રૂપિયામાં શાનદાર રિકવરી-ઇમર્જિંગ ફૉરેક્સ અને બિટકૉઇનમાં તેજી

23 January, 2023 03:24 PM IST  |  Mumbai | Biren Vakil

ચાઇના રીઓપન અને ઇન્ફ્લેશન પીક તેજીનાં મુખ્ય ટ્રિગર બની રહેવાનાં

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમેરિકા અને યુરોપમાં ફુગાવો ઘટવાનાં વલણો અને ફેડની આગામી બેઠકમાં વ્યાજદરમાં વધારો નાનો રહેશે એવા સંકેતો વચ્ચે ઇમર્જિંગ કરન્સી, શૅરબજારો, ટેક્નૉલૉજી સ્ટૉક્સ અને ક્રિપ્ટો ઍસેટ્સ જેવી રિસ્ક ઑન બજારોમાં તેજીનું કમબૅક થયું છે. બિટકૉઇનમાં શાનદાર ઉછાળો આવ્યો છે. બિટકૉઇન આઠ મહિનાની ઊંચી સપાટીએ ૨૨,૮૦૦ ડૉલર થઈ ગયો છે. ઈથર અને અન્ય ઑલ્ટકૉઇન પણ વધ્યા છે. ચીનમાં લુનર હૉલિડેઝ નિમિત્તે બજારો એક સપ્તાહ બંધ રહેશે. બજારોમાં મોટી અફડાતફડી આવી શકે. કોવિડનાં બધાં નિયંત્રણો હટ્યાં પછી ચીનમાં ટ્રાવેલ-બૂમ, હૉલિડે-શૉપિંગ વચ્ચે કોરોનાના કેસો વધ્યા છે, પણ હર્ડ ઇમ્યુનિટી વહેલી આવી જશે એવા અંદાજે બજારોનો મૂડ અપબીટ છે. 

રૂપિયાની વાત કરીએ તો ઇમર્જિંગ કરન્સીમાં શાનદાર તેજીનો લાભ રૂપિયાને પણ મળ્યો છે. ભારતમાં ફૉરેક્સ રિઝર્વ પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે. ડૉલર ઇન્ફ્લો સુધરતાં રૂપિયો વધીને ૮૧.૧૨ થઈ ગયો છે. હવે બજારની નજર બજેટ પર છે. પૉપ્યુલિસ્ટ બજેટ આવવાની ધારણાએ શૅરબજારમાં પ્રી-બજેટ રૅલી આવી શકે. રાજકોષીય ખાધ, ચાલુ ખાતાની ખાધ અને ફુગાવો મેક્રોઇકૉનૉમિક પડકારો છે. ડૉલરની નરમાઈ અને ફેડનું ઇઝિંગ, ચાઇના રીઓપન ભારત માટે તકો ગણાય.

વૈશ્વિક બજારમાં ડૉલરમાં વ્યાપક વેચવાલી આવી છે. ડૉલેક્સ ૧૧૪.૭૦થી ઘટીને ૧૦૧.૮૦ થઈ ગયો છે. અમેરિકામાં ફુગાવો ઘટવા લાગ્યો છે એ જોતાં ફેડ પહેલી ફેબ્રુઆરીએ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઇન્ટ જેવો નાનો ઘટાડો કરશે અને વ્યાજદરો કદાચ જૂન સુધીમાં ટૉપઆઉટ થઈ જશે. બજારનો એક વર્ગ તો એમ પણ માને છે કે ફુગાવામાં ઘટાડો અને સર્વિસ સેક્ટરમાં વિકાસદર ધીમો પડે, હાઉસિંગ સેક્ટરમાં મંદી દેખાય તો ફેડ વરસના અંતે વ્યાજદરમાં એકાદ ઘટાડો પણ કરી શકે. ડૉલેક્સ માટે ૧૦૦.૨૦ અત્યંત મહત્ત્વનું સપોર્ટ છે. ઉપરમાં ૧૦૪.૮૦-૧૦૫.૩૦ રેઝિસ્ટન્સ છે. ૧૧૪થી ૧૦૧.૮૦ સુધીનું કરેક્શન ઘણું ઝડપી અને તીવ્ર છે. અમેરિકામાં મોટી ટેક્નૉલૉજી કંપનીઓમાં કામદારોની છટણી ચાલુ છે, પણ નાના વેપારધંધામાં રોજી વધી છે. 

