નેધરલૅન્ડ્સ અને ઑસ્ટ્રિયા પહોંચ્યું પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં, બેલ્જિયમે ફિનલૅન્ડને કર્યું બહાર

23 June, 2021 11:04 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડેન્માર્કે રશિયાને હરાવી લાસ્ટ ૧૬ સ્ટેજમાં પ્રવેશ કર્યો, યુક્રેન માટે પરિસ્થિતી જો તો પર નિર્ભર

ફિનલૅન્ડના ગોલકીપરને ચકમો આપતો ડેન્માર્કનો રોમેલુ લુકાકુ

ગ્રુપ-સીના મુકાબલામાં નેધરલૅન્ડ્સે નૉર્થ મેસેડોનિયાને ૩-૦થી હરાવીને યુરોકપની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નૉર્થ મેસેડોનિયાએ સારી શરૂઆત કરી હતી, પરંતુ એના ખેલાડી ઇવાનના ગોલને ઑફ-સાઇટ જાહેર કરાયો હતો. તાજેતરમાં બાર્સેલોના દ્વારા સાઇન કરવામા આવેલા મેમ્ફિસ ડીપેએ ગોલ કર્યો હતો તો જ્યૉર્જિનિયો વિજનાલદમે ૫૧મી અને ૫૮મી મિનિટે ગોલ કરીને નેધરલૅન્ડ્સને ૩ પૉઇન્ટ અપાવ્યા હતા.

ગ્રુપ-સીની અન્ય એક મૅચમાં  ઑસ્ટ્રિયાએ યુક્રેનને ૧-૦થી હરાવીને લાસ્ટ ૧૬ સ્ટેજમાં પ્રવેશ કર્યો છે. આ વિજય સાથે કુલ ૬ પૉઇન્ટ સાથે ઑસ્ટ્રિયા બીજા ક્રમાંકે છે. પ્રી-ક્વૉર્ટર ફાઇનલની લંડનમાં યોજાનારી મૅચમાં એની ટક્કર ઇટલી સાથે થશે. ગોલ-તફાવતને કારણે યુક્રેન ત્રીજા ક્રમાંકે છે. પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ માટે તેણે ગ્રુપ-સ્ટેજ ખતમ થવાની રાહ જોવી પડશે. યુરો કપમાં પ્રથમ વખત ઑસ્ટ્રિયા નૉકઆઉટ સ્ટેજમાં પ્રવેશ્યું છે.

ગ્રુપ-બીની મૅચમાં બેલ્જિયમે ફિનલૅન્ડને ૨-૦થી હરાવ્યું હતું. તેણે પોતાની ત્રણેય મૅચ જીતી લીધી હતી. બીજી તરફ ડેન્માર્કે પણ રશિયાને ૪-૧થી હરાવી યુરો કપની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સોમવારે રમાયેલી મૅચમાં ફિનલૅન્ડ પર બેલ્જિયમની ટીમે દબદબો જાળવી રાખ્યો હતો. ગોલ માટે બેલ્જિયમે છેક ૭૪ મિનિટ સુધી રાહ જોવી પડી હતી. હ્‍રાડેકીએ સેલ્ફ ગોલ કર્યો હતો. ફિનલૅન્ડની ટીમે બેલ્જિયમના ડિફેન્સનો કોઈ પડકાર આપ્યો નહોતો. ૭ મિનિટ બાદ રોમેલુ લુકાકુએ બીજો ગોલ કર્યો હતો. ગ્રુપ-બીની બીજી મૅચમાં ડેન્માર્કે રશિયાને ૪-૧થી હરાવી

પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું. શરૂઆતમાં રશિયાએ સારી ડિફેન્સ ગેમ બતાવી હતી, પરંતુ ફર્સ્ટ હાફના અંતે મિકેલ ડૅમ્સગાર્ડે પહેલો ગોલ કરીને ટીમને સફળતા અપાવી હતી. ડેન્માર્કે દબાણ વધારતાં યુસુફ પૉલસેને બીજો ગોલ કર્યો હતો. રશિયાએ ૭૦મી મિનિટે પેનલ્ટીને ગોલમાં પરિવર્તિત કરી આશ્વાસનરૂપ એક ગોલ મેળવ્યો હતો. જવાબમાં ડેન્માર્કે વધુ બે ગોલ રમતના અંત ભાગમાં કર્યા હતા.

આજનું શેડ્યુલ

રાત્રે ૯.૩૦: સ્વીડન v/s પોલૅન્ડ

રાત્રે ૯.૩૦: સ્લોવેકિયા v/s સ્પેન

મધરાતે ૧૨.૩૦: પોર્ટુગલ v/s ફ્રાન્સ

મધરાતે ૧૨.૩૦: જર્મની v/s હંગેરી

sports sports news football