રિઝર્વ બૅન્કે રેપોરેટ યથાવત્ રાખ્યો, શૅરબજાર પ્રૉફિટ બુકિ‍ંગમાં ઉપલા મથાળેથી ૫૨૧ પૉઇન્ટ ડાઉન

09 June, 2023 02:50 PM IST  |  Mumbai | Anil Patel

તાતા ટેલિમાં ૧૪.૮ ટકાનો ઉછાળો, ઇન્ડિયન એનર્જી એક્સ. વધુ સવાઆઠ ટકા ગગડ્યો : માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી ખરાબી 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઇન્ટ્રા-ડેમાં એફએમસીજી, રિયલ્ટી, ઑટો, ફાઇનૅન્સ, સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેક્સ નવાં શિખર બનાવી છેલ્લે માઇનસમાં : કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક નવી સર્વોચ્ચ સપાટીએ બંધ, રેટ સેન્સિટિવ સેક્ટર પ્રૉફિટ બુકિંગમાં અડધાથી એક ટકો ઘટ્યો : ઇન્ફોલિઓન રિસર્ચમાં ૮૨ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૪૨ ટકાનો તગડો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો : અદાણીના ૧૦માંથી ૯ શૅર માઇનસ, અદાણી પાવર વધ્યો : મોનાર્ક નેટવર્થ તગડા વૉલ્યુમ સાથે સવાછ ટકા ઊંચકાયો, ડિફેન્સ ઑર્ડરના પગલે ઝેન ટેક્નૉ. નવી ટોચે ગયો : તાતા ટેલિમાં ૧૪.૮ ટકાનો ઉછાળો, ઇન્ડિયન એનર્જી એક્સ. વધુ સવાઆઠ ટકા ગગડ્યો : માર્કેટ બ્રેડ્થમાં ખાસ્સી ખરાબી 

રિઝર્વ બૅન્કે ધારણા મુજબ રેપોરેટ સાડાછ ટકાએ જાળવી રાખ્યો છે. મતલબ કે વ્યાજદરમાં ઘટાડા માટે હજી થોડીક રાહ જોવી પડશે. આની સાથે-સાથે ૨૦૨૩-’૨૪ના વર્ષે સાડાછ ટકાના જીડીપી ગ્રોથનું આકલન પણ એણે યથાવત્ રાખ્યું છે. રિઝર્વ બૅન્ક માને છે કે આ વખતે જૂન ક્વૉર્ટરનો આર્થિક વિકાસદર આઠ ટકા રહેશે, જે ક્રમશ: ઘટીને અંતિમ ચરણમાં ૫.૭ ટકાએ આવી જશે. સમગ્ર વર્ષ માટે ફુગાવાનો અંદાજ ૫.૨ ટકા હતો એ સહેજ ઘટાડીને હવે ૫.૧ ટકા કરાયો છે. બુધવારની મોડી રાત્રે અમેરિકન ડાઉમાં ૯૨ પૉઇન્ટ જેવા સામાન્ય સુધારા સામે નૅસ્ડૅક સવા ટકાથી વધુ ઘટીને બંધ આવવા છતાં ગુરુવારે મોટા ભાગનાં એશિયન બજારો પ્લસમાં રહ્યાં છે. થાઇલૅન્ડ પોણાબે ટકાની નજીક, ઇન્ડોનેશિયા પોણા ટકાની નજીક, ચાઇના અડધો ટકો, હૉન્ગકૉન્ગ અને સિંગાપોર સાધારણ વધ્યાં છે. સામે તાઇવાન એક ટકાથી વધુ અને જપાન પોણા ટકાથી વધુ માઇનસ હતું. સાઉથ કોરિયન કોસ્પી મામૂલી નરમ હતો. યુરોપ ફ્લૅટ ઓપનિંગ બાદ બહુધા ધીમો સુધારો રનિંગમાં બતાવતું હતું. બ્રેન્ટ ક્રૂડ ૭૬.૫૦ ડૉલર ઉપર રહ્યું છે. આયર્ન ઓરના ભાવ પોણાબે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. 