રિસ્ક ઑન ઍસેટ્સમાં બિટકૉઇન અને ઈથર વગેરેમાં નોંધપાત્ર ઉછાળો છે. મેમે કૉઇન અને ઑલ્ટકૉઇન કમજોર છે. એફટીએક્સ, ટીથર, અને સ્ટેબલ કૉઇનમાં કૌભાંડોની હારમાળા અને મોટા પાયે મૂડીનું ધોવાણ થવા છતાં ક્રિપ્ટો ઍસેટમાં ડાયહાર્ડ સપોર્ટર્સનો વિશ્વાસ ડગ્યો નથી. બિટકૉઇન માટે હાલમાં રેન્જ ૧૬,૦૦૦-૨૪,૦૦૦ અને ઈથરમાં ૧૪૦૦-૧૯૦૦ ડૉલર મનાય છે.
યુરોપમાં ઇકૉનૉમી મંદીથી બચી જશે એવી અટકળે યુરોપમાં મજબૂતાઈ છે. ઇમર્જિંગ યુરોપની કરન્સીમાં પણ સારી એવી રિકવરી થઈ છે. યુરો ગયા વરસે તૂટીને ૦.૯૫ થઈ ગયા પછી હાલમાં ૧.૦૮૫૦ થઈ ગયો છે. ગૅસના ભાવ તૂટતાં યુરોપને મોટો ટેકો મળી ગયો છે. યુરોપ કદાચ મંદીમાં જતું બચી જશે. યુરોની તુલનાએ પાઉન્ડના ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ કમજોર છે. 

એશિયામાં ચાઇના શૅરબજાર અને યુઆનમાં તેજીનું કમબૅક સ્ટાર ઍટ્રૅક્શન છે. ચીને ત્રણ વરસ સુધી ઝીરો કોવિડ નીતિ અપનાવ્યા પછી અચાનક યુ ટર્ન લઈને ટોટલ રીઓપનનો માર્ગ અપનાવ્યો એનાથી રિસ્ક ઑન ઍસેટ ઇમર્જિંગ એશિયા, ચાઇના શૅરબજારમાં જોરદાર તેજી થઈ છે. યુઆન ૯.૩૨ના બૉટમથી ઊછળી ૬.૭૬ થઈ ગયો છે. લુનર હૉલિડેઝમાં મોટા પાયે મુસાફરી અને મેળાવડાઓ થતાં આગામી બે-ત્રણ સપ્તાહમાં કોવિડના કેસ વધી શકે. હર્ડ ઇમ્યુનિટી આવતાં આગામી બે-ત્રણ મહિનામાં કોવિડ પીક બની જશે એવો આશાવાદ છે. 

ચીનની સાથોસાથ હૉન્ગકૉન્ગ અને જપાને પણ કોવિડ નિયંત્રણો ઘટાડ્યાં છે. યેન, કોરિયા વોન પણ સુધર્યા છે. જપાનમાં ફુગાવો ૪૦ વરસની ઊંચી સપાટીએ છે, પણ બૅન્ક ઑફ જપાને હજુ યીલ્ડ કર્વ કન્ટ્રોલ દ્વારા ઇઝી મની પૉલિસી ચાલુ રાખી છે. હવે બજાર માટે મહત્ત્વની ઇવેન્ટ પહેલી ફેબ્રુઆરીની ફેડની બેઠક છે. વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ આ વખતે બહુ ફિક્કું રહ્યું. અમેરિકાની ગેરહાજરી ઘણી સૂચક રહી. ઘણા મોટા નેતાઓ ગેરહાજર રહ્યા. મિત્રતાનો અભાવ એ તનાવની પહેલી નિશાની ગણાય. ટ્રેડિંગ રેન્જ-ડૉલરરૂપી ૮૦.૭૧-૮૨.૨૦, યુરો ૧.૦૬-૧.૧૦, યેન ૧૨૪-૧૩૩, બિટકૉઇન ૧૯,૩૦૦-૨૩,૮૦૦, પાઉન્ડ ૧.૨૧-૧.૨૫ ગણાય.

business news share market stock market foreign direct investment indian rupee inflation crypto currency