મની મેનેજમેન્ટ: કરિઅર અને સેવિંગ બન્ને કરવું છે સાથે શરૂ, તો અપનાવો આ સલાહ

14 January, 2023 10:34 AM IST  |  Mumbai | Shilpa Bhanushali

27-28 વર્ષની વયે જો નોકરીની શરૂઆત કરી છે અને સેલરી 30થી 35 હજાર હોય તેવે સમયે કેવી રીતે ચલાવવું ગાડું? કેટલી કરવી સેવિંગ અને કેટલો કરવો ખર્ચ જાણો ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખની ગુજરાતી મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં...

પ્રતીકાત્મક તસવીર

મની મેનેજમેન્ટની વાત આવે એટલે તો કોઈક ધનાઢ્ય હોય કે મિડલ ક્લાસ વ્યક્તિ કે પછી લૉઅર ક્લાસ આજે પૈસા બચત કરવાની જરૂર દરેક વ્યક્તિને જણાય છે. પૈસો બચાવવાની સાથે જ તેમને મનમાં સૌથી મોટો પ્રશ્ન હોય છે કે આવક હોવી પણ જોઈએ તો બચાવીએ. હવે એવે વખતે વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ માટે જે રીતે મની મેનેજ કરી લે છે તે જ બચત માટે પણ માણસે મની મેનેજ કરતા શીખી લેવું જોઈએ. આમ કરતા શીખ્યા બાદ સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે બચત કરેલો પૈસો વધારવો કેવી રીતે અથવા આપણી મૂડી કોઈ ઠગી ન લે અથવા લૂંટાઈ ન જાય તે માટે તેને કેવી રીતે સેફ મૂકી શકાય એ પણ જૂદો જ પ્રશ્ન છે. આથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી સાથે આ મુદ્દે સરળ શબ્દોમાં ગોષ્ઠિ માંડતા જાણીતા ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખે જણાવેલી ટિપ્સ લઈને રોજ એક નવા મુદ્દા સાથે તમારી સામે હાજર છે. તો આજે વાંચો નિનાદ પરીખે જણાવેલ એસઆઈપી વિશે... એસઆઈપી શું છે અને તેમાં સૌથી બેસ્ટ શું?

27-28 વર્ષની વયે જો નોકરીની શરૂઆત કરી છે અને સેલરી 30થી 35 હજાર હોય તેવે સમયે કેવી રીતે ચલાવવું ગાડું? કેટલી કરવી સેવિંગ અને કેટલો કરવો ખર્ચ જાણો ફાઈનાન્શિયલ એડવાઈઝર નિનાદ પરીખની ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની ખાસ વાતચીતમાં...

જો તમારી ઊંમર 27થી 30 વર્ષની વચ્ચેની છે અને તમે હાલ જ કોઈક કંપનીમાં જોડાયા છો અને તમારી શરૂઆતની સેલરી (પગાર) 30થી 35 હજાર રૂપિયાની વચ્ચે છે તો આ આર્ટિકલ ખાસ તમારી માટે જ બનાવવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ જ્યારે પણ કોઈ કામ કરે છે ત્યારે તે બે પરિસ્થિતિમાં કામ કરે છે. એક તો છે શોખ અને ગ્રોથ અને બીજું છે જવાબદારી.

આ બે પ્રકારની પરિસ્થિતિમાં વ્યક્તિના ખર્ચ અને બચતમાં ખાસ્સો ફરક પડતો હોય છે. હવે વાત કરીએ એવી વ્યક્તિની જેના પર કોઈ જવાબદારી નથી. તેમને મળતી સેલરી તે પોતાની રીતે જ મેનેજ કરવાના છે. આવી વ્યક્તિએ પોતાની સેલરીના 30 ટકા લૉન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટમાં મૂકવા જોઈએ. જેનાથી જીવનમાં જ્યારે તે કામ કરવા માટે અક્ષમ હશે ત્યારે પેન્શન તરીકે આ 30 ટકાની બચત તેમને ખૂબ જ કામ લાગશે. બાકીના 30 ટકા તેમણે સામાન્ય બચત જેને (કન્ટિજન્સી ફન્ડ) કહીએ છીએ.આપણે બે મહિનાથી 3 વર્ષ દરમિયાનમાં જરૂર પડ્યે વાપરી શકાય તે રીતે બચાવવી જોઈએ.

સામાન્ય બચત માટે ઉદાહરણ તરીકે, એકાએક તમારો મોબાઈલ બગડ્યો, બીમારી આવી, કોઈ અકસ્માત થયો, કંઈ માંદગી નડી તો એવે વખતે વાપરી શકાય. તો આવે વખતે તમારી આ સામાન્ય બચત જે તમે દર મહિને 30 ટકા જેટલી કરો છો તે તમને કામ લાગી શકે છે અને બાકીના 40 ટકા જેટલી સેલરી તેમની રોજિંદા, માસિક ખર્ચમાં વપરાઈ જતી હોય છે. પણ જો ખરેખર કોઈ એવી વ્યક્તિ છે જેને મની મેનેજમેન્ટ કરવું છે તો તે આ સરળ માર્ગ અપનાવી શકે છે.

હવે વાત કરીએ એવી વ્યક્તિની જેમના પર પરિવારની જવાબદારી છે, અથવા અન્ય ખર્ચ છે જે તેમણે જ ઉઠાવવાના છે. તે વખતે આ વ્યક્તિ જો 40-30-30નો ફૉર્મ્યુલા અપનાવે તો તે પોતાનું ગાડું ચલાવી શકશે નહીં. જવાબદારી ધરાવતી વ્યક્તિ માટે 40-30-30નો નહીં પણ 60-40નો ફૉર્મ્યુલા અપનાવવાનો હોય. આ 60-40ના ફૉર્મ્યુલામાં 60 ટકા રોજિંદું અને માસિક ખર્ચ હોય છે અને 40 ટકા તેમણે પોતાની સામાન્ય બચત (કન્ટીન્જન્સી ફન્ડ) તરીકે મૂકવાના હોય છે.

આ બન્ને પરિસ્થિતિમાં વ્યક્તિનું પોતાનું લાઇફઇન્શ્યોરન્સ હોવું ખૂબ જ જરૂરી છે. જે જવાબદાર વ્યક્તિ છે તેના નજીકના પરિવારજનો, જેમનો ખર્ચ એણે જ ઉઠાવવાનો છે તે બધાનો વીમો હોવો ખૂબ જ જરૂરી છે. એટલે જો વીમો નથી તો પહેલા જ પગારમાંથી પહેલા વીમો કઢાવવો અને પછી બાકીની બચત કરવી જોઈએ. 

આ પણ વાંચો : આઇટીસી સંબંધે વેન્ડરે રિપોર્ટિંગમાં અજાણતાં કરેલી ભૂલ વિશેનું સીબીઆઇસીનું પરિપત્રક

30 ટકા સેવિંગ જે લૉન્ગ ટર્મ એટલે કે રિટાયરમેન્ટ કહી શકાય તેવા વખત માટે રાખવી હોય તો 
1. ગેરેન્ટેડ પેન્શન ફન્ડ
2. એનપીએસ ફન્ડ 
જેવી જગ્યાએ મૂકી શકાય. જેમ જેમ આવક વધે તેમ તેમ તમારું ઈન્વેસ્ટમેન્ટ તમે આમાં વધારી શકો.

business news shilpa bhanushali commodity market