✕

બજાર ૮૨,૦૦૦ ઉપર જઈ ફરી એક વાર પાછું પડ્યું, નજીવા સુધારે બંધ થયું

13 November, 2026 08:06 AM IST  |  Mumbai | Anil Patel

માર્જિન પોણો ટકો ઘટતાં જૉકી ફેમ પેજ ઇન્ડસ્ટ્રીઝમાં ૪૪૫૧ રૂપિયાનો કડાકો બોલાયો, માર્કેટકૅપમાં ૪૯૬૪ કરોડનો ફટકો : પરિણામ પૂર્વે ઓલા ઇલેક્ટ્રિક ૩.૮ ટકા પ્લસ, એનો પાર્ટપેઇડ ૧૫૦૪ ટકા ઊછળી નવા શિખરે.

પ્રતીકાત્મક તસવીર

માર્જિન પોણો ટકો ઘટતાં જૉકી ફેમ પેજ ઇન્ડસ્ટ્રીઝમાં ૪૪૫૧ રૂપિયાનો કડાકો બોલાયો, માર્કેટકૅપમાં ૪૯૬૪ કરોડનો ફટકો : પરિણામ પૂર્વે ઓલા ઇલેક્ટ્રિક ૩.૮ ટકા પ્લસ, એનો પાર્ટપેઇડ ૧૫૦૪ ટકા ઊછળી નવા શિખરે : તમામ શૅરની મજબૂતી સાથે બૅન્ક નિફ્ટી નવી ટૉપ ભણી, કોટક બૅન્ક-ફેડરલ બૅન્ક-PNB-સાઉથ ઇન્ડિયન બૅન્ક અને કર્ણાટક બૅન્કમાં નવા ઊંચા ભાવ : આવક અને નફો બેવડાતાં કૉન્ડોમ કંપની ક્યુપિડ ઑલટાઇમ હાઈ : Paytm ૩ગણા કામકાજે ૭.૮ ટકાની તેજીમાં ૧૯૨૩ના બેસ્ટ લેવલે

એ‍શિયન બજારોની પીછેહઠ અને રનિંગમાં યુરોપની આગેકૂચ વચ્ચે શુકવારે ઘરઆંગણે બજાર ૩૧ પૉઇન્ટ વધી ૮૧,૯૧૧ તથા નિફ્ટી ૪૪ પૉઇન્ટ વધી ૨૫,૨૯૯ બંધ થયો છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૧૭ પૉઇન્ટ નરમ, ૮૧૭૬૨ ખૂલી ઉપરમાં ૮૨,૩૨૫ વટાવી ગયો હતો. બીજું સત્ર બહુધા નબળું હતું જેમાં શૅરઆંક નીચામાં ૮૧,૫૭૬ થયો હતો. માર્કેટમાં તાજેતરની રૅલી પછી એક વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ છે બજાર ૮૨,૦૦૦ ઉપર જાય છે ખરું પણ ત્યાં ટકી શકતું નથી. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૦૮૦ શૅર સામે ૧૫૩૭ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૫૫ લાખ કરોડ વધી ૫૧૨.૨૭ લાખ કરોડ થયું છે. કસીનો-સેશનના આંરભ પૂર્વે સેન્સેક્સ ૮૧,૯૬૭ અને નિફ્ટી ૨૫,૨૭૫ હતો. એશિયા ખાતે ઇન્ડોનેશિયા બે ટકા વધ્યું હતું. બાકીનાં તમામ અગ્રણી બજાર ઘટીને બંધ હતાં. તાઇવાન ૨.૭ ટકા, હૉન્ગકૉન્ગ દોઢ ટકો તથા જપાન એકાદ ટકો ડૂલ થયું હતું. યુરોપ રનિંગમાં પોણાથી એક ટકો તો લંડન ફુત્સી સાધારણ પ્લસ હતો. ડૉલર સામે રૂપિયો ૨૮ પૈસા જેવા ઘટાડે ૯૩.૯૮ દેખાતો હતો. બ્રેન્ટ ક્રૂડ ૯૩ ડૉલર નજીક મક્કમ રહ્યું છે. બન્ને બજારના સેક્ટોરલ્સ મિશ્ર વલણમાં હતા પણ બૅન્ક નિફ્ટી આગેકૂચ જાળવી રાખતાં ઑલટાઇમ હાઈ નજીક જઈ ૧.૨ ટકા કે ૭૨૬ પૉઇન્ટ વધ્યો છે. એના ૧૪માંથી ૧૨ શૅર પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી પણ ૧૨માંથી ૧૨ શૅરના સથવારે દોઢ ટકા આગળ વધ્યો છે. નિફ્ટી મિડિયા ૧૭૬૮ની નવી ટૉપ બતાવી અઢી ટકાની મજબૂતીમાં ૧૭૬૧ થયો છે. ઝી એન્ટરટેઇનમેન્ટ ૩.૭ ટકાની તેજીમાં ૭૩ થયો છે.

