ભારતીય શૅરબજારની ચાલ ગ્લોબલ હાલ-હવાલ નક્કી કરે એવા સંજોગો

19 September, 2022 12:37 PM IST  |  Mumbai | Jayesh Chitalia

વર્લ્ડ બૅન્કે હાલ વિશ્વભરમાં રિસેશન ફેલાવાનાં એંધાણ દર્શાવતાં ગભરાટ વધુ ગંભીર બન્યો અને બધાં જ માર્કેટ તૂટ્યાં : અત્યારે તો આપણા બજારની ચાલ ગ્લોબલના હાલ-હવાલ પર વધુ આધાર રાખે એવા સંજોગો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આપણું બજાર વધવામાં જેટલી ઉતાવળ કરે છે એથી વધુ ઉતાવળ ઘટવામાં કરે છે, છેલ્લા અમુક દિવસમાં આ પરચો વધુ એક વાર જોવામાં આવ્યો : વર્લ્ડ બૅન્કે હાલ વિશ્વભરમાં રિસેશન ફેલાવાનાં એંધાણ દર્શાવતાં ગભરાટ વધુ ગંભીર બન્યો અને બધાં જ માર્કેટ તૂટ્યાં : અત્યારે તો આપણા બજારની ચાલ ગ્લોબલના હાલ-હવાલ પર વધુ આધાર રાખે એવા સંજોગો છે

આપણે ગયા વખતે કરેલી ચર્ચામાં કહ્યું હતું કે ઇકૉનૉમી મહેરબાન તો માર્કેટ પહેલવાન, આ તાલ લાંબો સમય જોવા મળશે. જોકે ગ્લોબલ સંજોગોએ હાલ તો આપણી બજારની પણ દશા બગાડી નાખી. ગયા સોમવારે માર્કેટે શરૂઆત પૉઝિટિવ કરીને સેન્સેક્સને ૬૦ હજારની પાર મોકલી આપ્યો હતો. ઇકૉનૉમી સુધારાતરફી રહેવાને લીધે માર્કેટનો મૂડ સારો હતો. ફૂડ પ્રાઇસિસને લીધે ઑગસ્ટમાં ઇન્ફ્લેશનનો દર વધીને ૭ ટકા જેટલો આવ્યો અને જુલાઈમાં ઇન્ડ​સ્ટ્રિયલ પ્રોડક્શનનો ગ્રોથ ધીમો પડયો હોવા છતાં બૅન્ક-ધિરાણમાં વધારો નોંધાયો હોવાની બાબત સારા સંકેત ગણાય. પીએમઆઇ (પર્ચેઝ મૅનેજર્સ ઇન્ડેક્સ)માં રિકવરી નોંધાઈ હોવાનું પરિબળ પણ સારું કહેવાય. આમ બુલિશ ટ્રેન્ડને લીધે સેન્સેક્સ ૩૨૧ પૉઇન્ટ અને નિફ્ટી ૧૦૩ પૉઇન્ટ પ્લસ રહ્યા હતા. સેન્સેક્સનો ૬૦ હજારની ઉપર બંધ જળવાયો હતો. મંગળવારે મંગળ શરૂઆત સાથે સેન્સેક્સ ૬૦ હજારની આગળ-આગળ જવા લાગ્યો અને નિફ્ટીએ ૧૮ હજારનું લેવલ વટાવી દીધું. ગ્લોબલ સારા સંકેત અને એફઆઇઆઇની ખરીદીને પરિણામે માર્કેટ વૉલેટિલિટી સાથે ઊંચે જ ગયું હતું. સેન્સેક્સ હવે ૬૧ હજાર તરફ ગતિ કરતો હોય એમ ૪૫૬ પૉઇન્ટ અને નિફ્ટી ૧૩૩ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. જોકે ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખી રિઝર્વ બૅન્ક એની આગામી બેઠકમાં વ્યાજના દરમાં પાથી અડધા ટકાનો વધારો કરે એવી શક્યતા છે જે ધિરાણ મોંઘાં કરશે, ચીજોના ભાવો વધારશે અને લોકોના ઈએમઆઇના બોજ વધશે. 