ઘરઆંગણે સેન્સેક્સ પૉઝિટિવ બાયસમાં ફ્લૅટ ખૂલી ઉપરમાં ૬૩,૩૨૧ બતાવી ધિરાણ નીતિની જાહેરાત બાદ ઘટવા માંડ્યો હતો. શૅરઆંક નીચામાં ૬૨,૭૯૦ની અંદર જઈ છેવટે ૨૯૪ પૉઇન્ટની પીછેહઠમાં ૬૨,૮૪૯ નજીક બંધ આવ્યો છે. નિફ્ટી ૯૨ પૉઇન્ટ બગડીને ૧૮,૬૩૪ થયો છે. રોકડું અને બ્રૉડર માર્કેટ પણ ઠીક-ઠીક પ્રૉફિટ બુકિંગમાં રહેતાં માર્કેટ બ્રેડ્થ ખાસ્સી નબળી પડી છે. એનએસઈ ખાતે વધેલા ૬૭૬ શૅર સામે બમણાં ૧૩૯૫ કાઉન્ટર ઘટ્યાં છે. જૂજ અપવાદ સિવાય તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં ગયાં છે. એનએસઈ ખાતે એકમાત્ર નિફ્ટી મેટલ નહીંવત્ સુધર્યો છે, બાકી બધું લાલ થયું છે. રેટ સેન્સિટિવ સેગમેન્ટમાં રિયલ્ટી ઇન્ડેક્સ દોઢ ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તથા કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી ઇન્ડેક્સ અડધાથી પોણો ટકો, એફએમસીજી ઇન્ડેક્સ ૦.૮ ટકા, ઑટો બેન્ચમાર્ક એક ટકો, બૅન્ક નિફ્ટી અડધા ટકાથી વધુ, ફાઇનૅન્સ ઇન્ડેક્સ અડધો ટકો કટ થયા છે. પાવર અને યુટિલિટીઝ ઇન્ડેક્સ પોણા ટકાની આસપાસ પ્લસ હતા. આઇટી અને ટેલિકૉમ એકાદ ટકો માઇનસ થયા છે.

ઇન્ટ્રા-ડેમાં એફએમસીજી ઇન્ડેક્સ, ઑટો ઇન્ડેક્સ, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ, રિયલ્ટી ઇન્ડેક્સ, સ્મૉલ કૅપ ઇન્ડેક્સ, મિડ કૅપ બેન્ચમાર્ક નવાં બેસ્ટ લેવલે ગયાં હતાં. ફાઇનૅન્સ ઇન્ડેક્સ પણ આજ પંગતમાં હતો. જોકે છેલ્લે તમામ બેન્ચમાર્ક ઘટીને બંધ થયા છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ અપવાદ તરીકે ૦.૪ ટકા કે ૧૬૬ પૉઇન્ટની આગેકૂચમાં ૩૮,૯૬૪ના નવા શિખરે બંધ થયો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ એકાદ ટકો ઢીલો થયો છે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ દોઢ ટકો નરમ હતો. 

એનટીપીસી નવા બેસ્ટ લેવલ સાથે બન્ને બજારમાં બેસ્ટ પર્ફોર્મર બન્યો

સેન્સેક્સના ૩૦માંથી ૨૪ અને નિફ્ટીના ૫૦માંથી ૩૮ શૅર ગઈ કાલે ઘટ્યા છે. એનટીપીસી ૧૮૪ના શિખરે જઈ અઢી ટકાની તેજીમાં ૧૮૨ ઉપર બંધ આપી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. આ ઉપરાંત લાર્સન એક ટકાથી વધુ, પાવરગ્રીડ એક ટકો, જેએસડબ્લ્યુ સ્ટીલ અઢી ટકા, ઓએનજીસી દોઢ ટકા પ્લસ હતા. રિલાયન્સ નામજોગ સવાબે રૂપિયાના પરચૂરણ સુધારે ૨૫૦૦ નજીક પહોંચ્યો છે. એચડીએફસી ટ્વિન્સ નહીંવત્ સુધારે બંધ હતા. સામે કોટક બૅન્ક ૨.૭ ટકા બગડીને ૧૮૮૬ના બંધમાં સેન્સેક્સ ખાતે તો ગ્રાસિમ સવાત્રણ ટકા તૂટી ૧૭૧૨ નજીકના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર થયા છે. અન્યમાં સનફાર્મા ૨.૭ ટકા, ટેક મહિન્દ્ર બે ટકા, મહિન્દ્ર પોણાબે ટકા, તાતા મોટર્સ તથા ઍક્સિસ બૅન્ક દોઢેક ટકો, હિન્દુ. યુનિલીવર ૧.૩ ટકા, ટીસીએસ ૧.૨ ટકા, અપોલો હૉસ્પિટલ્સ બે ટકા, તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ તથા ભારત પેટ્રોલિયમ ૧.૯ ટકા, આઇશર ૧.૯ ટકા, ડિવીઝ લૅબ સવા ટકો ઘટ્યા છે. કોલ ઇન્ડિયા, હિન્દાલ્કો, ટાઇટન, બજાજ ફાઇ., અદાણી પોર્ટ્સ, ભારતી ઍરટેલ, નેસ્લે એક ટકાની આસપાસ ઢીલા હતા. 