બૅન્કિંગ સાથે ફાઇનૅન્સ બેન્ચમાર્ક પણ બેસ્ટ લેવલ નજીક જઈ સવા ટકો વધી ૧૩,૨૦૨ હતો. ઑટો ઇન્ડેક્સ પોણો ટકો, આઇટી અડધો ટકો, ઑઇલ-ગૅસ ૦.૮ ટકા, પાવર અડધો ટકો નરમ હતા. રિયલ્ટી ઇન્ડેક્સ ૪.૮ ટકા વધી સૌથી મોખરે રહ્યો છે. એના દસમાંથી દસ શૅર ત્રણથી માંડી દસ ટકા વધેલા હતા. આદિત્ય બિરલા રિયલ્ટી ૬ ગણા કામકાજે ૧૨૩૮ થઈ દસ ટકાની તેજીમાં ૧૧૯૮ બંધ આવ્યો છે. નિફ્ટી કૅપિટલ માર્કેટ ઇન્ડેક્સ ૫૯૧૪નું નવું શિખર બતાવી એક ટકો વધી ૫૮૯૩ રહ્યો છે.

સેન્સેક્સ ખાતે બજાજ ફાઇનૅન્સ ૩.૩ ટકા વધી ૧૧૧૧ બંધમાં મોખરે હતો. ICICI બૅન્ક સવા ટકો વધી ૧૫૮૮ બંધમાં બજારને ૧૧૧ પૉઇન્ટ ફળી છે. સ્ટેટ બૅન્ક ૨.૩ ટકા, બજાજ ફીનસર્વ ૧.૩ ટકા, ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૨.૩ ટકા વધ્યા હતા. રિલાયન્સ ૧૩૩૪ના લેવલે ફ્લેટ રહી છે. અત્રે હિન્દુસ્તાન યુનિલીવર ત્રણેક ટકા, મહિન્દ્ર ૧.૪ ટકા, પાવરગ્રીડ ૧.૭ ટકા, TCS ૧.૬ ટકા, મારુતિ ૧.૭ ટકા, HCL ટેક્નો. ૧.૧ ટકા, ટાઇટન ૧.૩ ટકા, NTPC ૧.૧ ટકા નરમ રહી ઘટવામાં મોખરે હતા. નિફ્ટી ખાતે HDFC લાઇફ સવાચાર ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૩.૬ ટકા, બજાજ ફાઇનૅન્સ ૩.૪ ટકા, SBI લાઇફ ૩ ટકા, સ્ટેટ બૅન્ક ૨.૪ ટકા, બજાર ફીનસર્વ ૨.૩ ટકા, મૅક્સ હેલ્થકૅર બે ટકા, ભારત ઇલેક્ટ્રિક દોઢ ટકા, અદાણી પોર્ટ્સ સવા ટકો વધીને અગ્રક્રમે હતી. સામે ONGC ૪.૪ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર ૨.૪ ટકા, મહિન્દ્ર ૧.૯ ટકા, નેસ્લે ૨.૧ ટકા, પાવરગ્રીડ ૧.૬ ટકા, ટ્રેન્ટ અને ગ્રાસીમ ૧.૩ ટકા જેવી અત્રે ડાઉન થઈ હતી.