કરેક્શનના કડાકા-ગાબડાંનો દોર

બુધવારે ગ્લોબલ ગડબડોને પરિણામે વૉલેટિલિટી અને કરેક્શને માર્કેટનો દોર પોતાના હાથમાં લીધો. હૉલસેલ ફુગાવો ઘટ્યો, પણ ડબલ ડિજિટમાં જ રહ્યો. યુએસ માર્કેટના તૂટવાની અસરે અહીં સતત વધઘટ રહી જે ૧૨૦૦ પૉઇન્ટ સુધી થયા બાદ આખરે સેન્સેક્સ અને નિફ્ટી માઇનસ બંધ રહ્યા. જોકે સેન્સેક્સ ૬૦ હજારની ઉપર અને નિફ્ટી ૧૮ હજારની ઉપર જળવાઈ રહ્યા. અલબત્ત, પ્રૉફિટ બુકિંગે પણ ભૂમિકા ભજવી હતી. ગુરુવારે કરેક્શનની ગાડી આગળ ચાલતાં બન્ને ઇન્ડેક્સે ડાઉનવર્ડ ટ્રેન્ડ બતાવવાનું શરૂ કર્યું હતું. રિસેશનનો ભય તેમ જ પ્રૉફિટ બુકિંગને પરિણામે સેન્સેક્સ ૪૧૩ પૉઇન્ટ અને નિફ્ટી ૧૨૬ પૉઇન્ટ માઇનસ થઈ ૧૮ હજાર નીચે અને સેન્સેક્સ ૬૦ હજારની નીચે ઊતરી ગયો હતો. શુક્રવારે તો યુએસ અને વિશ્વ બૅન્કના અહેવાલે ગાબડાં જ પાડી દીધાં. યુએસમાં રિસેશન, હાઇ ઇન્ફ્લેશન અને એને પગલે મોટા વ્યાજ વધારાના ભયથી ભારતીય શૅરબજારે કડાકાનાં દર્શન કરાવ્યાં હતાં. ક્યાંક નીચામાં ખરીદીથી રિકવરી પણ આવતી હતી એમ છતાં આખરે સેન્સેક્સે ૧૧૦૦ અને નિફ્ટીએ ૩૪૬ પૉઇન્ટનું ગાબડું એક જ દિવસમાં પાડી દીધું હતું. વર્લ્ડ બૅન્કે પણ ગ્લોબલ રિસેશનના સંકેત આપતાં આટલો મોટો કડાકો બોલાયો હતો. આ સપ્તાહમાં પણ માર્કેટમાં વધુ કરેક્શનનાં કારણો ઊભાં થઈ રહ્યાં છે; જેમ કે મોટા ભાગની સેન્ટ્રલ બૅન્કો ઊંચા ફુગાવાને કારણે વ્યાજ વધારા તરફ આગળ વધી શકે છે, જેથી સાવચેતી વધુ આવશ્યક બનશે.

સરકારનાં પ્રોત્સાહક પગલાં-નિવેદન

દરમ્યાન એક મહત્ત્વના અહેવાલ મુજબ ભારત સરકાર કેટલાંક વધુ સેક્ટર્સ માટે પીએલઆઇ (પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ્સ) સ્કિમ લાગુ કરવાનું વિચારી રહી છે, જેમાં ઇલેક્ટ્રૉનિક્સ કમ્પોનન્ટ્સ, ફાર્મા અને મેડિકલ ડિવાઇસિસ ઉપરાંત ટૉય્સ, ફર્નિચર, બાઇસિકલ્સ અને કન્ટેનર્સનો પણ સમાવેશ થાય છે. આ સ્કિમ લાગુ કરવાનો ઉદેશ સ્થાનિક ઉત્પાદકોને ગ્લોબલ હરીફાઈ માટે સક્ષમ બનાવવા, નિકાસ વધારવા અને એને પગલે રોજગાર-સર્જન વધારાવાનો છે. આ સ્કિમ જે-જે સેક્ટર્સને લાગુ કરાઈ છે એમાં મહદંશે સફળતા મળી હોવાથી સરકાર એનો વિસ્તાર વધારવા વિચારે છે. આ કદમ ઇકૉનૉમીને વેગ આપવા સાથે ભારતીય ઉદ્યોગ જગતને પણ વધુ મજબૂત બનાવી શકે છે. ગયા વર્ષે સરકારે આ સ્કિમ પાછળ બે લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેમાં ઑટોમોબાઇલ્સ, ઑટો કમ્પોનન્ટ્સ, વાઇટ ગુડ્ઝ, ટેક્સટાઇલ્સ, ઍડ્વાન્સ્ડ કેમિકલ્સ સેલ્સ અને સ્પેશ્યલિટી સ્ટીલનો સમાવેશ થાય છે. લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટર્સ વર્ગે આ મુદા ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. નાણાપ્રધાને ગયા સપ્તાહમાં ઉદ્યોગપતિઓની સભામાં સૌને અનુરોધ કરતાં કહ્યું હતું કે તમને રોકાણ કરવામાં હવે શું અવરોધ આવે છે? અમે એ દૂર કરવા તૈયાર છીએ. સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સજજ છે.

