મૅન્ચેસ્ટર સિટીની ચાર વર્ષની ઇજારાશાહીનો અંત

29 October, 2021 02:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇંગ્લિશ લીગની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ૩-૫થી પરાજય

બુધવારે લંડનમાં ઇંગ્લિશ લીગ કપમાં મૅન્ચેસ્ટર સિટીના મિડફીલ્ડર રહીમ સ્ટર્લિંગે (ડાબે) હેડરથી ગોલ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો (તસવીર : એ.એફ.પી.)

ફુટબૉલ જગતની સૌથી મોટી સ્પર્ધાઓમાં ગણાતી ઇંગ્લિશ લીગ કપ ટુર્નામેન્ટમાં છેલ્લાં ચાર વર્ષથી ટાઇટલ જીતી રહેલી મૅન્ચેસ્ટર સિટીની ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં વેસ્ટ હૅમ સામે પેનલ્ટી શૂટઆઉટમાં હારી જતાં સિટીના શાસનનો અંત આવ્યો હતો. લંડન સ્ટેડિયમમાં મુખ્ય મૅચ ૯૦ મિનિટમાં ૦-૦થી ડ્રૉ રહ્યા બાદ પેનલ્ટીમાં સિટીનો ૩-૫થી પરાજય થયો હતો. ફિલ ફૉડેનની પહેલી પેનલ્ટી ગોલપોસ્ટથી ખૂબ દૂર જતાં સિટીને મોટું નુકસાન થયું હતું અને વેસ્ટ હૅમની ટીમે એની તમામ સ્પૉટ કિક ગોલમાં પરિવર્તિત કરતાં એની ૫-૩થી જીત થઈ હતી. એ સાથે, સિટીની ટીમ ચાર વર્ષ સુધી ચૅમ્પિયન બન્યા પછી પહેલી વાર આ ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી.
લિવરપુલની જેમ સિટીની ટીમ સતત ચાર વર્ષ સુધી આ ટાઇટલ જીતવા ઉપરાંત કુલ આઠ વાર ચૅમ્પિયન બની છે.
બાયર્ન સૌથી ખરાબ હાર સાથે આઉટ
સામાન્ય રીતે જર્મન કપમાં બાયર્ન મ્યુનિકની ટીમ હરીફ ટીમોની ખબર લઈ નાખતી હોય છે અને એને મોટા માર્જિનથી હરાવતી હોય છે, પરંતુ બુધવારે બર્લિનમાં ખુદ બાયર્નની ટીમે બૂરી હાર જોવી પડી હતી. બોરુશિયા ડોર્ટમન્ડ ફુટબૉલ ક્લબની ટીમે એને ૫-૦થી કચડી નાખી હતી. એટલું જ નહીં, આ પરાજય સાથે બાયર્નની ટીમ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટમાં (૪૩ વર્ષમાં) બાયર્નની આ સૌથી ખરાબ હાર છે. ૨૦૧૨ની ફાઇનલ પછી બાયર્ન પહેલી વાર પાંચ ગોલના માર્જિનથી હાર્યું છે.
લા લીગામાં ૪ ટીમના સમાન ૨૧ પૉઇન્ટ
સ્પેનની લા લીગા સોકર સ્પર્ધામાં બુધવારે બે મૅચ ડ્રૉમાં જતાં પૉઇન્ટ્સ-ટેબલ પર ટોચની કુલ ચાર ટીમના એકસરખા ૨૧ પૉઇન્ટ નોંધાયા છે. એમાં રિયલ મૅડ્રિડ, સવિલા, રિયલ બેટિસ અને રિયલ સોસીડેડનો સમાવેશ છે.
રિયલ મૅડ્રિડની ઑસસૂના સામેની મૅચ ૦-૦થી અને સવિલાની મૅલોર્કા સામેની ૧-૧થી ડ્રૉમાં ગઈ હતી.
આ સ્પર્ધામાં બાર્સેલોનાની ટીમનો રેયો વૅલેકેનો સામે ૧-૦થી પરાજય થવાને પગલે આ બાર્સેલનાની ક્લબે કોચ રોનાલ્ડ કૉમેનની હકાલપટ્ટી કરી હતી.
યુવેન્ટ્સના કોચે ૨૦૦મી મૅચમાં જોઈ હાર
ઇટલીની સેરી-એ ટુર્નામેન્ટમાં બુધવારે યુવેન્ટ્સની ટીમનો સેસ્વોલો સામે ૧-૨થી પરાજય થયો હતો. મેસ્સીમિલાન એલેગ્રીની યુવેન્ટ્સના કોચ તરીકે આ ૨૦૦મી મૅચ હતી અને એ ઐતિહાસિક મૅચમાં જ તેમણે હાર જોવી પડી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)માં જોડાવા યુવેન્ટ્સની ટીમ છોડી ગયો છે ત્યારથી યુવેન્ટ્સની ટીમને ગોલ કરવામાં ખૂબ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

sports sports news football manchester city