ઑટો એન્સિલિયરી કંપની ગ્રેબિયલ ઇ‍ન્ડિયા બાવીસ ગણા કામકાજે ૧૬૯૦ની સર્વોચ્ચ સપાટી બતાવી ૧૬.૬ ટકા કે ૨૩૩ રૂપિયાની તેજીમાં ૧૬૪૨ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. ઓલા ઇલેક્ટ્રિક પરિણામ પૂર્વે ૪ ગણા કામકાજે ઉપર ૩૭ થઈ ૩.૮ ટકા વધી ૩૬ હતી તો એનો પાર્ટપેઇડ શૅર ૨૪.૬૦ના શિખરે જઈ ૧૫.૪ ટકા ઊછળી ૨૪ થયો છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ બાર ટકા કે ૧૧૭ રૂપિયાના ઉછાળે ૧૦૮૭ હતી. પેજ ઇન્ડસ્ટ્રીઝની આવક ૧૧.૫ ટકા વધી ૧૪૩૯ કરોડ થઈ છે પણ નફો પોણાચાર ટકા વધી ૧૯૫ કરોડ નોંધાયો છે. માર્જિન ૦.૮ ટકા ઘટી ૨૦.૮ ટકા રહ્યું છે. શૅર ૭ ગણા વૉલ્યુમે નીચામાં ૩૧,૭૫૨ થઈ ૧૨.૨ ટકા કે ૪૪૫૧ રૂપિયા ગગડીને ૩૨,૦૫૯ બંધ થયો છે. પરિણામ પાછળ કેપ્લીન પૉઇન્ટ ૫.૩ ટકા કે ૧૩૨ રૂપિયા બગડી ૨૩૮૮ રહી છે.

DCX સિસ્ટમ્સની નેટ લૉસ ઘટી, શૅર સવાબાર ટકા ઊછળ્યો

ઍરોસ્પેસ-ત્રહફેન્સ સેક્ટરની યુનિમેક ઍરોસ્પેસમાં નેટ નફો બેવડાઈ ૩૧૮૦ લાખ આવ્યા પછી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે ૨૧૩૮ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો હતો. શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે ૨૦૨૬ની વિક્રમી સપાટી બનાવી પોણાચાર ટકા વધી ૧૯૯૦ થયો છે. ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ શૅર ૬૯૫ના વર્ષના તળિયે હતો! પિઅર ગ્રુપમાં ડિફેન્સ ક્ષેત્રની DCX સિસ્ટમ્સે ૨૩.૨ ટકાના ઘટાડામાં ૧૪૦ કરોડ ત્રિમાસિક આવક મેળવી છે. કંપનીની નેટ લૉસ ૯૦૪ લાખથી ઘટીને ૨૫ લાખ નોંધાઈ છે. શૅર ૫૮ ગણા વૉલ્યુમે ૧૬૯ નજીક જઈ ૧૨.૩ ટકા ઊછળીને ૧૬૪ થયો છે. અન્ય ડિફેન્સ શૅરમાં ઍક્સિસ ફેડ્સ ટેક્નૉલૉજી ૧૯૩૭ વટાવી પોણાછ ટકા વધી ૧૯૧૬, ડેટા પેટર્ન્સ ૪૨૮૨ થઈ ૪.૨ ટકા વધી ૪૨૨૧, પારસ ડિફેન્સ અઢી ટકા વધી ૧૩૦૯ અને રસેલ ટૅક્સિસ ૪.૩ ટકા વધી ૧૯૪૦ રહી છે. ગાર્ડન રિચશિપ બિલ્ડર્સે ૯ ટકા જેવા વધારામાં ૧૮૨૭ કરોડની આવક ઉપર પોણાબાર ટકા વૃદ્ધિદરથી ૧૭૨ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ઉપર ૨૨૭૨ બતાવી નજીવી ઘટી ૨૨૨૨ હતી. નબળા રિઝલ્ટમાં આગલા દિવસે ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બનીને ૮ ટકા તૂટેલી કોચીન શિપયાર્ડ ગઈ કાલે સાધારણ ઘટી ૧૧૯૬ હતી.

