52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યો આ બૅન્કનો શેર, જાણો કેમ ગબડી રહ્યા છે ભાવ?

18 April, 2024 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બંધન બૅન્કના એમડી અને સીઈઓ ચંદ્ર શેખર ઘોષની નિવૃત્તિની જાહેરાત બાદથી આ ઘટાડો ચાલુ રહ્યો છે. તેમણે 5 એપ્રિલે જાહેરાત કરી હતી કે તેઓ આ વર્ષે 9 જુલાઈએ તેમનું પદ છોડી દેશે

પ્રતીકાત્મક તસવીર

બંધન બૅન્ક (Bandhan Bank)નો શેર બુધવારે એનએસઈ પર 1.19 ટકા ઘટીને રૂા. 173.85 પર બંધ થયો હતો. બૅન્કના શેર રૂા. 172.75ના 52 સપ્તાહના નીચલા સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. બંધન બૅન્કના એમડી અને સીઈઓ ચંદ્ર શેખર ઘોષની નિવૃત્તિની જાહેરાત બાદથી આ ઘટાડો ચાલુ રહ્યો છે. તેમણે 5 એપ્રિલે જાહેરાત કરી હતી કે તેઓ આ વર્ષે 9 જુલાઈએ તેમનું પદ છોડી દેશે.

આ જાહેરાતની બૅન્ક (Bandhan Bank)ના શેર પર ભારે અસર પડી હતી. 5 એપ્રિલે બૅન્કના શેર રૂા. 197.40 પર બંધ થયા હતા. માત્ર 2 અઠવાડિયામાં બૅન્કના શેર 12.15 ટકા ઘટ્યા છે. એનએસઈ પર તેની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂા. 272 ​​છે. હાલમાં બૅન્કના શેર આ આંકડાથી લગભગ 100 રૂપિયા નીચે ટ્રેડ થઈ રહ્યા છે. નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે બૅન્ક ટૂંક સમયમાં ટોચના મેનેજમેન્ટ અંગે નિર્ણય લેશે જેથી કરીને આ ઘટાડો અટકાવી શકાય.

વર્ષ 2024માં સ્ટોક 28.64 ટકા ઘટ્યો

બંધન બૅન્ક (Bandhan Bank)નો શેર આ વર્ષની શરૂઆતથી જ સંકટમાં છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર વર્ષ 2024માં આ શેરમાં 28.64 ટકાનો ઘટાડો થયો છે. બંધન બૅન્કના શેરમાં એક વર્ષમાં લગભગ 15 ટકા અને બે વર્ષમાં 46 ટકાથી વધુનો ઘટાડો થયો છે. બૅન્કના શેર 1 જૂન, 2023ના રોજ રૂા. 272ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. ત્યારથી, રોકાણકારો આ બૅન્કના શેરથી નાખુશ છે. હવે ચંદ્ર શેખર ઘોષના રાજીનામાની જાહેરાતથી બૅન્ક શેર વધુ મુશ્કેલીમાં મુકાય તેમ જણાય છે.

આરબીઆઈએ ચંદ્ર શેખર ઘોષ પર સવાલ ઉઠાવ્યા

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ આરબીઆઈએ ત્રણ વર્ષ પહેલા ચંદ્ર શેખર ઘોષના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. બૅન્કનું બોર્ડ તેમને 5 વર્ષ માટે નિયુક્ત કરવા માગતું હતું, પરંતુ RBIએ માત્ર 3 વર્ષ માટે જ મંજૂરી આપી હતી. આ સિવાય આરબીઆઈએ બંધન બૅન્ક પર શાખા વિસ્તરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત ચંદ્ર શેખર ઘોષનો પગાર પણ મર્યાદિત હતો. આ કારણે, એવું માનવામાં આવતું હતું કે સેન્ટ્રલ બૅન્ક તેની પદ્ધતિઓથી ખુશ નથી. તેથી ચંદ્રશેખર ઘોષની વિદાય નિશ્ચિત માનવામાં આવતી હતી.

160થી 180 વચ્ચે રહેવાનો અંદાજ

સંતોષ મીના, રિસર્ચ હેડ, સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટનો અંદાજ છે કે હાલમાં તે રૂા. 160થી રૂા. 180 વચ્ચે રહી શકે છે. હાલમાં તે આવવાની શક્યતા ઘણી ઓછી છે. વૈશ્વિક બ્રોકરેજ જેફરીઝે પણ બંધન બૅન્કના શેર રૂા. 170 આસપાસ રહેવાની ધારણા વ્યક્ત કરી છે. બ્રોકરેજ ફર્મે નાણાકીય વર્ષ 2025-26 માટે બૅન્કની વૃદ્ધિ અને ક્રેડિટ ખર્ચના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે.

 

share market stock market nifty sensex national stock exchange bombay stock exchange business news