અદાણી ગ્રુપના ૧૦માંથી એક શૅર સુધર્યો છે. અદાણી પાવર દોઢ ટકા વધી ૨૭૯ હતો. સામે એનડીટીવી બે ટકાથી વધુ, એસીસી તથા અંબુજા સિમેન્ટ એક ટકાની આસપાસ, અદાણી ટોટલ સવા ટકાથી વધુ, અદાણી વિલ્મર એક ટકો, અદાણી ટ્રાન્સમિશન્સ અને અદાણી મરીન એક ટકાની નજીક, જ્યારે અદાણી એન્ટર. અડધા ટકા જેવો માઇનસ થયો છે. અદાણીનું બગલબચ્ચું મોનાર્ક નેટવર્થ ૧૫ ગણા વૉલ્યુમે સવાછ ટકાના ઉછાળે ૨૨૬ વટાવી ગઈ છે. ક્વિન્ટ ડિજિટલ અડધો ટકો નરમ હતી. બાય ધ વે, પતંજલિ ફૂડ્સ પોણો ટકો ઘટીને ૧૦૨૭ની અંદર હતી. 

ટિપ્સ ફિલ્મ્સ જંગી વૉલ્યુમે ૧૯ ટકા ઊછળી, અમેરિકન કરારથી એથર ઇન્ડ.માં કરન્ટ 

એકંદર નબળા બજારમાં રોકડાની સિલેક્ટિવ જાતો લાઇમ લાઇટમાં રહી છે. ઓટિન લૅબ, એસ્સાર શિપિંગ તથા આમન્યા વેન્ચર્સ ૨૦-૨૦ ટકાની તેજીમાં બંધ હતા. ટિપ્સ ફિલ્મ્સ સરેરાશ ૧૨૨૭ શૅરની સામે ૧.૨૦ લાખ શૅરના જંગી કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૨૯ વટાવી ૧૯.૩ ટકા ઊછળીને ૫૨૬ થઈ છે. ઈકેઆઇ એનર્જી ઉપલી સર્કિટે ૬૧૦ થઈ ૧૮.૬ ટકાના જમ્પમાં ૬૦૩ હતી. ૩૦ મેએ અહીં ૩૫૫નું વર્સ્ટ બૉટમ બન્યું હતું. કેઆઇએફએસ ફાઇ. સર્વિસિસ ૧૮.૫ ટકા, ઇન્નોકેઝ ઇન્ડિયા ૧૫.૫ ટકા, વિલિયમસના મેજોર ૧૪ ટકા, ગીની સિલ્કમિલ્સ ૧૩.૭ ટકા મજબૂત થયાં છે. ‘એ’ ગ્રુપ ખાતે ઈકેઆઇ એનર્જી બાદ તાતા ટેલી ૧૪.૮ ટકાના જમ્પમાં ૭૮ ઉપર બંધ આપીને સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. કાર ટ્રેડ સવાઅગિયાર ટકા, યુરેકા ફૉર્બ્સ પોણાદસ ટકા, જેબીએમ ઑટો સાડાસાતેક ટકાની તેજીમાં હતા. ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ઘટાડાની ચાલમાં સવાઆઠ ટકા ગગડી ૧૩૬ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. 