આગલા દિવસે વૅલ્યુ બાઇંગની થીમમાં ડિમાન્ડમાં રહેલા રેલવે શૅર વળતા દિવસે બહુધા ઘટ્યા છે. જ્યુપિટર વૅગન્સ પોણો ટકો, ટેક્સમાકો રેલ એક ટકો, રેલ વિકાસ નિગમ બે ટકા, IRFC બે ટકા, રાઇટ્સ લિમિટેડ દોઢ ટકા નરમ હતી. આઇટીસી તરફથી ગોલ્ડફ્લેક્સ સિગારેટના વેચાણભાવમાં ૮ ટકાનો વધારો જાહેર કરાયો છે એના પગલે અન્ય સિગારેટ કંપનીઓ પણ ટૂંકમાં ભાવવૃદ્ધિ જાહેર કરશે એમ મનાય છે. ગઈ કાલે આઇટીસી ઉપર ૨૯૦ વટાવી નજીવા ઘટાડે ૨૮૪ રહી છે. અન્ય સિગારેટ કંપની ગોડફ્રે ફિલિપ્સ બમણા કામકાજે ઉપર ૧૮૮૯ બતાવી પોણો ટકો ઘટી ૧૮૧૦ હતી. VST ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં ૨૦૧ થઈ નહીંવત ઘટી ૧૯૯ તો એલિટકોન ઇન્ટરનૅશનલ ૫.૪૬ના વર્સ્ટ લેવલે જઈ પાંચ ટકા તૂટી ૫.૪૬ બંધ થઈ છે. આ શૅર વર્ષ પૂર્વે ૧૫૨ નજીક હતો.

બજાજ ફાઇનૅન્સ ક્વીપ પ્લેસમેન્ટમાં સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર

બજાજ ફાઇનૅન્સે શૅરદીઠ ૧૦૨૫ની ઇન્ડિકેટિવ પ્રાઇસથી ક્વીપ રૂટ મારફત ૧૧,૭૦૦ કરોડનું પ્લેસમેન્ટ હાથ ધરતાં શૅર BSE ખાતે ઉપરમાં ૧૧૧૮ નજીક જઈ ૩.૩ ટકા વધી ૧૧૧૨ છે. NSEમાં ભાવ ૩.૪ ટકા વધી ૧૧૧૫ હતો. એની પેરન્ટ્સ બજાજ ફીનસર્વ ઉપરમાં ૧૯૦૬ થઈ ૧.૩ ટકા વધી ૧૮૭૯ હતી. બજાજ ટ્વિન્સને લઈ બજારને ગઈ કાલે કુલ ૯૨ પૉઇન્ટ મળ્યા હતા. તાતા પાવર કંપનીની ત્રિમાસિક આવક ૨૬.૩ ટકા વધી ૧૯,૩૩૬ કરોડ થઈ છે, નફો ૧૧૯ કરોડના વન ટાઇમ ગેઇનને લઈ ૪૮.૬ ટકા વધી ૧૩૬૬ કરોડ નોંધાયો છે. શૅર પાંચ ગણા કામકાજે ઉપર ૩૬૮ નજીક જઈ એક ટકો ઘટી ૩૫૭ થયો છે. ત્રિવેણી ટર્બાઇનની આવક સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૩ ટકા ઘટીને ૪૯૧ કરોડ થઈ છે. એમાં ચોખ્ખો નફો ૪૧.૬ ટકા ગગડી ૫૩૩૦ લાખ રહ્યો છે. શૅર પાંચ ગણા વૉલ્યુમે નીચે ૪૮૩ બતાવી અડધો ટકો ઘટી ૫૧૨ હતો.

મિશ્ર ધાતુ નિગમની ત્રિમાસિક આવક ૪૧ ટકા વધીને ૨૯૬ કરોડ તથા નફો ૧૧૫ ટકા જેવો ઊછળીને ૨૭૮૦ લાખ આવ્યો છે. શૅર ૧૨ ગણા કામકાજે ગઈ કાલે ઉપર ૪૨૮ વટાવી સવાબે ટકા વધી ૪૦૫ થયો છે. હિન્દુસ્તાન કૉપર તરફથી ૬૩.૭ ટકા વધારામાં ૧૧૭૫ કરોડની આવક ઉપર ૧૮૨ ટકાના વૃદ્ધિદરથી ૫૧૮ કરોડનો નેટ પ્રૉફિટ હાંસલ થયો છે. શૅર પાંચ ગણા વૉલ્યુમે ઉપરમાં ૪૬૭ વટાવી સવાબે ટકા વધી ૪૪૬ રહ્યો છે. સિકાલ લૉજિસ્ટિક્સની આવક ૧૭.૪ ટકા વધીને ૧૦૫ કરોડને વટાવી ગઈ છે, પરંતુ નફો અગાઉ જે પોણાબાર કરોડ હતો એ આ વેળા ૧૨ કરોડની ચોખ્ખી ખોટમાં ફેરવાઈ ગયો છે. શૅર નીચામાં ૭૫ થઈ ત્રણેક ટકા ઘટી ૭૬ હતો. ત્રણેક મહિના પહેલાં ૧૪ ઑગસ્ટે આ શૅર ૧૨૪ ઉપર ત્યારે પોણાબે વર્ષના બેસ્ટ લેવલે ગયો હતો.

