સોનામાં ૨૦૨૩ના આરંભથી એકધારી ઝડપી તેજી બાદ પ્રૉફિટ-બુકિંગથી પ્રત્યાઘાતી ઘટાડો

26 January, 2023 05:17 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકી ડૉલર ઘટવાના ચાન્સ વધી રહ્યા હોવાથી સોનામાં મોટી તેજી થવાના વધતા ચાન્સ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

સોનામાં ૨૦૨૩ના આરંભથી ઝડપી અને મોટી તેજી બાદ પ્રૉફિટ-બુકિંગ જોવા મળતાં ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૮૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૪૩ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 

સોનામાં એકધારી ઝડપી તેજી બાદ પ્રૉફિટ-બુકિંગને પગલે બુધવારે સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૨૩ના આરંભથી અત્યાર સુધીમાં સોનામાં ૧૨૦ ડૉલરની તેજી થઈ ચૂકી હોવાથી તેમ જ અમેરિકાના ફૉર્થ ક્વૉર્ટરના ગ્રોથ ડેટા જાહેર થવાના હોવાથી ઊંચા મથાળે ઇન્વેસ્ટરો અને સ્પેક્યુલેટર્સે પ્રૉફિટ-બુકિંગ કર્યું હતું, જેને પગલે સોનું ઘટીને ૧૯૨૨ ડૉલર થયા બાદ બુધવારે ૧૯૨૬થી ૧૯૨૭ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. અમેરિકી ડૉલરમાં ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતાં ૦.૧ ટકાનો સુધારો હતો. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ૪૬.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ડિસેમ્બરમાં ૪૬.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૬ પૉઇન્ટની હતી. વાર્ષિક ધોરણે મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત ત્રીજે મહિને ઘટ્યો હતો, ખાસ કરીને ઇન્પુટ કૉસ્ટ ઇન્ફ્લેશન વધતાં નવા ઑર્ડરમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકાના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ જાન્યુઆરીમાં વધીને ૪૬.૬ પૉઇન્ટ રહ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૪.૨ પૉઇન્ટ રહ્યો હતો અને માર્કેટની ધારણા ૪૫ પૉઇન્ટની હતી. વાર્ષિક ધોરણે સર્વિસ સેક્ટરનો ગ્રોથ પણ ઘટ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ વાર્ષિક ધોરણે ઘટતાં એની અસરે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ જાન્યુઆરીમાં મન્થ્લી ધોરણે વધીને ૪૬.૬ પૉઇન્ટ રહ્યો હતો, જે ડિસેમ્બરમાં ૪૫ પૉઇન્ટ હતો. વાર્ષિક ધોરણે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ સતત સાતમા મહિને ઘટ્યો હતો. 

ઓસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ચોથા ક્વૉર્ટરમાં વધીને ૩૨ વર્ષની ઊંચાઈએ ૭.૮ ટકાએ પહોંચ્યું હતું જે ત્રીજા ક્વૉર્ટરમાં ૭.૩ ટકા હતું અને માર્કેટની ધારણા ૭.૫ ટકાની હતી. ઑસ્ટ્રેલિયામાં ફૂડ પ્રાઇસ ચોથા ક્વૉર્ટરમાં ૯.૨ ટકા વધીને ૧૬ વર્ષની ઊંચાઈએ પહોંચતાં ઇન્ફ્લેશનમાં વધારો નોંધાયો હતો. ફૂડ ઉપરાંત ઑટોમોટિવ ફ્યુઅલ, કન્સ્ટ્રક્શન્સ, આલ્કોહૉલ, ટબેકો, ફર્નિશિંગ, હેલ્થ દરેકના ભાવ વધ્યા હતા. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન ક્વૉર્ટર ટુ ક્વૉર્ટર ૧.૯ ટકા વધ્યું હતું, જે અગાઉના ક્વૉર્ટરમાં ૧.૩ ટકા વધ્યું હતું. ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન સતત ચોથા ક્વૉર્ટરમાં વધ્યું હતું. ઑસ્ટ્રેલિયાનું મન્થ્લી ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૮.૪ ટકા રહ્યું હતું જે નવેમ્બરમાં ૭.૩ ટકા હતું અને માર્કેટની ધારણા ૭.૬ ટકાની હતી. 