સુરતની એથર ઇન્ડસ્ટ્રીઝ અમેરિકન કંપની સાથે કરાર થતાં ભાવ ઉપરમાં ૧૦૨૩ વટાવી અંતે ૫.૪ ટકાની મજબૂતીમાં ૯૮૦ બંધ આવ્યો છે. જેન ટેક્નૉ.ને ૨૦૨ કરોડનો ડિફેન્સ ઑર્ડર મળતાં શૅર ૪૫૩ના શિખરે જઈ સાડાચાર ટકા ઊંચકાઈ ૪૩૨ બંધ થયો છે. કામકાજ ત્રણગણા હતા. શૅરદીઠ ૮૨ના ભાવે એસએમઈ એસપીઓ IPO કરનારી સ્ટાફિંગ કંપની ઇન્ફોલિઓન રિસર્ચ ગઈ કાલે ૨૦૯ ખૂલી ઉપલી સર્કિટમાં ૨૧૮ થયા બાદ નીચલી સર્કિટમાં ૧૯૮ રૂપિયા બંધ રહેતાં અહીં ૧૪૨ ટકાનો કે શૅરદીઠ ૧૧૭ રૂપિયા નજીકનો જોરદાર લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. ભરણું ૨૭૯ ગણું છલકાયું હતું. 

બૅન્કિંગના ૩૭માંથી ૩૦ તેમ જ ફાઇનૅન્સના ૧૪૦માંથી ૧૦૬ શૅર ડાઉન

બૅન્ક નિફ્ટી ઉપરમાં ૪૪,૪૫૯ થયા બાદ નીચામાં ૪૩,૯૧૮ની અંદર જઈ ૨૮૦ પૉઇન્ટના ઘટાડે ૪૩,૯૯૫ બંધ રહ્યો છે. અત્રે ૧૨માંથી ૯ શૅર નરમ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી પણ ૧૨માંથી ૯ શૅરની નરમાઈમાં સાધારણ માઇનસ થયો છે. ઉદ્યોગના ૩૭માંથી ફક્ત ૭ શૅર વધ્યા છે. યસ બૅન્ક પોણાચાર ટકા, કરૂર વૈશ્ય બૅન્ક બે ટકા, પંજાબ સિંધ બૅન્ક ૧.૯ ટકા પ્લસ હતા. ઇક્વિટાસ બૅન્ક સાડાત્રણ ટકા, સૂર્યોદય બૅન્ક અને ફીનો પેમેન્ટ બૅન્ક દોઢ ટકા, ડીસીબી બૅન્ક ૩.૪ ટકા, સીએસબી બૅન્ક ત્રણ ટકા, કીટક બૅન્ક ૨.૭ ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૧.૯ ટકા, જેકે બૅન્ક અને બંધન બૅન્ક પોણાબે ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૪ ટકા બગડ્યા છે. બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ બરોડા, સ્ટેટ બૅન્ક, ફેડરલ બૅન્ક, એચડીએફસી બૅન્ક, સિટી યુનિયન બૅન્ક નામકે વાસ્તે વધ-ઘટે બંધ રહી છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ નવી ટોચે જઈ ૧૪૦માંથી ૧૦૬ શૅરના ઘટાડે અડધો ટકો નરમ હતો. બ્રોકરેજ હાઉસ બોફા તરફથી ૮૫૫ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુમાં પેટીએમ સવાછ ટકા ઊછળી ૭૭૨ વટાવી ગયો છે, જ્યારે પૉલિસી બાઝારમાં એણે ૬૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બેરિશ વ્યુ આપતાં શૅર ૨.૪ ટકા ઘટી ૬૨૮ થયો છે. આઇઆઇએફએલ સિક્યૉરિટીઝ ૫.૭ ટકા, એમસીએક્સ ૨.૬ ટકા, જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ અઢી ટકા મજબૂત હતા. પૈસા લો ડિજિટલ, ક્રેડિટ એક્સેસ, હુડકો, સાટિન ક્રેડિટ, અરમાન ફાઇ. ત્રણથી સવાચાર ટકા તૂટ્યા છે. 

હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૭૧ શૅરના ઘટાડે ૨૨૮ પૉઇન્ટ કે એક ટકો ડાઉન હતો. ઍલેમ્બિક ફાર્મા ૫.૬ ટકાના ઉછાળે ૫૯૨ થઈ છે. કૅપ્લિન પૉઇન્ટ ૪ ટકા વધી ૮૦૯ હતી. ન્યુલૅન્ડ ચાર ટકા ધોવાણ હતું. સનફાર્મા, અપોલો હૉસ્પિટલ્સ, ડિવીઝ લૅબ, લુપિન, ડૉ. રેડ્ડીઝ લૅબ, ગ્લેનમાર્ક, મેક્સ હેલ્થ, ઇપ્કા, એબોટ, સિન્જેન જેવા જાણીતાં કાઉન્ટર ગઈ કાલે માઇનસ ઝોનમાં ગયાં છે. 

ફ્રન્ટલાઇનની સાથે આઇટીમાં વ્યાપક નરમાઈ, આર. સિસ્ટમ્સ નવી ટોચે 

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૧૬ શૅરના સુધારા વચ્ચે ૦.૯ ટકા કે ૨૫૫ પૉઇન્ટ કટ થયો છે. ઇન્ફી અડધો ટકો, વિપ્રો પોણો ટકો, ટીસીએસ સવા ટકો, ટેક મહિન્દ્ર બે ટકા, લાટિમ ૧.૯ ટકા, એચસીએલ ટેક્નૉ નહીંવત્ નરમ હતા. તાતા ઍલેક્સી બે ટકા કે ૧૫૫ રૂપિયા વધી ૭૮૪૬ થયો છે. બ્રાઇટકોમ પાંચ ટકા અને મોસ્ચીપ સાડાપાંચ ટકા અપ હતા. માસ્ટેક, કન્ટ્રોલ પ્રિન્ટ, ઓરિઅન પ્રો, ન્યુજેન અને ન્યુકલીઅસ અઢીથી સાડાચાર ટકા બગડ્યા છે. આર. સિસ્ટમ્સ ૩૬૭ની ટૉપ બનાવી બે ટકા વધી ૩૫૭ હતો. ટેલિકૉમ ઇન્ડેક્સ એક ટકો કપાયો છે, પણ તાતા ટેલી ૧૪.૮ ટકા અને ઑપ્ટિમસ ૭.૪ ટકા ઊછળ્યા હતા. વોડાફોન ૪ ટકા, એમટીએનએલ ૩.૮ ટકા, રાઉટ મોબાઇલ ૩.૧ ટકા, ઇન્ડ્સ ટાવર ૨.૮ ટકા, વિન્દય ટેલી અઢી ટકા ટૂલ થયા છે. ટીવી-૧૮ અઢી ટકા, નેટવર્ક-૧૮ પોણાચાર ટકા, સનટીવી ૨.૪ ટકા, ઝી એન્ટર સવાબે ટકા બગડ્યા હતા. 

જેએસડબ્લ્યુ સ્ટીલ અઢી ટકા અને એપીએલ અપોલો બે ટકા પ્લસમાં રહેતાં મેટલ ઇન્ડેક્સ ૨૭ પૉઇન્ટ જેવો મામૂલી સુધર્યો છે. ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી, ગોદરેજ પ્રૉપર્ટીઝ, ઑબેરૉય રિયલ્ટી, બ્રિગેડ એન્ટર, શોભા લિ., મેક્રોટેક અને ડીએલએફ સવાથી સવાબે ટકા ઘટતાં રિયલ્ટી ઇન્ડેક્સ દોઢ ટકો તરડાયો છે. કૅપિટલ ગુડ્સમાં હિન્દુ. ઍરોનૉટિક્સ ૩૫૪૬ થયો છે. લક્ષ્મી મશીન સાડાત્રણ ટકા, વીગાર્ડ સવાબે ટકા, લાર્સન એક ટકો, ભારત ફોર્જ એક ટકો, સીજી પાવર સવા ટકો પ્લસ હતા. સુઝલોન સાત ટકા તૂટ્યો છે. 

share market stock market national stock exchange bombay stock exchange nifty sensex business news reserve bank of india