NSEમાં નુવામા બુલિશ, ભાવ બૅક-ટુ-બૅક ઑલટાઇમ હાઈ

NSE લિમિટેડમાં બ્રોકરેજ ફર્મ નુવમાએ ૨૨૨૦ની નવી ટાર્ગેટ પ્રાઇસથી લેવાની ભલામણ જારી કરી છે. ભાવ ગઈ કાલે ૧૯૬૪ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૨.૩ ટકા વધીને ૧૮૯૦ થયો છે. એની ૧૫ ટકા માલિકીવાળી NSDL બમણા વૉલ્યુમે ઉપર ૮૧૫ થઈ ત્રણ ટકા વધી ૮૧૧ થઈ છે. BSE લિમિટેડ ૩૯૫૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૩૯૦૯ના લેવલે ફ્લૅટ હતી. CDSL સાડાત્રણ ટકા ઊંચકાઈ ૧૪૫૫ થઈ છે. MCX ૩૬૪૫ની નવી લાઇફટાઇમ ટૉપ બનાવી સામાન્ય ઘટાડે ૩૬૧૯ હતી. અમદાવાદની ધરતી પ્રોટીન્સ શૅરદીઠ એક બોનસ તથા મહેસાણાના કડી ખાતેની પશુપતિ કોટસ્પીન બે શૅરદીઠ ત્રણ બોનસમાં શુક્રવારે, આજે બોનસ-બાદ થશે. પશુપતિ કોટસ્પીન એક વધુ નીચલી સર્કિટે ૮૪ અંદર જઈ પાંચ ટકા તૂટી ૮૪ થઈ છે. ધરતી પ્રોટીન્સમાં ભાવ બે ટકા વધીને ૧૩૨ ઉપર નવા શિખરે બંધ થયો હતો. મુંબઈ ખાતેની બી. એન. ઍગ્રોકેમ ૧૦ના શૅરના એકમાં વિભાજનમાં ૧૬મીએ એક્સ-સ્પ્લિટ થશે. ભાવ ઉપલી સર્કિટ આગળ વધારતાં ૧૫૩ થઈ પાંચ ટકા વધી ત્યાં જ બંધ આવી છે. અમદાવાદી કનેલ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ લગભગ ૪૦ના ભાવથી ૧૦૦ શૅરદીઠ ૫૪૦ શૅરના રાઇટ ઈશ્યુમાં આજે એક્સ-રાઇટ થશે. ૧૪મીએ કંપનીના રિઝલ્ટ છે. શૅર ૧૦૪ના બેસ્ટ લેવલે જઈ એક ટકો ઘટી ૯૯ હતો. ONGC પાંચના શૅરદીઠ ૮ રૂપિયા ઇન્ટરિમમાં ગઈ કાલે એક્સ-ડિવિડન્ડ થતાં નીચામાં ૨૨૪ થઈ એક ટકો ઘટી ૨૨૫ હતો.

ભારત ઇલેક્ટ્રૉનિક્સમાં બ્રોકરેજ હાઉસ UBS દ્વારા ૫૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ અપાયું છે. શૅર ઉપર ૪૦૭ થઈ ૨.૩ ટકા વધી ૪૦૭ હતો. નવીન ફ્લુરિનમાં જેફરીઝે ૧૧,૧૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ જારી કર્યો છે. ભાવ ૧૦,૦૪૦ના બેસ્ટ લેવલે જઈ ૩.૩ ટકા વધી ૯૯૭૯ હતો. જેફરીઝે ફિનોલેક્સ કેબલ્સમાં ૧૫૨૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. શૅર ૨.૨ ટકા વધી ૧૨૫૩ થયો છે.