જપાનના ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ, એમ્પ્લૉયમેન્ટ અને રીટેલ સેલ્સને બતાવતો કો-ઇન્સિડન્ટ ઇન્ડેક્સ નવેમ્બરમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૯૯.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૯૯.૬ પૉઇન્ટ હતો. કો-ઇન્સિડન્ટ ઇન્ડેક્સમાં સતત ત્રીજા મહિને ઘટાડો નોંધાયો હતો. જપાનનું ઇન્ફ્લેશન ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચતાં ઇન્પુટ કૉસ્ટ વધતાં તમામ ઇકૉનૉમિક ઇન્ડિકેટરો નબળાં પડી રહ્યાં છે. જપાનના કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ અને જૉબ ઑફરને બતાવતો લીડિંગ ઇન્ડેક્સ પણ નવેમ્બરમાં ઘટીને ૯૭.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૯૮.૬ પૉઇન્ટ હતો અને પ્રિલિમિનરી રીડિંગમાં ૯૭.૪ પૉઇન્ટ હતો. લીડિંગ ઇન્ડેક્સ નવેમ્બરમાં ૨૫ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ૩૨ વર્ષની ઊંચી સપાટીએ અને ન્યુ ઝીલૅન્ડનું ઇન્ફ્લેશન ૩૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું છે. જપાનનું ઇન્ફ્લેશન પણ હાલ ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું છે. ચીનના રીઓપનિંગને કારણે ક્રૂડ તેલ-બ્રેન્ટના ભાવ ઘટ્યા લેવલથી સારા એવા વધ્યા છે. નૅચરલ ગૅસના ભાવ હવે ઘટતા અટકી રહ્યા છે. યુરો એરિયા ઇન્ફ્લેશન પણ હજી બૅન્કના ટાર્ગેટથી સાડાચાર ગણું વધુ છે અને બ્રિટનનું ઇન્ફ્લેશન પણ ઘણું ઊંચું છે. અમેરિકાનું ઇન્ફ્લેશન સતત છ મહિનાથી ઘટી રહ્યું છે, એની સામે અન્ય દેશોના ઇન્ફ્લેશન વધી રહ્યા હોવાથી સ્વાભાવિક રીતે એ દરેક દેશોની સેન્ટ્રલ બૅન્ક આગામી દિવસોમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે. ઇન્ફ્લેશનને કાબૂમાં લેવા દરેક દેશોની સેન્ટ્રલ બૅન્ક આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારો કરશે, જેને કારણે એ દરેક દેશોની કરન્સી ડૉલર સામે મજબૂત બનશે અને ડૉલર વધુ ઘટશે. અમેરિકન ફેડ પાસે હવે ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કરવાની જગ્યા નથી. વર્લ્ડની અનેક મીડિયાએ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ડૉલર વધુ નબળો પડવાની આગાહી કરી હતી. અમેરિકી ડૉલરનું ભવિષ્ય ૨૦૨૩માં મોટા પાયે ધૂંધળું હોવાનું ઍનલિસ્ટો માની રહ્યા છે. ડૉલરનો ઘટાડો સોનામાં ખરીદીનું આકર્ષણ વધારશે. જોકે ફેડની આવતા સપ્તાહે યોજાનારી મીટિંગ બાદ ડૉલરમાં થોડો સુધારો આવી શકે છે, પણ માર્ચ અને એપ્રિલ મીટિંગની ચર્ચા શરૂ થયા બાદ ડૉલર સતત ઘટતો રહેશે, કારણ કે ફેડ માર્ચ કે એપ્રિલ, બન્ને મીટિંગમાં અથવા કોઈ એક મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રાખશે જેની મોટી અસર ડૉલર પર પડશે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ: ૫૭,૧૩૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ: ૫૬,૯૦૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ: ૬૭,૮૯૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news inflation commodity market