નિકાસકારોના ઇનપુટ ટૅક્સ ક્રેડિટના દાવાની ખરાઈ કરવા માટેનો આદેશ

19 June, 2019 11:49 AM IST  | 

નિકાસકારોના ઇનપુટ ટૅક્સ ક્રેડિટના દાવાની ખરાઈ કરવા માટેનો આદેશ

ઇનપુટ ટૅક્સ ક્રેડિટના દાવાની ખરાઈ કરવા માટેનો આદેશ

કેન્દ્ર સરકારે બોગસ ઇનપુટ ટૅક્સ ક્રેડિટના વધી રહેલા દૈત્યને ડામવા માટે અને સંભવિત રીતે નિકાસકારો દ્વારા લેવામાં આવતી ખોટી ઇનપુટ ટૅક્સ ક્રેડિટ રોકવા માટે દેશના દરેક કસ્ટમ્સ અધિકારીને તેની ખરાઈ કરવાનો આદેશ આપ્યો છે.

એક પત્ર દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સીસ એન્ડ કસ્ટમ્સે જોખમી નિકાસકારોને ઓળખી કાઢી તેની અલગથી યાદી કરવાનો સિસ્ટમ વિભાગના ડિરેક્ટર જનરલને આદેશ કર્યો છે. દેશની સંપૂર્ણ નિકાસમાં લેવામાં આવતી જીએસટીની ઇનપુટ ટૅક્સ ક્રેડિટની ચોકસાઈ થઈ શકે તેના માટે આવી યાદી કસ્ટમ વિભાગમાં જીએસટીની કામગીરી સંભાળતા દરેક અધિકારીને મોકલી આપવાની સૂચના પણ આ પત્રમાં આપવામાં આવી છે.

કોઈ નિકાસકાર પોતાના જીએસટીના રિટર્નની સાથે શિપિંગ બિલ્સ પૂરાં પાડે એટલે તરત જ તેને ઇનપુટ ટૅક્સ ક્રેડિટ અને ઇન્ટિગ્રેટેડ જીએસટીનું રિફંડ આપવામાં આવે છે. આ રિફંડ માટે એક પખવાડિયામાં આપવામાં આવે છે. નવા આદેશથી રિફંડની પ્રક્રિયા મોડી થશે એવો કેટલાકને ડર છે, પણ સરકાર ટૅક્સની ચોરી રોકવા માટે આ નિયમ અમલમાં મૂકવા મક્કમ છે.

આ પણ વાંચો: વ્યાજદર હળવા થશે એવા સંકેતથી સોનું ફરી ૧૪ મહિનાની ઊંચી સપાટીએ

‘નિકાસકારો યોગ્ય ન હોય એવા દસ્તાવેજો રજૂ કરી રિફંડ કે ઇનપુટ ટૅક્સ ક્રેડિટ મેળવી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક નિકાસકારો ગેરરીતિ આચરીને પણ ક્રેડિટ મેળવી રહ્યા છે. આવી જ રીતે શિપિંગ બિલ્સ અને ફ્રી ઑન બોર્ડ કિંમતની સામે ટૅક્સેબલ કિંમતમાં પણ તફાવત જોવા મળ્યા છે. આ દર્શાવે છે કે કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે,’ એમ બોર્ડે પોતાના સૂચના આપતા પત્રમાં જણાવ્યું છે. આથી દરેક નિકાસની જીએસટીના અધિકારી દ્વારા ખરાઈ કરીને જ રિફંડ આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનો નિર્ણય બોર્ડે લીધો છે.દરેક નિકાસની ચોકસાઈ માટે જીએસટીનો નીતિવિષયક વિભાગ એક અલગથી પ્રક્રિયા નક્કી કરશે. 

business news goods and services tax gujarati mid-day