો છે. શૅર નીચામાં ૨૯૩ બતાવી ૮.૫ ટકા બગડી ૨૯૮ હતો. હુડકોએ ૩૪ ટકાના વધારામાં ૨૯૩૭ કરોડની આવક પર ૧૩ ટકા વધારામાં ૬૩૦ કરોડ નફો હાંસલ કર્યો છે. શૅર સામાન્ય ઘટાડામાં ૨૧૧ હતો. સરકારી કંપની ભેલ દ્વારા ૫૪૮૭ કરોડની ફ્લૅટ આવક દર્શાવાઈ છે, પરંતુ નેટ લૉસ ૨૧૧ કરોડથી તગડા વધારામાં ૪૫૫ કરોડને વટાવી ગઈ  છે. શૅર નીચામાં ૨૨૨ થઈ પાંચ ટકા ખરડાઈને ૨૨૮ રહ્યો છે.

ડેટામેટિકસ ગ્લોબલનો નફો પોણાસોળ ટકા વધી ૫૦ કરોડને વટાવી જતાં ભાવ ૧૧૨૦ના શિખરે જઈ ૨.૯ ટકાની આગેકૂચમાં ૧૦૮૦ થયો છે. ફોર્ટિસ હેલ્થકૅરનો નફો ૫૭ ટકા વધી ૨૬૦ કરોડ વટાવી જતાં શૅર ૯૦૫ નજીક વિક્રમી સપાટી નોંધાવી ૨.૮ ટકાની મજબૂતીમાં ૮૮૨ થયો છે.

નવનીત એજ્યુકેશને ૨૨૭ ટકાના વધારામાં ૧૫૭ કરોડ ત્રિમાસિક નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૧૫૫ વટાવી સવાપાંચ ટકા તૂટી ૧૪૨ અંદર હતો. જોકી ફેમ પેજ ઇન્ડ દ્વારા આવકમાં ત્રણ ટકા વધારા સામે ૨૧ ટકાના વધારામાં ૨૦૦ કરોડ ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૪૬૭૫૪ થયા બાદ સવા ટકો ઘટીને ૪૫૭૨૫ બંધ રહ્યો છે.  

share market stock market sensex Tarrif russia india united states of america nifty bombay stock exchange national stock exchange business news finance news pakistan