પરિણામની તેજી જાળવી રાખતાં કલ્યાણ જ્વેલર્સ ૭ ટકા મજબૂત

મિડ-ઑગસ્ટમાં પાંચના શૅરદીઠ ૨૦૧ના ભાવથી ૧૭૦૦ કરોડનું ભરણું કરનારી લલિતા જ્વેલરી માર્ટની ત્રિમાસિક આવક સાડાસાત ટકા વધી ૭૦૧૯ કરોડ તથા નફો સાડાચાર ટકા વધીને ૨૫૩ કરોડ થયો છે. શૅર ઉપર ૩૭૪ અને નીચામાં ૩૬૦ થઈ સાધારણ ઘટી ૩૬૮ હતો. ગઈ કાલે જ્વેલરી શૅરમાં સ્કાય ગોલ્ડ ૬.૯ ટકા ઝળકી ૧૦૫૦ થઈ હતી. કલ્યાણ જ્વેલર્સ ૭૧૬ની ૨૩ માસની નવી ટૉપ બનાવી ૭ ટકાની આગેકૂચમાં ૭૧૦ રહી છે. અન્યમાં એમ. કે. સન્સ ફાઇન જ્વેલ્સ સાડાપાંચ ટકા, ડી. પી. આભૂષણ ૪ ટકા, યશ્વી જ્વેલર્સ ૩ ટકા, પીએનજીએસ રેવા ડાયમન્ડ અઢી ટકા, સેન્કો ગોલ્ડ ૨.૩ ટકા, પી. સી. જ્વેલર્સ એક ટકો પ્લસ હતી. TBZ ઉપર ૬૬૭ બતાવી અઢી ટકા ઘટી ૬૩૫ રહી છે.

ડિક્સન ટેક્નૉલૉઝિસ તરફથી આદિત્ય ઇન્ફોટેકમાં શૅરદીઠ ૪૧૪૦ના ભાવથી ૧૪ લાખ જેટલા શૅર વેચીને ૫૮૧.૬૫ કરોડની રોકડી કરવામાં આવી છે. ગઈ કાલે ડિક્સન ટેક્નૉલૉઝિસ એક ટકો વધી ૧૩,૦૦૦ તથા આદિત્ય ઇન્ફોટેક નજીવા ઘટાડે ૪૨૧૧ બંધ થઈ છે. નૅશનલ ફર્ટિલાઇઝર્સની આવક સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૪ ટકા ઘટી ૫૮૧૪ કરોડ થઈ છે પણ કંપની ૩૬ કરોડની નેટ લૉસમાંથી ૬ કરોડના નેટ નફામાં આવી છે. શૅર જોકે અઢી ટકા ઘટી ૬૫ બંધ હતો. કૉન્ડોમ ઉત્પાદક ક્યુપિડ લિમિટેડે ૧૨૩ ટકા જેવા વધારામાં ૧૮૮ કરોડની ત્રિમાસિક આવક ઉપર ૧૩૩ ટકા વધારામાં ૫૬૨૨ લાખ નેટ નફો કરતાં શૅર ૬ ગણા વૉલ્યુમે ૩૮૯ની ઑલટાઇમ હાઈ બતાવી ૮.૮ ટકાની તેજીમાં ૩૮૫ થયો છે. શૅર વર્ષ પૂર્વે ૫૧ની અંદર હતો. પિઅર ગ્રુપમાં આનોન્દીતા મેડીકૅર ઉપર ૧૧૦૦ થઈ ૦.૪ ટકા સુધરી ૧૦૬૧ હતી. EIH અસોસિએટ્સ દ્વારા પોણાઅઢાર ટકા વધારામાં ૬૮૬૦ લાખની આવક ઉપર ૩૫.૭ ટકા વધારામાં ૩૭૦ લાખ નફો બતાવાયો છે. શૅર ઉપર ૩૦૭ થઈ ૨૯૫ના લેવલે ફ્લૅટ બંધ થયો છે.

stock market bombay stock exchange nifty sensex bajaj finance news company news business news