ગ્લોબલ અભિપ્રાય પણ સમજો

ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક મોર્ગન સ્ટેન્લીએ તાજેતરમાં કહ્યું છે કે ભારતમાં ઝડપથી આર્થિક વિકાસ થઈ રહ્યો હોવાના સર્વસામાન્ય મતને પગલે મૂડીરોકાણ વધી રહ્યું છે ત્યારે ઘરઆંગણાના સાઇક્લિકલ ક્ષેત્રોને લાભ થઈ શકે છે. આગામી સમયમાં જે પ્રમાણમાં મૂડીખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે એ દર્શાવે છે કે એની ઔદ્યોગિક અને ફાઇનૅ​ન્શિયલ સેક્ટરના શૅર્સ પર સકારાત્મક અસર થશે. પરિણામે ભારતના અર્થતંત્રનો વૃ​દ્ધિદર આગામી પાંચ વર્ષમાં વધીને ડબલ એટલે કે ૧૬ ટકા ઉપર જઈ શકે એવી આશા રાખી શકાય. લૉન્ગ ટર્મ રોકાણકારોએ આવા આશાવાદ ગ્લોબલ સ્તરેથી મળતા હોય એનો સદુપયોગ કરવો જોઈએ.

હાલમાં જયારે દુનિયાની સૌથી વિશાળ ઇકૉનૉમી રિસેશનના ભયથી ફફડે છે ત્યારે ભારતીય ઇકૉનૉમી જ મજબૂતી સાથે ધીમી-ધીમી આગળ વધી રહી છે. આવા સંજોગોમાં ફિચ રેટિંગ એજન્સીએ ભલે ભારતનો ગ્રોથ રેટનો અંદાજ નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે ૭.૮ ટકાથી ઘટાડી ૭ ટકા કર્યો હોય. આ ઉપરાંત મૂડીઝ, સિટી ગ્રુપ અને ગોલ્ડમેન સેશએ પણ ભારતીય ગ્રોથ રેટનો અંદાજ ઘટાડ્યો છે.  

મહત્ત્વના આર્થિંક સંકેત-સમાચાર

સ્ટેટ બૅન્કના શૅરનું માર્કેટ કેપ પહેલી વાર પાંચ લાખ કરોડ રૂપિયાની સપાટી વટાવી ગયું. રિલાયન્સ ગ્રુપે એના રીટેલ વેન્ચર માટે એક લાખ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના ઘડી છે, જેની હેઠળ એ વર્ષે ૨૦૦૦ નવા સ્ટોર્સ ઊભા કરવા માગે છે.એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ ૫૦૦૦ કરોડ રૂપિયા બૉન્ડ્સ મારફત ઊભા કરાવનું પ્લાન કરે છે. 

રોકાણકારો આ વાત યાદ રાખે

રોકાણકારોએ એક હકીકત ખાસ યાદ રાખવા જેવી હોય છે, માર્કેટની તેજીની કન્ટિન્યુટિ દરમ્યાન કયાંક પ્રૉફિટ બુકિંગ (આંશિક) જરૂરી બને છે એમ જ ક્યાંક કરેક્શન માટે કૅશ રાખી મૂકવામાં શાણપણ હોય છે, જેથી એને ખરીદીની તરત તક બનાવી શકાય. તમારે એ જાણવું-સમજવું અનિવાર્ય હોય છે કે તેજી કયા કારણસર છે? આ કારણો કેવાં છે અને કેટલો સમય ચાલશે? આમાં પણ બે દૃષ્ટિ હોવી જોઈએ; એક માર્કેટની તેજી, ઇન્ડેક્સની વૃ​દ્ધિ અને બીજી તમારા સ્ટૉક્સની તેજી. માર્કેટમાં તેજી દરમ્યાન તમારા સ્ટૉક્સ વધે છે કે કેમ એ જોવું જોઈએ અને એનાં કારણ પણ જાણવાં જોઈએ.

business news share market bombay stock exchange stock market national stock exchange sensex nifty jayesh chitalia